કોલકાતા11 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે મંગળવારે બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીને હિંસાગ્રસ્ત સંદેશખાલી જવાની મંજૂરી આપી હતી. ડિવિઝન બેન્ચે શરતો પણ મૂકી હતી. તેમણે કહ્યું કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં શુભેન્દુ સાથે માત્ર તેમના સુરક્ષાકર્મીઓ જ જશે.
શુભેન્દુ અધિકારી સંદેશખાલી પહોંચી ગયા છે, જોકે પોલીસે તેમને રસ્તામાં એકવાર રોક્યા હતા. હાઈકોર્ટની સિંગલ બેંચે સોમવારે શુભેન્દુ અધિકારીને સંદેશખાલી જવાની પરવાનગી આપી હતી. તેની વિરુદ્ધમાં બંગાળ સરકાર ડિવિઝન બેંચમાં ગઇ હતી.
આજે ડિવિઝન બેન્ચે બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. જે TMC નેતા શેખ શાહજહાં પર બળાત્કાર અને જમીન હડપ કરવાનો આરોપ છે, તે હજુ પણ ફરાર હોવાથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ડિવિઝન બેન્ચે કહ્યું કે શરૂઆતમાં સ્પષ્ટ છે કે શાહજહાંએ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું અને આરોપ લાગ્યા બાદથી તે ફરાર છે. એવું લાગે છે કે તે પોલીસની પહોંચની બહાર છે.
ખંડપીઠે કહ્યું- આ ચોંકાવનારું છે કે સમસ્યાના મૂળમાં રહેલો વ્યક્તિ હજુ સુધી પકડાયો નથી અને ફરાર છે. જો તેની સામે હજારો ખોટા આરોપો છે, પરંતુ જો તેમાંથી એક પણ સાચો હોય તો તમારે તેની તપાસ કરવી જોઈએ. તમે લોકોને બિનજરૂરી રીતે પરેશાન કરી રહ્યા છો.
બેન્ચે કહ્યું કે કોવિડની જેમ લોકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે કારણ કે તમે લોકોને તેમના ઘરોમાં બંધ રાખ્યા છે. લોકોને બોલવા દો. લોકો બોલશે એ માત્રથી કોઈ આરોપી દોષિત નથી થતો. જો તમે લોકોને મૌન કરશો તો આ પદ્ધતિ કામ કરશે નહીં.
સંદેશખાલી જવાના રસ્તે પોલીસે શુભેન્દુ અધિકારી અને અન્ય પક્ષોના નેતાઓને ધામખલી ખાતે અટકાવ્યા હતા.
હાઈકોર્ટે શુભેન્દુ અધિકારીને ગઈકાલે સંદેશખાલી જવાની પરવાનગી આપી હતી.
ગઈકાલે જ કોલકાતા હાઈકોર્ટે શુભેન્દુને સંદેશખાલી જવાની પરવાનગી આપી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તમે સંદેશખાલીમાં કોઈ અસંવેદનશીલ નિવેદન કરશો નહીં. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
શુભેન્દુ અધિકારી અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ અહીં હડતાળ પર બેઠા છે. તેમણે કહ્યું કે પોલીસે કલકત્તા હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસનું કહેવું છે કે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ડિવિઝન બેંચમાં અરજી દાખલ કરી છે. હું અહીં બેસીને ધરણા પ્રદર્શન કરીશ અને પછી કોર્ટમાં જઈશ.
બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું કે મમતા બેનર્જી ઘણું છુપાવવા માંગે છે. આજે સંદેશખાલીમાં જઈએ તો તેમની અનેક ક્ષતિઓ બહાર આવશે, એટલા માટે અમને ત્યાં જતા રોકવામાં આવી રહ્યા છે. અમારા નેતા શુભેન્દુ અધિકારી પાસે કોર્ટની પરવાનગી હોવા છતાં તેમને જવા દેવાયા નથી.
સંદેશખાલીની બહાર 2 કિમી સુધી રેપિડ એક્શન ફોર્સ અને અન્ય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
કોર્ટરૂમ લાઈવ…
ડિવિઝન બેન્ચમાં બંગાળ સરકારની દલીલો અને કોર્ટનો જવાબ
બંગાળ સરકાર: એટર્ની જનરલ કિશોર દત્તાએ ડિવિઝન બેંચની સામે કહ્યું – શુવેન્દુ અધિકારી સંદેશખાલી જઈ રહ્યા છે. હવે ત્યાં સ્થિતિ સામાન્ય બની રહી છે, ત્યાં જઈને અશાંતિ ફેલાવવાની શું જરૂર છે?
શુભેન્દુના વકીલઃ અમે ત્યાં કોઈ મીટિંગ નહીં કરીએ, માત્ર પીડિતોને જ મળીશું.
ડિવિઝન બેંચઃ તમે ત્યાં જઈ શકો છો, પણ તમારા સમર્થકોનું શું? તમે ચૂંટાયેલા ધારાસભ્ય છો. તમે સમગ્ર રાજ્યમાં મુસાફરી કરી શકો છો, પરંતુ કેટલાક લોકો એવા હોઈ શકે છે જે તમારી સાથે કલમ 144 વિસ્તારમાં જઈ શકે છે.
બંગાળ સરકાર: અમે સિંગલ બેન્ચના આદેશને પડકારીએ છીએ.
ડિવિઝન બેંચઃ શુભેન્દુ અધિકારીને શરતો સાથે સંદેશખાલી મોકલવામાં આવી રહ્યા છે. જો તે જશે તો તે માત્ર થોડા કલાકોની વાત હશે. જો તમે વિરોધ કરશો તો આ બાબત વધુ મુશ્કેલી ઊભી કરશે.
બંગાળ સરકાર: સંદેશખાલી જઇ રહેલા સ્થાનિકો અને બંધારણીય સંસ્થાઓથી અમને કોઇ સમસ્યા નથી. અમારી સમસ્યા ત્યાં જતા નેતાઓથી છે.
ડિવિઝન બેંચઃ તે વિસ્તારની મહિલાઓએ આક્ષેપો કર્યા છે અને જમીન પચાવી પાડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ માણસ શેખ શાહજહાં ફરાર ન હોવો જોઇએ. રાજ્ય સરકાર તેને સમર્થન ના કરી શકે.
બંગાળ સરકાર: રાજ્ય પોલીસ તેને લઇ આવશે.
ડિવિઝન બેંચઃ આ આખો મામલો એક માણસને કારણે થઈ રહ્યો છે, સરકાર તેને સમર્થન ન આપી શકે. તે માત્ર એક જનપ્રતિનિધિ છે. લોકોનું કલ્યાણ તેની જવાબદારી છે. ફરાર નેતાએ લોકોને હેરાન કર્યા હોવાના પુરાવા છે. કથિત ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો છે.
અમને ખબર નથી કે શું સરકાર તેને સુરક્ષા આપી રહી છે, કારણકે તે હજુ સુધી પકડાયો નથી. આનો અર્થ એ થઈ શકે છે કે તે રાજ્ય પોલીસની પહોંચની બહાર છે. જો આમ છે તો કલમ 144 લગાવવાનો કોઈ ફાયદો નથી. તમે માત્ર ગંભીર પરિસ્થિતિ સર્જી રહ્યા છો. હજારો ખોટા આરોપો વચ્ચે એક પણ સાચો આરોપ હોય તો તમારે તેની તપાસ કરવી પડશે.
સંદેશખાલીની આસપાસના વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ ભગવા ઝંડા લગાવ્યા છે.
સંદેશખાલી કેસની તપાસ SIT અથવા CBI દ્વારા કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે
સોમવારે સુપ્રીમ કોર્ટમાં સંદેશખાલી કેસની સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે મહિલાઓના જાતીય સતામણીના કેસની CBI અથવા SIT દ્વારા તપાસ કરાવવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કલકત્તા હાઈકોર્ટે આ કેસનું જાતે જ સંજ્ઞાન લીધું છે. તેથી નિર્ણય પણ હાઇકોર્ટ જ આપશે.
TMC નેતા શેખ શાહજહાં પર બળાત્કારના આરોપો, સંદેશખાલી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી તણાવ
સંદેશખાલી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી તણાવ છે. અહીં TMC નેતા શેખ શાહજહાં અને તેમના સમર્થકો પર મહિલાઓ સાથે યૌન ઉત્પીડનનો આરોપ છે. મહિલાઓનું કહેવું છે કે શેખ શાહજહાં પોતાની ઇચ્છા થાય તેમ ગમે તેને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. રાશન કૌભાંડ કેસમાં EDના દરોડા બાદ શાહજહાં ફરાર છે. શેખ પર ED ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે.
જમીન પચાવી પાડવા અને મહિલાઓની જાતિય સતામણીના કેસમાં કુલ ત્રણ મુખ્ય આરોપીઓ છે. જેમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ TMC નેતા શિબ પ્રસાદ હઝરા અને ઉત્તમ સરદાર તરીકે થઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ સમયે TMC નેતા શિબ પ્રસાદ હઝરાની તસવીર. તેને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
મહિલાઓએ કહ્યું- સંદેશખાલીમાં રહેવું જોખમી
સંદેશખાલીની એક મહિલાએ સોમવારે કહ્યું- હું મમતા બેનર્જી વિશે શું કહું. તેણીએ ન તો અમારા વિશે કોઈ પૂછપરછ કરી કે ન તો અમને મળવા આવી. તે પણ એક સ્ત્રી છે અને અમે પણ. આ સંજોગોમાં, પણ જો તે અહીં ન આવ્યા હોય તો તમે અહીંની પરિસ્થિતિ અંગે કલ્પના કરી શકો છો.
તે જ સમયે સંદેશખાલીની અન્ય એક મહિલાએ કહ્યું – અહીં રહેવું ખૂબ જોખમી બની રહ્યું છે. ઉત્તમ સરદાર અને શિબ પ્રસાદ હઝરાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમને સજા કરવામાં આવી નથી. આ બંનેની સાથે શાહજહાં શેખને પણ સજા થવી જોઈએ. અમે સન્માન સાથે જીવવા માંગીએ છીએ. આપણા મુખ્યમંત્રી એક મહિલા છે, પરંતુ તેઓ પણ અમારી પીડા સમજી રહ્યા નથી. તેમણે અહીં આવીને અમારી સાથે વાત કરવી જોઈએ. તેમણે અમારા વતી પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ, પરંતુ તે હુમલો કરનારાઓ માટે પોતાનો અવાજ ઉઠાવી રહી છે.
સંદેશખાલીની મહિલાઓએ ભાસ્કર સાથે તેમની સમસ્યાઓ શેર કરી હતી.
કોલકાતાના રાજભવનમાં મહિલાઓ માટે પીસ હોમ બનાવવામાં આવ્યું
કોલકાતામાં સોમવારે પીસ હોમ એટલે કે શાંતિ ગૃહ ખોલવામાં આવ્યું હતું, જેમાં સંદેશખાલીની પીડિત મહિલાઓને આશ્રય આપવામાં આવશે. અહીં ત્રણ રૂમમાં મહિલાઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગવર્નર સીવી આનંદ બોઝની સ્પેશિયલ ડ્યુટી ઓફિસના સંદીપ રાજપૂતે જણાવ્યું કે રાજ્યપાલે સંદેશખાલીની મુલાકાતેથી પરત ફર્યા બાદ શાંતિ ગૃહ ખોલવાનો વિચાર આપ્યો હતો. તેઓએ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે, જેના પર અત્યાર સુધીમાં ઘણા કોલ આવ્યા છે.
ગઈકાલે મહિલા આયોગના અધ્યક્ષ સંદેશખાલીમાં મહિલાઓને મળ્યા હતા.
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના વડા રેખા શર્મા સોમવારે (19 ફેબ્રુઆરી) સંદેશખાલી પહોંચ્યા હતા. તેમણે કહ્યું- ગયા અઠવાડિયે જ NCWના બે લોકો આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા હતા. તેમણે બંગાળ સરકાર અને કાયદો-વ્યવસ્થા સંભાળતી એજન્સીઓની બેદરકારી અંગે રિપોર્ટ દાખલ કર્યો હતો. મમતા બેનર્જીએ રાજીનામું આપવું જોઈએ. તેઓ અહીં મહિલા બનીને આવશે તો જ અહીની પીડા સમજી શકશે.
રેખાએ એમ પણ કહ્યું કે અમે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સાથે મુલાકાત કરીશું અને આવતીકાલે દિલ્હીમાં રાષ્ટ્રપતિને પણ મળીશું. જો રાજ્યમાં મહિલાઓ પર બળાત્કાર કે સતામણીનો એક પણ કિસ્સો બન્યો હોય તો તે શરમજનક છે. પ્રશાસનને કેન્દ્રીય એજન્સીઓની મદદ કરવાની રાજ્ય સરકાર મંજૂરી આપતી નથી.