11 વિસ્તારમાં કર્ફ્યૂ 33 પોલીસકર્મી ઘાયલ 12 બાઇક સળગાવી 13 કાર ફૂંકી મારી 1 JCB સ્વાહા 50 લોકોની ધરપકડ 318 વર્ષ જૂની એક કબર
.
આ આંકડા છે નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાના. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગઢ ગણાતા નાગપુરમાં સોમવારની રાત્રે મોટેપાયે હિંસા ફાટી નીકળી. આ હિંસા થવાના મૂળમાં છે ઔરંગઝેબ. ઔરંગઝેબના નામે આ રીતે કોમી વૈમન્સ્ય ફેલાય એ કેટલું વાજબી છે?
નમસ્કાર,
‘છાવા’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી ઔરંગઝેબ ચર્ચામાં છે. સંભાજી મહારાજ પર ઔરંગઝેબે અત્યાચાર ગુજાર્યો હતો અને તેનું વર્ણન જે રીતે ફિલ્મોમાં કરવામાં આવ્યું છે એ પછી લોકોમાં ઔરંગઝેબ પ્રત્યે નફરત વધારે વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં તો એવી ડિમાન્ડ થઈ કે ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઈએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એ સમયે કહેલું કે આ રક્ષિત સ્મારક છે, એટલે એમાં કાંઈ થઈ શકે નહીં. મહારાષ્ટ્રનું રાજકારણ આમ પણ ગરમ રહેતું હોય છે, એમાં ઔરંગઝેબના મુદ્દાએ વધારે હવા આપી.
પહેલા નાગપુરની ઘટના 5 પોઈન્ટમાં સમજો
- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શિવાજી મહારાજની પ્રતિમાની સામે ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરતાં નારા લગાવ્યા.
- પ્રદર્શનકારીઓએ ઔરંગઝેબનું પૂતળું બાળ્યું. પૂતળા પર વાંધાજનક સામગ્રીનો ઉપયોગ કર્યો. પૂતળા પર એક ચાદર મૂકવામાં આવી હતી.
- ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી એક ચોક્કસ સમુદાયના લોકો ચોકમાં ભેગા થઈ ગયા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.
- સ્થિતિ તંગ બની ગઈ અને પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો. કેટલાક લોકો બીજા ચોકમાં ભેગા થયા.
- બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થઈ ગયો. સંખ્યાબંધ ઘર, દુકાન અને વાહનોમાં આગચંપી કરી.
ઔરંગઝેબની પ્રતીકાત્મક કબર સળગાવવાથી વિવાદ વકર્યો સોમવારે સાંજે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદે પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન એવું થયું કે છાણા પાથરીને ઔરંગઝેબની પ્રતીકાત્મક કબર બનાવાઈ અને એના પર લીલું કાપડ પાથરીને બાળી નાખવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ નાગપુરના મહાલ વિસ્તારમાં સોમવારે સાંજે 7:30 વાગ્યે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગયાં. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તા પર પાર્ક કરેલાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. પોલીસ પર પણ હુમલો થયો. કુહાડીના હુમલામાં ડીસીપી નિકેતન કદમ ઘાયલ થયા. પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ જૂના ભંડારા રોડ નજીક હંસપુરી વિસ્તારમાં નવેસરથી તોફાન ફાટી નીકળ્યાં.
