6 કલાક પેહલા
- કૉપી લિંક
રાજધાની દિલ્હીના કનોટ પ્લેસમાંથી શનિવારે એક બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ વચ્ચે રાજધાની દિલ્હીમાં બિનવારસી બેગ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.
N બ્લોકમાં બિનવારસી બેગ મળી
બનાવની જાણ થતા જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને તપાસ હાથ ધરી છે. આ બિનવારસી બેગ સીપીના એન બ્લોકમાં મળી છે. આ સાથે જ ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. એન બ્લોકમાં જ્યાં બિનવારસી બેગ પડી હતી તે જગ્યાને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે બેરિકેડ લગાવીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.
રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા હોક્સ કોલનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્યારે શનિવારે ફરી એકવાર આવી જ ઘટનાએ હલચલ મચાવી દીધી છે. ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દિલ્હીની 80 શાળાઓને મળી હતી ધમકી
તમને જણાવી દઈએ કે આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી અને નોઈડાની 80 શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાદ હંગામો મચી ગયો હતો. દિલ્હીમાં દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિ શાળા જેવી હાઈ પ્રોફાઈલ શાળાઓનો સમાવેશ થાય છે. ધમકીભર્યો ઈમેલ એક મજહબી સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેમાં ખતરનાક વાતો લખવામાં આવી હતી.
બોમ્બની ધમકીનું રશિયન કનેક્શન
શાળાઓને બોમ્બની ધમકીનો મામલો સામે આવતાની સાથે જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તુરંત સક્રિય થઈ ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે શાળાઓને મળેલો ધમકીભર્યો ઈમેલ રશિયાથી મોકલવામાં આવ્યો હતો. IP એડ્રેસ તપાસતી વખતે રશિયન ભાષા ડિટેક્ટ થઈ હતી. ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસે શાળાઓમાં પહોંચી તપાસ કરી હતી, જોકે આ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
તપાસ ચાલુ છે
કેસની તપાસ કરી રહેલી એજન્સીઓને શંકા છે કે ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં લેવાયેલું આઈપી એડ્રેસનું સર્વર વિદેશમાં છે. નોઈડા-ગાઝિયાબાદ-દિલ્હી પોલીસ સંકલન સાથે તપાસ આગળ વધારી રહી છે. ઈમેલ મોકલવા માટે આ જ આઈપી એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાળાઓને ધમકીભર્યો ઈમેલ રશિયાથી મોકલવામાં આવ્યો હતો. IP એડ્રેસ તપાસતી વખતે રશિયન ભાષા ડિટેક્ટ થઈ હતી.