દુનિયાની સૌથી વધારે વસતિ ધરાવતો દેશ ભારત છે અને અહીં જ દક્ષિણ ભારતના બે મુખ્યમંત્રીઓ વધારે બાળકો પેદા કરવાની હિમાયત કરી રહ્યા છે. આ મુદ્દાના ઘણા એંગલ છે, પણ મોટો એંગલ લોકસભા સીટની સંખ્યાનો છે. આંધ્રપ્રદેશ અને તામિલનાડુના મુખ્યમંત્રીઓએ જાહેરમાં કહ્યું
.
નમસ્કાર,
ઉત્તર ભારતનાં રાજ્યો કરતાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પ્રજનન દર ઓછો થતો ગયો છે. આંધ્રનાં અમુક ગામડાં તો એવાં છે, જ્યાં માત્ર વડીલોની જ વસતિ છે. યુવાનો તો જોવા જ નથી મળતા. એક સમયે ચંદ્રાબાબુ નાયડુએ વસતિ કંટ્રોલમાં રાખવાની વાત કરી હતી. હવે પોતે જ વસતિ વધારવાની વાત કરી રહ્યા છે. તેમના આ વિધાનથી ભાજપ નારાજ પણ થઈ શકે છે, કારણ કે ચંદ્રાબાબુએ માત્ર વાત નથી કરી, તેમણે તો પોપ્યુલેશન પોલિસી બનાવી વિધાનસભામાં બિલ પાસ કરવાની જાહેરાત કરી છે. આ બંને મુખ્યમંત્રીઓનાં નિવેદનોમાંથી ત્રણ સવાલ ઊભા થાય છે.
1. ભારત જેવા ગીચ દેશમાં વસતિ વધારવાની લાલચ આપવી એ કેટલું વાજબી છે?
2. શું ખરેખર ભારતમાં યુવા વસતિ ઘટી રહી છે?
3. આ નિવેદનો પાછળ પોલિટિકલ વોટબેન્કનું ગણિત શું છે?
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ શું કહ્યું? રાજ્યમાં લોકોની વધતી જતી સરેરાશ ઉંમર ચિંતાનો વિષય છે. કુટુંબમાં ઓછામાં ઓછા બે કે તેથી વધુ બાળકો હોવાં જોઈએ. આવનારા સમયમાં બે કે તેથી વધુ બાળકો ધરાવતા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ માટે કાયદો બનાવશે. આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓ એવા છે, જ્યાં ગામડાંમાં માત્ર વડીલો જ બચ્યા છે. ત્યાં કોઈ યુવાન કે બાળક જ નથી. દક્ષિણનાં રાજ્યોમાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. દેશમાં સરેરાશ પ્રજનન દર 2.1 છે, જ્યારે દક્ષિણ રાજ્યોમાં આ આંકડો ઘટીને 1.6 થયો છે. પહેલાં મેં જ પોપ્યુલેશન કંટ્રોલની વાત કરી હતી, પણ હવે ચિત્ર જુદું છે. દક્ષિણ ભારતમાં વૃદ્ધત્વની સમસ્યાના સંકેતો દેખાવા લાગ્યા છે. જાપાન, ચીન અને કેટલાક યુરોપિયન દેશો આ મુદ્દા સામે ઝઝૂમી રહ્યા છે, જ્યાં વૃદ્ધોની વસતિ વધારે છે. જો પ્રજનન દરમાં ઘટાડો ચાલુ રહેશે તો આપણે 2047 સુધીમાં વૃદ્ધત્વની ગંભીર સમસ્યાનો સામનો કરતા હોઈશું.
ચંદ્રાબાબુ કયો કાયદો લાવવા માગે છે? આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ હાલમાં રાજ્યમાં વૃદ્ધોની વધતી વસતિને જોતાં ખૂબ જ ચિંતિત છે. આંધ્ર સરકાર પોપ્યુલેશન કંટ્રોલ સંદર્ભે એક બિલ લાવવા પર પણ વિચાર કરી રહી છે, જેમાં વધુ બાળકો ધરાવતા પરિવારોને વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. એવા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે, જેમને બેથી વધુ બાળકો હશે. બે બાળકો કે એક બાળક હશે તે ચૂંટણી પણ નહીં લડી શકે.
ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચે વસતિનું અસંતુલન શું છે? ઉત્તર ભારતમાં દક્ષિણ ભારત કરતાં વધુ વસતિ ગીચતા છે. દક્ષિણ ભારતમાં શહેરીકરણનો દર ઉત્તર ભારત કરતાં વધારે છે. આનું એક ભૌગોલિક કારણ પણ છે, કારણ કે ફળદ્રુપ જમીન, જળ સંસાધનો અને આબોહવા જેવાં ભૌગોલિક પરિબળો ઉત્તર ભારતમાં વસતિને પ્રભાવિત કરે છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો જેવાં સામાજિક-આર્થિક પરિબળો પણ વસતિના વિતરણને અસર કરે છે. ચંદ્રાબાબુ નાયડુએ દક્ષિણનાં રાજ્યોમાં ઘટી રહેલા પ્રજનન દર પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શું કહ્યું? આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ નિવેદન આપ્યા પછી દક્ષિણના બીજા રાજ્ય તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. સ્ટાલિને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે નવપરિણીત કપલને 16-16 બાળકો હોય. ચેન્નઈમાં હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (Hindu Religious and Charitable Endowments Department)ના કાર્યક્રમ દરમિયાન સ્ટાલિને આ નિવેદન આપ્યું હતું. અહીં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં 31 યુગલે લગ્ન કર્યા. તેમણે કહ્યું હતું કે યુગલો માટે 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળક કરવાનો સમય આવી ગયો છે. યુવાધનની વસતિ ઘટી રહી છે, જે આપણી લોકસભા સીટો પર પણ અસર કરશે, એટલે આપણે દરેકે 16-16 બાળક પેદા કરવાં જોઈએ.
સ્ટાલિને 16 પ્રકારની સંપત્તિનો ઉલ્લેખ કર્યો એ શું છે? તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું હતું કે જ્યારે વડીલો કહેતા કે તમે 16 સંતાન પ્રાપ્ત કરો અને સમૃદ્ધ જીવન જીવો, ત્યારે એનો અર્થ 16 બાળક નહીં, પરંતુ 16 પ્રકારની સંપત્તિઓ હતી, જેનો ઉલ્લેખ લેખક વિશ્વનાથને તેમના પુસ્તકમાં કર્યો છે. આ 16 સંપત્તિ એટલે ગાય, ઘર, પત્ની, બાળકો, શિક્ષણ, જિજ્ઞાસા, જ્ઞાન, અનુશાસન, જમીન, પાણી, ઉંમર, વાહન, સોનું, મિલકત, પાક અને પ્રસિદ્ધિ. પણ હવે એવું લાગે છે કે વડીલો જે 16 સંતાનની વાત કરતા એનો અર્થ 16 બાળક જ લેવો જોઈએ.
વસતિ વધારો અને લોકસભાની બેઠકો વચ્ચે શું સંબંધ? જ્યારે ચંદ્રાબાબુ નાયડુ અને એમ.કે.સ્ટાલિને નવી વસતિ નીતિ વિશે વાત કરી ત્યારે લોકસભાની બેઠકો અને સીમાંકન વિશે ચર્ચા શરૂ થઈ. સ્ટાલિને બેઠકોની સંખ્યાનો ખુલ્લેઆમ ઉલ્લેખ કરીને આ ચર્ચાને વધુ વેગ આપ્યો. વસતિ વધારો અને લોકસભાની બેઠકો વચ્ચે શું સંબંધ છે? વાસ્તવમાં એની પાછળનું ગણિત એ છે કે દર 10 લાખની વસતિ માટે એક સાંસદની જોગવાઈ છે. વસતિના પ્રમાણમાં સીટોની જોગવાઈ છે અને એના માટે સીમાંકન દ્વારા સીટોની સંખ્યા વધારવામાં આવે છે.
લોકસભાની વર્તમાન સંખ્યા 545 સભ્ય છે, જે 1971ની વસતિગણતરી પર આધારિત છે. 1951ની વસતિગણતરી મુજબ દેશની વસતિ 36 કરોડ હતી, જે 50ને વટાવીને 1971ની વસતિગણતરીમાં 55 કરોડ પર પહોંચી ગઈ હતી. એ પછી સરકારે વસતિ નિયંત્રણ માટે પગલાં લેવાનું શરૂ કર્યું. દક્ષિણનાં રાજ્યોએ જાગૃતિ દર્શાવી અને વસતિ નિયંત્રણ માટે વિવિધ પગલાં લીધાં અને એમાં સફળતા મળી, પણ એનાથી વિપરીત ઉત્તર ભારતનાં રાજ્યોમાં વસતિવૃદ્ધિની ગતિ ચાલુ રહી. દક્ષિણનાં રાજ્યોએ વસતિના આધારે સીટ વધારવાની જોગવાઈઓ કરી અને પહેલાં વર્ષ 2000 સુધી અને પછી 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
ઉત્તર ભારતમાં લોકસભાની સીટો વધારે છે, દક્ષિણ ભારતમાં ઓછી છે દક્ષિણનાં રાજ્યો વસતિના આધારે સીમાંકનમાં સીટો વધારવાનો વિરોધ કરે છે અને એને તેમની સાથે અન્યાય ગણાવે છે. દક્ષિણનાં રાજ્યો દલીલ કરે છે કે અમે વસતિ નિયંત્રણમાં યોગદાન આપ્યું છે અને જો એના આધારે બેઠકો વધારવામાં આવશે તો એ અમારી સાથે અન્યાય થશે. દક્ષિણમાં વિપક્ષ અને બેઠકોની સંખ્યા અને વસતિ વચ્ચેનો સંબંધ સમજવા માટે વર્તમાન સિનારિયોને સમજવો પડશે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં કુલ 225 અને દક્ષિણમાં 130 બેઠકો છે, આંધ્રપ્રદેશની વાત કરીએ તો તેની પાસે 25 બેઠક છે. રાજ્યની વસતિ 5 કરોડની આસપાસ છે અને જો વસતિની દૃષ્ટિએ બેઠકો વધશે તો રાજ્યમાં બેઠકોની સંખ્યા ડબલ થઈને 50 થશે. એ જ રીતે તામિલનાડુમાં સીટોની સંખ્યા 39થી વધીને માત્ર 77 થશે.