મુખ્યમંત્રીએ વિધાનસભામાં માહિતી આપી મંગળવારે સવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે નાગપુર હિંસામાં 5 એફઆઇઆર દાખલ થઈ છે. 31 પોલીસકર્મી અને 7 નાગરિક ઘાયલ થયા છે. ફડણવીસે કુહાડીના હુમલામાં ઘાયલ થયેલા ડીસીપી નિકેતન કદમ સાથે પણ વીડિયો કોલ પર વાત કરી હતી. મુંબઈના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હિંસા પછી શહેરના ગણેશપેઠ, લાકડાગંજ, પચપૌલી, શાંતિનગર, સક્કરદરા, નંદનવન, ઇમામવાડા, યશોધરાનગર અને કપિલનગર વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈમાં પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ફડણવીસ પોતે નાગપુરના ધારાસભ્ય છે સોમવારે હિંસા પછી મોડીરાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે સાથે બેઠક કરી. આ પછી બાવનકુલે નાગપુર જવા રવાના થયા. મુખ્યમંત્રીએ તેમને ઘટનાનો રિપોર્ટ આપવા કહ્યું છે. બાવનકુલે નાગપુરના ગાર્ડિયન મિનિસ્ટર છે. ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પણ છે. નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વર્ષોથી લોકસભામાં ચૂંટાતા આવ્યા છે. નાગપુર જ ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયં સંવક સંઘ (RSS)નો ગઢ છે.
ઔરંગઝેબની કબર પાસે સુરક્ષા વધારી દેવાઈ હિંસા બાદ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માં ઔરંગઝેબની કબર અને મકબરા ફરતે સુરક્ષા કડક કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું હતું કે જિલ્લામાં એક કંપની અને SRPF ની બે પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કૂચ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવા રાજકારણ ગરમાયું મહારાષ્ટ્રના સપાના સાંસદ અબુ આઝમીએ 3 માર્ચે ઔરંગઝેબ તરફી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજકાલ ફિલ્મો દ્વારા આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા. હું તેને ક્રૂર શાસક નથી માનતો. છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ ધાર્મિક નહોતો પણ સત્તા અને સંપત્તિ માટેનો સંઘર્ષ હતો. અબુ આઝમીએ નિવેદન આપ્યું ને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું. દરેક પાર્ટીએ મહારાષ્ટ્રના સંભાજીનગરમાંથી ઔરંગઝેબની કબર હટાવવા એકસૂરે માગણી ઉઠાવી. એ વખતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કબર દૂર કરવા ઈચ્છા દર્શાવી હતી. તેને કોંગ્રેસ, શિવસેના, મનસે, બધાએ સર્વાનુમતે તેને ટેકો આપ્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમે ઔરંગઝેબની કબર પણ દૂર કરવા માંગીએ છીએ, પરંતુ તે એક રક્ષિત સ્મારક છે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે એવું કહેલું કે, મહાવિકાસ અઘાડી સરકાર આ નકબરને જાળવી રાખવા માંગતી હતી, જ્યારે અમારી સરકાર તેને દૂર કરવાના પક્ષમાં છે. ઔરંગઝેબ જેવા આક્રમણખોરનોનું મહિમામંડન ન થવું જોઈએ. બીજી તરફ સતારા રાજપરિવારના સભ્ય, ભાજપના સદસ્ય અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શિવેન્દ્ર રાજે ભોંસલેએ આ મુદ્દે સ્પષ્ટતા કરી કે, ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં ન રહેવી જોઈએ. રાજ ઠાકરેની પાર્ટી મનસેએ પણ કહ્યું હતું કે, આ કબરને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ.
