વિશ્વના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકાથી ત્રીજો હુમલો થયો છે. પહેલાં બે વખત હિંડનબર્ગ અને હવે SECએ આક્ષેપો કર્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીનો પ્લાન બનાવવાનો આરોપ છે. 20 નવેમ્બરના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ
.
નમસ્કાર,
ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં છે. એવો આરોપ છે કે તેણે ભારતમાં સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ લેવા ભારતીય અધિકારીઓને આશરે 2,200 કરોડ (265 મિલિયન ડોલર)ની લાંચની ઓફર કરી હતી. તે પછી અદાણી જૂથે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ ભેગું કર્યું. એવો પણ આરોપ છે કે અદાણી ગ્રુપે ઈન્વેસ્ટરોને લાંચ અને ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી નહોતી. આ પ્રોજેક્ટથી 20 વર્ષમાં અદાણી ગ્રુપને અંદાજે 2 બિલિયન ડોલરનો નફો થવાની અપેક્ષા હતી. જોકે અદાણી જૂથે આ તમામ આરોપો પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
આખો બનાવ શું છે? અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ – ન્યૂયોર્કની એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતીય અધિકારીઓને 265 મિલિયન (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ ચૂકવી અથવા ચૂકવવાનો પ્લાન બનાવ્યો હતો. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને એઝ્યોર પાવર સાથે સંકળાયેલો છે. આ કેસ 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો. 20 નવેમ્બર 2024એ બુધવારે તેની સુનાવણીમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.
રોઇટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને સાગર વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. સાગર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
લાંચ ભારતમાં ઓફર કરી તો કેસ અમેરિકામાં કેમ થયો? SECનો આરોપ છે કે અદાણીએ સૌર ઊર્જા માટે ઈલેક્ટ્રીક સપ્લાય મેળવવા સરકારી અધિકારીઓને જંગી લાંચની ઓફર કરી હતી. જે અધિકારીઓને ઓફર થઈ તેમાં સૌથી વધારે આંધ્રપ્રદેશના અધિકારીઓ હતા. સૌર ઊર્જા પ્રોજેક્ટ ભારતમાં, અદાણી પણ ભારતના, સરકારી અધિકારીઓ પણ ભારતના તો પછી અમેરિકાએ કેમ બાંય ચડાવી? તો એનો જવાબ એ છે કે, અદાણીએ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો તેમાં અમેરિકન ઈન્વેસ્ટર્સ પાસેથી મોટું ફંડ લીધું. બીજું, મોટું ફંડ લીધા પછી જ્યારે અધિકારીઓને લાંચની ઓફર થઈ
ત્યારે આ વાત અદાણીએ ખોટી રીતે રજૂ કર્યાનો આરોપ છે.અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. આ કેસ અમેરિકામાં નોંધવામાં આવ્યો હતો કારણ કે અમેરિકન રોકાણકારોના નાણાં પ્રોજેક્ટમાં રોકવામાં આવ્યા હતા અને અમેરિકન કાયદા હેઠળ તે પૈસા લાંચ તરીકે આપવી એ ગુનો છે.
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને શું આરોપ મૂક્યો? યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US SEC)એ ગૌતમ અદાણી અને સાગર અદાણી અને સિરિલ કેબનેસ પર મોટાપાયે લાંચ આપવાનો પ્લાન ઘડ્યાનો આરોપ મૂક્યો હતો. SECએ ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લા માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બે ફરિયાદો દાખલ કરી. SEC એ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીનના બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પર આરોપ મૂક્યો. SECની ફરિયાદ મુજબ, ગૌતમ અને સાગર અદાણીએ લાંચની યોજના ઘડી હતી જેમાં અદાણી ગ્રીન અને એઝ્યોર પાવરને મોટો લાભ થાય તેવી માર્કેટ પ્રાઈઝ મુજબ ઊર્જા ખરીદવાનો પ્લાન બનાવ્યો. આ માટે પોતાની સેફ્ટી રાખવા ભારતીય સરકારી અધિકારીઓને કરોડો ડોલરની લાંચ આપવાનું કથિત રીતે વચન આપવામાં આવ્યું હતું. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US SEC)એ એઝ્યોર પાવરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ભૂતપૂર્વ સભ્ય સિરિલ કેબનેસ પર કથિત લાંચ યોજનામાં તેમની ભૂમિકા બદલ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)ના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. SECની ફરિયાદ મુજબ, કેબનેસે કથિત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અને વિદેશમાં આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે લાંચમાં સપોર્ટ કરવાની વાત કરી હતી.
જેની જેની સામે ફરિયાદ થઈ તે કોણ કોણ છે?
