મોદી, મધ્યમ વર્ગ અને મધ્યમ માર્ગ
મિડલ ક્લાસમાં ઓછી દખલ કરવાની મોદીનું પ્રોમિસ
.
નરેન્દ્ર મોદીની ગઠબંધન સરકારનો રોડમેપ તૈયાર છે પણ આ સરકારમાં રોડની બંને તરફ બોર્ડર લાઈન બંધાઈ ગઈ છે. એટલે મોદીએ મધ્યમ માર્ગમાં જ ચાલવું પડશે. પાંચ વર્ષ સુધી આ મધ્યમ માર્ગ પર ચાલવું મોદી માટે કઠીન છે. પણ મોદી પોતે જ કહે છે તેમ, હજી ઘણા લોકો મોદીને ઓળખતા નથી. આગળ જતાં મધ્યમ માર્ગ કેવો બની રહે છે તે સમય આવ્યે ખબર પડશે પણ ઘણા સમય પછી મોદીએ મધ્યમ વર્ગને યાદ કર્યો છે.
નમસ્કાર
ભાજપની વોટબેંક મધ્યમ વર્ગ છે એ સૌ જાણે છે. ઘણા સમયથી મધ્યમ વર્ગને એવું લાગતું હતું કે સરકાર જાણે એમને ભૂલી ગઇ છે. NDA સરકારના જીતેલા તમામ સાંસદોની પાર્લામેન્ટરી પાર્ટી મિટિંગમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. મોદીએ તમામ સાંસદોને સંબોધન કર્યું ને પાંચ નહીં પણ દસ વર્ષનો રોડમેપ તૈયાર છે, એવું કહ્યું. આજના લાંબા ભાષણમાં મોદીએ શરૂઆતમાં અને વચ્ચે એમ બે વખત મધ્યમ વર્ગનો ઉલ્લેખ કર્યો. વાજપેયી વખતે પણ NDA સરકાર મધ્યમ માર્ગી રહી હતી ને મધ્યમ વર્ગ માટેની રહી હતી. હવે મિડલ ક્લાસ માટેનો પ્લાન ઘડીને મોદી અત્યારથી 2029ની તૈયારી કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું- મધ્યમ વર્ગના જીવનમાં સરકારી દખલગીરી ઓછી થશે
NDAની પાર્લામેન્ટરી મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારું એક ડ્રીમ છે કે, સામાન્ય માનવીના જીવનમાંથી ખાસ કરીને, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગમાં સરકારની દખલ જેટલી ઓછી હશે એટલી લોકતંત્રની મજબૂતી વધશે. આજના ટેકનોલોજીના યુગમાં આસાન બનાવી શકીએ. રોજ દસ કામ હોય તો દસ જગ્યાએ જવું પડે. પણ બધું ડિજિટલી થાય તેવા પ્રયાસ રહેશે. અમે બદલાવ લાવવા માગીએ છીએ. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. ગરીબોનું સશક્તિકરણ અને મિડલ કલાસને સુવિધા એ અમારી પ્રાથમિકતા છે. કારણ કે મધ્યમ વર્ગ હવે આ દેશનું સૌથી મોટું ચાલકબળ છે. મિડલ ક્લાસની બચત કેવી રીતે વધે, તેની ક્વોલિટી ઓફ લાઈફ માટે આપણે શું કરી શકીએ. એના માટે યોજનાઓનો વિસ્તાર કેવી રીતે કરી શકાય, નીતિ નિયમોમાં શું બદલાવ કરી શકાય તેના પર પણ આવનારા દિવસોમાં કામ કરીશું.