ઈતિહાસવિદ્દે ઔરંગઝેબ વિશે શું-શું કહ્યું? ઈતિહાસના જાણકાર ડો. રામ પુનિયાનીએ એક યુટ્યુબ ચેનલ પર ઈન્ટરવ્યૂમાં ઔરંગઝેબ વિશે ઈતિહાસને ટાંકીને વાત કરી હતી. તેમણે એમ કહ્યું કે, છાવા ફિલ્મ એ ઈતિહાસના તથ્યોના આધારે નથી બનાવાઈ. એ ઉપન્યાસના આધારે બનાવેલી ફિલ્મ છે. તેમણે ઔરંગઝેબ અને મુઘલ શાસકો વિશે ખુલીને વાત કરી હતી. ડો. રામ પુનિયાનીએ જે વાત કરી તેને મુદ્દામાં સમજીએ…
શું ઔરંગઝેબ ધર્માંતરણ કરાવતો હતો? : કોઈપણ રાજાએ પોતાના ધર્મનો પ્રચાર ક્યારેય કર્યો નહોતો. એક માત્ર સમ્રાટ અશોક સિવાય. હા, ઔરંગઝેબે કેટલાક હિન્દુ રાજાઓ પર દબાણ કર્યું હતું કે તમે ઈસ્લામ કબુલ કરી લો. આ એ રાજા હતા જેને ઔરંગઝેબે હરાવ્યા હતા. પ્રોફેસર અસર અલી, જેણે મુઘલ શાસનકાળનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, મુઘલ શાસનમાં જેટલા મુસલમાન રાજા થયા તેમાં સૌથી વધારે હિન્દુ રિસાલદારોની સંખ્યા ઔરંગઝેબના કાળમાં હતી. તેની સેનામાં પણ ઘણા હિન્દુ સૈનિકો હતા. તો પછી આ બધાનું ધર્માંતરણ કેમ ન કરાવ્યું? જ્યારે બાબરી ધ્વંશ થઈ ત્યારે દેશની રાજનીતિ બાબરના નામે ચાલતી હતી. આ દેશમાં બાબરના વંશજો ન રહી શકે… અહીંથી ચાલ્યા જાવ… એવા પ્રોપેગેન્ડા થયા. હવે અત્યારની રાજનીતિ ઔરંગઝેબના નામે શિફ્ટ થઈ ગઈ છે.
ઔરંગઝેબ એટલો ક્રૂર હતો કે ભાઈને માર્યા?: ઔરંગઝેબે તેના બે ભાઈઓની હત્યા કરાવી. ત્રીજો ભાઈ બર્મા (મ્યાંમાર) ભાગી ગયો. તેના પિતાને 7-8 વર્ષ કેદ રાખ્યા. મુઘલ રાજાઓમાં ઉત્તરાધિકારીની પરંપરા હતી, તેમાં મોટો ભાઈ જ રાજા બનશે, એવું નહોતું. જે ભાઈઓ હતા તે લડી-ઝઘડીને સત્તા હાંસલ કરી લેતા હતા. માત્ર મુઘલ વંશમાં જ આવું હતું એવું નથી. કારણ કે રાજાઓની પસંદગી માટે ચૂંટણી તો થતી નહોતી. તમે જુઓ, અજાતશત્રુ તેના પિતાને મારીને સત્તામાં આવ્યો. સમ્રાટ અશોક તેના ઘણા ભાઈઓને મારીને સત્તામાં આવ્યો. ઈતિહાસની વાત તો જવા દો. 25-30 વર્ષ પહેલાંની જ વાત લો. નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. હિન્દુ રાષ્ટ્રના રાજા જ્ઞાનેન્દ્ર હતા. તેણે તેના ભાઈના પરિવારની હત્યા કરી ને સત્તામાં આવ્યો. એટલે રાજાઓની સત્તામાં આવવાની રીત જ આ હતી.
ઔરંગઝેબના શાસનમાં દેશની જીડીપી વધારે હતી એ સાચું? : ડો. રામ પુનિયાની કહે છે, એ સમયે ભારતના રિસોર્સિસ હતા, ખેતી, કાપડનું એક્સપોર્ટ થતું. ઔરંગઝેબના સમયે દુનિયાની કુલ જીડીપીનો પા ભાગ એકલા ભારતની જીડીપીનો હતો. પછી જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે ભારતની જીડીપી સડસડાટ ડાઉન થવા લાગી. પછી દુનિયાની જીડીપીના 4 ટકા જ ભારતની જીડીપી રહી ગઈ. એટલે ભારતને જેણે લૂંટી લીધું તે અંગ્રેજો જ હતા. ઔરંગઝેબ કુર્રાનને કેલિગ્રાફીમાં લખતો હતો. ઔરંગઝેબ કહેતો હતો કે, મારી લખેલી જે કુર્રાનની પ્રતો વેચાય અને તેમાંથી જે પૈસા આવે તેમાંથી મારી એક સાદી કબર બનાવવામાં આવે. ઓછા ખર્ચે જીવવું તે તેની ખાસ વાત હતી. તમે દિલ્હીમાં હુમાયુનો મકબરો જુઓ. બહુ વિશાળ છે. તેની સામે ઔરંગઝેબની કબર છે જ્યાં કોઈ ભવ્ય બાંધકામ નથી.
