- Gujarati News
- National
- Bihar Political Crisis Live Updates; Nitish Kumar Tejashwi Yadav Lalu Prasad Yadav JDU RJD BJP MLA
પટના26 મિનિટ પેહલાલેખક: પ્રવીણ કુમાર સિંહ
- કૉપી લિંક
નીતીશ કુમાર એકવાર ફરી સીએમ પદના શપથ લેશે. આ નવમી વાર હશે, જ્યારે તેઓ શપથ લેશે. સીએમ પદના શપથ લેવામાં નીતીશનો રેકોર્ડ છે. તેમણે સીએમ રહેતા પાંચમીવાર રાજીનામું આપ્યું છે.
આ વખતે નીતીશ કુમારે 537 દિવસ પછી રાજીનામું આપ્યું છે. તેમણે છેલ્લીવાર એનડીએથી અલગ થઈને 9 ઓગસ્ટ 2022ના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. તે પછી RJD-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને મહાગઠબંધન સરકાર બનાવી હતી.
નીતીશ કુમારે 7 દિવસના મુખ્યમંત્રીથી લઇને નવમી વારના મુખ્યમંત્રી સુધીની સફર ખેડી છે. જોકે, આ સફર એટલી સરળ હતી નહીં, જેટલી દેખાય છે. નીતીશ કુમારના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેઓ રાજનીતિ છોડીને કોન્ટ્રાક્ટર બનવાનું નક્કી કરી ચૂક્યા હતા.
આજે અહીં જાણો નીતીશની રાજનીતિમાં આવવાની કહાની વિશે…
26 વર્ષની ઉંમરમાં પહેલી ચૂંટણી લડી, પરંતુ હારી ગયા
વાત 1977ની વિધાનસભા ચૂંટણીની છે. એક 26 વર્ષનો છોકરો નાલંદા જિલ્લાની હરનૌત બેઠક પરથી જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ચૂંટણી લડી રહ્યો હતો. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ 214 બેઠકો જીતી હતી અને 97 બેઠકો ગુમાવી હતી. આ 97 હારેલી બેઠકોમાં હરનૌત પણ સામેલ હતી. આ સીટ પરથી હારી ગયેલા 26 વર્ષના યુવા નેતાનું નામ નીતીશ કુમાર હતું. એ જ નીતીશ કુમાર જે પાછળથી કેન્દ્રીય મંત્રી અને પછી બિહારના મુખ્યમંત્રી બન્યા.
પહેલી ચૂંટણીમાં નીતીશ જે વ્યક્તિ સામે હારી ગયા તે ભોલા પ્રસાદ સિંહ હતા. ભોલા પ્રસાદ સિંહ એ જ નેતા હતા જેમણે ચાર વર્ષ પહેલાં જ નીતીશ અને તેમની પત્નીને કારમાં તેમના ઘરે ઉતાર્યાં હતાં.
પહેલી હાર ભૂલીને નીતીશ 1980માં એ જ સીટ પરથી ફરી ઊભા થયા, પરંતુ આ વખતે જનતા પાર્ટી (સેક્યુલર)ની ટિકિટ પર. નીતીશ આ ચૂંટણીમાં પણ હારી ગયા હતા. તેઓ અપક્ષ અરુણ કુમાર સિંહ સામે હારી ગયા. અરુણ કુમાર સિંહને ભોલા પ્રસાદ સિંહનું સમર્થન હતું.
આ હાર બાદ નીતીશ એટલા નિરાશ થઈ ગયા કે તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો. આનું એક કારણ એ હતું કે નીતીશને યુનિવર્સિટી છોડ્યાને 7 વર્ષ થઈ ગયાં હતાં અને તેમનાં લગ્ન થયાને ઘણો સમય થઈ ગયો હતો. પરંતુ, આટલાં વર્ષોમાં તે એક પૈસો પણ ઘરે લાવ્યા નહોતા. આ બધાથી કંટાળીને નીતીશ રાજકારણ છોડીને સરકારી કોન્ટ્રાક્ટર બનવા માગતા હતા. તેઓ કહેતા, ‘કંઈક કરવું પડશે, આ રીતે જીવન કેવી રીતે ચાલશે?’ જોકે, તે આમ કરી શક્યા નહોતા.
ત્રીજી વખત ધારાસભ્ય બન્યા
સતત બે ચૂંટણી હાર્યા બાદ નીતીશ 1985માં ત્રીજી વખત હરનૌતથી ફરી ઊભા થયા. આ વખતે તેઓ લોકદળના ઉમેદવાર હતા. નીતીશે આ ચૂંટણીમાં 21 હજારથી વધુ મતથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના બ્રિજનંદન પ્રસાદ સિંહને હરાવ્યા હતા. નીતીશે છેલ્લે 1995માં વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે, બાદમાં તેમણે સીટ પરથી રાજીનામું આપી દીધું અને 1996ની લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા.