- ગૌતમ અદાણી જે અદાણી ગ્રુપના ચેરમેન છે
- સાગર અદાણી, ગૌતમ અદાણીના ભત્રીજા અને ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે
- વિનિત જૈન જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના CEO છે
- રણજિત ગુપ્તા જે એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના CEO હતા
- રૂપેશ અગ્રવાલ જેણે એક સમયે એઝ્યોર પાવર માટે કામ કર્યું હતું
- સિરિલ કેબનેસ જે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના નાગરિક છે
- સૌરભ અગ્રવાલ કેનેડીયન ઈન્વેસ્ટર કંપનીના પૂર્વ કર્મચારી છે
- દીપક મલ્હોત્રા કેનેડીયન ઈન્વેસ્ટર કંપનીના પૂર્વ કર્મચારી છે
આ પ્રોજેક્ટથી અદાણીને કેટલો નફો થાત? આ અંગે અમેરિકન વકીલે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, વિનીત જૈન અને કંપનીના અન્ય 6 અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. ફરિયાદીઓનું કહેવું છે કે અદાણી જૂથે કથિત રીતે રાજ્યોમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સાથે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને 2,200 કરોડ (265 મિલિયન ડોલર)ની લાંચ આપવાનો સોદો કર્યો હતો. આ લાંચ કથિત રીતે 2020 અને 2024 વચ્ચે આપવામાં આવી હતી. આ હકીકત અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવી હતી અને સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે અબજો ડોલરનું ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપે એનર્જી કોન્ટ્રાક્ટ મેળવીને 2 બિલિયન ડોલરનો નફો મેળવવાની આશા રાખી હતી.
અદાણી પર આક્ષેપો થયા તે પ્રોજેક્ટ શું છે? અમેરિકાના આરોપ મુજબ ભારતીય ઊર્જા કંપનીના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે. જ્યારે અદાણી એનર્જી કંપની (અદાણી ગ્રીન એનર્જી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી છે. આ ઉપરાંત એઝ્યોર પાવરના ભૂતપૂર્વ CEO રણજીત ગુપ્તા, એઝ્યોર પાવરના કન્સલ્ટન્ટ રૂપેશ અગ્રવાલ અમેરિકન ઈશ્યુઅર છે.
ભારતીય ઊર્જા કંપની અને અમેરિકન ઈશ્યૂઅરે સરકારી માલિકીની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને 12 ગીગાવોટ સોલાર પાવર આપવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. જો કે, SECI ભારતમાં સૌર ઊર્જા ખરીદવા માટે ખરીદદારો શોધી શક્યું નહીં. આવી સ્થિતિમાં ખરીદદારો વગર સોદો આગળ વધી શક્યો નહોતો. એટલે બંને કંપનીઓને ભારે નુકસાનનું જોખમ હતું. દરમિયાન અદાણી ગ્રુપ અને એઝ્યોર પાવરે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાનો પ્લાન બનાવ્યો હોવાનો આરોપ છે.
અમેરિકન કાયદો શું કહે છે? લાંચના આરોપોમાં ભારતીય અધિકારીઓનો સમાવેશ થાય છે. એટલે અમેરિકાનો કાયદો એવું કહે છે કે જો ભ્રષ્ટાચારના કેસમાં યુએસ રોકાણકારો અથવા બજારના હિતોની ચિંતા હોય તો આવા કેસ કોર્ટમાં ચાલી શકે છે. જે સમયગાળામાં લાંચનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે જ સમયગાળા દરમિયાન 2023માં યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે પણ અદાણી ગ્રુપને લઈને વિવાદાસ્પદ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં 150 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
લાંચનો મોટો હિસ્સો ક્યા રાજ્યના અધિકારીઓને મળ્યો? રાજ્યની વીજ વિતરણ કંપનીઓને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે વીજ પુરવઠાનો કરાર કરવા માટે તૈયાર કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આરોપ છે કે તેણે ભારતીય અધિકારીઓને લગભગ 265 મિલિયન ડોલરની લાંચ આપવાનું વચન આપ્યું હતું. જેનો મોટો ભાગ આંધ્રપ્રદેશના અધિકારીઓને આપવામાં આવ્યો હતો.
આ પછી, કેટલાક રાજ્યોની વીજ કંપનીઓ સંમત થઈ અને બંને કંપનીઓ પાસેથી સૌર ઊર્જા ખરીદવા માટે SECI સાથે કરાર કર્યો. આરોપ છે કે ભારતીય ઊર્જા કંપની અને અમેરિકન ઈશ્યૂઅરે સંયુક્ત રીતે લાંચ આપી હતી. એટલું જ નહીં, તેમની સંડોવણી છુપાવવા માટે કોડ નેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, ગૌતમ અદાણીને ‘ન્યૂમેરો યુનો’ અથવા ‘ધ બિગ મેન’ કહેવામાં આવતા હતા. બધું કોમ્યુનિકેશન એનક્રિપ્ટેડ મેસેજિંગ દ્વારા કરવામાં આવ્યું. આ બે કંપનીઓએ અમેરિકન બેંકો અને રોકાણકારો પાસેથી 175 મિલિયન ડોલરથી વધુ ભેગા કર્યા હોવાના અહેવાલ છે.
