નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) હેઠળ ફેક્ટ ચેક યુનિટ (FCU) ની રચના કરતી કેન્દ્ર સરકારની સૂચના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેન્દ્રએ એક દિવસ પહેલા જ બુધવારે એટલે કે 20 માર્ચે IT એટલે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ ફેક્ટ ચેક યુનિટને નોટિફાઇ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આ યુનિટ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ છે.’ કેન્દ્ર સરકાર વિશે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી નકલી માહિતી અને પોસ્ટ્સને ઓળખવા અને તેના પર પ્રતિબંધ મૂકવા માટે આ ફેક્ટ ચેક યુનિટની રચના કરવાની હતી.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને પણ રદ્દ કર્યો
CJI ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે બોમ્બે હાઈકોર્ટના 11 માર્ચના આદેશને પણ રદ કર્યો, જેમાં ફેક્ટ ચેકિંગ યુનિટની રચના પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી. સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
PIB ફેક્ટ ચેક યુનિટના મુદ્દાને સવાલ-જવાબમાં સમજો
1. PIB ફેક્ટ ચેક યુનિટ કેવી રીતે કામ કરે છે?
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB ફેક્ટ ચેક દ્વારા સરકાર સાથે સંબંધિત સમાચારોનું ખંડન કરે છે. કહેવાનો મતલબ એ છે કે જો અખબાર/ઓનલાઈન મીડિયા/અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થયેલા કોઈપણ સમાચારમાં સરકારની કામગીરી વિશે ભ્રામક તથ્યો હોય અથવા સરકાર કે તેની છબીને બગાડતું હોય તેવું કંઈપણ કહેવામાં આવ્યું હોય, તો તેનું તથ્યો સાથે વિશ્લેષણ કરીને ફેક્ટ ચેક કરવામાં આવશે.
2. PIB ફેક્ટ ચેક યુનિટ ફેક્ટ ચેકને ક્યાં પોસ્ટ કરે છે?
સોશિયલ મીડિયા X, Facebook, Instagram, Telegram અને Koo પર @PIBFactCheck ના નામે એક એકાઉન્ટ છે. અહીં જ સમાચારનું તથ્ય તપાસી તેને પોસ્ટ કરાય છે. આ સિવાય https://pib.gov.in/factcheck.aspx પર પણ માહિતી આપવામાં આવે છે.
PIBનું ફેક્ટ ચેક યુનિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગેરમાર્ગે દોરનારા દાવાઓ પર ઘણી વાર પોસ્ટ કરે છે.
3. સરકારે આ યુનિટ ક્યારે બનાવ્યું?
પીઆઈબીની વેબસાઈટ અનુસાર, આ યુનિટ નવેમ્બર 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. જો અખબાર, ઓનલાઈન મીડિયા અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર પ્રકાશિત થયેલા કોઈપણ સમાચારમાં સરકારની કામગીરી વિશે ગેરમાર્ગે દોરનારા તથ્યો હોય અથવા સરકારની છબી ખરડતી હોય તેવી કોઈ વાત કહેવામાં આવી હોય તો તે તથ્યોની સાથે તેનું વિશ્લેષણ કરે છે અને ફેક્ટ ચેક કરે છે.
4. સુપ્રીમ કોર્ટે શા માટે પ્રતિબંધ મૂક્યો?
PIB ફેક્ટ ચેક યુનિટ પાસે અગાઉ કાનૂની કાર્યવાહી કરવાની સત્તા ન હતી. આને ધ્યાનમાં રાખીને એપ્રિલ 2023માં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021માં સંશોધન કરવામાં આવ્યા હતા. આ હેઠળ કોઈપણ સમાચાર અથવા પોસ્ટ જે સરકાર વિશે ખોટી અથવા ભ્રામક માહિતી આપતી હોય તેને પીઆઈબીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરવામાં આવશે. આ પછી જે વ્યક્તિએ આ ખોટી અથવા ભ્રામક માહિતી આપી હોય તેણે તેને દૂર કરવી પડશે. જો તે આવું નહીં કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. સરકારે 20 માર્ચ 2024ના રોજ નોટિફાઇ કર્યું હતું.
5. શા માટે વિરોધ છે?
કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન અને એસોસિએશન ઑફ ઈન્ડિયન મેગેઝિન્સે આઈટી નિયમોમાં સુધારા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે આ નિયમો ગેરબંધારણીય છે અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ એમ પણ કહ્યું હતું કે ફેક ન્યૂઝને નક્કી કરવાની સત્તા સંપૂર્ણપણે સરકારના હાથમાં હોવી એ પ્રેસની સ્વતંત્રતા વિરુદ્ધ છે.
6. બોમ્બે હાઈકોર્ટે શું નિર્ણય આપ્યો?
સુધારેલી અરજી પર ચુકાદો આપતી વખતે જસ્ટિસ જી.એસ. પટેલે સુધારા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને જસ્ટિસ નીલા ગોખલેએ તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે આ મામલો ત્રીજા ન્યાયાધીશ જસ્ટિસ ચંદુરકર પાસે ગયો ત્યારે તેમણે સંશોધન પર સ્ટે મૂકવાની ના પાડી દીધી.
જો કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જ્યાં સુધી કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તે ફેક્ટ ચેક યુનિટનું નોટિફિકેશન બહાર પાડશે નહીં, પરંતુ ત્રીજા જજે સુધારા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યા બાદ, કોર્ટે સરકારને નોટિફિકેશન લાવવાની મંજૂરી આપી દીધી હતી.
બોમ્બે હાઈકોર્ટના નિર્ણયથી નારાજ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગેની સુનાવણી 21 માર્ચે નક્કી કરવામાં આવી હતી.