મધ્યમ વર્ગ કાયમ સમસ્યાઓથી ઘેરાયેલો જ રહે છે
અમીર વર્ગને કોઈ ચિંતા નથી. પૈસાથી તે ધારે તે કરી શકે. તેમના સંતાનોને પણ ભવિષ્યની ચિંતા નહીં. ભારતના 20 કરોડ ગરીબો ફ્લાયઓવર નીચે અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. પણ ખરી સમસ્યા મધ્યમ વર્ગની છે. એ ‘સેન્ડવિચ’ વર્ગ કહેવાય છે. મધ્યમ વર્ગ કાયમ સમસ્યાઓથી ઘેરાયેલો જ રહે છે. એક તો કમાણી ઓછી ને ખર્ચા વધારે. બહુ બચાવી બચાવીને ખર્ચા કરે તો મહિનાના અંતમાં બે છેડા માંડ ભેગા થાય તેવી હાલત છે. માત્ર આર્થિક સમસ્યા નહીં, દરેક સમસ્યાનો સામનો મિડલ ક્લાસ જ કરે છે. દાખલા તરીકે આધાર કાર્ડમાં સુધારો કરાવવા સેન્ટર પર જાવ તો લાઈનમાં ઊભા રહેવાનું. સરખા જવાબ ન મળે. સર્વર બંધ હોય કાં લાઈટ ન હોય. સેન્ટર ઘરથી દૂર હોય. પચાસ રૂપિયાનું પેટ્રોલ બાળીને જવાનું, પચાસનું પેટ્રોલ બાળીને ઘરે આવવાનું. 100 રૂપિયા પેટ્રોલના થઈ જાય પણ કામ તો પૂરું થાય જ નહીં. આ તો નાનકડું ઉદાહરણ હતું. આવું દરેક સરકારી વિભાગમાં છે. મધ્યમ વર્ગે તકલીફ ભોગવવાની જ છે. હવે આ તકલીફોમાંથી મિડલ ક્લાસને કેમ બહાર કાઢવો તેની બ્લૂ પ્રિન્ટ મોદી સરકાર તૈયાર કરી રહી છે.
કરકસરથી રહે એ મિડલ ક્લાસ
ફ્રિજનો ઉપયોગ શું? ખાવા-પીવાની વસ્તુઓ લાંબા સમય સુધી બગડે નહીં એટલે. બરાબર? પણ મિડલ ક્લાસની વાત જુદી છે. સવારે રોટલી કે ભાત વધ્યા હોય તો રાત્રે ચાલશે એટલે ફ્રિજમાં મૂકી દેવાના. સેલ ક્યાં ચાલે છે, ફાયદો ક્યાં થાય તેમ છે, તે જગ્યાએથી ખરીદી કરવાની. નજીકમાં ચાલીને જવાતું હોય તો સ્કૂટર લઈને નથી જવું. આ મિડલ ક્લાસનો મિજાજ નથી. મજબૂરી છે. સવારે ઉઠવાનું. નોકરીએ જવાનું. ઘરે પત્ની રસોઈ કરે. અઠવાડિયે એક રજા આવે ને જો ભૂલથી ય ફરવા જવાઈ ગયું તો હજાર-બે હજારનો ખર્ચો સહેજ થઈ જાય. આ બધું મિડલ ક્લાસને પરવડે નહીં. છતાં આજે હાલત એવી છે કે, મહિનો પૂરો થવામાં હોય તો બેન્ક એકાઉન્ટમાં હજાર રૂપિયા ય માંડ હોય.
શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં ‘મધ્યમવર્ગ કમિશન’ રચ્યું હતું
દસ વર્ષ પહેલાં, 2014માં મધ્યપ્રદેશમાં ભાજપના જ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદ સંભાળતાંની સાથે જ મધ્યમવર્ગ માટે કેટલીક જાહેરાતો કરી હતી. આ સંકલ્પો પૂરા કરવા તેમણે ‘મધ્યમવર્ગ કમિશન’ની રચના કરી હતી. તેમણે એ વખતે કહેલું કે, સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી જો કોઈ પસાર થતું હોય તો એ મધ્યમવર્ગ છે. અમે આ કમિશન હેઠળ મિડલ ક્લાસની ચિંતા શોધીશું અને તેના ઉપાય માટે થાય તે કરીશું. એ પહેલાં, 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી સરકારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને કેટલાક વચનો આપ્યા હતાં.
