નીટ મામલે લોકસભા અને રાજ્યસભામાં હંગામો થયો. બંને ગૃહ મુલતવી રાખવામાં આવ્યા. લોકસભામાં રાહુલ ગાંધીએ અને રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા મુદ્દે ચર્ચા કરવાનું કહેતાં જ બંને ગૃહના સ્પીકરો ભડક્યા. રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું તો
.
નમસ્કાર
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે સરકારને નીટ મામલે ચર્ચા કરવા પ્રસ્તાવ મૂક્યો પણ સરકારે ચર્ચા ન કરી. વિપક્ષની ડિમાન્ડ પર ચર્ચા થઈ ન શકે તેના સંસદીય પ્રક્રિયાના કારણે સ્પીકરે આપ્યા. પણ સરકાર ધારે તો મૌન તોડીને ચર્ચા કરી શકે. રાહુલ ગાંધીનું માઈક પહેલાં બંધ હતું, પછી જેવું શરૂ થયું ને તેમણે નીટ મામલે બોલવાનું શરૂ કર્યું તો ફરી માઈક બંધ કરી દેવાયું. આનો સીધો અર્થ એ છે કે નીટનું પેપર લિક થયું તેમાં સરકાર સીધી દોષિત છે અને એટલે જ બંને ગૃહમાં જવાબ આપવાનું ટાળ્યું હતું.
લોકસભામાં બનેલો ઘટનાક્રમ…
સવારે 11 વાગ્યે સદનની કાર્યવાહી શરૂ થઈ. થોડીવારમાં રાહુલ ગાંધી બોલવા ઊભા થયા ત્યારે તેમનું માઈક બંધ હતું. રાહુલે સ્પીકરને કહ્યું, સર માઈક તો દે દીજીએ… ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, તમને માઈક આપેલું જ છે. મારી પાસે કોઈ બટન નથી કે હું તમારું માઈક બંધ કરી શકું. રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ કર્યું તો માઈક ચાલુ થઈ ગયું હતું. રાહુલે કહ્યું, અમે ભારતના સ્ટુડન્ટ્સને જોઈન્ટ મેસેજ આપવા માગતા હતા. પક્ષ અને વિપક્ષ તરફથી, કે અમે આ મુદ્દાને જરૂરી માનીએ છીએ એટલે અમે વિચાર્યું કે આજે સ્ટુડન્ટનું માન રાખવા માટે અમે નીટ પર ચર્ચા કરીશું. રાહુલ વાત કરતા હતા ને માઈક બંધ થઈ ગયું ને વિપક્ષે હંગામો શરૂ કર્યો.
હંગામો થતાં જ સ્પીકર ઓમ બિરલા બોલ્યા કે, તમે રાષ્ટ્રપતિના અભિભાષણ વખતે મુદ્દાની ઊંડાણ પૂર્વક ચર્ચા કરી શકો છો અને સરકારે પણ તમારા મુદ્દાનો જવાબ આપવો પડશે. રાષ્ટ્રપતિ અભિભાષણ વચ્ચે ક્યારેય સ્થગન પ્રસ્તાવ લેવાતો નથી.
રાષ્ટ્રપતિએ અભિભાષણમાં પેપર લીકનો મુદ્દો કહ્યો હતો
27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભામાં અભિભાષણ આપ્યું હતું. તેમાં તેમણે વાત કરી હતી કે, હાલમાં જ કેટલીક પરીક્ષાઓના પેપર લીક થયા હતા. તેની તપાસ કરીને દોષિતોને કડક સજા અપાવવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. સંસદે પણ તેના માટે કાયદો બનાવ્યો છે. રાષ્ટ્રપતિએ અભિભાષણમાં પણ આ મુદ્દો કહ્યો હતો તો પછી વિપક્ષ અભિભાષણના મુદ્દા પર જ ચર્ચા કરવા માગતા હતા. બંને ગૃહના સ્પીકરોએ આ મુદ્દો ઓન રેકોર્ડ નથી, તેમ કહીને સદનમાં નીટની ચર્ચા થવા દીધી નહોતી.
