રાંચી7 કલાક પેહલા
- કૉપી લિંક
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના આવાસ પર આવકવેરાના દરોડાનો અંત આવ્યો. 6 ડિસેમ્બરથી દરોડા પાડવામાં આવી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યારસુધી કુલ 354 કરોડ રૂપિયા મળ્યા છે, જોકે ઘણી જગ્યાએ આ આંકડો 500 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
હવે આવકવેરા વિભાગની ટીમ માત્ર ધીરજ સાહુના રાંચીના નિવાસસ્થાને હાજર છે. વિભાગનાં સૂત્રોનું કહેવું છે કે અહીં દરોડા પણ આજે સમાપ્ત થઈ શકે છે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટી રિકવરી છે. આ મામલે આજે સત્તાવાર માહિતી શેર કરવામાં આવી શકે છે.
સંસદના શિયાળુ સત્રના છઠ્ઠા દિવસે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં સંસદ પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઓડિશા સ્ટેટ બેંકમાં 176 બેગની ગણતરી પૂર્ણ
બોલાંગીર સ્ટેટ બેંક ઓફ ઓડિશામાં ગણતરી કરી રહેલા બેંકના વડા ભગત બેહેરાએ રવિવારે મોડી રાત્રે કહ્યું હતું કે 176 બેગની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 305 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. એ જ સમયે તિતલાગઢમાં સાહુ બ્રધર્સના ભાગીદાર દીપક સાહુ અને સંજય સાહુના ઘરેથી 11 કરોડ રૂપિયા અને સંબલપુરમાં બલદેવ સાહુ સન્સ અને ગ્રુપ કંપનીઓની દારૂની ભઠ્ઠીમાંથી 37.50 કરોડ રૂપિયા મળ્યા હતા. સંબલપુર સ્ટેટ બેંકમાં આ નોટોની ગણતરી ચાલી રહી હતી. શનિવારે રાત્રે 9 કલાકે ગણતરી પૂર્ણ થઈ હતી.
ઈન્કમટેક્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોહરદગામાં રહેઠાણમાંથી 11 કરોડ રૂપિયા અને રાંચીમાંથી 3 કરોડ રૂપિયા મળ્યા છે. ટેક્સચોરીના કેસમાં સાહુ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા 6 ડિસેમ્બરથી ચાલુ છે.
રાંચીમાં ધીરજ સાહુના ઘરે હજુ પણ દરોડા ચાલુ છે. બહાર સુરક્ષા દળો તહેનાત છે.
50 કર્મચારી અને 25 મશીનથી ગણતરી
બોલાંગીર સ્ટેટ બેંકમાં 50 કર્મચારી 25 મશીન વડે છેલ્લા ત્રણ દિવસથી રાત-દિવસ નોટો ગણી રહ્યા હતા. ગણતરી દરમિયાન આવકવેરા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેની ગણતરી પૂર્ણ થઈ રહી હતી એ બંડલોને ઈન્કમટેક્સ ટીમ સીલ કરી રહી હતી.
રવિવારે ઓડિશાના બોલાંગીરમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી રોકડ મળી.
IT વિભાગના અધિકારીઓ બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડી રહ્યા છે.
ગણતરી પૂર્ણ થયા બાદ અધિકારીઓ મશીન પરત લઈ જતા દેખાયા.
ખંડેર મકાનમાં 30 કરોડથી વધુ
ધીરજ સાહુના બિઝનેસ એસોસિયેટ રાજકિશોર જયસ્વાલના ઘરની પાછળના મકાનમાંથી પૈસા ભરેલી બેગ પણ મળી આવી હતી. 30 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. જે મકાનમાં આ પૈસા રાખવામાં આવ્યા હતા એનો ઉપયોગ રહેવા માટે થતો નથી અને ઘરને જોતાં એવું લાગે છે કે ઘણા સમયથી અહીં કોઈ આવ્યું નથી. દરોડા દરમિયાન તૂટેલી વસ્તુઓથી ભરેલી કેટલીક બોરીઓની બાજુમાં પડેલી બોરીઓમાં પૈસા મળી આવ્યા હતા.
અમિત શાહે કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન જવાબ આપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના સાંસદ પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળવા પર I.N.D.I.A. એલાયન્સ પાસે જવાબ માગ્યો છે. તેમણે કહ્યું હતું કે આઝાદી પછી કોઈ સાંસદના ઘરેથી આટલી મોટી રોકડ જપ્ત થઈ નથી. ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસનું મૌન સમજી શકાય તેવું છે; કારણ કે તેમનો સ્વભાવ જ ભ્રષ્ટાચારનો છે, પરંતુ ટીએમસી, જેડીયુ, ડીએમકે, એસપી સહિતના આ પક્ષો ચૂપ બેઠા છે. શા માટે કોઈ પ્રતિક્રિયા નથી?
આ રીતે પૈસા એક મોટા બોક્સમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
કોંગ્રેસે કહ્યું- સાહુની અંગત બાબત
પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું હતું કે સાંસદ ધીરજ સાહુના ઘરેથી જે પૈસા મળ્યા છે એ તેમના પરિવારના બિઝનેસના છે. કોંગ્રેસને આની સાથે કોઈ લેવાદેવા નથી. જોકે પાર્ટીએ તેમની પાસેથી આ રકમ ક્યાંથી આવી એનો જવાબ માગ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ મામલે ભાજપ દ્વારા અસંયમિત નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. જ્યારે આવકવેરા વિભાગનું સત્તાવાર નિવેદન હજુ આવ્યું નથી.