કિસ્સો -1 : મહારાષ્ટ્રમાં નવી ભાજપ સરકાર બન્યા પછી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પહેલીવાર જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે શિંદેને ટોણો મારી દીધો કે, તમે તમારી મુ
.
કિસ્સો – 2 : ભાજપના નેતા ચંદ્રકાન્ત પાટીલે વિધાનસભામાં વિપક્ષના નેતાઓને ચોકલેટ આપી. તેણે આદિત્ય ઠાકરે સાથે મિટિંગ કરી. તેમને પણ ચોકલેટ આપી. એવું કહેવાય છે કે, શિંદે આડા ફાટી રહ્યા છે એટલે ભાજપ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે સંબંધો મજબૂત કરવાના પ્રયાસ કરે છે.
આજે વાત મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ગરમાવા વચ્ચે શિંદેના ઠંડા-ઠંડા, કૂલ-કૂલ નિવેદનની….
નમસ્કાર,
ફડણવીસ, અજિત પવાર અને શિંદેએ હસતા મોઢે ભલે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી પણ દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક રંજ હોય તેવું દેખાઈ રહ્યું હતું. અત્યારે આપણે એવું માની લઈએ કે, ઘીના ઠામમાં ઘી પડી ગયું, સાથે આપણે એ પણ માનવું પડે કે મહારાષ્ટ્રમાં ઘીનું વાસણ નીચેથી કાણું છે.
પહેલાં એ જાણો કે આ વિવાદ કેવી રીતે શરૂ થયો… ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા છે, સંજય રાઉત. તે શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક્ઝિક્યૂટિવ એડિટર પણ છે. તેમણે ‘સામના’માં પોતાના નામે એક લેખ લખ્યો. એ લેખમાં લખ્યું છે કે, એકનાથ શિંદે 22 ફેબ્રુઆરી, શનિવારના દિવસે પરોઢિયે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાત પુણેના કોરેગાંવ પાર્ક સ્થિત ‘વેસ્ટિન’ હોટેલમાં થઈ હતી. રાઉતે લખ્યું છે કે 57 ધારાસભ્યોના નેતા શિંદે અમિત શાહને મળવા માટે સવારે ચાર વાગ્યા સુધી જાગતા રહ્યા. શિંદે સવારે 4 વાગ્યે અમિત શાહને મળ્યા અને તેમના વચ્ચે સંવાદ થયો. રાઉતે એવો પણ દાવો કર્યો છે કે જ્યારે શિંદે અમિત શાહને મળ્યા પછી બહાર આવ્યા ત્યારે તેમનો ચહેરો ઉદાસ હતો. ગૃહમંત્રી અમિત શાહ અને શિંદે વચ્ચે ચર્ચા થઈ હતી અને તેમાં શિંદેનો ફડણવીસ પ્રત્યે ફરિયાદભર્યો સ્વર હતો. રાઉતે સામનામાં અમિત શાહ અને શિંદે વચ્ચે થયેલા સંવાદો પણ લખ્યા છે.
અમિત શાહ: શિંદેજી, સવારના ચાર વાગ્યા છે, આટલું શું અર્જન્ટ છે? એકનાથ શિંદે: તમને બધી ખબર છે, અહીં શું થઈ રહ્યું છે. શાહ: શું ચાલી રહ્યું છે? શિંદે: મને અને મારા લોકોને ખુલ્લેઆમ ઘેરાબંધી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શાહ: એ કેવી રીતે શક્ય છે? હું દેવેન્દ્ર સાથે વાત કરું છું. શિંદે: મને દબાવવા અને ખતમ કરવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમે તમારા ભરોસે તમારી સાથે આવ્યા છીએ. તમારું વચન હતું કે ચૂંટણી પછી પણ હું જ મુખ્યમંત્રી રહીશ. શાહ: અમારા 125 લોકો ચૂંટાયા… તો શું તમે એવો દાવો કરી શકો છો? શિંદે: મારા નેતૃત્વમાં ચૂંટણી થઈ. શાહ: ના, મોદીના ચહેરા પર ચૂંટણી થઈ. તમારે શું જોઈએ છે તે કહો… હું કોશિશ કરીશ. શિંદે: મુખ્યમંત્રી પદ. શાહ: જુઓ ભાઈ, આ બરાબર નથી. હમણાં થઈ શકે નહીં. પાર્ટીનો પોતાનો મુખ્યમંત્રી હશે. શિંદે: તો હવે હું શું કરું? શાહ: તમે ભાજપમાં ભળી જાવ. તો મુખ્યમંત્રી પદ પર તમારો દાવો રહેશે. હવે કોઈ બહારનો વ્યક્તિ મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી નહીં બને. અમે તમારું માન જાળવ્યું છે. શિંદે: તો પછી મારી પાર્ટીનું શું? શાહ : તે અમારા પર છોડી દો. એ પાર્ટી અમે જ બનાવી છે. તમે ચિંતા ના કરો. (અહીં સવારની મિટિંગ પૂરી થઈ. રાઉતે દાવો કર્યો છે કે આવું કહેનારાઓ ભાજપના જ છે. વાત કરનારા ભાજપના જ લોકો છે.)