10 લાખની ફોર્મ્યુલામાં આંધ્ર અને તામિલનાડુ કઈ બેઠકો પર હશે? નિયમ એવો છે કે દર 10 લાખની વસતિ માટે એક સાંસદની જોગવાઈ છે. જો આ ફોર્મ્યુલા વર્તમાન વસતિને ધ્યાનમાં લઈને અપનાવવામાં આવે તો 19 કરોડની વસતિ ધરાવતા યુપીમાં સીટો 80થી વધીને 131 થશે. સંસદમાં ઉત્તર ભારતની બેઠકો દક્ષિણ ભારત કરતાં વધુ વધશે. દક્ષિણના પક્ષોની ચિંતા એ છે કે ઉત્તર ભારતમાં ભાજપ મજબૂત છે અને તે ઉત્તરની રાજનીતિને ધ્યાનમાં રાખીને સીટો વધારવાનો નિર્ણય લઈ શકે છે. એક પાસું એ છે કે ભાજપ તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યો, પરંતુ છેલ્લી બે ચૂંટણી જેટલી તાકાત સાથે નહીં. તેને દક્ષિણના આંધ્રપ્રદેશના પક્ષ તેલુગુ દેશમ પાર્ટીનો ટેકો લેવો પડ્યો. ચંદ્રાબાબુ સમજી ગયા છે કે આપણી સીટ લોકસભામાં વધારે હશે તો તાકાત વધશે અને એના માટે વસતિ પણ વધારે હોવી જરૂરી છે.
નાયડુના નિવેદનથી ભાજપનાં ભવાં ખેંચાશે! હવે સવાલ એ પણ છે કે નાયડુની નવી નીતિને કારણે NDAમાં ચકમક ઝરે એવી સંભાવના છે. હકીકતમાં દેશમાં નવી વસતિ નીતિ 2000 લાગુ કરવાનું શ્રેય પણ ભાજપને જાય છે. જ્યારે ભાજપની આગેવાની હેઠળની સરકારો અને એનડીએની રાજ્ય સરકારો બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો અંગે કડક નિયમો બનાવી રહી છે, ત્યારે નાયડુની જાહેરાતથી ભાજપ અને બાબુ વચ્ચે તણખા ઝરી શકે છે. મહારાષ્ટ્રમાં એક પોલીસકર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારમાંથી કોઈ એકને નોકરી મળવી જોઈએ, પણ બે કરતાં વધારે બાળકો હતાં એટલે કોઈને નોકરી આપવામાં આવી નહીં.
બાળકો પેદા કરવા માટેનાં આ નિવેદનો પણ વિવાદમાં રહ્યાં
- મે, 2013, દત્તાત્રેય હોસબોલે-સંઘ નેતા, નવી દિલ્હી : હિન્દુ પરિવારોએ ત્રણ બાળક પર ફોકસ કરવું જોઈએ.
- ઓગસ્ટ, 2016, મોહન ભાગવત- સંઘ નેતા, આગ્રા : વધારે બાળકો પેદા કરવા માટે હિન્દુઓને કોણે રોક્યા છે?
- જાન્યુઆરી, 2020, ડો. પ્રવીણ તોગડિયા, મુંબઈ: બેથી વધારે બાળકો હોય તેના મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ.
- એપ્રિલ 2022, સાધ્વી ઋતંભરા, કાનપુર : દરેક હિન્દુને ચાર બાળક હોવાં જોઈએ. તેમાંથી એક RSSને અને બીજું VHPને સોંપવામાં આવે, જેથી રાષ્ટ્રીય યજ્ઞમાં યોગદાન આપી શકે.
