સલમાન ખાનના ઘર પર ફાયરિંગ થયું ત્યારે બોલિવૂડમાં ભયનું લખલખું આવી ગયું હતું. પછી શાહરુખ ખાનને ફોનથી ધમકી મળી ત્યારે પણ ફિલ્મસ્ટાર્સના કપાળે ચિંતાની કરચલીઓ પડી હતી. હવે સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયા પછી ફિલ્મસ્ટાર્સ રીતસર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છ
.
નમસ્કાર,
સૈફ અલી ખાનની ઘટનાએ વધારે ચર્ચા એટલા માટે જગાડી કે એક તો બિનવિવાદિત એક્ટર રહ્યો છે. બીજું, આટલા મોટા સ્ટારના ઘરમાં ઘૂસીને કોઈ ચાકુ મારી જાય, એ વાત જ શોકિંગ છે. ત્રીજું, સૈફ અલી ખાન પટૌડી પરિવારનો નવાબી વારસો ધરાવે છે. 1200 કરોડથી વધારે પ્રોપર્ટીનો માલિક છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં અત્યારે મુંબઈ પોલીસ ઘણુંબધું છુપાવી રહી છે. લોકોને એ જાણવામાં રસ છે કે સૈફને છરીના ઘા મારનાર પકડાયો કે નહીં? એ છે કોણ?
પહેલા વાંચો આખો ઘટનાક્રમ મુંબઈના બાંદ્રા-વેસ્ટના સતગુરુ શરણ નામના ફ્લેટમાં 11 અને 12મા માળે સૈફ અલી ખાનના ફ્લેટ છે. સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર અને બે પુત્રો- તૈમુર અને જહાંગીર સાથે 11મા માળે રહે છે. બંને દીકરા- 8 વર્ષના તૈમુર અને 3 વર્ષના જહાંગીરની દેખરેખ માટે બે આયા રાખવામાં આવી છે. જુનુ નામની આયા તૈમુરની દેખરેખ રાખે છે અને ઈલિયામા ફિલિપ જહાંગીરની સંભાળ રાખે છે. 15 જાન્યુઆરીની રાતનો સમય હતો. રૂટિન મુજબ બંને આયાએ 11 વાગ્યે તૈમુર અને જહાંગીરને પોતપોતાના રૂમમાં સુવડાવી દીધા. પછી બંને આયા જહાંગીરના રૂમમાં સૂઈ ગઈ. જુનુ અને નર્સ-આયા ઈલિયામા ફિલિપ બંને જહાંગીરના રૂમમાં સૂવે છે. રાતે બે વાગ્યા હશે ત્યાં જહાંગીરના બાથરૂમમાં લાઇટ થઈ. પહેલા તો લાગ્યું કે કરીના બાળકોને જોવા આવી હશે, પણ એક પડછાયો દેખાયો. કેપ પહેરેલો કોઈ પુરુષ હતો. એ નર્સ જાગી ગઈ. જોયું તો એ અજાણી વ્યક્તિ બાથરૂમમાંથી બહાર નીકળી રહી હતી. તેના એક હાથમાં દંડો હતો અને બીજા હાથમાં આરીની બ્લેડ જેવી ધારદાર વસ્તુ હતી. તેણે બહાર આવીને કહ્યું, અવાજ કરતા નહીં, શાંત રહેજો. નર્સ ઈલિયામાએ પૂછ્યું કે તારે શું જોઈએ છે? તેણે કહ્યું કે પૈસા જોઈએ છે. એક કરોડ રૂપિયા… ઈલિયામા ફિલિપ ઊભી થઈને બૂમ પાડવા ગઈ તો વ્યક્તિએ તેના પર હુમલો કરી દીધો અને હાથમાં ઈજા થઈ. તેણે પોતાના રૂમમાંથી એલાર્મ વગાડ્યો ને રૂમની બહાર આવીને બૂમ પાડવા લાગી તો પોતાના રૂમમાંથી બહાર સૈફ અને કરીના પણ આવ્યાં. સૈફ પેલા ચોરને પકડવા લાગ્યો ને બંને વચ્ચે ઝપાઝપી થઈ. પેલી અજાણી વ્યક્તિએ ઝપાઝપીમાં સૈફ અલી ખાનને ચાકુના છ ઘા મારી દીધા. બંને આયા અને કરીનાએ ધક્કા મારીને ચોરને રૂમમાં પૂરી દીધો. ઉપરના બારમા માળેથી બીજા નોકરો અવાજ સાંભળીને નીચે 11મા માળે આવ્યા, ત્યાં પેલો અજાણ્યો હુમલાખોર રૂમનો દરવાજો ખોલીને ભાગી ગયો હતો.
