.
- કોંગ્રેસ કહે છે કે જાતિ આધારિત વસતિગણતરી કરાવીને રહીશું.
- ભાજપે કહે છે કે જાતિ આધારિત વસતિગણતરી વ્યવહારુ નથી, વહીવટી દૃષ્ટિકોણથી ખૂબ મુશ્કેલ છે.
- અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું, પછાત વર્ગના હિતમાં જાતિ આધારિત વસતિગણતરી થવી જોઈએ, પણ એનો પોલિટિકલ ટૂલ તરીકે ઉપયોગ ન થવો જોઈએ.
- કેરળના પલક્કડમાં RSSની ત્રિદિવસીય સમન્વય બેઠક મળી હતી, એમાં સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ આંબેકરે જાતિ આધારિત વસતિગણતરી મુદ્દે સંઘનો પક્ષ રાખીને વસતિગણતરી થવી જોઈએ, એવો સંકેત આપ્યો છે.
જાતિ આધારિત વસતિગણતરી થવી જોઈએ કે નહીં, આ વિષય ગરમાતો જાય છે અને વિપક્ષ માટે આ વિષય સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. કોંગ્રેસ તરફથી સતત જાતિ આધારિત વસતિગણતરીની માગણી થતી આવી છે. ભાજપની સહયોગી પાર્ટીઓ પણ જાતિ આધારિત વસતિગણતરીની માગણી કરી ચૂકી છે. આ બધા વચ્ચે હવે RSSએ પણ જાતિ આધારિત વસતિગણતરી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે, પણ કોંગ્રેસે સમજ્યા વગર સંઘના નિવેદનને મારી-મચડીને અલગ રીતે લઈ લીધું ને ધડાધડ ટ્વીટ કરી નાખ્યાં.
સંઘે જાતિ આધારિત વસતિગણતરી મુદ્દે શું કહ્યું?
કેરળના પલક્કડમાં ત્રિદિવસીય સમન્વય બેઠકના અંતિમ દિવસે સંઘની પ્રેસ-કોન્ફરન્સ થઈ હતી. એમાં જાતિ આધારિત વસતિગણતરીનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, એનો જવાબ સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ આંબેકરે આપ્યો. આંબેકરે કહ્યું હતું કે હિન્દુ સમાજમાં જાતિ એ બહુ સંવેદનશીલ મુદ્દો છે. આ આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો પણ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, એટલે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લેવો જોઈએ. આનો ઉપયોગ માત્ર ચૂંટણી કે ચૂંટણીપ્રચાર કે રાજનીતિ માટે થવો જોઈએ નહીં. પછાત સમુદાયના કલ્યાણ માટે જો જાતિ આધારિત વસતિગણતરી કરવામાં આવે તો એ ખોટું પણ નથી. ક્યારેક સરકારને જો આંકડાની જરૂર હોય છે તો આ ગણતરીથી આંકડાનો એક ડેટા તૈયાર થશે. આવું પહેલાં પણ થયું છે કે જ્યારે સરકારે એવા ડેટા મેળવ્યા છે. માત્ર સમુદાય કે જાતિઓના કલ્યાણ માટે જ ગણતરી થવી જોઈએ. જાતિ આધારિત વસતિગણતરીનો ઉપયોગ પોલિટિકલ ટૂલ તરીકે ન થવો જોઈએ.
કોંગ્રેસે ટ્વીટ કરીને શું કહ્યું?
જેવું આરએસએસનું આ નિવેદન આવ્યું કે તરત વિપક્ષોના કાન સરવા થઈ ગયા. કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે જાતિ આધારિત વસતિગણતરીનો હવે સંઘ પણ વિરોધ કરે છે. કોંગ્રેસે આ મુદ્દે એક પછી એક ઘણાં ટ્વીટ કર્યાં. એમાંથી એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘RSSએ જાતિ આધારિત વસતિગણતરીનો ખૂલીને વિરોધ કર્યો છે. RSSનું કહેવું છે કે જાતિ આધારિત વસતિગણતરી સમાજ માટે ઉચિત નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે BJP અને RSS જાતિ આધારિત વસતિગણતરી નથી કરાવવા માગતાં. આ લોકો દલિત, પછાત અને આદિવાસીઓને તેમનો હક આપવા નથી માગતા. લખી રાખો- જાતિ આધારિત વસતિગણતરી કોંગ્રેસ કરાવીને જ રહેશે.’
JDU અને LJP પણ જાતિ આધારિત વસતિગણતરીના પક્ષમાં છે
રાહુલ ગાંધી અવારનવાર જાતિ આધારિત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. લોકસભામાં પણ રાહુલે આ મુદ્દે દલીલો કરી હતી. માત્ર કોંગ્રેસ જ નહીં, પણ ભાજપની સહયોગી પાર્ટીઓ JDU અને ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી પણ જાતિ આધારિત વસતિગણતરીની માગણી કરી રહ્યા છે. JDUએ તો બિહારમાં ગયા વર્ષે જાતિ આધારિત વસતિગણતરી કરાવી પણ હતી, જોકે ભાજપે ક્યારેય જાતિ આધારિત વસતિગણતરીનો વિરોધ નથી કર્યો અને આના વિશે સ્પષ્ટ વાત પણ નથી કરી.
ભાજપ જાતિ આધારિત વસતિગણતરીના પક્ષમાં કેમ નથી?
પહેલું કારણ: ભાજપ જાતિ ગણતરીથી દૂર રહેવાનું મુખ્ય કારણ એ ડર છે કે જો જાતિ ગણતરી કરવામાં આવે તો પ્રાદેશિક રાજકીય પક્ષોને કેન્દ્ર સરકારમાં OBC ક્વોટામાં ફેરફાર માટે સરકાર પર દબાણ લાવવાની તક મળશે. નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુદ્દો મળી આવશે.
બીજું કારણ: ભાજપને આવી વસતિગણતરીનો ડર છે કે તે ઉચ્ચ જાતિના તેના મતદારોને નારાજ કરી શકે છે, આ સિવાય તે ભાજપની પરંપરાગત હિંદુ વોટબેંકને વિખેરી શકે છે.
ત્રીજું કારણ: જ્ઞાતિ આધારિત નાના-નાના પ્રાદેશિક પક્ષો ઊભા થશે અને રાષ્ટ્રીય રાજકારણમાં નવાં સમીકરણો ઊભાં થશે. મોટી પાર્ટીએ જ્યારે ટેકો લેવાનો સમય આવે ત્યારે એ બધાંને સાચવીને સાથે ચાલવું અઘરું બની જાય.
જાતિની વસતિગણતરી સામે મોદી સરકારની 3 દલીલ
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. જેમાં કેન્દ્ર સરકારને નાગરિકોના પછાત વર્ગ એટલે કે BCC એટલે કે પછાત વર્ગના ડેટા એકત્રિત કરવા સૂચના આપવાની માગ કરી હતી, જેથી ગ્રામીણ ભારતમાં પછાત વર્ગના નાગરિકોની સાચી સ્થિતિ 2021ની વસ્તી ગણતરીમાં જ બહાર આવી શકે. આ અરજીમાં કેન્દ્ર સરકાર પાસે અન્ય પછાત વર્ગો એટલે કે OBC પર SECC-2011 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટાને સાર્વજનિક કરવાની માગ પણ કરી હતી. કેન્દ્ર સરકારે 23 સપ્ટેમ્બર 2021ના રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાજિક-આર્થિક જાતિની વસ્તી ગણતરી નહીં કરે. ઉદ્ધવ સરકારની અરજી પર કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં 3 મહત્ત્વની વાત કહી હતી…
1. આ એક નીતિગત નિર્ણય છે, તેથી અદાલતોએ દખલ ન કરવી જોઈએ.
2. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી વ્યવહારુ નથી.
3. વહીવટી દૃષ્ટિકોણથી પણ આ કરવું ખૂબ મુશ્કેલ છે.
જાતિ ગણતરીથી વિપક્ષ શું હાંસલ કરવા માગે છે?
જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવીને વિપક્ષ ભાજપની વોટબેન્ક તોડીને પોતાની નવી વોટબેન્ક ઊભી કરવા માગે છે. એવું રાજકીય તજજ્ઞ રશીદ કીદવાઈનું આંકલન છે. જો જાતિ ગણતરી હાથ ધરવામાં આવે તો વાસ્તવિક આંકડાઓ બહાર આવશે. તેના આધારે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં પણ સુધારો કરવો પડશે. આ ઉપરાંત, પછાત જાતિઓને તેમની વસ્તી અનુસાર આપવામાં આવતી 27% અનામત વધારવાની માગ પણ ઉગ્ર બનશે.કોંગ્રેસે, ખાસ કરીને ઈન્ડિયા ગઠબંધને લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને મુદ્દો બનાવ્યો હતો અને રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષી નેતા બન્યા પછી પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. કારણ કે, વિપક્ષ જાણે છે કે, આ એક જ મુદ્દો એવો છે જેમાં સત્તા પક્ષ કોઈ જવાબ આપી શકશે નહીં. પણ સંઘે પોતાનું સ્ટેન્ડ રાખતાં હવે ભાજપે પણ આ મુદ્દે કોઈ સ્ટ્રેટેજી બનાવીને જવાબ આપવો પડશે.
જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો 80ના દાયકાથી ચર્ચામાં છે
- 80ના દાયકામાં જાતિ આધારિત અનેક પ્રાદેશિક પક્ષો ઊભરી આવ્યા હતા. આ પક્ષોએ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત માટે પ્રચાર કર્યો હતો.
- દરમિયાન, યુપીમાં બસપાના નેતા કાંશીરામે જાતિઓની સંખ્યાના આધારે અનામતની માગણી કરી હતી.
- ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને અનામત આપવાના મુદ્દે વર્ષ 1979માં મંડલ કમિશનની રચના કરી હતી. મંડલ પંચે ઓબીસી લોકોને અનામત આપવાની ભલામણ કરી હતી.
- આ ભલામણ 1990માં તત્કાલીન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ પછી દેશભરમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
- 2010માં, લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ જેવા ઓબીસી નેતાઓએ મનમોહન સિંહ સરકાર પર જાતિની વસ્તી ગણતરી કરવા દબાણ કર્યું. આ સાથે પછાત જાતિના કોંગ્રેસના નેતાઓ પણ આ ઈચ્છતા હતા.
- મનમોહન સરકારે 2011માં સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી એટલે કે SECC હાથ ધરવાનું નક્કી કર્યું.
- આ માટે 4 હજાર 389 કરોડ રૂપિયાનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. આ વસ્તી ગણતરી 2013માં પૂર્ણ થઈ હતી, પરંતુ તેમાં જાતિઓનો ડેટા આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
છેલ્લે,
સંઘની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રવક્તા સુનીલ આંબેકરને નડ્ડા સંબંધિત સવાલ કરવામાં આવ્યો હતો કે, લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એવું કહેલું કે, ભાજપને RSSની જરૂર નથી. ભાજપ પોતે જ મોટો પક્ષ બની ગયો છે.
આ સવાલના જવાબમાં સંઘે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. સુનીલ આંબેકરે કહ્યું કે, અમારા મિશન વિશે મૂળ વિચાર દરેક માટે એકદમ સ્પષ્ટ છે. બીજા મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે. આ પારિવારિક મેટર છે. તેનો ઉકેલ લાવવામાં આવશે.
એનો અર્થ એ થયો કે, આ ‘પારિવારિક મેટર’નો ઉકેલ હજી આવ્યો નથી….
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )