1 કલાક પેહલા
- કૉપી લિંક
હિંદ મહાસાગરમાં એક જહાજને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ ભારત આવી રહ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે શિપમાં 20 ભારતીય ક્રૂ-મેમ્બર છે. ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને એ જગ્યાએ મોકલ્યું છે, જ્યાં ભારત આવી રહેલા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. આ જહાજમાં ક્રૂડ ઓઈલ હતું.
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, હુમલામાં કોઈને નુકસાન થયું નથી. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જહાજમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. બ્રિટિશ મિલિટ્રીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે અહેવાલ આપ્યો હતો કે જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું. એટલે કે સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.
લાઈબેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ ઈઝરાયલનું હતું. આ જહાજનો છેલ્લે સાઉદી અરેબિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો.
યુએનનું કહેવું છે કે સહાય તરીકે ગાઝામાં જે ખોરાક પહોંચી રહ્યો છે એ પેલેસ્ટાઈનની વસતિને ખવડાવવા માટે પૂરતો નથી.
ગાઝામાં 5 લાખ લોકો ભૂખમરાની આરે છે
7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ગાઝાના કેટલાક વિસ્તારોને ‘સેફ ઝોન’ તરીકે જાહેર કર્યા હતા. ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે તે આ ‘સેફ ઝોન’માં હુમલો નહીં કરે. ઉપરાંત ઉત્તર ગાઝામાં હુમલો કરી રહેલી સેનાએ પેલેસ્ટિનિયનોને દક્ષિણ ગાઝા તરફ આગળ વધવાનું કહ્યું હતું.
ન્યૂયોર્ક ટાઈમ્સના વિશ્લેષણ મુજબ, ઈઝરાયલે સેફ ઝોનમાં હુમલા કર્યા છે. 30 નવેમ્બરે સમાપ્ત થયેલા 7 દિવસના યુદ્ધવિરામ બાદથી ઇઝરાયલ દક્ષિણ ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ઇઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝામાં 907 કિલોના બોમ્બ ફેંક્યા છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકન સેનાએ પણ ક્યારેય કોઈ દેશના રહેણાક વિસ્તારોમાં આટલા બોમ્બ ફેંક્યા નથી.
દરમિયાન યુએનનું કહેવું છે કે ગાઝામાં રહેતા 5 લાખ લોકો પાસે ખાવા માટે ખોરાક નથી. જો યુદ્ધ ચાલુ રહેશે તો આ લોકો ભૂખમરાનો શિકાર બનશે. બીબીસીના જણાવ્યા અનુસાર ગાઝામાં રહેતા 23 લાખ લોકોને પાણી, વીજળી, ભોજન જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.
યુદ્ધની 4 તસવીરો..
યુદ્ધને કારણે પેલેસ્ટિનિયનો બેઘર બન્યા છે. ગાઝાના અલ-માવાસી કેમ્પમાં લોકો રહે છે.
ઈઝરાયલની સેના ગાઝા કેમ્પ પર પણ હુમલો કરી રહી છે. તસવીર અલ-બુરેઝ કેમ્પની છે.
ઈઝરાયલના કિબુત્ઝ બિરીમાં આવેલું આ ઘર 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં ધ્વસ્ત થઈ ગયું હતું. અહીં બંધક બનાવવામાં આવેલા લોકોની તસવીરો છે.
તસવીર ઈઝરાયલના કેરેમ શાલોમ બોર્ડરની છે. અહીં જરૂરી સામાન ટ્રકમાં રાખવામાં આવ્યો છે, જેને ગાઝા પહોંચાડવામાં આવશે.
પુતિને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરી
જેરુસલેમ પોસ્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી હતી. બંનેએ યુદ્ધ રોકવા અને ગાઝાને જરૂરી મદદ પૂરી પાડવા અંગે ચર્ચા કરી. આ દરમિયાન અબ્બાસની રશિયાની મુલાકાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ ક્યારે અને કેટલા દિવસ માટે રશિયાની મુલાકાત લેશે એની માહિતી હજુ આપવામાં આવી નથી.