રાત્રે ઓટોરિક્ષામાં સૈફને લીલાવતી હોસ્પિટલ લઈ જવાયો રાત્રે બેથી અઢી વાગ્યા વચ્ચે આ ઘટના બન્યા પછી આ વાતની જાણ થતાં નજીકમાં રહેતો સૈફનો મોટો પુત્ર ઈબ્રાહિમ (અમૃતા સિંહનો દીકરો) તેના ઘરે પહોંચ્યો અને ઈબ્રાહિમ અને કરીના સૈફને હોસ્પિટલે લઈ ગયા. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, એ વખતે ઘરમાં ડ્રાઈવર નહોતો અને પરિવારમાંથી કોઈને ગાડી ચલાવતાં નહોતું આવડતું અથવા તો કોઈ ગાડી ચલાવી શકે એવી સ્થિતિમાં નહોતા એટલે સૈફને ઓટોરિક્ષામાં હોસ્પિટલે લઈ જવાયો. સવારે પાંચ વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલીખાનની સારવાર ચાલુ કરી દેવાઈ. પછી પહેલી માહિતી સામે આવી કે સૈફને છ જગ્યાએ ચાકુના ઘા વાગ્યા છે. એમાંથી ગરદન પાસે અને પીઠમાં કરોડરજ્જુ પાસે બે ઘા ઊંડા હતા. થોડા સમય પછી લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરજ ઉત્તમે સ્ટેટમેન્ટ આપ્યું. તેમણે કહ્યું કે સૈફ જોખમથી બહાર છે, પણ ઘા રુઝાતાં વાર લાગશે. તેની સ્પાઈન પાસે બેથી પાંચ ઈંચ ઊંડો ચાકુનો ઘા છે. ત્યાં સર્જરી કરવામાં આવી છે અને સ્પાઈન ફ્લૂઇડ પણ રિકવર કરવામાં આવી રહ્યું છે.
સૈફ અલી ખાનના પાઇપલાઈનમાં રહેલા પ્રોજેક્ટ પર સવાલ આ ઘટના પછી સૈફ અલી ખાનના પ્રોજેક્ટની ચર્ચા થવા લાગી, જે અત્યારે પાઈપલાઈનમાં છે. એમાં ખાસ નામ છે- ગોગુ ઔર ગોન્ટુ, રેસ-4, શૂટ આઉટ એટ ભાયખલ્લા, પ્રિયદર્શનના ડાયરેક્શનમાં એક ફિલ્મ અને એક ફિલ્મ દીકરી સારા અલી ખાન સાથે છે એનું કામ ચાલી રહ્યું છે. સૈફ અલી ખાન સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં દેખાય છે અને ત્યાં પણ કેટલાક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમ કે દેવરા પાર્ટ-2, સ્પિરિટ અને ક્લિક શંકર. કરોડો રૂપિયાની આ ફિલ્મોનું કામ સૈફ અલી ખાન વગર થોડા સમય ચાલશે નહીં, કારણ કે એક દિવસ ICUમાં રહ્યા બાદ સૈફ અલી ખાન સ્પેશિયલ રૂમમાં આવી ગયો છે. તેને રૂમમાં જ ચારેક દિવસ રાખીને સારવાર અપાશે, કારણ કે સ્પાઈન પાસેનો ઘા બહુ રિસ્કી હતો. એમાંથી બે ઈંચ જેટલો ચાકુનો ટુકડો નીકળ્યો છે. નસીબ એટલા સારા કે ચાકુનો ટુકડો સ્પાઈનમાં ઘૂસ્યો નહીં. માત્ર બે મિલીમીટર જ દૂર હતો. સૈફ જ્યારે સ્વસ્થ થશે પછી પ્રોજેક્ટ આગળ વધી શકશે.
