કોલકાતા21 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે ટીએમસી બંગાળના લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે કોલકાતા રેપ-હત્યા કેસ મામલે પીડિતાના માતા-પિતા નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે શનિવારે કહ્યું કે તેઓ ટ્રેઈની ડોક્ટરના પરિવારને મળ્યા છે. પોલીસે તેમને નજરકેદ કરી રાખ્યા છે. તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી. તેમની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. CISF પાસે આ અંગે કોઈ માહિતી નથી.
કોંગ્રેસના નેતાએ કહ્યું-
પીડિતાના પરિવારને પોલીસ દ્વારા પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી, જેથી તેઓ તેમની પુત્રીના અંતિમ સંસ્કાર ઝડપથી કરી શકે. આ બધું રાજ્ય સરકારની સૂચના પર કરવામાં આવ્યું હતું.
8 ઓગસ્ટની રાત્રે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જોકે પ્રદર્શન ચાલુ છે.
અધિરે કહ્યું- મમતા પોતાની જવાબદારીઓથી છટકી રહ્યા છે
અધીર રંજને કહ્યું કે ટીએમસી કહી રહી છે કે સીબીઆઈ બંગાળના લોકોનું ધ્યાન ભટકાવવા માટે કંઈ કરી રહી નથી. સીએમ મમતા બેનર્જી સીબીઆઈને નિશાન બનાવીને પોતાની જવાબદારીથી બચવા માંગે છે. હું તેમને કહેવા માંગુ છું કે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસની જવાબદારી છે કે તેઓ સીબીઆઈને સહકાર આપે અથવા તથ્યો સાથે તેની ખામીઓ દર્શાવે.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે જ્યારે સીબીઆઈએ તપાસ સંભાળી ત્યારે સીએમ મમતા બેનર્જી પોતાની જવાબદારીઓથી હાથ ખંખેર્યા હતા. આ મામલે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ રાજ્ય સરકારને દોષી ઠેરવે નહીં. જેના કારણે હજુ સુધી આ કેસમાં સાચો ગુનેગાર કોણ છે તે અમે જાણી શક્યા નથી.
પોલીસના સિવિક વોલંટિયરની ધરપકડ
ડોક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં 31 ઓગસ્ટના રોજ રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી પાસે જુનિયર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ બાઇક પર ઘુસી આવ્યો હતો અને તેણે એક વિદ્યાર્થીને ટક્કર મારી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે કોલકાતા પોલીસનો સિવિક વોલંટિયર હતો, તેની બાઇક પર પોલીસનું સ્ટીકર પણ હતું. રેપ-હત્યા કેસનો આરોપી સંજય રોય કોલકાતા પોલીસમાં સિવિક વોલંટિયર પણ હતો.
રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી પાસે બીટી રોડ પર તબીબોનો રાત્રિ વિરોધ ચાલુ હતો.
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ, ક્રાઇમ સીન પર ભીડની તસવીરો વાઇરલ
8-9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે. ઘટના બાદ 10-12 લોકો ક્રાઈમ સીન પર દેખાય છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેઇની ડોક્ટરની રેપ અને હત્યા બાદ પોલીસ સિવાય અન્ય લોકો પણ ક્રાઇમ સીન પર ગયા હતા, જેના કારણે પુરાવા સાથે ચેડાં થવાનો અવકાશ છે. સીબીઆઈએ 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં પુરાવા સાથે ચેડાં થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, કોલકાતા પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ તસવીરો ઘટનાના દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલની અંદર તપાસ પૂર્ણ થયા બાદ લેવામાં આવી હતી. કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, વાઇરલ તસવીરમાં દેખાતા લોકોને અહીં જવાની મંજૂરી આપવામાં આવી હતી. ક્રાઈમ સીન સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. આ ફોટો 9 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યો હતો, જ્યારે પૂછપરછ પૂર્ણ થઈ હતી.
8 ઓગસ્ટની રાત્રે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઊતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ રદ કરી દીધી છે, જોકે પ્રદર્શન ચાલુ છે.
વાઇરલ તસવીરમાં દેખાતા લોકોમાં એફએસએલ સ્ટાફ, પોલીસ અધિકારીઓ અને અન્ય તપાસ અધિકારીઓ પણ છે.
કોર્ટે પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી
20 ઓગસ્ટે કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફઆઈઆર નોંધવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું- ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. એના પર જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું- કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા છે. મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં તપાસમાં આવી બેદરકારી ક્યારેય જોઈ નથી.
