10 ઓગસ્ટ, 2023ના દિવસે ગૃહમાં વડાપ્રધાન મોદીનું ભાષણ હતું. વિપક્ષે વોકઆઉટ કર્યા પછી મોદી મણિપુર મુદ્દે બોલ્યા હતા. એ વખતે મોદીએ 2 કલાક 13 મિનિટ ભાષણ આપ્યું ને તેમાં 2 મિનિટ માટે મણિપુરની વાત કરી.
.
3 જુલાઈ, 2024ના દિવસે ગૃહમાં વડાપ્રધાન મોદીનું ભાષણ હતું. આ વખતે પણ વિપક્ષે વોકઆઉટ કર્યા પછી મોદી મણિપુર મુદ્દે બોલ્યા. બુધવારે મોદીએ 1 કલાક 50 મિનિટની સ્પીચ આપી હતી ને તેમાં બે મિનિટ નોર્થ ઈસ્ટની સ્થિતિ વિશે અને 6 મિનિટ મણિપુરની વાત કરી. ફર્ક એટલો હતો કે ગયા વર્ષે લોકસભા હતી, આ વખતે રાજ્યસભામાં મોદી બોલ્યા. સામ્ય એ હતું કે બંને વખતે વિપક્ષે વોકઆઉટ કર્યા પછી જ મોદી બોલ્યા.
બંને સ્પીચમાં મોદીએ આશ્વાસન આપ્યું કે, ધીરજ રાખો- મણિપુરમાં શાંતિ ચોક્કસ સ્થપાશે…
નમસ્કાર,
બુધવારે મોદી રાજ્યસભામાં બોલ્યા તેમાં બે મુદ્દા ધ્યાન ખેંચે તેવા હતા. એક, મણિપુરનો મુદ્દો હતો અને બીજો સરકારી એજન્સીઓના દુરુપયોગનો હતો. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં વિપક્ષ મજબૂતીથી સત્તા પક્ષ પાસે જવાબ માગે છે અને મોદીએ રાજ્યસભામાં જવાબો આપવા પડ્યા હતા. વચ્ચે એક આડ વાત, મંગળવારે લોકસભામાં મોદી 2 કલાક 12 મિનિટ બોલ્યા હતા અને વિપક્ષોએ સતત પહેલેથી છેલ્લે સુધી મણિપુર…મણિપુર…ના નારા લગાવ્યા હતા.
મોદીએ રાજ્યસભામાં મણિપુર વિશે શું કહ્યું?
મોદીએ નોર્થ ઈસ્ટની પરિસ્થિતિની વાત કરીને મણિપુર મુદ્દો જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે, ગયા વર્ષના સત્રમાં મેં મણિપુર વિશે વિગતવાર કહ્યું હતું, આજે હું ફરી કહી રહ્યો છું. સરકાર ત્યાં સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં 11 હજારથી વધુ FIR દાખલ કરવામાં આવી છે, 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ પણ સ્વીકારવું પડશે કે મણિપુરમાં હિંસક ઘટનાઓ સતત ઘટી રહી છે. આજે મણિપુરના મોટાભાગના વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, ઓફિસો અને અન્ય સંસ્થાઓ રાબેતા મુજબ ચાલી રહ્યા છે. મણિપુરમાં પણ પરીક્ષાઓ યોજાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક સાથે સંવાદ કરીને, સંગઠનોને મનાવીને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરે છે.
ગૃહમંત્રી પોતે કેટલાય દિવસો સુધી ત્યાં રોકાયા હતા. ગૃહ રાજ્યમંત્રી અઠવાડિયાઓ સુધી ત્યાં રહ્યા અને લોકોને જોડવાનું કામ કર્યું. સરકારની સાથે-સાથે અધિકારીઓ પણ ત્યાં જઈને પ્રયાસો કરી રહ્યા છે, હાલમાં મણિપુરમાં પૂરનું સંકટ છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપી રહી છે. આજે જ NDRFની બે ટીમો ત્યાં પહોંચી ગઈ છે.
મોદીએ કહ્યું, કોંગ્રેસના વખતમાં મણિપુર સળગતું હતું
રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે મણિપુરનો ઈતિહાસ જાણે છે તેમને ખબર છે કે ત્યાં સામાજિક સંઘર્ષનો ઈતિહાસ રહ્યો છે. આ કારણોસર મણિપુરમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું. હું આ ગૃહમાં દેશને કહેવા માંગુ છું કે 1993માં મણિપુરમાં આવી જ ઘટનાઓ બની હતી જે 5 વર્ષ સુધી ચાલુ રહી હતી. આપણે આ ઈતિહાસને સમજીને પરિસ્થિતિઓને સુધારવી પડશે. આપણે બધાએ રાજકારણથી ઉપર ઊઠીને ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. જે પણ તત્વો મણિપુરની આગમાં ઘી હોમી રહ્યા છે તે બંધ કરે. એક સમય એવો આવશે જ્યારે મણિપુર તેમને રિજેક્ટ કરશે.
