નવી દિલ્હી9 કલાક પેહલા
- કૉપી લિંક
- આરોગ્યપ્રદ ખોરાક મોંઘો, તેની સરખામણીમાં આવક ઓછી
પૌષ્ટિક આહાર તમામ માટે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ દેશના ત્રણ-ચતુર્થાંશ લોકો પૌષ્ટિક આહાર મેળવવામાં અસમર્થ છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)ના તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ભારતમાં વર્ષ 2020માં 76% લોકો પૌષ્ટિક આહારથી વંચિત રહ્યા છે.
2021માં નજીવા સુધારા સાથે 74% એટલે કે 100 કરોડથી વધુ લોકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાડોશી દેશ પાકિસ્તાનમાં 82% લોકો જ્યારે બાંગ્લાદેશમાં 66% લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
સ્ટેટ ઑફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન 2023ના નામથી બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે તે સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થોના ભાવમાં જે ઝડપે વધારો થયો તેની સરખામણીમાં આવકમાં અભાવ જોવા મળ્યો હતો. ભારતમાં પૌષ્ટિક ખોરાક પડોશી દેશો કરતાં સસ્તો : ભારતમાં 2021માં પૌષ્ટિક ખોરાકની માથાદીઠ કિંમત 250 રૂપિયાની આસપાસ હતી. બાંગ્લાદેશમાં આ કિંમત 267 રૂપિયા હતી, પાકિસ્તાનમાં તેની કિંમત 325 રૂપિયા હતી.
5 વર્ષ સુધીના બે કરોડથી વધુ બાળકોની ઊંચાઈ ઘટવા પામી
ભારતમાં 2022માં બાળકોમાં વેસ્ટિંગ (ઉંચાઈની સરખામણીમાં ઓછું વજન)નો દર સૌથી વધુ હતો. અહીં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 2.1 કરોડ (18.7%) બાળકો આ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનમાં આ દર 5.1% હતો, બાંગ્લાદેશમાં 14 લાખ, ઈરાનમાં 3 લાખ, નેપાળમાં 20 લાખ, શ્રીલંકામાં 3 લાખ અને પાકિસ્તાનમાં 21 લાખ બાળકો આ સ્થિતિનો સામનો કરી રહ્યા હતા.
ભારતમાં 0-5 મહિનાની ઉંમરના શિશુઓમાં સ્તનપાનના સંદર્ભમાં 63.7% સાથે સુધારો થયો છે, જે વૈશ્વિક સરેરાશ 47.7% કરતા વધારે છે. જો કે, દક્ષિણ એશિયામાં જન્મ સમયે સૌથી ઓછું વજન ધરાવતા મામલા સૌથી વધુ (27.4%)ભારતમાં છે. દેશની 15થી 49 વર્ષની વયની 53% મહિલાઓ એનિમિયાથી પીડિત હતી.
73.5 કરોડ ભૂખમરાનો શિકાર, તેમાંથી 40 કરોડ એશિયાના
વિશ્વમાં 2022માં 73.5 કરોડ લોકો ભૂખમરો અથવા કુપોષણનો ભોગ બન્યા હતા. તેમાંથી 40 કરોડથી વધુ લોકો એકલા એશિયામાં છે. તેમાંથી 31 કરોડથી વધુ લોકો દક્ષિણ એશિયામાં રહે છે. આફ્રિકામાં 28.2 કરોડ, તો લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 4.3 કરોડ અને ઓશેનિયામાં 30 લાખ લોકો કુપોષિત હતા. કુપોષણનું સૌથી નીચું સ્તર ઉત્તર અમેરિકા અને યુરોપમાં 2.5% છે.