પહેલા વિધાનસભા અને પછી લોકસભામાં પહોંચ્યા.1985માં પહેલીવાર ધારાસભ્ય બન્યા પછી નીતીશ 1989ની લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવીને લોકસભામાં પહોંચ્યા. તે પછી 1991માં તેઓ સતત બીજી વખત અહીંથી લોકસભા ચૂંટણી જીત્યા. નીતીશ 6 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. 1996માં ત્રીજી વખત, 1998માં ચોથી વખત અને 1999માં પાંચમી વખત લોકસભાની ચૂંટણી જીતી.
નીતીશે તેમની છેલ્લી લોકસભા ચૂંટણી 2004માં લડી હતી. તે ચૂંટણીમાં નીતીશ બાઢ અને નાલંદા બે જગ્યાએથી ઊભા હતા. જો કે, તેઓ બાઢ બેઠક પરથી હારી ગયા અને નાલંદાથી જીત્યા. આ પણ નીતીશની છેલ્લી ચૂંટણી હતી. ત્યાર પછી નીતીશે કોઈ ચૂંટણી લડી નથી.
પછી અટલજીની એન્ટ્રી
અટલજીના આગ્રહ પર પહેલીવાર બન્યા સીએમ, તેમની તરફથી રાજીનામું પણ આપ્યું. આ વાત 2000ની વિધાનસભા ચૂંટણીની છે. કોઈ એક પક્ષ કે ગઠબંધનને બહુમતી મળી નહોતી. ત્યારે નીતીશ અટલ સરકારમાં કૃષિ મંત્રી હતા. ચૂંટણી પછી, અટલજીના કહેવા પર, બીજેપીના સમર્થનથી, નીતીશે 3 માર્ચ 2000ના રોજ પ્રથમ વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે બહુમતના અભાવે તેમણે 7 દિવસમાં રાજીનામું આપી દીધું હતું. અટલ બિહારી વાજપેયીની જેમ તેમણે રાજીનામું આપી દીધું અને કહ્યું કે તેઓ ચાલાકીથી સરકાર બનાવવા માંગતા નથી. 16 દિવસ વડાપ્રધાન રહ્યા બાદ 1996માં અટલ બિહારી વાજપેયીએ પણ આ જ વાત કહીને રાજીનામું આપ્યું હતું.
2004માં નીતીશ કુમાર એનડીએથી અલગ થયા અને લાલુ યાદવની નજીક આવ્યા. લાલુ અને નીતીશ બંને UPA-1માં મંત્રી બન્યા હતા. લાલુ રેલવે પ્રધાન બન્યા, જ્યારે નીતીશ કોલસા અને સ્ટીલ પ્રધાન બન્યા. પરંતુ, નીતીશે પોતાની નજર બિહારની ખુરશી પર ટકેલી હતી. 2005ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ એનડીએમાં પાછા આવ્યા હતા. ઓક્ટોબર 2005ની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી અને નીતીશ મુખ્યમંત્રી બન્યા.
2013માં નીતીશ ફરી એનડીએથી અલગ થયા હતા. આ 2013ની વાત છે. ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતાં નારાજ થઈને નીતીશ કુમારે NDA છોડી દીધું હતું. 2015માં નીતીશની પાર્ટી JDU, RJD અને કોંગ્રેસ સાથે મહાગઠબંધનમાં જોડાઈ હતી. ચૂંટણીમાં મહાગઠબંધનને બહુમતી મળી હતી. આરજેડીને 80, જેડીયુને 71 અને કોંગ્રેસને 27 બેઠકો મળી છે. નીતીશ કુમાર સીએમ અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા.
જુલાઈ 2017માં, જ્યારે તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો, ત્યારે નીતીશે માત્ર મહાગઠબંધનથી અલગ જ નહીં પરંતુ મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપ્યું. 26 જુલાઈના રોજ, નીતીશ મહાગઠબંધનથી અલગ થયા અને 27ના રોજ, એનડીએના સમર્થન સાથે 6ઠ્ઠી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીતીશ અત્યાર સુધી 6 વખત એનડીએના સમર્થનથી અને બે વખત મહાગઠબંધનના સમર્થનથી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. નીતીશ ભાજપના સમર્થનથી નવમી વખત મુખ્યમંત્રી બનશે.