કિરણ રિજિજૂએ ‘વાંક વગરનો વાંક’ વિપક્ષ પર ઢોળી દીધો
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ લોકસભા સ્થગિત થવા પર કોંગ્રેસની ટીકા કરી હતી. હકીકતે વિપક્ષનો વાંક હતો જ નહીં. વિપક્ષે એટલે હંગામો કર્યો કારણ કે રાહુલનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. છતાં રિજિજૂએ કહ્યું, સરકાર વતી અમે સ્પષ્ટ કર્યું છે કે જે પણ મુદ્દો ઉઠાવવામાં આવશે, અમે તેના પર સંપૂર્ણ માહિતી આપીશું. અમે ખાતરી આપીએ છીએ કે સરકાર હંમેશા ચર્ચા માટે તૈયાર છે. પરંતુ ગૃહની કાર્યવાહી અટકાવીને ગૃહનું કામકાજ થઈ શકશે નહીં. કોંગ્રેસ પક્ષનું આપવાનું વલણ સારું નથી. હું તેની નિંદા કરું છું. હું અપીલ કરું છું કે આવું ફરી ન થવું જોઈએ.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- સરકાર દરેક પ્રકારની ચર્ચા માટે તૈયાર છે
સરકાર તમામ પ્રકારની ચર્ચાઓ માટે તૈયાર છે, પરંતુ બધું પરંપરા અને મર્યાદામાં હોવું જોઈએ. જ્યારે રાષ્ટ્રપતિએ પોતે ગઈકાલે તેમના ભાષણમાં પરીક્ષા વિશે વાત કરી, ત્યારે તે જ સરકારની તૈયારી બતાવે છે કે અમે પગલાં લઈ રહ્યા છીએ. કોઈ પણ મુદ્દાનો સામનો કરવા માટે સરકાર પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા તૈયાર છે. સીબીઆઈ કોઈને બક્ષશે નહીં. સુધારા માટે હાઈ લેવલ કમિટિ પણ બનાવવામાં આવી છે, તે તમામ પરીક્ષાઓની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, હું વિપક્ષને પણ વિનંતી કરું છું કે તેઓ રાજકારણમાંથી બહાર આવે અને ચર્ચામાં જોડાય.
રાહુલે સંસદમાં જતાં પહેલાં કહ્યું- PMએ NEET પર ચર્ચા કરવી જોઈએ
બીજી તરફ, સંસદની અંદર જતાં પહેલાં રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હું પીએમને વિનંતી કરું છું કે તેઓ નીટ મુદ્દે સન્માનપૂર્વક ચર્ચા કરે. દેશના યુવાનો નર્વસ છે. તેઓ જાણતા નથી કે શું થવાનું છે. સંસદમાંથી સંદેશ આપવો જોઈએ કે સરકાર અને વિપક્ષ તેમની ચિંતાઓને લઈને સાથે છે.
શું હોય છે રાષ્ટ્રપતિના અભિભાષણના નિયમો
- લોકસભાના નિયમ 16 અને રાજ્યસભાના નિયમ 14 મુજબ અભિભાષણનો સમય બંને સદનોના અધ્યક્ષ નક્કી કરે છે.
- લોકસભાના નિયમ 17 અંતર્ગત સદનના કોઈ સદસ્ય ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરે છે, જેનું સમર્થન કોઈ બીજા સદસ્ય કરે છે.
- તેના પછી ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થાય છે. સાંસદ ધન્યવાદ પ્રસ્તાવમાં સંશોધનની માગ પણ કરી શકે છે.
- લોકસભાના નિયમ 20(1) અને રાજ્યસભાના નિયમ 18 અંતર્ગત ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવાનો અધિકાર સરકાર પાસે છે.