ભારતનો મધ્યમવર્ગ 19મી સદીની શરૂઆતમાં ઉભરી આવ્યો
ઈસ્ટ એશિયા ફોરમના રિપોર્ટમાં લખ્યું છે કે, ભારતનો મધ્યમ વર્ગ પહેલીવાર 19મી સદીની શરૂઆતમાં ઉભરી આવ્યો. આ ત્યારે બન્યું જ્યારે બ્રિટિશ નીતિઓએ એજ્યુકેટેડ અને અંગ્રેજી બોલતા જૂથને અલગ તારવ્યું. જેની આવક અતિશય વધારે છે તે રિચ ક્લાસ અને જેની આવક મધ્યમ છે તે મિડલ ક્લાસ. ભારતીય મધ્યમ વર્ગની આર્થિક ક્ષમતા 21મી સદીમાં જ ‘એક મોટી ઘટના’ બની જ્યારે તેણે ગ્લોબલ માર્કેટનું ધ્યાન પોતાની આવક તરફ આકર્ષવાનું શરૂ કર્યું. ભારતનો મધ્યમ વર્ગ 2000ની સાલ પછી વધારે ઊભરીને બહાર આવ્યો. એવું લાગ્યું જાણે તેની સંખ્યા અચાનક વધી ગઈ.
2012માં ભારતની અડધી વસ્તી મિડલ ક્લાસમાં આવી ગઈ
ભારતનો મિડલ ક્લાસ એટલે શું? સામાન્ય ભાષામાં કહીએ તો જેના બે છેડા માંડ ભેગા થતા હોય, બચતની વાત તો એકબાજુએ રહી, ખર્ચા પોસાય નહીં તેવી આવક હોય તે મિડલ ક્લાસ. એક રિપોર્ટ મુજબ, 2000ની સાલમાં મિડલ ક્લાસની સંખ્યા 30 કરોડની હતી. જે રોજના 150થી 350 રૂપિયા ખર્ચી શકતા હતા. ધીમે ધીમે મિડલ ક્લાસની વસ્તી વધી ને 2012માં દેશની અડધી વસ્તી એટલે 60 કરોડ લોકો મિડલ ક્લાસમાં આવી ગયા. પણ આ એ મિડલ ક્લાસ હતો જે રોજના 150થી 800 રૂપિયા ખર્ચી શકતો હતો. મિડલ ક્લાસની સંખ્યા વધી તો તેની આવકનું એક લેયર પણ વધ્યું.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટમાં લખ્યું છે કે, રોજની આવકના આધારે એ નક્કી થાય છે કે, તે વ્યકિત મિડલ ક્લાસમાં સામેલ થાય છે કે નહીં. જેમ કે, મિડલ ક્લાસમાં એવી વ્યકિતનો સમાવેશ થાય જેની રોજની આવક 1400 રૂપિયાથી લઈ 8300 રૂપિયા હોય. એનાથી નીચેની આવક હોય તેવી વ્યકિત લોઅર મિડલ ક્લાસમાં આવે છે પણ તે મિડલ ક્લાસ કરતાં વધારે સમસ્યા ભોગવે છે. જેની રોજની આવક 500થી 1200 રૂપિયા છે તે વ્યકિત આજના સમયમાં સૌથી વધારે હેરાન છે. ટૂંકમાં, મિડલ ક્લાસનો રેશિયો 2015માં 14 ટકા હતો તે 2021માં વધીને 31 ટકા થઈ ગયો. 2021માં 1400થી 8300 રોજની આવક હોય તેવી વસ્તી 44 કરોડની હતી. એટલે આપણે એવું કહી શકીએ કે, જેની આવક રોજની 1400થી વધારે હોય તે અપર મિડલ ક્લાસ અને જેની આવક રોજની 1400 રૂપિયાથી ઓછી હોય તે લોઅર મિડલ ક્લાસ.
