નીટ પેપર લીકનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે. NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પણ અઘરી ટેસ્ટ લેવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલાં NTAની ઝાટકણી કાઢી હતી ને સરકારને કહ્યું હતું કે 0.001% પણ ભૂલ હોય તોય પગલાં લો, છેતરપિંડીથી ડૉક્ટર બને
.
નમસ્કાર
જે રીતે દેશભરમાં નીટની પરીક્ષાનાં કૌભાંડ બહાર આવતાં જાય છે એ જોતાં સ્પષ્ટ રીતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી શંકાના ઘેરામાં છે. જ્યાં ‘વહીવટ’ની શંકા હોય ત્યાં અગાઉની ભાજપ સરકારે ED નામનું હથિયાર ઉગામ્યું છે. હવે તો દેશના 24 લાખ અને ગુજરાતના 86 હજાર મેડિકલ સ્ટુડન્ટનાં ભવિષ્યનો સવાલ છે. શું નવી મોદી સરકાર એનટીએ સામે EDને મેદાનમાં ઉતારશે? રાહુલ ગાંધીએ પણ ભાજપશાસિત રાજ્યો- મધ્યપ્રદેશ અને ગુજરાત પર નિશાન સાધીને કહ્યું હતું કે પેપર લીકના જે કાંડ થાય છે એ આ બે રાજ્યમાંથી જ શરૂ થાય છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 20 જૂને શું કહ્યું?
ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નીટ-UG કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરી ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ પણ રદ કરવામાં આવશે. આ પહેલાં 11 જૂને પણ સુપ્રીમ કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા રદ કરવાની માગ કરતી નવી અરજી પર પણ સુનાવણી થઈ હતી. આ અરજી 49 વિદ્યાર્થી અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. અરજીકર્તાઓએ પરીક્ષામાં 620થી વધુ અંક મેળવનારા વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ અને તેની ફોરેન્સિક તપાસની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, કોલકાતા અને બોમ્બે હાઈકોર્ટમાં નીટ-UG કેસમાં દાખલ અરજીઓને ક્લબ કરી દીધી છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે જે ચાર પોઈન્ટ કહ્યા એ આ રહ્યા-
- 6 જુલાઈથી થનારા કાઉન્સેલિંગ પર પ્રતિબંધ નહીં.
- 23 જૂને રી-એક્ઝામ થશે, એને રોકાશે નહીં
- વિવાદ સાથે જોડાયેલી તમામ અરજી પર 8 જુલાઈએ સુનાવણી
- છેલ્લી સુનાવણીમાં પરીક્ષા કેન્સલ થશે તો કાઉન્સેલિંગ પણ કેન્સલ થઈ જશે.
શું છે આખો બનાવ ?
5 મેના રોજ નીટનું પેપર હતું. આના 41 દિવસ પહેલાં 24 માર્ચ 2024ના રોજ એક વીડિયો સામે આવ્યો. વીડિયોમાં સફેદ કપડાંથી ચહેરો છુપાવીને એક વ્યક્તિ કહે છે કે નીટનું પેપર લીક થઈ જશે. જેલમાંથી આની તૈયારીઓ ચાલી રહી છે. આ દાવો કરનાર વિજેન્દ્ર ગુપ્તા હતો. વિજેન્દ્ર પર બિહાર શિક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક કરવાનો આરોપ છે. નીટ પેપર લીક થવાનો દાવો કરીને વિજેન્દ્ર ગુપ્તા બિહારની દાનાપુર પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. વીડિયોમાં વિજેન્દ્રએ જેલમાં બંધ વિશાલ ચૌરસિયા, તેના નજીકના સાથી અજિત અને અજય ચૌહાણનાં નામ લીધાં હતાં. કોલકાતાની એક પ્રિન્ટિંગ પ્રેસ કંપનીના ડાયરેક્ટરનું નામ લેતાં તેણે કહ્યું હતું કે તેની સાથે ગોઠવણ કરીને ઘણાં પેપર લીક કરાવ્યાં છે. વિશાલ ચૌરસિયા પર દિલ્હી, બિહાર, યુપી અને ઓડિશામાં પેપર લીકના 10થી વધુ કેસ નોંધાયેલા છે. તે માર્ચ 2024થી જેલમાં છે.