રાજકારણ ગરમાયા પછી ત્રણેય નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી સંજય રાઉતે સામનામાં આ લેખ લખીને બોમ્બ ફોડ્યા પછી દિલ્હી સુધી તેના પડઘા પડ્યા. હાઈકમાન્ડના કહેવાથી ત્રણેય નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. પ્રેસ કોન્ફરન્સમાં શિંદેએ નિવેદન આપ્યું કે, તમે ભલે સંઘર્ષની વાત કરીને બ્રેકિંગ ન્યૂઝ બનાવવાની ગમે તેટલી કોશિશ કરો, અમારું ગઠબંધન તૂટવાનું નથી. આટલી ભીષણ ગરમીમાં ‘કોલ્ડ વોર’ કેવી રીતે થઈ શકે? અમારી વચ્ચે ઠંડા-ઠંડા, કૂલ-કૂલ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ અમારી સરકારનો બીજો કાર્યકાળ છે. અમે માત્ર ભૂમિકા બદલી છે. પણ અજિત દાદાની ભૂમિકા સ્થિર છે. આની સામે કટાક્ષ કરતાં અજિત પવારે ચીટિયો ભર્યો કે, તમે તમારી મુખ્યમંત્રીની ખુરશી બચાવી શક્યા નહીં. એમાં હું શું કરું.? શિંદેએ વળતો જવાબ આપ્યો – અમારી વ્યવસ્થા અંદરો અંદરની સમજૂતી આધારિત હતી. પછી ફડણવીસે પણ મજાકમાં કહ્યું કે, અમારી વચ્ચે સમજૂતી બદલાતી રહે છે.
શિંદે કહ્યું, રાઉતના મનમાં ‘કેમિકલ લોચા’ છે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અમિત શાહની મુલાકાત અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે શિંદેએ કહ્યું કે સંજય રાઉતના મનમાં ‘કેમિકલ લોચા’ છે. તો ફડણવીસે કહ્યું કે, શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત વાર્તાઓ લખવામાં બોલિવુડ લેખકો સલીમ-જાવેદ સાથે કોમ્પિટિશન કરી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મતભેદોના અહેવાલોને નકારી કાઢ્યા છે.
આમ તો શિંદે અને ફડણવીસ વચ્ચે અનબન છે તેવી વાત એક મેડિકલ સેલની રચના પછી વહેતી થઈ હતી. શિંદેએ મુખ્યમંત્રી રાહત ભંડોળ જેવું એક મેડિકલ સેલ બનાવ્યું છે. શિંદેના આ નિર્ણય અંગે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારથી એવું કહેવાતું આવ્યું છે કે, સરકારમાં શિંદેનો કોઈ ભાવ પૂછતું નથી એટલે ઉપરવટ જઈને નિર્ણયો લેવા લાગ્યા છે. પણ શિંદેએ ત્યારે જ ફોડ પાડ્યો હતો કે, આ નવો સેલ દર્દીઓને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીના વોર રૂમ સાથે સહયોગમાં કામ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ફડણવીસને આ સેલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આવા સેલની રચના કરવામાં કંઈ ખોટું નથી કારણ કે તેનો હેતુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો છે. જ્યારે હું નાયબ મુખ્યમંત્રી હતો, ત્યારે મેં પણ આવો જ સેલ બનાવ્યો હતો. ફડણવીસે એમ પણ કહ્યું કે, મેં શિંદે વખતે લેવામાં આવેલા કોઈપણ નિર્ણય પર કોઈ રોક લગાવી નથી. મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં, 2025-26નું બજેટ 10 માર્ચે રજૂ કરવામાં આવશે. આ દિવસે ફડણવીસ સરકારના 100 દિવસ પણ પૂરાં થઈ રહ્યા છે.