શું અદાણી પોતે સરકારી અધિકારીઓને મળ્યા હતા? ફરિયાદમાં જેના નામ છે તે રણજીત ગુપ્તા 2019-2022 સુધી એઝ્યોર પાવરના CEO હતા. રૂપેશ અગ્રવાલે 2022-2023 દરમિયાન ચાર્જ સંભાળ્યો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. લાંચ કેવી રીતે ચૂકવવામાં આવશે તે નક્કી કરવા માટે ઘણી મિટિંગ થઈ હતી, જેથી કોઈને ખબર ન પડે. ઓપ્શન તરીકે પ્રોજેક્ટના કેટલાક ભાગોના ટ્રાન્સફર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે ગૌતમ અદાણી કથિત રીતે આ મામલે સરકારી અધિકારીઓને વ્યક્તિગત રીતે મળ્યા હતા.
હાલમાં, યુએસ સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે શું અદાણી ગ્રુપે તેના પોતાના ફાયદા માટે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો? અને શું તેણે ઊર્જા કરાર મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને ખોટી રીતે ચૂકવણી કરી હતી? એક રિપોર્ટ અનુસાર આ પ્રકરણમાં યુએસ કોર્ટમાં સુનાવણી બાદ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રુપે શું સ્પષ્ટતા કરી? આ વિવાદ થયા પછી અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. તેમાં અદાણી ગ્રુપે કહ્યું કે, આ આરોપો પાયાવિહોણા છે. જો કે, આ માત્ર આરોપો છે, જ્યાં સુધી આરોપી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવે છે. આ કેસમાં તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવશે. અદાણી ગ્રુપે હંમેશા તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા અને નિયમનકારી નિયમોનું પાલન જાળવી રાખ્યું છે અને એ ચાલુ રાખશે. અમારા ગ્રુપની કંપનીઓમાં કામ કરતા અમારા શેરધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ.
અદાણી જૂથે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસઈસીએ અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કના પૂર્વી જિલ્લાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપો દાખલ કર્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડ મેમ્બર વિનીત જૈનનો પણ સમાવેશ કર્યો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને, અમારી પેટાકંપનીઓએ તે સમય માટે સૂચિત યુએસડી ડિનોમિનેટેડ બોન્ડ ઓફરિંગ સાથે આગળ ન વધવાનું નક્કી કર્યું છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, અમેરિકાના આરોપો બાદ અદાણી ગ્રુપની કંપનીઓએ 600 મિલિયન ડોલરના બોન્ડ્સ રદ કર્યા છે.
અદાણી આ પહેલાં બે વિવાદમાં ફસાઈ ચૂક્યા છે
- પહેલો વિવાદ: જાન્યુઆરી 2023ની વાત છે. ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 20,000 કરોડની ફોલો-ઓન જાહેર ઓફરની જાહેરાત કરી હતી. આ ઓફર 27 જાન્યુઆરી, 2023ના રોજ ખુલવાની હતી, પરંતુ તે પહેલાં જ 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
- બીજો વિવાદ: ઓગસ્ટ 2024એ હિંડનબર્ગનો બીજો રિપોર્ટ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેબીનાં ચેરપર્સન માધવી પુરી બુચની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રુપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો. તેમ છતાં સેબીએ અદાણીની શેરહોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી.
હવે વાત કરીએ ભારતના રાજકારણની….
અદાણી ગ્રુપ પર અમેરિકાની SECએ કરેલા આક્ષેપો પછી ભારતનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષોએ ભાજપને શિંગડાં ભરાવવાનું શરૂ કર્યું છે.
- રાહુલ ગાંધી: અદાણીને કંઈ થવાનું નથી. વડાપ્રધાન કંઈ કરી શકતા નથી કારણ કે પીએમ મોદી તેમના દબાણમાં છે. જો મોદી કાંઈ પણ કરશે તો (મોદી) પણ જશે. અદાણીએ દેશને હાઇજેક કર્યો છે. અદાણી ભાજપને ફંડ આપે છે.
- જયરામ રમેશ: કોંગ્રેસ નેતા SEC તરફથી ગૌતમ અદાણી અને અન્યો પર આરોપ લાગ્યો છે, તે સાબિત કરે છે કે, કોંગ્રેસે જાન્યુઆરી 2023થી અલગ અલગ ગોટાળાની તપાસની માગણી કરી હતી તે યોગ્ય હતી.
- સંજય સિંહ: આપ નેતા અદાણી ગ્રુપે ભારતને બદનામ કર્યું છે. આ બહુ ગંભીર બાબત છે. ભારતના પ્રધાનમંત્રીએ આનો જવાબ આપવો જોઈએ.
છેલ્લે,
માત્ર તમારી જાણ માટે, ગૌતમ અદાણી સામે 2200 કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપો થયા, તે દિવસે એટલે કે એક જ દિવસમાં ગૌતમ અદાણીની 88 હજાર 700 કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )