સૈફ અલી ખાન ફિટ થઈને તેના બીજા ઘરે પહોંચી ગયો છે. તે એક આઘાતમાંથી માંડ બહાર આવ્યો છે ત્યાં તેને બીજો આઘાત લાગ્યો છે. વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના ભોપાલમાં અને રાયસેનમાં સૈફ અલી ખાન અને તેની માતા શર્મિલા ટાગોરના નામે ઘણી વારસાઈ પ્રોપર્ટી છે. એની માર
.
નમસ્કાર,
આપણે ત્યાં એક કહેવત છે – સમસ્યા આવે ત્યારે ચારેય બાજુથી આવે. સૈફ અલી ખાન સાથે પણ એવું જ થયું છે. ચાકુથી હુમલાની ઘટનાના આઘાતમાંથી તે માંડ બહાર આવ્યો ત્યાં મધ્યપ્રદેશ હાઇકોર્ટે 15,000 કરોડની પટૌડી પરિવારની મિલકત જપ્ત કરવા સ્ટે લગાવ્યો હતો એ હટાવી લીધો છે. હવે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર આ સંપત્તિ જપ્ત કરી શકશે કે નહીં?
પહેલા જાણો આખો મામલો શું છે? આઝાદીના ભાગલા પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હોય તેઓ પોતાની અચલ સંપત્તિ પેલેસ, જમીન, મકાન બધું ભારતમાં છોડી દીધું હતું. આ સંપત્તિ ભારતમાં પડી રહી છે અને તેના વારસો જે ભારતમાં રોકાઈ ગયા છે તેમની પાસે આ સંપત્તિ હોય છે, પણ કેન્દ્ર સરકાર 1968માં એક કાયદો લાવી કે જે લોકો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા છે, ભલે તેના વારસો અહીં હોય, પણ એ સંપત્તિ ‘શત્રુ સંપત્તિ’ જ કહેવાય અને એના પર સરકારનો હક છે. એ વખતે કેન્દ્ર સરકાર શત્રુ સંપત્તિ કાયદો લાવી હતી. સૈફ અલી ખાનના બાપ-દાદા ભોપાલના નવાબ હતા અને ભોપાલમાં જ રહેતા હતા. 1947 સુધી ભોપાલ એક રજવાડું હતું અને નવાબ હમીદુલ્લાહ ખાન તેના છેલ્લા નવાબ હતા. તેને બે દીકરી હતી. તેમાં સૌથી મોટી દીકરી હતી આબિદા સુલતાન 1950માં પાકિસ્તાન ચાલી ગઈ.
તેની બીજી દીકરી સાજિદા સુલતાન ભારતમાં જ રોકાઈ ગઈ. તેણે નવાબ ઈફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા, એટલે તે તેના પિતા નવાબ હમીદુલ્લાહ ખાનની કાયદેસરની વારસદાર બની ગઈ. નવાબ જે સંપત્તિ છોડી ગયા હતા તેનો વારસો સાજિદાને મળ્યો. તેને સંતાનમાં પુત્ર થયો. તેનું નામ મન્સૂર અલી ખાન પટૌડી. એ પટૌડી ખાનદાનના નવાબ તો બન્યા, સાથે સારા ક્રિકેટર પણ બન્યા. પિતા ઈફ્તિખારની સાથે સાથે માતા સાજિદાની વારસાઈ મિલકત પણ મન્સૂર અલી ખાનને મળી. મન્સૂર અલી ખાને અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા. બંનેએ સૈફ અલી ખાનને જન્મ આપ્યો, એટલે સૈફ અલી ખાન તેના નાની સાજિદાની મિલકતનો વારસ બન્યો, પણ કેન્દ્ર સરકારે એવી દલીલ કરી છે કે ભોપાલના છેલ્લા નવાબ તેની મોટી દીકરી સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા એટલે તેમની તમામ સંપત્તિ ‘શત્રુ સંપત્તિ’ ગણાય. આ સંપત્તિની અત્યારે માર્કેટ વેલ્યુ 15,000 કરોડ રૂપિયા છે.
ભોપાલ અને રાયસેનમાં કઈ કઈ સંપત્તિ છે?
- ફ્લેગ સ્ટાફ હાઉસ
- નૂર-ઉસ-સબા પેલેસ
- દાર-ઉસ-સલામ
- હબીબી બંગલો
- અમદાવાદ પેલેસ
- કોહેફિઝા
(આમાંથી ફ્લેગ સ્ટાફ હાઉસમાં સૈફ અલી ખાનનું બાળપણ વીત્યું હતું)
સાત કિલોમીટરમાં ફેલાયેલી છે સંપત્તિ, પટૌડીની જમીન પર અનેક મકાનો ભોપાલના કોહેફિઝાથી લઈ ચિકલોડ સુધી સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના નામની સંપત્તિ ફેલાયેલી છે. આ વિસ્તાર સાત કિલોમીટર જેટલો થાય છે. એમાં પેલેસ, બંગલા, જમીનો છે. પટૌડી પરિવારની માલિકીની લગભગ 100 એકર જમીન પર મકાન બંધાઈ ગયાં છે અને એમાં દોઢ લાખ લોકો રહે છે. ભોપાલ રજવાડાની ઐતિહાસિક સંપત્તિઓ પર 2015થી સ્ટે ચાલી રહ્યો હતો, જે હવે હટાવી લીધો છે. ત્યાંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે અમે વર્ષોથી આ જમીન પર રહીએ છીએ. અમે કબજો કર્યો નથી.
શત્રુ સંપત્તિ એટલે એનિમી પ્રોપર્ટી શું હોય છે? 1947માં ભાગલા વખતે જે લોકો ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા, પણ તેમની મિલકતો ભારતમાં રહી ગઈ હતી એને શત્રુ સંપત્તિ કહેવાય છે. આ શત્રુ સંપત્તિ પર સરકાર પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે અને મિલકત જપ્ત કરી લે છે. આવી મિલકતો માટે સરકારે 1968માં એક કાયદો પણ બનાવ્યો હતો. સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલની મિલકતો પણ શત્રુ સંપત્તિ કેટેગરીમાં આવે છે, કારણ કે જેની સંપત્તિ હતી તે નવાબ મોટી દીકરી આબિદા સાથે પાકિસ્તાન ચાલ્યા હતા.
મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ કેસમાં શું કહ્યું? જ્યારે કેન્દ્રની મોદી સરકારે ભોપાલની પ્રોપર્ટીને શત્રુ સંપત્તિ ગણાવી હતી. આ પછી 2015માં પટૌડી પરિવારને પણ નોટિસ આપવામાં આવી હતી. એના જવાબમાં સૈફ અલી ખાને આ નોટિસને હાઇકોર્ટમાં પડકારી હતી અને સંપત્તિ જપ્ત કરવા સામે સ્ટે મેળવ્યો હતો. સૈફ અલી ખાન અને તેની માતા શર્મિલા ટાગોરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને પોતાનો વારસાઈ માલિકી હક હોવાના પુરાવા આપ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે દસ વર્ષ પછી આ સ્ટે હટાવી દીધો છે.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, 2024માં 13 ડિસેમ્બરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જસ્ટિસ વિવેક અગ્રવાલની બેન્ચે સૈફની અરજી ફગાવી દીધી હતી અને તેને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ સૈફ અલી ખાન કે તેના પરિવારના કોઈપણ સભ્યએ હજુ સુધી આ કાર્યવાહી કરી નથી. જોકે સૈફ પરિવાર પાસે હજુ પણ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવાનો વિકલ્પ છે. ભોપાલ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે આ મામલે હાઈકોર્ટનો આદેશ સ્પષ્ટ થયા પછી જ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.
એ કેસ, જેના કારણે મોદી સરકારે ‘શત્રુ સંપત્તિ’માં બદલાવ કર્યો ભારત સરકારે 1968માં શત્રુ સંપત્તિ કાયદો બનાવ્યો. એમાં ઉલ્લેખ હતો કે સંપત્તિની દેખભાળ વારસ કરી શકશે, પણ માલિકી હક નહીં રહે. સંપત્તિ સરકાર હસ્તક આવી જાય પછી વારસનો કોઈ હક નથી રહેતો. એ વખતે કાયદામાં કોઈ સ્પષ્ટતા નહોતી એટલે ઘણા કેસ કોર્ટમાં પહોંચ્યા. એમાંનો એક કેસ મહેમુદાબાદ અને તેના વારસનો કેસ હતો. આ કેસ ઘણો રસપ્રદ છે. કેસ એવો છે કે રાજા મોહમ્મદ આમિર મોહમ્મદ ખાન નામના શખસે 40 વર્ષથી વધારે સમય સુધી પોતાની વારસાઈ મિલકત માટે લડત આપી હતી. તેનો સંબંધ યુપીના સીતાપુર સાથે છે. અહીં એક સમયે તેમના પૂર્વજોના રજવાડા હતા. એ રજવાડાને મહેમુદાબાદ રજવાડું કહેવાતું. આજે પણ મોહમ્મદ આમિર મોહમ્મદ ખાનને ‘રાજા મહેમુદાબાદ’ તરીકે જ ઓળખવામાં આવે છે.
આઝાદી વખતે ભાગલા થયા ત્યારે તેમના પિતા મોહમ્મદ આમિર ખાન ઈરાક ચાલ્યા ગયા અને પછી તેણે 1957માં પાકિસ્તાનની નાગરિકતા લઈ લીધી હતી, પણ દીકરા મોહમ્મદ ખાન ભારતમાં જ રહ્યા. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં યુદ્ધ થયું ત્યારે સરકારે રાજા મહેમુદાબાદની સંપત્તિને શત્રુ સંપત્તિ જાહેર કરી દીધી. તેમની સંપત્તિ અતિભવ્ય અને વિશાળ હતી. સીતાપુર, લખનઉ, નૈનિતાલમાં ફેલાયેલી હતી. રાજા મહેમુદાબાદ કોર્ટમાં ગયા. ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈને મળીને પોતાની વાત મૂકી, પણ કોઈ પરિણામ ન આવ્યું. થોડા સમય પછી કોર્ટનો આદેશ આવ્યો. પહેલા બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રાજા મહેમુદાબાદના હકમાં નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે રાજા ભારતના નાગરિક છે અને કોઈપણ દૃષ્ટિએ ભારતના શત્રુ નથી, એટલે તેમને તેમની તમામ સંપત્તિ પાછી આપવામાં આવે.