રાઉતે લખ્યું, ભાજપ મહારાષ્ટ્રનો વહિવટ અમદાવાદથી કરવા માગે છે સંજય રાઉતે એમ પણ લખ્યું કે, છત્રપતિ સંભાજી પર આધારિત ફિલ્મ ‘છાવા’ હાલમાં ચાલી રહી છે. દિલ્હીમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં વડાપ્રધાને છાવા ફિલ્મનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે મુઘલોએ સંભાજી રાજાને મારી નાખ્યા. વડાપ્રધાનનો કહેવાનો અર્થ એ હતો કે ફિલ્મને જુઓ અને ભાજપને મત આપો. જો આપણે સ્વીકારીએ કે સંભાજી રાજાની ધરપકડ કરાવનારા અને સ્વરાજ્યને બરબાદ કરનારા દેશદ્રોહી આપણા પોતાના હતા અને તેમને દિલ્હીના આશીર્વાદ હતા, તો આજે મહારાષ્ટ્ર પર ફરીથી એ જ દુર્ભાગ્ય આવી પડ્યું છે. મહારાષ્ટ્ર માનસિક રીતે જાતિગત રીતે વિભાજિત છે અને દિલ્હી સરકાર આનો લાભ લઈ રહી છે. સ્વાભિમાન માટે જાણીતું મહારાષ્ટ્ર રાજ્ય આજે રાજકારણની લાલચ સામે શરણાગતિ સ્વીકારતું સ્પષ્ટપણે જોવા મળે છે. મહારાષ્ટ્રની સંપત્તિ અને ઉદ્યોગો ગુજરાતમાં જઈ રહ્યા છે તે હવે સામાન્ય વાત બની ગઈ છે. પેટન્ટનું મુખ્ય મથક મુંબઈમાં હતું. આઠ દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે આ પેટન્ટ ઓફિસ પણ દિલ્હી શિફ્ટ થઈ ગઈ છે. જો તેને સીધું અમદાવાદ લઈ જવામાં આવે તો હોબાળો થશે, તેથી તેને પહેલાં દિલ્હી અને પછી અમદાવાદ લઈ જવામાં આવશે. બેલગામમાં ફરી મરાઠી લોકો પર હુમલો થઈ રહ્યો છે અને ફડણવીસ, શિંદે, પવારની ત્રિપુટી આ અંગે બોલવા તૈયાર નથી. આવી સ્થિતિમાં મરાઠી ભાષા દિવસ અને પુરસ્કાર વિતરણ જેવા કાર્યક્રમો નકામા છે. મુખ્યમંત્રી ફડણવીસે ફરી એકવાર નવો આદેશ જારી કર્યો છે કે મંત્રાલયનું કામ સંપૂર્ણપણે મરાઠીમાં જ થવું જોઈએ. તેનું શું થશે? એકનાથ શિંદેએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓએ મરાઠી ભાષામાં ડિગ્રી મેળવી છે તેમના પગારમાં કાપ મૂકવાનો આદેશ આપ્યો છે.
બિહારમાં ભાજપને ગરજ છે, મહારાષ્ટ્રમાં ગરજ નથી એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં બિહાર ફોર્મ્યુલાની જેમ પોતાને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી. હાલમાં બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પાસે ભાજપ કરતાં ઘણી ઓછી સીટો છે. આમ છતાં નીતિશ કુમાર ત્યાંના મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 132 બેઠક સાથે એકલા હાથે સરકાર બનાવી શકે નહીં, પરંતુ આ માટે એકનાથ શિંદેની પાર્ટીના ટેકાની પણ જરૂર નહોતી. શિંદેની પાર્ટીએ 57 અને અજિત પવારની પાર્ટીએ 41 બેઠક જીતી હતી. આ રીતે આ ત્રણેય પક્ષે મળીને કુલ 230 બેઠક જીતી હતી. મતલબ સ્પષ્ટ બહુમતી. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે બંનેના સમર્થકોએ મુખ્યમંત્રીપદ માટે દાવો કર્યો હતો. નવી સરકાર માટે અનેક ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. આ ફોર્મ્યુલામાંથી એક હતી – બિહાર ફોર્મ્યુલા. પણ ભાજપ મહારાષ્ટ્રમાં બિહાર ફોર્મ્યુલા લાગૂ કરે નહીં, કારણ કે બંને જગ્યાએ પરિસ્થિતિ તદ્દન અલગ છે. બિહારમાં ભાજપને ચોક્કસપણે સૌથી વધુ બેઠકો મળી છે, પરંતુ ભાજપ નીતિશ કુમારની મદદ વગર કેન્દ્રમાં સરકાર ટકાવવાની સ્થિતિમાં નથી. નીતિશ કુમારની ગરજ હોવાના કારણે તેમને મુખ્યમંત્રીપદે રહેવા દેવાયા છે, પણ મહારાષ્ટ્રમાં ભાજપની હવે કોઈ મજબૂરી નથી એટલે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવી સાઈડ લાઈન કરી દીધા.
