- Gujarati News
- National
- Delhi HC Said We Cannot Issue Any Notification During Elections, Election Commission Should Decide; The Application Was Made After Amit Shah’s Fake Video
નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે દિલ્હી પોલીસમાં ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયોને લઈને FIR નોંધવામાં આવી છે.
લોકસભા ચૂંટણી દરમિયાન નેતાઓના ડીપ ફેક વીડિયોના સર્ક્યુલેશન સામેની અરજી પર 2 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન સિંહે કહ્યું કે, કોર્ટ ચૂંટણીની વચ્ચે કોઈ નિર્દેશ આપી શકે નહીં. તેથી અમે તેને ચૂંટણી પંચ પર છોડી દઈએ છીએ. અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ.
હાઈકોર્ટ વકીલોના સંગઠનની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ચૂંટણી પંચને ચૂંટણી દરમિયાન નકલી વીડિયોનું સર્ક્યુલેશન રોકવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.
આ અરજી ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયોને લઈને દિલ્હી પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ અને તેલંગાણાના મુખ્યમંત્રી સહિત ઘણા લોકોને પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યા બાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે સંગઠનને ચૂંટણી પંચ પાસે જઈને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા જણાવ્યું હતું. આયોગ 6 મે સુધીમાં આ અંગે નિર્ણય લેશે અને યોગ્ય પગલાં લેશે.
પંચે કહ્યું- નકલી વીડિયો હટાવ્યા, FIR પણ નોંધાઈ
સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે અમિત શાહ, રાહુલ ગાંધી, આમિર ખાન અને રણવીર સિંહના વીડિયો હટાવી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. કોર્ટે એમ પણ કહ્યું કે જે એકાઉન્ટ્સમાંથી નકલી વીડિયો વારંવાર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમના નામ પણ જાહેર કરવામાં આવે.
અમિત શાહે 30 એપ્રિલે આસામના ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સમાં નકલી અને અસલી વીડિયો ચલાવ્યો હતો.
અરજીકર્તાએ કહ્યું- સોશિયલ મીડિયા 48 કલાકની અંદર નકલી વીડિયો પર કાર્યવાહી કરે છે
એડવોકેટ જયંત મહેતાએ કહ્યું હતું કે અમે આ કેસમાં વહેલી સુનાવણી માટે અપીલ કરી રહ્યા છીએ કારણ કે સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ડીપફેક વીડિયો ફરતા થઈ રહ્યા છે. અમે આ મામલે ચૂંટણી પંચને અમારા પ્રતિનિધિ પણ બનાવ્યા છે.
એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે કહ્યું કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે ફરિયાદ નિવારણ અધિકારીઓ છે, શું અરજદારોએ તેમની સાથે વાત કરી છે?
તેના પર અરજદારે કહ્યું કે તે જે કરી શકે તે કર્યું. આવા કિસ્સાઓમાં, પ્રતિસાદ 24થી 48 કલાકમાં પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પગલાં લેવામાં આવે અને આવા વીડિયો પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવે ત્યાં સુધીમાં નુકસાન થઈ જાય છે. આ પછી બેંચ સુનાવણી માટે તૈયાર થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર નકલી વીડિયોના બે કિસ્સા
1. ગૃહમંત્રીનો ફેક વીડિયો ઘણા એકાઉન્ટ્સે શેર કર્યો: 27 એપ્રિલે અમિત શાહનો એક ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. તે તેલંગાણા કોંગ્રેસ અને સીએમ રેવંત રેડ્ડીએ શેર કર્યો હતો. જેમાં તે એસસી-એસટી અને ઓબીસીના આરક્ષણને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે.
પીટીઆઈના ફેક્ટ ચેક યુનિટે કહ્યું કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય અનામત હટાવવાની વાત કરી હતી. 28 એપ્રિલે દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી હતી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને સમન્સ જારી કર્યું હતું.
2. કોંગ્રેસ નેતા અધીર રંજનનો વીડિયો વાઈરલ, જેમાં તેમણે કહ્યું- ટીએમસીને વોટ આપવા કરતાં બીજેપીને વોટ આપવો સારોઃ બુધવારે ટીએમસીએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે બંગાળના મુર્શિદાબાદમાં એક રેલીમાં કહ્યું હતું કે ટીએમસીને વોટ આપવાને બદલે બીજેપીને વોટ આપવા વધુ સારો.
વીડિયો શેર કરીને ટીએમસીએ કહ્યું કે અધીર રંજન બીજેપીની બી ટીમ છે. તેના જવાબમાં કોંગ્રેસે કહ્યું કે અધીર રંજનના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ સમિતિએ આ વીડિયોને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
ગુજરાતમાં શાહનો વીડિયો એડિટ કરનાર બંને 3 દિવસના રિમાન્ડ પર
ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધાર્મિક લાગણી દુભાય અથવા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે એ પ્રકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીનો જાહેરસભાનો વીડિયો એડિટ કરી વાઇરલ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી કોંગ્રેસના નેતાનો PA છે, જ્યારે બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ સાથે બંનેને મેટ્રો કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા.સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…