ભાજપ અને ટીએમસી બંનેએ પ્રદર્શન કર્યું
ટીએમસી અને ભાજપ બંનેએ શુક્રવારે (30 ઓગસ્ટ) બળાત્કાર-હત્યા કેસને લઈને વિરોધ કર્યો હતો. બંગાળ ભાજપના મહિલા મોરચાએ ‘મહિલા આયોગ લોકઆઉટ અભિયાન’ અંતર્ગત રાજ્ય મહિલા આયોગની ઓફિસ સુધી કૂચ કરી હતી.
બીજી તરફ, TMC વિદ્યાર્થી સંઘ સમર્થકોએ રાજ્યની તમામ કોલેજોમાં પ્રદર્શન કર્યું. પક્ષ કેન્દ્ર પાસે આરોપીઓને ફાંસીની સજા આપતો કાયદો પસાર કરવાની માગ કરી રહી છે. ટીએમસીએ 31 ઓગસ્ટે રાજ્યના તમામ બ્લોકમાં વિરોધપ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી છે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સેમિનાર હોલમાં તેની અર્ધનગ્ન લાશ મળી આવી હતી. તેની ગરદન તૂટી ગઈ હતી. મોં, આંખ અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું.
ભાજપના મહિલા મોરચાએ ‘મહિલા આયોગ લોકઆઉટ ઝુંબેશ’ હેઠળ કોલકાતામાં રેલી કાઢી હતી.
બંગાળના રાજ્યપાલ દિલ્હીમાં શાહને મળ્યા
બંગાળના ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝે રેપ-હત્યા કેસના વિરોધ વચ્ચે શુક્રવારે (30 ઓગસ્ટ) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. એક અઠવાડિયામાં આનંદ બોઝની આ બીજી દિલ્હી મુલાકાત છે.
ભાજપે 28મી ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું
કોલકાતા રેપ-હત્યા કેસના સંદર્ભમાં ભાજપે 28 ઓગસ્ટે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. ભાજપ 27 ઓગસ્ટે કોલકાતામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને અટકાયતનો વિરોધ કર્યો હતો. બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તે જ દિવસે, બંગાળ બીજેપી અધ્યક્ષે કહ્યું કે કોલકાતા હાઈકોર્ટે તેમને 29 ઓગસ્ટથી એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે.
આ તસવીર ઉત્તર 24 પરગણાના ભાટપરાની છે. જેમાં હુમલાખોરો ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ કરતા જોવા મળે છે.
ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું. પ્રિયંગુએ કહ્યું- TMCના લગભગ 50-60 લોકોએ હુમલો કર્યો. વાહન પર 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ડ્રાઇવર સહિત બે લોકોને ગોળી વાગી હતી. નાદિયા અને મંગલબારી ચોરંગીમાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ટીએમસી સમર્થકોએ ભાજપના કાર્યકરો પર લાકડીઓથી હુમલો કર્યો. બાણગાંવ અને બારાસત દક્ષિણમાં ટ્રેનો રોકી દેવામાં આવી હતી.
CBI તપાસ ચાલુ, આરોપીએ ગુનો કબૂલ્યો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. પોલીસ બાદ 14 ઓગસ્ટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 23 ઓગસ્ટે કોર્ટે સંજય સહિત 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી. જેમાં મુખ્ય આરોપી સંજય રોય, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડોક્ટરો, એક સ્વયંસેવકનો સમાવેશ થાય છે.
મુખ્ય આરોપી સંજય રોયે 25 ઓગસ્ટે પોલીગ્રાફ ટેસ્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. સંજયે કહ્યું કે તેણે ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપતા પહેલા તે રેડ લાઈટ એરિયામાં ગયો હતો. રસ્તામાં તેણે એક છોકરીને પણ ચીડવી અને તેની ગર્લફ્રેન્ડ પાસેથી ન્યૂડ તસવીરો માંગી. પોલીસ કસ્ટડીમાં પણ સંજયે બળાત્કાર અને હત્યાની કબૂલાત કરી હતી. હત્યા અને બળાત્કારના 18 દિવસ બાદ સંજયની આ કબૂલાત સામે આવી છે.
આ સિવાય 26 ઓગસ્ટે મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો ફરીથી પોલીગ્રાફ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ઘોષે સીબીઆઈને શું કહ્યું તેની માહિતી હજુ સામે આવી નથી. CBI એ ASI અનૂપ દત્તા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોલકાતાની કોર્ટ પાસે પરવાનગી માંગી છે. દત્તાએ મુખ્ય આરોપી સંજય રોયને ગુનો છુપાવવામાં મદદ કરી હતી કે કેમ તે જાણવા મળશે.