મિડલ ક્લાસમાં પણ લેયર છે- લોઅર અને અપર મિડલ ક્લાસ; ફરક ક્વોલિટી લાઈફનો
2000ની સાલ સુધીનો સમય જુઓ તો માત્ર એક જ લેયરમાં મિડલ ક્લાસ હતો. મિડલ ક્લાસ એટલે મિડલ ક્લાસ. પછી જેમ જેમ આવકની અસમાનતા વધતી ગઈ તેમ તેમ મિડલ ક્લાસ પણ બે ભાગમાં વહેંચાઈ ગયો. અપર અને લોઅર. આ બંનેમાં પણ ક્વોલિટી લાઈફનો ફરક છે. અપર મિડલ ક્લાસ પાસે કાર, કોમ્પ્યુટર, લેપટોપ, એસી, વોશિંગ મશીન, થોડું સોનું, એકાદ ફ્લેટ કે જમીન હોય. વારતહેવારે સારી હોટેલમાં જતા હોય. જ્યારે લોઅર મિડલ ક્લાસ પાસે આવું કશું હોતું નથી. એમની પાસે રહેવા ઘર હોય પણ કાળઝાળ ગરમીમાં પંખાથી ચલાવવું પડે. એટલી સંપત્તિ પણ ન હોય અને ઘણીવાર ફોન પણ સાદો વાપરતા હોય. હોટેલ-રેસ્ટોરાંનો ખર્ચ કરવાની વાત તો એકબાજુ, રોજનું કમાઈને રોજનું ખાવાનું હોય.
1990માં ઉદારીકરણે મિડલ ક્લાસની વ્યાખ્યા બદલી નાંખી
1990ના દાયકામાં ભારતમાં મંદીનો દોર ચાલતો હતો. મધ્યમ વર્ગની હાલત પણ ગરીબ જેવી થઈ ગઈ હતી. ત્યારે નરસિમ્હારાવની સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી. તેમણે ભારતનું માર્કેટ મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખોલી દીધું. તેના કારણે મિડલ ક્લાસને નોકરીઓ મળવાની શરૂ થઈ. એ સમયે મધ્યમવર્ગનું માળખું જ બદલાઈ ગયું. ફાયનાનન્સ અને આઈટી જેવા સેક્ટરમાં નવી નોકરીની તક ઊભી થઈ. એ સમય એવો હતો કે મિડલ ક્લાસ માણસ સરકારી નોકરીની રાહ જોતો બેઠો હોય પણ સમય હાથમાંથી સરકતો જતો હોય. એ સમયે પ્રાઈવેટ સેક્ટર જોબનું માર્કેટ ઓપન થયું ને નવી ઘણી નોકરીની તક ઊભી થઈ. પછી તો સિક્યોરિટી ગાર્ડ, ઘરનું કામ કરનારા, નાના વેપારીઓ, નાનકડી દુકાન ચલાવનારા ધંધાર્થીઓ કમાતા થયા. મિડલ ક્લાસનું અર્થતંત્ર ચેતનવંતુ બન્યું.
….ત્યારથી મધ્યમ વર્ગની રૂચિ રાજકારણમાંથી ઊડી ગઈ
મિડલ ક્લાસ એટલે નોકરી કરતા હોય એવું નહીં. ભારતના સમૃદ્ધ ગામડાંના લોકો પણ મિડલ ક્લાસમાં આવે છે. ભારતના મધ્યમ વર્ગનો વિકાસ થવો એ રાજનીતિક દ્રષ્ટિકોણથી પરિવર્તન છે. ભારતમાં સ્વતંત્ર્યતા સંગ્રામ દરમિયાન અંગ્રેજી બોલનારો મધ્યમ વર્ગ રાજનીતિમાં સક્રિય રીતે સામેલ હતો. 1950થી 1960 વચ્ચે મધ્યમ વર્ગે જવાહરલાલ નહેરૂ સરકારમાં વિશ્વાસ મૂક્યો પણ નહેરૂ યુગમાં સામાજિક જીવનનું સ્તર નીચું ગયું એટલે મધ્યમ વર્ગનો રસ રાજકારણમાંથી ઊડવા લાગ્યો. આજે ઓછું થતું મતદાન પણ આ જ દર્શાવે છે.