ઘટનાની તપાસ દયા નાયકને સોંપવામાં આવી આ કેસની તપાસ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ટીમને લીડ કરે છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક. 16 તારીખે તે સૈફ અને કરીનાના ઘરે પહોંચ્યા. ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. આસપાસના લોકો સાથે વાત કરી. બીજી તરફ પોલીસે ડમ્પ ડેટાના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા. ડમ્પ ડેટા એટલે જે જગ્યાએ સૈફ પર હુમલો થયો એ રૂમમાં અને આસપાસના ઘેરાવામાં કેટલા મોબાઈલ એક્ટિવ હતા અને હાલમાં એ કયા લોકેશનમાં દેખાઈ રહ્યા છે. આના આધારે પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે, જેનો ચહેરો સૈફના બિલ્ડિંગમાં દેખાઈ રહેલી વ્યક્તિ જેવો છે. ક્રાઈમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે 35 ટીમ બનાવીને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
કઈ કલમ હેઠળ ગુનો દાખલ થયો?
- કલમ 311 એટલે ધાડ પાડવી
- કલમ 312 એટલે ધારદાર હથિયાર સાથે ધાડ
- કલમ 331(4), 331(6) અને 331(7) એટલે કોઈના ઘરમાં બળજબરીથી ઘૂસવાની કોશિશ કરવી
શંકાસ્પદ વ્યક્તિને પોલીસે દબોચી લીધી, પણ એ બીજું કોઈ નીકળ્યું મુંબઈ ડીસીપીનું કહેવું છે કે જે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે તેના પર ઘરફોડીનો આરોપ છે. અગાઉ પણ તેની સામે ઘરફોડીના કેસ નોંધાયેલા છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સૈફ પરના હુમલા પછી મુંબઈ પોલીસ શંકાસ્પદની ધરપકડ કરવા દોડાદોડી કરી રહી છે. સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ થઈ હતી. હુમલા પછી આરોપી બાંદરા સ્ટેશન પર જોવા મળ્યો હતો. આ હાઇપ્રોફાઈલ કેસ છે. 1200 કરોડ કરતાં વધારેની પ્રોપર્ટી ધરાવતા સૈફ અલી ખાનના ઘરે કોઈ છાનામાના ઘૂસી શકે એ બાબત જ ઘણા સવાલો ઊભા કરે છે. પોલીસે બાંદરા સ્ટેશન પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધી હતી. તેની પૂછપરછ કરવામાં આવી. મુંબઈ પોલીસે જાહેર કર્યું કે શંકાસ્પદને પકડ્યો હતો એ કોઈ બીજું છે. મૂળ હુમલાખોર તો હજી ફરાર છે.
સૈફ પરના હુમલા પછી કેટલાક સવાલો ઊભા થાય છે
- હુમલાખોર ઉચ્ચ સુરક્ષા સોસાયટીમાં કેવી રીતે પ્રવેશ્યો?
- હુમલા પછી ઘોંઘાટ વચ્ચે તે કેવી રીતે ભાગી શક્યો?
- શું નોકરાણી રોજ રાત્રે ઘરે જ રહે છે?
- શું હુમલો કરનારી નોકરાણીનો પરિચિત હતો?
- શું તેણે જ હુમલાખોરને ઘરમાં પ્રવેશ આપ્યો હતો?
- એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી નહોતી?
- એપાર્ટેમેન્ટમાં સીસીટીવીનો અભાવ કેમ છે?
સૈફ પર હુમલા પહેલાં તે શાહરુખના ઘરે ગયો હતો? 14 જાન્યુઆરીના રોજ એક અજાણી વ્યક્તિએ શાહરુખ ખાનના ઘરની રેકી કરી. રીટ્રીટ હાઉસના પાછળના ભાગમાં 6થી 8 ફૂટ લાંબી લોખંડની સીડી મૂકીને શાહરુખ ખાનના ઘર મન્નતની અંદર જોવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસને શંકા છે કે શાહરુખ ખાનના ઘરે રેકી કરનાર વ્યક્તિ એ જ વ્યક્તિ છે, જેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. પોલીસે શાહરુખ ખાનના ઘરની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આ ફૂટેજમાં દેખાતી વ્યક્તિની ઊંચાઈ અને શરીરનો બાંધો સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ સાથે મેળ ખાય છે, જે પોલીસે સૈફ અલી ખાનના મકાનની સીડી પરથી મેળવ્યો હતો.