કયા રાજ્યમાં બાળકો માટેના નિયમો શું છે?
- દેશમાં હાલ 11 રાજ્યમાં બે બાળકનો કાયદો લાગુ કરાયેલો છે.
- આ રાજ્યોમાં લાગુ આ કાયદાનો પરિઘ સીમિત છે, જેમ કે ગુજરાત, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશામાં આ નિયમ માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો સુધી સીમિત છે.
- મહારાષ્ટ્રમાં પણ બે બાળક કરતાં વધારે બાળકો ધરાવનારી વ્યક્તિને સરકારી નોકરી માટે ગેરલાયક ગણવાનો નિયમ અમલમાં છે.
- ઓક્ટોબર 2019માં આસામમાં નિર્ણય લેવાયો હતો કે જે વ્યક્તિનાં બે કરતાં વધારે બાળકો હશે તે 2021 પછી સરકારી નોકરી મેળવવા માટે લાયક નહીં ગણાય.
- રાજસ્થાનમાં તો આ નિયમ અંતર્ગત બે કરતાં વધારે બાળકો ધરાવનારી વ્યક્તિ સરકારી નોકરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર ગુમાવે છે.
- મધ્યપ્રદેશમાં વર્ષ 2005માં બે બાળકવાળી વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉમેદવારી માટે ગેરલાયક ઠરાવતાં આ નિયમને હઠાવી દેવાયો હતો.
- વધુ વસતિ ધરાવતાં રાજ્યો, જેમ કે ઉત્તરપ્રદેશ અને બિહારમાં આ પ્રકારનો કાયદો લાગુ નહોતો કરી શકાયો.
ભારતમાં વસતિ વધારાનાં કારણો કયાં કયાં છે?
- આપણા દેશમાં પ્રજનન આયુવર્ગમાં આવતી મહિલાઓની સંખ્યા ખૂબ જ વધુ છે.
- આપણા દેશમાં અનિચ્છિત ગર્ભધારણની સમસ્યા પણ વ્યાપક છે.
- અનિચ્છિત ગર્ભધારણની સમસ્યાથી બચવા માટે ગર્ભનિરોધકનો ઉપયોગ નથી કરતા.
- દેશમાં 12થી 13 ટકા દંપતીમાં અનિચ્છિત ગર્ભધારણ જોવા મળ્યું છે. બાળમૃત્યદરમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ કેટલાક સમુદાયો એવા પણ છે, જેમાં બાળમૃત્યદર વધુ છે.
- ઘણા વિસ્તારોમાં હજુ પણ 18 કરતાં ઓછી ઉંમરની છોકરીઓનાં લગ્ન થઈ જતાં હોય છે. આ કારણે આ છોકરી પોતાના પ્રજનન આયુ દરમિયાન વધારે બાળકોને જન્મ આપે છે.
(આ માહિતી નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ જાહેર કરી છે)
દક્ષિણનાં 5 રાજ્યમાં પ્રજનન દર
આંધ્રપ્રદેશ 1.70
કર્ણાટક 1.70
કેરળ 1.80
તામિલનાડુ 1.80
તેલંગાણા 1.82
(આંધ્ર અને કર્ણાટકમાં સૌથી ઓછો પ્રજનન દર છે. 1950માં આ પ્રજનન દર 6 હતો, એટલે એક મહિલા સરેરાશ 6 બાળકને જન્મ આપતી. હવે એક જ બાળકને અને બહુ રેર કેસમાં બે બાળકને જન્મ આપે છે)
અત્યારે ભારતની વસતિના કેટલા લોકો કયા વયજૂથમાં છે?
0થી 14 વર્ષ : 24%
10થી 19 વર્ષ : 17%
20થી 24 વર્ષ : 26%
15થી 64 વર્ષ : 68%
65થી ઉપર : 7%
(અત્યારે ભારતની વસતિ 144 કરોડ છે. 2036માં 152 કરોડ હશે.)
છેલ્લે,
આ સમસ્યા તામિલનાડુ કે આંધ્રપ્રદેશની નથી. થોડા સમય પહેલાં રશિયાના પ્રમુખ પુતિને પણ એવી વાત કરેલી કે સૌથી વધારે બાળકો પેદા કરવાં જોઈએ. એવું જ કોરિયાએ કહેલું. જાપાનમાં આ સમસ્યા ઘણા સમયથી છે ને હવે ચીનમાં પણ આ સમસ્યા જોવા મળી છે. આપણે ત્યાં પારસી કોમ એવી છે, જેની વસતિ ધીમે ધીમે ઘટી રહી છે. પારસી કોમ્યુનિટી માટે પણ આ ચિંતાનો વિષય છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)