નરેન્દ્ર મોદી વાજપેયી પાસેથી ‘ગઠબંધન ધર્મ’ શીખ્યા, હવે તેના પગલે ચાલવું પડશે
નરેન્દ્ર મોદીને અટલજીએ રાજધર્મ શીખવ્યો, ગઠબંધન ધર્મ પણ શીખવ્યો. રાજધર્મ નિભાવી રહેલા મોદીએ હવે ગઠબંધન ધર્મ નિભાવવાનો વારો આવ્યો છે. વાજપેયીના સ્વભાવમાં એ મૃદુતા હતી કે, તે વિપક્ષને સાથે લઈને ચાલતા. વાજપેયી વિરૂદ્ધ કોઈ વિપક્ષો એલફેલ બોલ્યા નથી. આ વાજપેયીના વ્યક્તિત્વની મહાનતા હતી. મોદીએ રાજધર્મ, ગઠબંધન ધર્મની સાથે સાથે વાજપેયીજી જેવો સ્વભાવ પણ અપવાવવો પડશે. વાજપેયી કાયમ કહેતા હતા કે રાજકીય પ્રતિસ્પર્ધીઓ સારા દોસ્ત હોઈ શકે છે. સંસદ અને રાજકીય બેઠકોમાં પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા વાજપી વ્યક્તિગત રીતે બધા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખતા હતા. નરસિંહ રાવ અને વાજપેયીની દોસ્તી મશહૂર હતી. વાજપેયીને ભારત-પાકિસ્તાન સંદર્ભે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ વિરોધ પક્ષો સાથે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હતા.
એકવાર મહત્ત્વપૂર્ણ પદ પર નિમણૂંક બાબતે અડવાણી અને વાજપેયી વચ્ચે સહમતિ ન થઈ ત્યારે વાજપેયીએ સલાહ લેવા શરદ પવારને બોલાવ્યા હતા. આ વાતનો ઉલ્લેખ શરદ પવારે તેમની રાજકીય આત્મકથા ‘લોક માઝે સાંગતી’માં કર્યો છે. પવાર સાથે ચર્ચા કર્યા પછી વાજપેયીએ અડવાણીને કહ્યું હતું, “લાલજી, હમ અભી-અભી સત્તા મેં આયે હૈં. ઉન્હે સત્તા કા અનુભવ હમસે જ્યાદા હૈ. આઈએ, વહ જો કહતે હૈં ઉસે સ્વીકાર કરેં.”- મોદીએ વાજપેયીનો આ ગુણ હવે શીખવો પડશે.
છેલ્લે,
અમેરિકાના અર્થશાસ્ત્રી લેસ્ટર થુરોનું વાક્ય છે – સ્વસ્થ રાજકીય લોકશાહી માટે સ્વસ્થ મધ્યમ વર્ગ જરૂરી છે. અમીર અને ગરીબોથી બનેલા સમાજમાં રાજકીય કે આર્થિક રીતે સક્ષમ કોઈ મધ્યમ વર્ગ હોતો નથી.
સ્વિડિશ અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર સન્માનિત ગુન્નાર મિર્ડલે તેના ત્રણ ખંડવાળા દળદાર ગ્રંથમાં લખ્યું છે કે, ભારતનો મધ્યમ વર્ગ માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ: યશપાલ બક્ષી )