- વડાપ્રધાન પોતે કે કોઈ મંત્રી ચર્ચા કરે પછી જવાબ આપી શકે છે. એક મંત્રી જવાબ આપે પછી બીજા કોઈ સદસ્યને જવાબ આપવાનો અધિકાર નથી હોતો.
રાજ્યસભામાં બનેલો ઘટનાક્રમ…
અહીંયા પણ સવારે 11 વાગ્યે સદનની કાર્યવાહી શરૂ થઈ. રાજ્યસભામાં નીટ પેપર લીક પર ચર્ચા કરવા માટે સ્થગિત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. વિપક્ષે કહ્યું કે, અમને બોલવાની તક નથી મળતી. ત્યારે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે કહ્યું, 267 રાજ્યસભાના સદસ્યોને બોલવાની તક મળે છે. પણ સંસદના નિયમ મુજબ બોલવું જોઈએ અને ગૃહની મર્યાદા જાળવવી જોઈએ. માનો કે તમે કોલકત્તાની ફ્લાઈટ બૂક કરાવવા જાવ છો ને ખબર પડે છે કે તેની ટિકિટ મળતી નથી તો પણ તમે દલીલ કરો તો ટિકિટ મળી જવાની નથી. તેના જવાબમાં મલ્લિરાર્જુન ખડગે બોલ્યા, આ સ્પેશિયલ ફ્લાઈટ છે. જગદીપ ધનખડે કહ્યું કે, તમારે બેંગ્લોર જવા માટે સ્પેશિયલ ફ્લાઈટની રાહ જોવાની છે?
ખડગેએ કહ્યું, મારે રાહ જોવાની જરૂર નથી. આ વખતે સિવિલ એવિએશન મિનિસ્ટર હૈદરાબાદના જ છે, એને કહીને ફ્લાઈટ એક્સટેન્ડ કરાવી લઈશ. ખડગેએ કહ્યું, તમારી મંજૂરી લઈને, તમને મનાવીને અને તમારા દિલને સ્પર્શી જાય તેવી રીતે અમે વાત કરીશું. એટલે જ આજે 267 સાંસદો અહીંયા છે. આજે સ્ટુડન્ટ બહુ પરેશાન છે. નીટની એકઝામ વારંવાર લેવી પડે છે. સાત વર્ષમાં 70 વાર પેપર લીકની ઘટના બને છે.
ખડગેએ નીટનો ઉલ્લેખ કરતાં જ સ્પીકર ધનખડ ભડક્યા હતા ને કહ્યું કે, હું તમને આ પ્રશ્નની મંજૂરી નહીં આપું. બેસી જાવ. આ પ્રશ્ન ડ્રોપ કરી દ્યો. ઓન રેકોર્ડ નથી. રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દા હોય તેના પર જ ચર્ચા કરો.
ધનખડે રાજ્યસભામાં કહ્યું- સંસદના ઈતિહાસમાં આજનો દિવસ કલંકિત થઈ ગયો છે
રાજ્યસભામાં જેપી નડ્ડાના ભાષણ દરમિયાન સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો. બીજી તરફ અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે આ દિવસ ભારતીય સંસદના ઈતિહાસમાં કાળો દિવસ બની ગયો છે કે વિપક્ષના નેતાઓ પોતે જ વેલમાં આવી ગયા, જે પહેલાં ક્યારેય બન્યું નહોતું. હું વ્યથિત છું, મને આઘાત લાગ્યો છે કે સંસદીય પરંપરાઓ એટલી હદે ઉડી શકે છે કે વિપક્ષી નેતા વેલમાં આવી જાય છે. ધનખડે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
ખડગેએ કહ્યું- હું અધ્યક્ષનું ધ્યાન દોરવા માટે વેલ ગયો હતો
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, આ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની ભૂલ છે. હું તેમનું ધ્યાન દોરવા અંદર ગયો હતો. પરંતુ તેમ છતાં તેઓ જોઈ રહ્યા નહોતા. તેઓ માત્ર સત્તાધારી પક્ષ તરફ જ જોઈ રહ્યા હતા. નિયમ મુજબ, તેમણે મારી તરફ જોવું જોઈએ. પણ તેઓએ જાણીજોઈને મારું અપમાન કર્યું. તો મારા માટે શું બાકી હતું? મારે કાં તો વેલમાં જવું પડે અથવા ખૂબ જોરથી બૂમો પાડવી પડે. નીટનું પેપર લીક થતાં લાખો વિદ્યાર્થી પરેશાન છે. તેથી અમે ચર્ચા કરવાનું કહ્યું પણ તેમણે તક ન આપી એટલે અમારે આવું કરવું પડ્યું.