પણ વાત અહીંથી અટકતી નથી. ભારત સરકારને લાગ્યું કે સુપ્રીમ કોર્ટ આવા જ નિર્ણય આપશે તો તમામ કેસમાં સરકારના હાથમાંથી સંપત્તિઓ સરકી જશે. સરકારે વિચાર્યું કે 1968ના કાયદામાં સુધારા કરવા પડશે. 17 માર્ચ 2017ના દિવસે કાયદામાં નવા સુધારા સાથેનું બિલ પાસ થઈ ગયું. નવા કાયદા મુજબ એનિમી પ્રોપર્ટીની વ્યાખ્યા બદલાઈ ગઈ. ભારતના નાગરિક હોય, પણ તેને એવી સંપત્તિ વારસામાં મળી છે, જે કોઈ પાકિસ્તાનીના નામે છે એ પણ શત્રુ સંપત્તિ છે. એવું કાયદામાં ઉમેરવામાં આવ્યું. આ સંશોધન બિલે સરકારને આવી પ્રોપર્ટી વેચવાનો અધિકાર પણ આપી દીધો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પાછી આપેલી રાજા મહેમુદાબાદની તમામ સંપત્તિ ભારત સરકાર પાસે ચાલી ગઈ.
શત્રુ સંપત્તિના કાયદામાં જે સુધારા થયા એ આ પ્રમાણે છે
- કસ્ટોડિયનને આવી પ્રોપર્ટીના માલિક માની લેવામાં આવ્યા. આ 1968થી જ અમલમાં હતું એ રદ થાય છે.
- ભારતીય નાગરિક શત્રુ સંપત્તિ કોઈને વારસામાં આપી શકે નહીં.
- અત્યારસુધીમાં આવી સંપત્તિઓ વેચાઈ હોય એને ગેરકાયદે ગણાશે
- શત્રુ સંપત્તિના કેસમાં દીવાની અદાલતોને સુનાવણી કરવાનો હક નહીં રહે.
- આવા કેસની સુનાવણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ થઈ શકશે.
એટલે ભારતના કોઈ નાગરિકે આવી સંપત્તિ ખરીદી હશે તો એને પણ સરકાર લઈ લેશે. ભારત સરકારે અત્યારસુધીમાં 10 હજારથી વધારે આવી સંપત્તિઓની ઓળખ કરી છે, જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની નાગરિકોનાં નામ છે. એમાંથી કેટલીક સંપત્તિ ભારત સરકાર વેચવા જઈ રહી છે. વધારે વેચાણ એ શેરનું થશે, જે શત્રુ સંપત્તિ હેઠળની કંપનીઓની છે. આવી કુલ 996 કંપની છે, તેમાંથી માત્ર 588 સક્રિય છે. આ તમામ 996 કંપનીમાં કુલ 20,323 શેરધારક છે. એના 6,50,75,877 શેર CEPI (કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયા)ના કબજામાં છે. મોદી સરકાર આ શેરને વેચીને ત્રણ હજાર કરોડ રૂપિયા ભેગા કરશે.
સૈફ અલી ખાન પાસે બીજી કઈ કઈ પ્રોપર્ટી છે?
- હરિયાણાના ગુરુગ્રામમાં પટૌડી પેલેસ
- પટૌડી પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા છે
- બાંદરામાં બે આલીશાન બંગલા
- બાંદરામાં સત્તગુરુ શરણ એપાર્ટમેન્ટમાં ચાર માળ
- બાંદરામાં ફોર્ચ્યુન હાઈટ્સમાં 50 કરોડનો ફ્લેટ
- સ્વિટ્ઝર્લેન્ડમાં 33 કરોડનો બંગલો
- 9 કરોડની લક્ઝુરિયસ ગાડીઓ
છેલ્લે, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સૈફ અલી ટીપટોપ થઈને ચાલીને હોસ્પિટલની બહાર આવ્યો હતો અને ઘરે પણ કારમાંથી ઊતરીને ગયો હતો. આ પછી એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમે નિવેદન આપ્યું હતું કે સૈફની પીઠમાં અઢી ઈંચનો ચાકુનો કટકો ફસાયો હતો. 6 કલાક સર્જરી ચાલી. 16 જાન્યુઆરીએ દાખલ થયો. 21 જાન્યુઆરીએ રજા આપી. પાંચ દિવસમાં તે આટલો ફિટ કેવી રીતે છે? કમાલ છે!! મજાની વાત એ છે કે શિંદે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છે અને તેના જ નેતાએ આ સવાલ ઉઠાવ્યો છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ – યશપાલ બક્ષી)