વિજેન્દ્રએ જે નામ લીધાં, UP-STFના તપાસ રિપોર્ટમાં એ જ નામ નીકળ્યાં
વિજેન્દ્રએ વીડિયોમાં વિશાલ ચૌરસિયા, અજિત ચૌહાણ અને અજય ચૌહાણનાં નામ લીધાં હતાં. પેપર લીકની તપાસ કરી રહેલા UP-STFના આંતરિક અહેવાલમાં પણ આ જ નામ છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે સંજીવ સિંહ, તેમના પુત્ર ડૉ. શિવકુમાર ઉર્ફે બિટ્ટુ, વિશાલ ચૌરસિયા અને અજિત ચૌહાણ બિહાર શિક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક કરવામાં સામેલ હતા. આ તમામ 17-18 ફેબ્રુઆરીએ યોજાયેલી યુપી પોલીસ ભરતી પરીક્ષાના પેપર લીક કરવામાં રવિ અત્રી અને રાજીવ નયન મિશ્રાની સાથે પણ હતા. 18 એપ્રિલ, 2024ના રોજ UP-STFએ અજિત અને અજય ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસને આપેલા નિવેદનમાં બંનેએ કબૂલાત કરી હતી કે આ લોકોએ 2018માં યુપી એલટી ગ્રેડ શિક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક કર્યું હતું. પ્રિન્ટિંગ પ્રેસ બ્લેસિંગ સિક્યોર પ્રાઇવેટ લિમિટેડના માલિક પણ આમાં સામેલ હતા. UP-STFના રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે વિજેન્દ્ર સિંહના દાવાઓ પોલીસ તપાસ રિપોર્ટમાં પણ છે.
નીટ પેપર લીકના છેડા બિહારમાં નીકળ્યા, એન્જિનિયરે ડોક્ટરનાં પેપર લીક કરાવ્યાં
આ પેપર લીક થયા તેના છેડા બિહારમાં નીકળ્યા હતા. બિહાર પોલીસે નીટ પેપર લીક મામલે સમસ્તીપુરના સિકંદર યાદવેન્દુની ધરપકડ કરી હતી. સિકંદર જુનિયર એન્જિનિયર છે. તેના ગ્રીન સિગ્નલ પછી જ નીટ પેપર લીક થયાનું બહાર આવ્યું હતું. એની માહિતીના આધારે અન્ય આરોપીઓ અને પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. એની સાથે નીતિશ નામના યુવાનની પણ ધરપકડ કરાઈ હતી. આ સિકંદરે પેપર લીક કરવાનું કામ અનુરાગ યાદવ નામની વ્યક્તિને આપ્યું હતું. સિકંદર યાદવેન્દુએ અનુરાગ યાદવ માટે NHAIના ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો. ગેસ્ટહાઉસના રેકોર્ડમાં અનુરાગ યાદવના નામે રૂમ બુક છે. એવું પણ લખ્યું છે કે ‘મિનિસ્ટરજી’ અને લેટર નંબર 440. મંત્રી કોણ છે એ હજુ સ્પષ્ટ થયું નથી. માનવામાં આવે છે કે સિકંદર યાદવેન્દુની પહોંચ મંત્રી સુધી છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રીએ ઘટસ્ફોટ કર્યો, છાંટા તેજસ્વી યાદવને ઊડ્યાં
ગુરુવારે બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ દાવો કર્યો છે કે આ કેસના તાર તેજસ્વી યાદવ સાથે જોડાયેલા છે. જેમની પાસેથી પૈસા લીધા હતા તે ઉમેદવારો જે ગેસ્ટહાઉસમાં રોકાયા હતા એ રૂમ તેજસ્વીના પીએસ પ્રીતમે બુક કરાવ્યો હતો. ગેસ્ટહાઉસના એન્ટ્રી રજિસ્ટરમાં અનુરાગ યાદવનું નામ છે. એની બાજુમાં મંત્રીજી લખેલું છે. વિજય સિન્હાનો દાવો છે કે આ મંત્રીજી તેજસ્વી યાદવ માટે લખવામાં આવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું હતું કે 1 મેના રોજ તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે ગેસ્ટહાઉસના કર્મચારી પ્રદીપ કુમારને ફોન કર્યો અને સિકંદર કુમાર યાદવેન્દુ માટે રૂમ બુક કરવા કહ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું, એજ્યુકેશન સિસ્ટમ પર ભાજપની માતૃસંસ્થાનો કબજો
નીટ પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી અને કહ્યું, ‘ભારત જોડો યાત્રા દરમિયાન હજારો યુવાનોએ પેપર લીકની ફરિયાદ કરી હતી. હવે નીટ પેપરમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને એક પેપર રદ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો હતા કે પીએમ મોદીએ ફોન કરીને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. ગાઝા અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ પણ એક ફોન કરીને અટકાવ્યું હતું. કેટલાંક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી અથવા એને રોકવા માગતા નથી. રાહુલે કહ્યું, ‘પેપર લીક થવા પાછળનું કારણ એ છે કે એજ્યુકેશન સિસ્ટમ પર ભાજપની માતૃ સંસ્થાએ કબજો જમાવ્યો છે. જ્યાં સુધી એને પલટાવવામાં નહીં આવે ત્યાં સુધી પેપર લીક ચાલુ રહેશે. મોદીજીએ આવું થવા દીધું છે, જે દેશવિરોધી પ્રવૃત્તિ છે.