2023માં બે અજાણ્યા લોકો શાહરુખના ઘરમાં ઘૂસી ગયા હતા 2 માર્ચ, 2023ના રોજ બે યુવાન દીવાલ કૂદીને શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ના ત્રીજા માળે પહોંચી ગયા હતા. જોકે સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા. બંનેની ઉંમર 21થી 25 વર્ષની હોવાનું જણાવાયું હતું. બંને ગુજરાતના રહેવાસી હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ શાહરુખને મળવા માગતા હતા. આ ઘટના સમયે શાહરુખ ખાન ઘરે નહોતો.
મુંબઈનું બોલિવૂડ બન્યું ‘ટેન્શનવૂડ’ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મસ્ટાર્સ ધમકીભર્યા માહોલમાં જીવી રહ્યા છે. કારણ ભલે અલગ અલગ હોય. મુંબઈમાં જ આવી ઘટનાઓ સતત બની રહી છે. કેટલીક ઘટનાઓ પર નજર કરીએ તો… 14 એપ્રિલ, 2024 સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ પર વહેલી સવારે પાંચ વાગ્યે ફાયરિંગ કરવામાં આવ્યું. બે બાઈકસવારોએ ફાયરિંગ કર્યું. બંને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હતા. આ ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી. વિક્કી ગુપ્તા અને સાગર પાલ એમ બંનેને ગુજરાતથી દબોચી લીધા. ત્રીજા આરોપી અનુજ થાપનને પંજાબથી ઝડપી લીધો હતો. પછીથી અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. 2 સપ્ટેમ્બર 2024 પંજાબી સિંગર અને રેપર એ.પી.ઢિલ્લોનના કેનેડા સ્થિત ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું. સિંગર ઢિલ્લોને સલમાન ખાન સાથે મ્યુઝિક આલ્બમ કર્યું એના થોડા દિવસોમાં જ આ ફાયરિંગ થયું. 12 ઓક્ટોબર, 2024 મુંબઈના ખાર વિસ્તારમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને નેતા બાબા સિદ્દીકીની હત્યા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અમનોલ બિશ્નોઈ સહિત 26 આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ. ચાર્જશીટમાં એવો ઉલ્લેખ છે કે બાબા સિદ્દીકી સલમાન ખાનની નજીક હતા એટલે તેની હત્યા થઈ. 5 નવેમ્બર, 2024 શાહરુખ ખાનને ફોન પર મારી નાખવાની ધમકી મળી હતી. ફોન કરનારે 50 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. તરત મુંબઈ પોલીસે શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની સુરક્ષા વધારી દીધી.
સૈફ પરના હુમલા પછી રાજનીતિ શરૂ થઈ સલમાનના ઘર પર ફાયરિંગ, શાહરુખ ખાનને ધમકી, સૈફ અલી ખાન પર હુમલો… આ ઘટનાઓ પછી બોલિવૂડ ભયમાં છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના અને કોંગ્રેસ ભાજપની સરકાર પર માછલાં ધોવે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે સૈફ અલી ખાન પરના હુમલાની ઘટના શોકિંગ છે, પણ સરપ્રાઇઝિંગ નથી. એ એટલા માટે કે સેલિબ્રિટીઝ પર સતત હુમલા થઈ રહ્યા છે. મુંબઈની લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા સારામાં સારી મનાય છે, પણ હવે આ માન્યતા તૂટી રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના બીજા સાંસદ સંજય રાઉતે કહ્યું, આ લોકો વાતો કરે છે કે બટેંગે તો કટેંગે… એક હૈં તો સેફ હૈં… આ રાજ્યમાં હવે કોઈ સેફ નથી. મુંબઈની 99 ટકા પોલીસ ફોર્સ વડાપ્રધાનની સેવામાં હતી અને લોકો મરી રહ્યા છે. આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એક ઘટનાને કારણે આખી સિસ્ટમને દોષ ન આપી શકાય. મુંબઈ તો સેફ જ છે.
છેલ્લે, હરિયાણાના ગુરુગ્રામ પાસે પટૌડી નામનું ગામ છે. ત્યાં વર્ષોથી નવાબપ્રથા ચાલી આવતી હતી. સૈફ અલી ખાનના પિતા ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી પણ નવાબ હતા. સૈફના નસીબ બે ડગલાં પાછળ કે 1970માં સૈફનો જન્મ થયો ને 1971માં પટૌડી પરિવારે નવાબપ્રથા બંધ કરી અને નવાબ ટાઇટલનો ઉપયોગ કરવાની મનાઈ થઈ ગઈ.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )