3 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુધવારે રાત્રે મુંબઈના કોસ્ટલ રોડ પર એક ચાલતી લેમ્બોર્ગિની કારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના રાત્રે લગભગ 10.20 વાગ્યે બની હતી. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર એન્જિનને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યું હતું. આગ ઓલવવામાં લગભગ 45 મિનિટનો સમય લાગ્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ અને કારમાં કેટલા લોકો હાજર છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
ગુજરાત નંબર પ્લેટવાળી આ ઓરેન્જ રંગની લેમ્બોર્ગીનીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ અને કારના શોખીન ગૌતમ સિંઘાનિયાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કારમાં આગની જ્વાળાઓ વધી રહી છે અને એક વ્યક્તિ તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વીડિયો શેર કરતાં સિંઘાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મેં મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોરગીનીને આગમાં લપેટાયેલી જોઈ. આવી ઘટનાઓ લેમ્બોરગીનીની વિશ્વસનીયતા અને સલામતીના ધોરણો વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે.
ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગે કોસ્ટલ રોડ પર ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો જેથી આગ ઓલવવાની કામગીરી સરળતાથી થઈ શકે. કારની અંદર રહેલા લોકો સમયસર બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.