ગુજરાતમાં કેવી રીતે નીટકૌભાંડ ઝડપાયું?
પંચમહાલ જિલ્લા કલેક્ટરને બાતમી મળી હતી કે ગોધરાના કેન્દ્ર જય જલારામ સેન્ટર પર નીટની પરીક્ષામાં પેપર લીક કરીને ચોરી કરાવાનો પ્લાન સેટ છે. આ બાતમીના આધારે નીટ પરીક્ષાના કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા ચેકિંગ કરાયું હતું. એ વખતે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીને ચોરી કરાવી એક વિદ્યાર્થીદીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં શાળાના શિક્ષક તુષાર ભટ્ટની મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું. તુષાર ભટ્ટે આ સોદો વડોદરામાં નીટના ક્લાસીસ ચલાવતા પરશુરામ રોય સાથે કર્યો હતો. પોલીસે રોય અને તેના સાથીને ઝડપી પાડ્યા હતા, પણ તુષાર ભટ્ટ ભાગી ગયો હતો. એ પછીથી તે તેના સાથી આરિફ વોરા સાથે રાજસ્થાનના બાંસવાડાથી ઝડપાઈ ગયો હતો. પોલીસે તુષાર ભટ્ટ, પરશુરામ રોય, આરિફ વોરા, વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્માની ધરપકડ કરી હતી. હાલ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
શિક્ષણમંત્રીએ જ સ્વીકારી લીધું કે અમારા જ ફૂટેલા છે
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે નીટ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે. નીટનાં પરિણામોમાં કેટલીક અનિયમિતતાઓ હતી. આમાં સંડોવાયેલા કોઈપણ વરિષ્ઠ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. તેમણે સ્વીકાર્યું હતું કે પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારાની જરૂર છે.
નીટ-UG શું છે?
નીટ-UG એટલે કે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ એ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે. નીટ પરીક્ષા મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે, જે વિદ્યાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ દેશની સૌથી મોટી પરીક્ષા છે. નીટ પરીક્ષા પાસ કરો પછી, ભારત અને રશિયા, યુક્રેન સહિત અન્ય કેટલાક દેશોમાં એમબીબીએસ, બીડીએસ અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઉપલબ્ધ છે. નીટ-UG નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા હાથ ધરવામાં આવે છે.
પરિણામ પછી કેમ થયો વિવાદ?
નીટના માહિતી બુલેટિનમાં ગ્રેસ માર્કિંગનો કોઈ ઉલ્લેખ નથી. NTA એ પણ પરિણામ જાહેર કરતી વખતે આ માહિતી આપી નથી. પરિણામ આવ્યા પછી ઉમેદવારોએ પ્રશ્નો ઉઠાવ્યા, પછી NTAએ કહ્યું હતું કે પરીક્ષામાં ‘ઓછા સમય’ના કારણે, કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. NTAએ કઈ ફોર્મ્યુલા હેઠળ ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા એ વિશે કંઈ જણાવ્યું નહીં. જોકે વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો, NTAએ 13 જૂને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારનાં સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે. 23 જૂનના રોજ ફરીથી પરીક્ષા લેવામાં આવશે. પરિણામ 30મી જૂને આવશે. પરીક્ષામાં બેસવા માગતા ન હોય તેવા વિદ્યાર્થીઓના માર્ક્સમાંથી ગ્રેસ માર્ક્સ બાદ કરીને અંતિમ સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં 4 પિટિશન, જાણો અત્યારસુધી એમાં શું થયું
પહેલી: વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીએ પરિણામની જાહેરાત પહેલાં 1 જૂનના રોજ અરજી કરી હતી. કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની સાથે પરીક્ષા રદ કરવા અને તપાસની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.
બીજી: અરજદાર હિતેશ સિંહ કશ્યપ દ્વારા અરજી ફાઇલ કરવામાં આવી હતી. કર્ણાટક, ઓડિશા, ઝારખંડ વગેરે રાજ્યોના 26 વિદ્યાર્થીએ ગુજરાતના ગોધરામાં જય જલરામ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે 10-10 લાખ રૂપિયાની લાંચ આપી હતી. અરજીમાં પેપર લીકની સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે, જેની સુનાવણી 8મી જુલાઈએ થશે.
ત્રીજી: ફિઝિક્સવાલાના સહ-સ્થાપક અલખ પાંડેએ 1563 વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ આપવા સામે અરજી કરી હતી. સુનાવણી 13 જૂને થઈ હતી. NTAએ કહ્યું- 1563 વિદ્યાર્થીના ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓનાં પરિણામો ગ્રેસ માર્ક્સ વિના જાહેર કરવામાં આવશે. તેઓ ફરીથી પરીક્ષા આપી શકે છે.
ચોથી: 20 વિદ્યાર્થીએ આખી પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવે એવી પણ માગ કરી હતી.
નીટ પરીક્ષા વિવાદની ટાઇમ લાઇન
3 મે : પરીક્ષાના બે દિવસ પહેલાં ટ્વિટર પર નીટ-UG પેપર લીક થયું હોવાનો દાવો કરતો વીડિયો સામે આવ્યો. વીડિયોમાં માસ્ક પહેરેલી એક વ્યક્તિ કહી રહી છે કે વિશાલ ચૌરસિયા ગેંગ પેપર લીક કરી શકે છે. વિશાલ ચૌરસિયા BPSCના પેપર લીક અને ઓડિશા જુનિયર એન્જિનિયર પેપર લીક કેસમાં જેલમાં છે.
5 મે : NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ નીટ-UG પરીક્ષા લીધી, જેમાં લગભગ 24 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
6 મે : NTAએ પેપર લીકને નકારતું સત્તાવાર નિવેદન બહાર પાડ્યું.
8 મે : રાજસ્થાન, દિલ્હી અને બિહારમાં પોલીસે પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો પરથી ધરપકડ કરી.
17 મે : સુપ્રીમ કોર્ટે પરિણામ પર સ્ટે મૂકવા માટે વૈષ્ણવી યાદવની અરજી પર સુનાવણી કરી.
1 જૂન: નીટ-UG પેપર લીક અને પરીક્ષાની અનિયમિતતા સામે અરજી દાખલ કરવામાં આવી.
4 જૂન : NTAએ નિર્ધારિત તારીખના 10 દિવસ પહેલાં નીટ-UG પરિણામ જાહેર કર્યું. ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક સાથે 67 વિદ્યાર્થી ટોપર બન્યા.
8 જૂન : એક જ કેન્દ્રમાંથી 719-718 જેવા ગ્રેસ માર્ક્સવાળા છ ટોપર્સ સામે દેશભરમાં વિરોધ થયો. NTAએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને તપાસ માટે પેનલની રચના કરવાની જાહેરાત કરી.
9 જૂન : NTAની ગ્રેસ માર્ક્સ નીતિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મુકવા અને ફરીથી પરીક્ષા યોજવાની માગણી કરવામાં આવી હતી.
11 જૂન : સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો. પરીક્ષામાં ગેરરીતિઓ અંગે NTA પાસેથી બે અઠવાડિયાંમાં જવાબ માગ્યો.
12 જૂન : હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની બેંચ દ્વારા નીટ-UG પરીક્ષા વિવાદની તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે NTAને નોટિસ મોકલી.
13 જૂન : SCમાં ગ્રેસ માર્ક્સ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. NTAએ કહ્યું હતું કે 1563 ઉમેદવાર માટે 23 જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં બેસવા ન માગતા ઉમેદવારનું સ્કોર કાર્ડ ગ્રેસ માર્ક્સ વિના જારી કરવામાં આવશે. પરિણામ 30મી જૂન પહેલાં આવશે અને 6 જુલાઈથી કાઉન્સેલિંગ શરૂ થશે. NTAએ 13મી જૂને જ ફરીથી પરીક્ષા લેવાની સૂચના બહાર પાડી હતી.
14 જૂન : સુપ્રીમ કોર્ટમાં નીટ-UG વિવાદમાં CBI તપાસની માગ કરી. સુપ્રીમ કોર્ટે NTA પાસેથી બે અઠવાડિયાંમાં જવાબ માગ્યો. આ ઉપરાંત આ જ દિવસે-
• NTAએ તમામ 7 હાઈકોર્ટ કેસો SCને ટ્રાન્સફર કરવાની ભલામણ કરી.
• પોલીસે બિહાર અને ગુજરાતમાં પેપર લીકના આરોપમાં ગુનેગારની ધરપકડ કરી.
• શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિદ્યાર્થીઓ અને વાલીઓને મળ્યા.
15 જૂન : બિહારમાં EOU પેપર લીક કેસમાં 3 જિલ્લામાંથી ધરપકડ. સોલ્વર ગેંગ સાથે સંકળાયેલા 19 લોકોની ધરપકડ. વિદ્યાર્થીઓએ દેશભરમાં વિરોધ કર્યો.
16 જૂન : શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું કે NTAમાં ગેરરીતિઓ હતી. તેમણે કહ્યું હતું કે NTAમાં સુધારાની જરૂર છે અને કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે.
17 જૂન : બિહાર પોલીસના EOUએ આરોપીના નામે જારી કરાયેલા 6 પોસ્ટ-ડેટેડ ચેક જપ્ત કર્યા.
18 જૂન : ગ્રેસ માર્ક્સ સંબંધિત અરજી પર સુપ્રીમમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ મોકલીને કહ્યું હતું કે જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ. આવી સ્થિતિમાં નવેસરથી પરીક્ષા લેવી જરૂરી છે.
દેશભરની અદાલતોએ NTAનો ઊધડો લીધો
સુપ્રીમ કોર્ટ : ગ્રેસ માર્કિંગ પાછું ખેંચી લેવું જોઈએ, પરીક્ષા રદ કરવી જોઈએ અને ફરીથી પરીક્ષા લેવી જોઈએ.
જબલપુર હાઈકોર્ટ : એક સેન્ટરમાંથી 6 ઓલ ઈન્ડિયા ટોપર્સ કેવી રીતે આવ્યા એની તપાસ થવી જોઈએ.
દિલ્હી હાઈકોર્ટ : આન્સર કી ફરીથી તપાસવી જોઈએ, બિહારના પટનામાં પેપર લીકની તપાસ થવી જોઈએ
રાજસ્થાન હાઈકોર્ટ : 67 ઉમેદવારે 720માંથી 720 કેવી રીતે મેળવ્યા અને તેમાંથી 6 હરિયાણાના એક જ કેન્દ્રના હતા? શું આમાં કોઈ ગોટાળા છે? ઉત્તરપ્રદેશ હાઈકોર્ટ : NTA સામે તપાસ થવી જોઈએ, નીટ કાઉન્સેલિંગ રદ કરવું જોઈએ.
પશ્ચિમ બંગાળ હાઈકોર્ટ : હાલની માર્કિંગ સિસ્ટમમાંથી 718, 719 માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એ સ્પષ્ટ કરવું જોઈએ.
છત્તીસગઢ હાઈકોર્ટ : પરીક્ષા કેન્દ્ર પર ખોટા પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમય વેડફાયો.
છેલ્લે,
નીટ પછી બીજી પરીક્ષા પણ વિવાદમાં આવી છે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી ઇનપુટ મળ્યા હતા કે UGC-NET પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા ટ્રાન્સપેરન્ટ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને રદ કરવાનો આદેશ આપ્યો. હવે નવેસરથી પરીક્ષા લેવાશે. એની માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. કેન્દ્રએ આ કેસ CBIને તપાસ માટે સોંપ્યો છે. UGC-NET પરીક્ષા PhD એડમિશન્સ, જુનિયર રિસર્ચ ફેલોશિપ, એટલે કે JRF અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લેવામાં આવે છે, જેમાં 9 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપવાના છે.