નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
હવામાન વિભાગ દ્વારા આજે યુપી, એમપી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર.
ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે. યુપીમાં પૂર-વરસાદ સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ છે. NDRF અને SDRFની ટીમ પીલીભીત અને લખીમપુર ખીરીમાં બચાવ કાર્યમાં વ્યસ્ત છે.
બિહારમાં વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થયા છે. IMD એ ગુરુવારે (11 જુલાઈ) બિહારમાં ભારે વરસાદ અને વીજળી મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઇ છે. ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે.
હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં યલો એલર્ટ છે.
હિમાચલમાં 2 અઠવાડિયાંમાં 22 લોકોનાં મોત
હિમાચલ પ્રદેશમાં 2 અઠવાડિયામાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 22 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારના એક અધિકારીએ બુધવારે (10 જુલાઈ) જણાવ્યું હતું કે ચોમાસું 27 જૂને રાજ્યમાં પહોંચ્યું હતું. ત્યારપછી ભારે વરસાદના કારણે સરકારને 172 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશના સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરના જણાવ્યા અનુસાર મંડી જિલ્લાના 5 , સિમલાના 4 અને કાંગડાના 3 મુખ્ય માર્ગો ભૂસ્ખલનના કાટમાળને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં વધુ વરસાદ પડશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનમાં 223.37 મિમી વરસાદ નોંધાયો છે. જે રાજ્યના સરેરાશ વાર્ષિક વરસાદના 25.30 ટકા છે. રાજ્યના 24 તાલુકાઓમાં 501 mm થી 1000 mm સુધીનો વરસાદ નોંધાયો છે.
દેશભરના હવામાનની તસવીરો…
પંજાબના અમૃતસરમાં બુધવારે ભારે વરસાદ થયો હતો, જેના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લાંગસી ટનલ પર પહાડનો મોટો હિસ્સો પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.
વરસાદના કારણે કોંકણ રેલવે સ્ટેશનના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયાં હતાં. થોડા કલાકો માટે બાંધકામ અટકાવવું પડ્યું હતું.
ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના કેટલાક નીચાણવાળાં ગામોમાં મંગળવારે વરસાદ પડ્યો હતો. જેના કારણે બુધવારે પણ ઘરોમાં પાણી ભરાયેલાં રહ્યાં હતાં.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં બપોર બાદ ભારે વરસાદ થયો હતો. વરસાદના થોડા કલાકોમાં જ રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં.
બુધવારે મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. IMDએ જણાવ્યું કે શહેરમાં 4.1mm વરસાદ નોંધાયો હતો.
આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે…
- 12 જુલાઈના રોજ 9 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
- 12 જુલાઈએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં જોરદાર પવન, તોફાન અને વીજળી પડવાની સંભાવના છે.
- પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વારના સબ-હિમાલયના જિલ્લાઓમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.
સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું- 10 મહિનામાં પહેલીવાર જળાશયોના જળસ્તરમાં વધારો થયો
સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું છે કે દેશનાં જળાશયોના જળસ્તરમાં ગયા વર્ષે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત વધારો થયો છે. CWC, જે ભારતનાં 150 જળાશયો પર નજર રાખે છે, તેણે 4 જુલાઈએ નવી માહિતી શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે પાણીના સ્તરમાં કુલ 2 ટકાનો વધારો થયો છે.
જો કે, CWCએ કહ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ જળાશયોના કુલ સંગ્રહ સ્તરમાં ઘટાડો થયો છે. હાલમાં 2 ટકાના વધારાના જે આંકડા બહાર આવ્યા છે તે વર્તમાન સંગ્રહ સ્તરની સરખામણીમાં જોવામાં આવેલા આંકડા છે. જો આજના પાણીના સ્તરને ગયા વર્ષના સંગ્રહ સ્તરથી માપવામાં આવે તો તે ઓછું હશે.
રાજ્યોની હવામાન સ્થિતિ…
રાજસ્થાનઃ જયપુર સહિત 8 જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ, 3 જગ્યાએ ભારે વરસાદની શક્યતા, ફતેહપુરમાં પારો 43.3 ડિગ્રીએ પહોંચ્યો
બુધવારે (10 જુલાઈ) જયપુરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયાં હતાં.
રાજસ્થાનમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. ગુરુવારે (11 જુલાઈ) પણ ભરતપુર વિભાગના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જયપુર સહિત અન્ય પાંચ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં 12 જુલાઈથી વરસાદ ઘટશે. આ સિઝનમાં રાજ્યમાં સરેરાશ કરતાં 16.52 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
UP: 12 જિલ્લાનાં 800 ગામોમાં પૂર, 24 કલાકમાં 32 લોકોના મોત, 37 જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ
આ તસવીર પીલીભીતની છે. અહીંનાં 200 ગામોમાં પૂર જેવી સ્થિતિ છે.
પહાડોમાં વરસાદને કારણે ઉત્તરપ્રદેશની નદીઓ વહેતી થઈ છે. પીલીભીત, લખીમપુર ખેરી, શ્રાવસ્તી સહિત 12 જિલ્લાનાં લગભગ 800 ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. સૌથી ભયાનક સ્થિતિ પીલીભીત અને લખીમપુર ખેરીમાં છે. અહીં NDRF અને SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પૂર સંબંધિત અકસ્માતોમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિહાર: વીજળી પડવાથી 24 કલાકમાં 21 લોકોના મોત, આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું એલર્ટ; અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ
ગોપાલગંજના માંઝા બ્લોકના એક ગામમાં પૂરના કારણે એક યુવકના લગ્નની જાન બોટ પર નીકળી હતી.
ગુરુવારે (11 જુલાઈ) બિહારના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગોપાલગંજ અને મધુબનીમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. બેતિયા, મોતિહારી, ગોપાલગંજ, મધુબની, સુપૌલ, અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે.