બેંગલુરુ9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના પોસ્ટરની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ગુરુવારે કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. બેઠક પહેલાં, કાર્યકરોએ બેલાગવીમાં પોસ્ટરો લગાવ્યાં છે. જેમાં ભારતનો ખોટો નકશો બતાવવામાં આવ્યો છે.
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા X પર ખોટા નકશાની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો ખોટો નકશો લગાવ્યો છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાની તસવીરો પણ છે, જેમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે.
બીજેપી સાંસદે કહ્યું- કોંગ્રેસ ભારત તોડનારા લોકોની સાથે છે બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, આજે એક એવી તસવીર સામે આવી છે જે દિલને ઠેસ પહોંચાડે છે. બીજેપી કર્ણાટકે એક ટ્વિટ કર્યું છે જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન ભારતના નકશામાં સામેલ નથી જે કોંગ્રેસ દ્વારા બેલગાવીમાં આયોજિત કાર્યક્રમમાં લગાવાયું છે.
તેઓ અગાઉ પણ આવાં કામો કરી ચૂક્યાં છે. ભારતને તોડવાનો પ્રયાસ કરી રહેલી તાકાતો સાથે કોંગ્રેસનો સંબંધ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
આજથી કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન, પાર્ટી શરૂ કરશે ‘નવ સત્યાગ્રહ’ બેલગાવીમાં 26 ડિસેમ્બરથી કોંગ્રેસનું બે દિવસીય સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રનું આયોજન 1924માં યોજાયેલા કોંગ્રેસના 39માં અધિવેશનના 100 વર્ષ પૂરાં થવાના અવસર પર કરવામાં આવ્યું છે.
બેલગાવીમાં 26 અને 27 ડિસેમ્બર 1924ના રોજ કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન યોજાયું હતું. આ પહેલું અને છેલ્લું સત્ર હતું જેની અધ્યક્ષતા મહાત્મા ગાંધીએ કરી હતી. આ જ સંમેલનમાં તેઓ પાર્ટીના અધ્યક્ષ પણ ચૂંટાયા હતા.
અધિવેશનમાં શું-શું થશે…
26 ડિસેમ્બર : પહેલો દિવસ
- કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક બપોરે 2.30 કલાકે મળશે. જેમાં આગામી વર્ષ માટે કોંગ્રેસની કાર્યયોજના અને કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે અને બે ઠરાવો પસાર કરવામાં આવશે. બેઠકમાં ભાજપ સરકારના શાસનમાં દેશને જે મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બિલ્ડિગના પરિસરમાં ગાંધીજીની નવી કાંસ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.
ડિસેમ્બર 27: દિવસ 2
- CPED ગ્રાઉન્ડ ખાતે સવારે 11:30 કલાકે રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીને ‘જય બાપુ-જય ભીમ-જય સંવિધાન’ નામ આપવામાં આવ્યું છે.
1924ના બેલગવી અધિવેશનમાં દિગ્ગજો મેળાવડો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તે અધિવેશનમાં આવા અનેક દિગ્ગજો હતા, જેમણે સ્વતંત્રતા સંગ્રામને વેગ આપ્યો. જેમાં મહાત્મા ગાંધી, મોતીલાલ અને જવાહરલાલ નેહરુ, લાલા લજપત રાય, રાજગોપાલચારી, ડૉ. એની બેસેન્ટ, સરોજિની નાયડુ, ચિત્તરંજન દાસ, પંડિત મદન મોહન માલવિયા, સૈફુદ્દીન કિચલુ, અબુલ કલામ આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભભાઈ પટેલનો સમાવેશ થાય છે.
મહાત્મા ગાંધી 1924ના બેલગાવી સત્રમાં. આ પહેલું અને છેલ્લું સત્ર હતું જેની અધ્યક્ષતા મહાત્મા ગાંધીએ કરી હતી.
મહાત્મા ગાંધી સંમેલનમાં થયેલા ખર્ચથી નારાજ હતા ગાંધીજી કોંગ્રેસ અધિવેશનના 6 દિવસ પહેલાં બેલગાવી પહોંચ્યા હતા. તેઓ સ્વતંત્રતાની માંગ કરતા ‘સ્વરાજ’ જૂથ અને બ્રિટિશ શાસન હેઠળ યથાસ્થિતિ જાળવી રાખવાની તરફેણ કરતા ‘નો-ચેન્જ’ જૂથ વચ્ચે એકતા લાવવા માગતા હતા.
ખેમાજીરાવ ગોડસે નામના કાર્યકરે 350 રૂપિયા ખર્ચીને ગાંધીજી માટે વાંસ અને ઘાસની નાની ઝૂંપડી બનાવી. ગાંધીજીએ આ અંગે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેમના જેવા સામાન્ય વ્યક્તિ માટે આટલા પૈસા ખર્ચવા યોગ્ય નથી.
આ ઉપરાંત આ સંમેલન માટે વિશાળ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ તંબુ સર્કસના ટેન્ટ જેટલો મોટો હતો અને 5000 રૂપિયામાં ભાડે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગ સામે રક્ષણ માટે 500 રૂપિયાનો વીમો પણ કરાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ તેની સજાવટ પાછળ ખર્ચેલી રકમ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પ્રતિનિધિની ફી રૂ. 10 થી ઘટાડીને રૂ. 1 કરવાની વિનંતી પણ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી.
આ બધું હોવા છતાં, કોંગ્રેસને બેલાગવી સત્રમાંથી 773 રૂપિયાનો ફાયદો થયો. તેમાંથી 745 રૂપિયા PUCC બેંકમાં જમા કરાવ્યા, 25 રૂપિયા સેક્રેટરી પાસે ખર્ચ માટે રાખવામાં આવ્યા, અને 1 રૂપિયા કોષાધ્યક્ષ એન.વી.ને નજીવા ખર્ચ માટે આપવામાં આવ્યા હતા.
બેલાગાવી સત્ર દરમિયાન મહાત્મા ગાંધીની તસવીર.
બેલાગવી સ્વાતંત્ર્ય સંગ્રામનું મહત્ત્વનું કેન્દ્ર હતું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બેલગાવી એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. લોકમાન્ય તિલકે 1916માં બેલગામથી ‘હોમ રૂલ લીગ’ ચળવળ શરૂ કરી હતી. 1924માં બેલગાવીના તિલકવાડી વિસ્તારમાં વિજયનગર નામના સ્થળે સંમેલન યોજાયું હતું. હવે કોંગ્રેસ અધિવેશનના સ્થળને પ્રખ્યાત પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે. ત્યાં એક કૂવો બનાવવામાં આવ્યો હતો, જે સંમેલનની સાક્ષી તરીકે આજે પણ છે.
સંમેલનની યાદમાં બેલગામમાં ‘વીરસૌધા’ સ્મારક બનાવવામાં આવ્યું છે. કેમ્પસમાં રહેલો કૂવો કોંગ્રેસ કૂવા તરીકે ઓળખાય છે.