નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
હવે દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ને પણ આરોપી બનાવવામાં આવશે. EDના વકીલે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને કહ્યું હતું કે અમે આ કેસની આગામી ચાર્જશીટમાં કરીશું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 14 મે, મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી. EDએ મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો.
સિસોદિયાના વકીલે કહ્યું હતું કે ED અને CBI માત્ર લોકોની ધરપકડ કરી રહી છે. ટ્રાયલ દરમિયાન તેમને કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી.
સિસોદિયાની 8મી મેના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં ED અને CBIના વકીલોએ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને કહ્યું હતું કે અમને જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય જોઈએ છે.
3 મેના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે ED-CBIને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. સિસોદિયાને તેમની બીમાર પત્ની સીમાને અઠવાડિયામાં એકવાર મળવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.
સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી
મનીષ સિસોદિયાની લગભગ 8 કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ કેસમાં પણ તેમની ધરપકડ કરી હતી. હાલ તેઓ તિહાર જેલમાં છે. 7 મે, 2024ના રોજ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 મે સુધી લંબાવવામાં આવી છે. બીજી બાજુ, દિલ્હી કોર્ટે એક્સાઇઝ ડ્યૂટી કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 21 મે સુધી લંબાવી છે.
સિસોદિયાની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે
સીબીઆઈએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. EDએ 9 માર્ચ, 2023ના રોજ ન્યાયિક કસ્ટડી દરમિયાન તેમની ધરપકડ કરી હતી. ત્યારથી સિસોદિયા તિહાર જેલમાં છે. તેમણે ED કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે 28 એપ્રિલ, 2023ના રોજ ફગાવી દેવામાં આવી હતી.
CBI કેસમાં તેમની જામીન અરજી 31 માર્ચ, 2023ના રોજ ફગાવી દેવામાં આવી હતી. આ પછી તેમણે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. જોકે હાઈકોર્ટે 3 જુલાઈ, 2023ના રોજ ED કેસમાં તેમની જામીન અરજી અને 30 મે, 2023ના રોજ CBI કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબર 2023ના રોજ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે કૌભાંડ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી. એમાંથી 338 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે, જેમાં સિસોદિયાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. તેથી પિટિશન ફગાવી દેવામાં આવે છે.
39 દિવસ પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6:55 કલાકે જેલમાંથી બહાર આવ્યા હતા. 21 માર્ચે તેમની ધરપકડ બાદ તેઓ પહેલા 10 દિવસ સુધી EDની કસ્ટડીમાં હતા. 1 એપ્રિલે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા, એટલે કે તેમણે તિહારમાં 39 દિવસ વિતાવ્યા.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે જામીનનો વિરોધ કરી રહેલા EDને કહ્યું હતું કે જો કેજરીવાલ 21 દિવસ એટલે કે 1 જૂન સુધી જેલની બહાર રહે તો એનાથી કોઈ ફરક નહીં પડે. તેઓ રીઢા ગુનેગાર નથી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેઓ પ્રચાર કરી શકે છે. તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.
કેજરીવાલે કહ્યું- જો I.N.D.I.A. જીતશે તો હું બીજા દિવસે જેલમાંથી પાછો આવી જઈશ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે, 13 મેના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરોને મળ્યા હતા. અહીં કેજરીવાલે દાવો કર્યો હતો કે જો I.N.D.I.A. બ્લોક લોકસભાની ચૂંટણી જીતે છે, તો તે પરિણામોના બીજા દિવસે એટલે કે 5મી જૂને તિહાર જેલમાંથી પરત આવશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મારા જેલવાસ દરમિયાન મને તોડવાનો અને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લિકર પોલિસી કૌભાંડ કેસ- કેજરીવાલ અને કે. કવિતા પણ કસ્ટડીમાં
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અત્યારસુધીમાં 16 હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પૂર્વ આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને બીઆરએસ નેતા કે. કવિતા પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ જ કેસમાં AAP નેતા સંજય સિંહ પણ જેલમાં હતા. હાલ સંજય જામીન પર બહાર છે. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન પણ આપ્યા હતા. તેમને 2 જૂને ફરી જેલમાં પરત ફરવું પડશે.