કોલકાતા34 મિનિટ પેહલા
- કૉપી લિંક
9 ઓગસ્ટની સવારે આરજી કર હોસ્પિટલમાં ડૉક્ટર યુવતીનો મૃતદેહ મળ્યો હતો.
કોલકાતા રેપ હત્યાના દોષિત સંજય રોયને ફાંસી આપવાની માંગ કરતી બંગાળ સરકારની અરજી પર કલકત્તા હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સિયાલદહ કોર્ટે 20 જાન્યુઆરીએ સંજય રોયને આજીવન કેદ (મૃત્યુ સુધીની જેલ)ની સજા ફટકારી હતી અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
બંગાળ સરકારે આ નિર્ણય સામે 21 જાન્યુઆરીએ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. બંગાળ સરકારે અપીલમાં કહ્યું હતું કે સંજય રોયે કરેલા ગુના માટે આજીવન કેદ પૂરતી નથી. તેને ફાંસી આપવી જોઈએ. CBIએ આજે એવી પણ દલીલ કરી હતી કે બંગાળ સરકારને અરજી કરવાનો અધિકાર નથી. તેઓ રિવિઝન ફાઇલ કરી શકે છે.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેબાંગ્શુ બસકે CBI અને બંગાળ સરકારની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
12 નવેમ્બર 2024ના રોજ સિયાલદહ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ, 57 દિવસ પછી સંજયને દોષી ઠેરવવામાં આવ્યો હતો.
CBIએ બંગાળ સરકારની અરજીનો વિરોધ કર્યો હતો
હાઈકોર્ટમાં જસ્ટિસ દેબાંગ્શુ બસક અને જસ્ટિસ મો. શબ્બર રશીદીની બેંચ સમક્ષ CBIના વકીલે અરજી કરવાના બંગાળ સરકારના અધિકારનો વિરોધ કર્યો હતો. CBIના ડેપ્યુટી સોલિસિટર જનરલ રાજદીપ મજુમદારે કહ્યું કે બંગાળ સરકારને અરજી કરવાનો અધિકાર નથી.
તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સી CBI હોવાથી, માત્ર એજન્સીને જ એ આધાર પર અરજી કરવાનો અધિકાર છે કે સજા પૂરતી નથી. CBIએ ટ્રાયલ કોર્ટમાં ફાંસીની સજા આપવા માટે પણ અપીલ કરી હતી.
બંગાળ સરકારે કહ્યું- કોલકાતા પોલીસે પ્રારંભિક તપાસ કરી હતી
બંગાળ સરકારના એડવોકેટ જનરલ કિશોર દત્તે કહ્યું કે ફરિયાદી એજન્સી, પરિવાર, દોષિત ઉપરાંત રાજ્ય પણ સજા સામે અપીલ કરી શકે છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં કોલકાતા પોલીસ કેસની તપાસ કરી રહી હતી. આ કેસ 13 ઓગસ્ટ 2024ના રોજ CBIને સોંપવામાં આવ્યો હતો.
આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં નથી
સિયાલદહ કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત જાહેર કર્યો હતો. જસ્ટિસ અનિર્બાન દાસે ઘટનાના 164મા દિવસે સજા પર 160 પાનાનો ચુકાદો સંભળાવ્યો હતો. દાસે ચુકાદામાં કહ્યું હતું કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવતો નથી, તેથી મૃત્યુદંડની સજા કરવામાં આવી નથી. CBI અને પીડિતાના પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.
દોષિત સંજયના વકીલે જણાવ્યું કે તેને મોતની સજા કેમ ન આપવામાં આવી
- સંજય રોયના વકીલ સેંજુતિ ચક્રવર્તીએ ભાસ્કરને જણાવ્યું હતું કે, ‘અમે મૃત્યુદંડ આપતી વખતે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખવા માટે કોર્ટ સાથે દલીલ કરી હતી. ફાંસીની સજાને લઈને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા કેસમાં ફાંસીની સજા આપવી જોઈએ અને કયા કેસમાં તેને ટાળવી જોઈએ.
- ‘સુપ્રીમ કોર્ટ કહે છે કે જ્યારે રિહેબિલિટેશન, કરેક્શન એટલે કે વ્યક્તિના સુધારની સંભાવના હોય, ત્યારે કોર્ટે ડેથ પેનલ્ટી આપવાનું ટાળવું જોઈએ. મૃત્યુદંડ ત્યારે જ આપવો જોઈએ જ્યારે ગુનેગારના સુધરવાની કોઈ શક્યતા જ ન હોય.
- આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ છે કે નહીં, અમે તેને માત્ર કોર્ટ પર છોડી દીધો હતો. આજે અમે કોર્ટમાં દલીલ કરી હતી અને કહ્યું હતું કે દોષિતના સુધારાની શક્યતા છે અને આ કેસમાં એવા કોઈ પુરાવા નથી કે દોષિતને મૃત્યુદંડ આપવામાં આવે.
- સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા પણ કહે છે કે કેટલીકવાર એવું બને છે કે કેસમાં જે પણ પુરાવા આવ્યા છે તે સિવાય કેટલીક બાબતો કોર્ટ સુધી પહોંચી શકતી નથી અથવા કોઈ કારણસર કેટલીક હકીકતો રહી જાય છે. આવી સ્થિતિમાં કોઈને મૃત્યુદંડ આપવાનું ટાળવામાં આવે છે.