દેવેગૌડાએ કહ્યું, વિપક્ષે દેશની સ્થિતિ સમજવી જોઈએ
રાજ્યસભામાં ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષે હંગામો કર્યો. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાએ નીટ મામલે બોલવાનો સમય માગ્યો. રાજ્યસભામાં પૂર્વ પીએમ દેવેગૌડાએ કેન્દ્ર સરકારનો બચાવ કરતાં કહ્યું કે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમે નીટ મુદ્દે સંસદમાં ચર્ચા નહીં કરી શકો… સરકારે તેની ફરજ બજાવી છે, તપાસ ચાલી રહી છે અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી માનવ સંસાધન વિકાસ મંત્રાલય કોઈ નિર્ણય લઈ શકતું નથી. હું દરેકને કારણ વગરનો હંગામો ન કરવાની અપીલ કરું છું. આ દરમિયાન વિપક્ષે રાજ્યસભામાં વી વોન્ટ જસ્ટીસના નારા લગાવ્યા હતા.
મહિલા સાંસદ બેભાન થયાં તો ય સદનની કાર્યવાહી ચાલતી રહી
રાજ્યસભામાં નીટ મુદ્દે બોલી રહેલા સાંસદ ફૂલો દેવી નેતામને ચક્કર આવતાં તે બેભાન થઈ ગયાં. તેમને સંસદથી હોસ્પિટલે લઈ જવાયાં હતા. DMKના સાંસદ તિરૂચિ શિવા અને રેણુકા ચૌધરીએ આક્રમકતા સાથે કહ્યું કે, ફૂલો દેવીનું બ્લડ પ્રેશર 214/113 થઈ ગયું હતું અને બ્રેઈન સ્ટ્રોક લેવલે પહોંચી ગયું હતું. તો પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહી હતી. રેણુકા ચૌધરીએ કહ્યું કે, ફૂલો દેવીને અમારા 12 સાંસદ હોસ્પિટલે લઈ ગયા. છતાં સદનમાં કાર્યવાહી ચાલુ રાખવામાં આવી. એક સાંસદના જીવની કોઈ કિંમત નથી એ આજે સાબિત થઈ ગયું.
સાંસદ બપોરે 3 વાગ્યે બેભાન બન્યાં તે પહેલાં બપોરે બાર વાગ્યે ટ્વિટ કર્યું. તેમાં વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, રાહુલ ગાંધી બોલવા માગે છે પણ માઈક બંધ કરવા જેવી નિમ્ન હરકત કરીને યુવાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે.
છેલ્લે,
નીટ મામલે હવે ગુજરાત સમાચારમાં રહે છે. બિહારમાં પકડાયેલો સૂત્રધાર અમદાવાદ આવ્યો હતો અને તેણે અહીં જ બોક્સ ખોલ્યું હોવાનું કબૂલ્યું છે. બીજી તરફ, ગોધરામાં પણ ગુરૂવાર રાતથી જ સીબીઆઈએ ધામા નાંખ્યા છે. 4 આરોપીઓની પૂછતાછ કરીને રિમાન્ડ માગ્યા છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ: યશપાલ બક્ષી)