AAPની ફરિયાદ કોંગ્રેસ કરે, કાર્યવાહી થાય તો ગાળો મોદીને પડે !!
સરકારી એજન્સીઓના દુરુપયોગના વિપક્ષ દ્વારા અવાર નવાર થતા આક્ષેપોનો જવાબ વડાપ્રધાને આપી દીધો હતો. તેમણે કહ્યું કે, જેમને સજા થઈ છે તેમની સાથે કોંગ્રેસના લોકો ફોટા પડાવે છે. પહેલાં એવું કહે છે કે, તમે ભ્રષ્ટાચારીઓને સજા નથી કરતા. હવે જ્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં જાય છે ત્યારે એ લોકો હંગામો મચાવે છે. ભ્રષ્ટાચાર કરે AAP. દારૂનું કૌભાંડ કરે AAP. બાળકોના કામમાં કૌભાંડો કરે AAP. પછી AAPની ફરિયાદ કરે કોંગ્રેસ. AAPને કોર્ટમાં લઈ જાય કોંગ્રેસ. અને કાર્યવાહી થાય તો ગાળ મોદીને પડે. હવે તમે સાથીદાર બની ગયા છો. સંસદમાં ઊભા થઈને જવાબ માંગો.
કોંગ્રેસના શહેઝાદા કેરળના જ મુખ્યમંત્રીને જેલમાં મોકલવાની અપીલ કરે છે
વડાપ્રધાને કોંગ્રેસ અને રાહુલ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આપના કૌભાંડોના પુરાવા દેશ સમક્ષ રજૂ કર્યા હતા. હવે તેઓ જણાવે કે એ પુરાવા સાચા હતા કે ખોટા. હું જાણું છું કે તેની પાસે આવી વાતોનો જવાબ આપવાની હિંમત નથી. આ લોકો દિલ્હીમાં એક મંચ પર બેસીને તપાસ એજન્સીઓ પર આરોપ લગાવે છે. કોંગ્રેસના શહેઝાદા કેરળના જ મુખ્યમંત્રીને જેલમાં મોકલવાની અપીલ કરે છે. દિલ્હીમાં ED-CBI પર હોબાળો મચાવ્યા કરે છે અને શહેઝાદા આ જ એજન્સીઓ પાસે અપેક્ષા રાખે છે કે તે કેરળના સીએમને જેલમાં મોકલે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસના સીએમ સાથે દારૂનું કૌભાંડ જોડાયેલું હતું, ત્યારે AAPના લોકો ED-CBI તપાસની માંગણી કરતા હતા.
મોદીએ સીબીઆઈ સંદર્ભના ત્રણ ક્વોટ ટાંક્યા
મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, સીબીઆઈ, ઈડી કે ઈન્કમટેક્સનો દુરુપયોગ કોણ કરે છે, તેના ત્રણ ક્વોટ વાંચું છું. એટલે તમને સમજાઈ જશે કે આ એજન્સીઓનો દુરુપયોગ અમારી સરકારે નહીં પણ યુપીએની સરકારે કર્યો હતો. આ ક્વોટ 2013ની સાલના છે.
1. કોંગ્રેસ સામે લડવું સરળ નથી. તે તમને જેલમાં નાખશે. સીબીઆઈને તમારી પાછળ રાખશે. આ નિવેદન 2013માં મુલાયમ સિંહે આપ્યું હતું. હું રામ ગોપાલ જીને પૂછવા માંગુ છું કે શું નેતાજી ક્યારેય ખોટું બોલતા હતા? રામ ગોપાલજીના ભત્રીજાને પણ યાદ અપાવું છું કે તે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તરત જ તેમની પાછળ સીબીઆઈ પડી ગઈ હતી.
2. પ્રકાશ કરાતે પણ 2013માં કહ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીઓને દબાવવા માટે કોંગ્રેસ સીબીઆઈનો દુરુપયોગ કરે છે.
3. સીબીઆઈ પીંજરે મેં બંધ તોતા હૈ. જો માલિક કી આવાઝ મેં બોલતા હૈ. આ દેશની સુપ્રીમ કોર્ટે યુપીએ સરકાર વખતે આપેલું સ્ટેટમેન્ટ હતું.
હું ખચકાટ વિના કહેવા માંગુ છું કે મેં એજન્સીઓને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા માટે છૂટોદોર આપી દીધો છે. સરકાર ક્યાંય પણ ખચકાશે નહીં. કોઈ ભ્રષ્ટાચારી બચશે નહીં, આ મોદીની ગેરંટી છે.
લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીએ નીટ મુદ્દે જવાબ આપ્યો
લોકસભામાં મંગળવારે નીટ પેપર લીક મુદ્દે જવાબ આપ્યા પછી રાજ્યસભામાં પણ નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, પેપર લીક એક મોટી સમસ્યા છે. મારી ઈચ્છા હતી કે તમામ પક્ષોએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. પરંતુ તેમણે આ મુદ્દાને પણ રાજનીતિનો રંગ આપ્યો. હું દેશના યુવાનોને ખાતરી આપું છું કે આ સરકાર તમને છેતરનારાઓને છોડશે નહીં. તેમને કડક સજા મળશે, તેથી જ એક પછી એક કાર્યવાહી થઈ રહી છે. અમે આ માટે કડક કાયદો બનાવ્યો છે. યુવાનોને કોઈ શંકા ન રહે તે માટે અમે નવેસરથી સિસ્ટમ બનાવી રહ્યા છીએ.
મોદીએ તેમના અસલી મિજાજમાં કહ્યું કે આ ચૂંટણી પરિણામોથી સ્ટોક માર્કેટમાં ઉછાળો છે જ પણ દુનિયામાં ઉમંગ, આનંદનો મોહાલ છે. પણ આ વચ્ચે કોંગ્રેસના લોકો પણ ખુશીમાં મગન છે. હું સમજી શકતો નથી કે તેનું કારણ શું છે. આ ખુશી હારની હેટ્રીક પર છે? શું આ ખુશી નર્વસ 90ના શિકાર પર છે? કે આ ખુશી વધુ એક અસફળ લોન્ચની છે?
વિપક્ષના વોકઆઉટ પછી ધનખડ અને મોદી શું બોલ્યા?
રાજ્યસભામાંથી આજે વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિતનાએ મોદીની સ્પીચ શરૂ થયાના 32 મિનિટ પછી વોકઆઉટ કર્યો હતો. વોકઆઉટ પછી ધનખડ અને મોદીએ કટાક્ષ કર્યા હતા. રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે કહ્યું કે, પ્રતિપક્ષના નેતા સદન છોડીને નથી ગયા તે મર્યાદા છોડીને ગયા છે. તેણે મને પીઠ નથી બતાવી, સંવિધાનને પીઠ બતાવી છે. શપથનો અનાદર કર્યો છે. સંવિધાનની અપમાનિત વાત આનાથી મોટી ન હોઈ શકે. મોદીએ કહ્યું કે, ચૂંટણીમાં દેશવાસીઓના નિર્ણયને પચાવી શકતા નથી. કાલે લોકસભામાં બધી યોજના ફેઈલ થઈ ગઈ. એટલે આજે તે મેદાન છોડીને ભાગી ગયા.
2023ની લોકસભામાં મણિપુર વિશે મોદી શું બોલ્યા હતા?
10 ઓગસ્ટ, 2023ના દિવસે નરેન્દ્ર મોદી સ્પીચ આપી રહ્યા હતા ત્યારે પણ વિપક્ષ વોકઆઉટ કરી ગયો હતો. એ પછી તેમણે મણિપુર પર જવાબ આપ્યો હતો. એ વખતે મોદીએ કહ્યું હતું કે, મણિપુરમાં કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો, એ આપણે જાણીએ છીએ. તેના પક્ષ-વિપક્ષમાં જે પરિસ્થિતિઓ બની, હિંસાનો દૌર શરૂ થયો, પરિવારોએ તેમના નજીકનાને અને પ્રિયજનોને ગુમાવ્યા, મહિલાઓ સાથે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા, આ અક્ષમ્ય છે. કેન્દ્ર અને રાજ્યો પીડિતોને ન્યાય અપાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓને આશ્વાસન આપવા માગું છું કે જે પ્રયાસો થઈ રહ્યા છે તેના કારણે નજીકના ભવિષ્યમાં શાંતિનો સૂરજ ચોક્કસપણે ઊગશે. મણિપુર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. હું મણિપુરના લોકોને, દીકરીઓ-માતાઓ-બહેનોને પણ કહેવા માગું છું કે દેશ મણિપુરની સાથે છે. આપણે સાથે મળીને આ પડકારનો ઉકેલ શોધીશું, ચોક્કસ ત્યાં શાંતિ સ્થાપિત થશે.એમાં કોઈ કમી નહીં રહે. નોર્થ-ઈસ્ટ મેરે જિગર કા ટુકડા હૈ…
છેલ્લે,
યુપીના હાથરસમાં ભાગદોડની ઘટનામાં પોલીસ ફરિયાદ તો થઈ પણ આશ્ચર્યની વાત એ છે કે, જેનો સત્સંગ હતો તે ભોલે બાબાનું નામ FIRમાં નથી. તે ફરાર છે. યુપીમાં અત્યારે બુલડોઝર બાબા, ભોલે બાબાને શોધી રહ્યા છે..!!
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ: યશપાલ બક્ષી)