શ્રીનગર3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય સેનાએ ગુરુવારે (22 ઓગસ્ટ) સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મદદગાર છે. તેની ઓળખ ઝહીર હુસૈન શાહ તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે આરોપી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નો રહેવાસી છે. એલઓસી પર ચકન દા બાગ પાસેના વિસ્તારમાં ઘૂસણખોરી કર્યા બાદ સુરક્ષા દળોએ તેને પકડી લીધો હતો. ઘુસણખોરની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે.
બીજી તરફ, ગુરુવારે (22 ઓગસ્ટ) રાત્રે કઠુઆ બોર્ડર પર ઝંડોર વિસ્તારમાં બે લોકોની શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું.
સુરક્ષા દળોએ ગુરુવારે (22 ઓગસ્ટ) કઠુઆ જિલ્લાના જંદોર ગામમાં બે શકમંદોને જોયા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પીર પંજાલ રેન્જમાં વિશેષ દળના 500થી વધુ જવાનો તૈનાત છે
સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે ભારતીય સેના અને સુરક્ષા દળોએ આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા માટે પીર પંજાલ રેન્જના દક્ષિણી વિસ્તારોમાં 10થી વધુ બટાલિયન અને 500થી વધુ વિશેષ દળના જવાનોને તૈનાત કર્યા છે.
પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમના ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે, ભારતીય સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પીર પંજાલની દક્ષિણે ઊંચાઈવાળા વિસ્તારોમાં સુરક્ષા દળોને ફરીથી તૈનાત કર્યા છે.
19 ઓગસ્ટે આતંકવાદીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત
ઉધમપુર આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF ઈન્સ્પેક્ટર કુલદીપ કુમારની ફાઈલ તસવીર.
સોમવારે (19 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઓપરેશન ટીમ રામનગરના ચેલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. CRPF ઈન્સ્પેક્ટરની ઓળખ કુલદીપ કુમાર (54) તરીકે થઈ છે. તે હરિયાણાનો રહેવાસી છે.