છેલ્લા સમયમાં ઔરંગઝેબ કેવો હતો? : ઔરંગઝેબ પોતાના રાજ્યનો વિસ્તાર કરતો હતો. તેને જે સામ્રાજ્ય મળ્યું હતું તેને વધારીને વિંધ્યાથી ડેક્કન (દખ્ખન કે દક્ષિણ) તરફ ફેલાવવાનો પ્રયાસ કર્યો. ઔરંગઝેબ દિલ્હીથી ડેક્કન (દક્ષિણમાં) આવી ગયો અને ઔરંગાબાદમાં આવીને વસ્યો. તેણે જિંદગીના છેલ્લા 22 વર્ષ અહીંયા વિતાવ્યા. ઔરંગઝેબ લડાઈમાં માર્યો નથી ગયો. તેને જટિલ પ્રકારનો તાવ આવી ગયો હતો અને બિમારીના કારણે 89 વર્ષની ઉંમરે તે મર્યો. ઔરંગઝેબે તેના વીલમાં લખ્યું હતું કે મારો મકબરો જૈનુદ્દીન શાહ, જે સુફી સંત હતા તેની બાજુમાં બનાવાય. કબર સાદી જ બનાવવામાં આવે. તેણે તેના પૌત્રોને પત્રો લખ્યા હતા. તેમાં તેણે લખ્યું હતું કે હું પણ સુફી પરંપરા તરફ આગળ વધ્યો છું અને આપણે સાથે મળીને આ પરંપરા જાળવવાની છે. ઔરંગઝેબ કટ્ટર સુન્ની મુસલમાન હતો. તેના છેલ્લા પત્રોમાં એ જોવા મળે છે કે ઔરંગઝેબે તેના અંતીમ સમયમાં આત્મ નીરિક્ષણ કર્યું હતું. પોતે જે ભૂલો કરી છે તેના માટે ખુદા પાસે માફી પણ માગી હતી.
નાગપુરમાં કોમી વૈમનસ્ય થયું તે શું છે? : એક સમય હતો કે એક રાજા, બીજા રાજાનું રાજ્ય હડપવા ચઢાઈ કરવા લાગ્યા. વાત ધીમેધીમે વધારે વણસવા લાગી એટલે તેના વિદ્રોહમાં 1857માં લડાઈ થઈ તેનું નેતૃત્વ બહાદુરશાહ ઝફરે કર્યું. એ વખતે તાત્યા સાહેબ કોરે, ઝાંસીની રાણી, બેગમ હઝરત મહેલ પણ હતા. અંગ્રેજોને એમ થયું કે આપણે જો રાજ જાળવવું હશે કો ભાગલા પાડો ને રાજ કરો-ની નીતિ અપનાવવી પડશે. એટલે અંગ્રેજોએ એ વાત ચલાવી કે, દરેક રાજા પોતાના ધર્મ માટે લડી રહ્યા છે. અંગ્રેજોએ હિન્દુ-મુસ્લિમની વાત પકડી રાખી. તેના આધારે કોમવાદી નફરતનું ગ્રાઉન્ડ તૈયાર થયું. આજે ઔરંગઝેબને ક્રૂર બતાવશો તો મુસલમાનો પ્રત્યે નફરત પેદા થશે. નફરત તોફાનનો આધાર તૈયાર કરે છે અને તોફાન ધ્રુવીકરણનો આધાર તૈયાર કરે છે.
છેલ્લે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એવું કહ્યું કે, નાગપુરમાં થચેલી હિંસા એક પ્લાન ઘડીને કરાયેલી હિંસા છે.
સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ….
(રિસર્ચ – યશપાલ બક્ષી)