પીડિત પરિવારે હાથ જોડીને કહ્યું- કોઈ વળતરની જરૂર નથી
જજે કહ્યું કે પીડિતાનું ડ્યુટી દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પીડિત પરિવારને વળતર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોર્ટે ડૉક્ટરના મૃત્યુ માટે 10 લાખ રૂપિયા અને બળાત્કાર માટે 7 લાખ રૂપિયાનું વળતર નક્કી કર્યું છે. કોર્ટમાં હાજર ડોકટરના માતા-પિતાએ હાથ જોડીને કહ્યું કે અમારે વળતર નહીં, ન્યાય જોઈએ છે.
તેના પર જજે કહ્યું- મેં કાયદા મુજબ આ વળતર નક્કી કર્યું છે. તમે ઇચ્છો તેમ તેનો ઉપયોગ કરી શકો છો. આ રકમને તમારી પુત્રીના બળાત્કાર અને હત્યા બદલ વળતર તરીકે ન માનો.
પીડિતાના માતા-પિતાએ કહ્યું- નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે
ટ્રેઈની ડૉક્ટરના માતા-પિતાએ કહ્યું છે કે તેઓ સેશન કોર્ટના દોષી સંજય રોયને આજીવન કેદની સજાના નિર્ણયથી સંતુષ્ટ નથી. ડ્યુટી પર રહેલી ડોક્ટર પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હતી. શા માટે આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી? તેમણે દાવો કર્યો હતો કે તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં આવી નથી. અનેક લોકોને બચાવી લેવાયા છે. સેશન્સ કોર્ટમાંથી નિર્ણયની કોપી મળ્યા બાદ અમે હાઈકોર્ટમાં જઈશું.
20 જાન્યુઆરીએ સિયાલદહ કોર્ટની બહાર સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ હતી.
સંજયને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64, 66 અને 103(1) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે.
1. કલમ 64 (બળાત્કાર): ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને વધુમાં વધુ આજીવન કેદની જોગવાઈ છે.
2. કલમ 66 (પીડિતાના મૃત્યુનું કારણ બને છે): ઓછામાં ઓછી 20 વર્ષની સજાની જોગવાઈ છે. આને આજીવન કેદ સુધી વધારી શકાય છે.
3. કલમ 103(1) (હત્યા): મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ છે.
નિર્ણય ફોરેન્સિક રિપોર્ટના આધારે
કોર્ટે ઘટના સ્થળના ફોરેન્સિક રિપોર્ટને સજાનો આધાર બનાવ્યો હતો, જેણે આ કેસમાં સંજય રોયની સંડોવણીના પુરાવા આપ્યા હતા. ઘટના સ્થળે અને પીડિત ડોક્ટરના શરીર પર સંજયના DNA મળી આવ્યા હતા.
ચુકાદા બાદ દોષિત સંજયે કહ્યું હતું કે…
મને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કામ નથી કર્યું. જેમણે આ કામ કર્યું તેમને છોડી દેવામાં આવ્યા. તેમાં એક IPS સામેલ છે. હું રુદ્રાક્ષની માળા પહેરું છું અને જો મેં ગુનો કર્યો હોત તો તે તૂટી ગઈ હોત.
8-9 ઓગસ્ટ 2024ની રાત્રે ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં ડૉક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોય નામના નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઈને કોલકાતા સહિત દેશભરમાં દેખાવો થયા હતા. બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ રહી હતી.
હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી
9 ઓગસ્ટની ઘટના બાદ આરજી કર હોસ્પિટલના ડોક્ટર્સ અને પીડિત પરિવારે આ કેસની CBI તપાસની માગ કરી હતી, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસનો આદેશ આપ્યો નહોતો. હાઈકોર્ટના આદેશ બાદ 13 ઓગસ્ટે તપાસ CBIને સોંપવામાં આવી હતી. આ પછી CBIએ નવેસરથી તપાસ શરૂ કરી હતી.
3ને આરોપી બનાવાયા, 2ને જામીન મળ્યા
આ કેસમાં આરોપી સંજય રોય ઉપરાંત મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈ ઘોષ વિરુદ્ધ 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી શકી ન હતી, જેના કારણે સિયાલદહ કોર્ટે 13 ડિસેમ્બરે આ કેસમાં ઘોષને જામીન આપ્યા હતા. આ ઉપરાંત તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજિત મંડલને પણ ચાર્જશીટ ન રજૂ કરવાના કારણે જામીન આપવામાં આવ્યા હતા.
CBIએ 2 સપ્ટે.એ સંદીપ ઘોષ, ASI અનુપ દત્તા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.
સંજય ઈયરફોન અને ડીએનએ સાથે ઝડપાયો
ટાસ્કફોર્સે તપાસ શરૂ કર્યાના 6 કલાકની અંદર ગુનેગાર સંજય રોયની ધરપકડ કરી હતી. સીસીટીવી ઉપરાંત સેમિનાર હોલમાંથી પોલીસને તૂટેલા બ્લૂટૂથ ઈયરફોન મળ્યા હતા. એ આરોપીના ફોન સાથે જોડાયેલો હતો. સંજયના જીન્સ અને શૂઝ પર પીડિતાના લોહીનાં નિશાન જોવા મળ્યાં હતાં.
ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સાથે સંજયના ડીએનએ મેચ થયા હતા. સંજયના શરીર પર પાંચ ઈજાનાં નિશાન 24થી 48 કલાકના સમયગાળામાં થયાં હતાં. જે પીડિતથી પોતાનો બચાવ કરતી વખતે થઈ શકે છે. એના થકી પોલીસ સંજયને પકડવામાં સફળ રહી હતી.