ભાજપ શિંદેને ક્યારેય CM નહીં બનાવે કારણ કે… મહારાષ્ટ્ર રાજનીતિ અને અર્થશાસ્ત્ર બંને દૃષ્ટિકોણથી મહત્ત્વનું રાજ્ય છે. આવી સ્થિતિમાં દરેક પાર્ટી અહીં પોતાની સરકાર ઈચ્છતી હોય છે. રાજકારણના દૃષ્ટિકોણથી અહીં લોકસભાની 48 અને રાજ્યસભાની 19 બેઠક છે. વિધાનસભામાં 288 અને વિધાન પરિષદમાં 78 બેઠક છે. મહારાષ્ટ્રની વસતિ લગભગ 13 કરોડ છે, જે દેશની વસતિના 9.3% છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ 14% છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મહારાષ્ટ્ર નંબર વન છે. દેશનો 39% ડાયરેક્ટ ટેક્સ અહીંથી આવે છે. માથાદીઠ આવકની દૃષ્ટિએ રાજ્ય છઠ્ઠા સ્થાને છે. હાલમાં મહારાષ્ટ્રમાં ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ બધાને કારણે દરેક પક્ષ ઈચ્છે છે કે રાજ્યમાં પોતાની સરકાર બને અને પોતાનો સીએમ બને, એટલે ભાજપને વધારે સીટ આવી ત્યારથી જ નક્કી હતું કે સીએમ તો ભાજપના જ બનશે. માથાકૂટ, રિસામણા-મનામણાના અંતે ભાજપના જ સીએમ આરૂઢ થયા. હજી પણ મનના એક ખૂણે શિંદે નારાજ છે. તેમને સીએમ બનવું છે એ પણ નક્કી છે પણ શિંદે જ્યાં સુધી પોતાની અલગ શિવસેના પાર્ટીમાં છે ત્યાં સુધી ભાજપ શિંદેને સીએમ નહીં બનાવે.
શિંદે-ફડણવીસ વચ્ચે અનબનના ત્રણ કારણો…
- ડેપ્યુટી સીએમ શિંદેએ 17 ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. ઉદ્યોગ મંત્રાલય શિંદે પાસે છે. સીએમ ફડણવીસે જાન્યુઆરીમાં આ વિભાગની સમીક્ષા બેઠક પણ યોજી હતી, પરંતુ એકનાથ શિંદે તેમાં હાજરી આપી નહોતી.
- 12 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીએ 2027માં યોજાનાર નાસિક કુંભની તૈયારીઓ અંગે એક બેઠક બોલાવી હતી, શિંદે તે બેઠકમાં પણ હાજર નહોતા. શિંદેએ તેના બે દિવસ પછી 14 ફેબ્રુઆરીના રોજ કુંભની તૈયારીઓ અંગે એક અલગ બેઠક યોજી હતી.
- વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ મીડિયા સામે સતત આક્ષેપો કરતા રહ્યા છે કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અલગ-અલગ બેઠકો યોજતા હોવાથી, કામનું ડુપ્લિકેશન થાય છે. આનાથી સમયનો બગાડ તો થઈ રહ્યો છે જ, પણ વિભાગોના કામકાજ પર પણ અસર પડી રહી છે.
છેલ્લે, ગયા મહિને 18 ફેબ્રુઆરીએ મુંબઈના વર્લીમાં એકનાથ શિંદેએ પોતાની શિવસેના પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરોનું સંમેલન બોલાવ્યું હતું. તેમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર કહેલું કે, આ દાઢીને મજાકમાં લેતા નહીં. આ દાઢીએ જ તમારી ગાડી ખાડામાં નાખી દીધી હતી. શિંદે શું કરવા માગે છે તે અત્યારે તો કોઈ કળી શકતું નથી.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
( રિસર્ચઃ યશપાલ બક્ષી)