ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. 5 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે, તેવી આગાહી તો થઈ ચૂકી છે એટલે જતાં જતાં વરસાદ ગુજરાતને ભીંજવી રહ્યો છે. અહીં વાત વરસાદની નથી પણ વરસાદનાં પાણી પર થયેલાં રસપ્રદ સંશોધનની છે. જી હા, અત્યારે જે વરસાદ
.
PRLના વૈજ્ઞાનિક પ્રો. આર.ડી. દેશપાંડેએ પાણીના કાર્બન ડેટિંગ વિશે સમજાવ્યું હતું.
PRL એટલે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનું રાષ્ટ્રીય સ્તરે સંશોધનનું કામ છે. આ સંસ્થા ઈસરોની સંલગ્ન સંસ્થા છે અને ચંદ્રયાન હોય, આદિત્ય L1 હોય કે અવકાશ, જળ, વાયુ, જમીન કે કોઈપણ પ્રકારનું સંશોધન હોય તે PRL દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાના વૈજ્ઞાનિક આર.ડી.દેશપાંડેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં PRLના રિસર્ચની વાત કરી. આ રિસર્ચ એ પ્રકારનું છે કે લોકોએ પાણી મામલે હવે ચેતી જવાની જરૂર છે. PRL દ્વારા જે સંશોધન થયું તેમાં બે વાત સામે આવી. પહેલી એ કે, આપણે બોરનું જે પાણી વાપરીએ છીએ તે 2 હજારથી લઈને 35 હજાર વર્ષ જૂનું પાણી છે. ચિંતાની વાત એ પણ છે કે બોરનાં પાણી વધારે ને વધારે ઊંડા ઉતરતાં જાય છે. બીજું, આવનારા 25 વર્ષમાં એટલે કે 2050ની સાલમાં અત્યાર કરતાં પાણીની જરૂરિયાત ડબલ થઈ જવાની છે. શું છે પાણીની જરૂરિયાતનું ગણિત, આવો સમજીએ PRLનું વૈજ્ઞાનિક પ્રો. આર.ડી.દેશપાંડે પાસેથી…
વરસાદનું જે પાણી જમીનમાં ઉતરે છે, તેનું શું થાય છે? વરસાદનું પાણી આખા ભારતમાં વરસે છે તેનું માપ 4,000 બિલિયન ક્યૂબિક મીટર છે. આ આંકડો ટેકનિકલી છે એટલે માપ વિશે ખ્યાલ નહીં આવે પણ એવું કહી શકો કે, પાણીનો જબરજસ્ત જથ્થો. આ માપ વિશે આગળ ડિટેઈલમાં જાણવા મળશે. હવે આ વરસાદના 4 હજાર બિલિયન ક્યૂબિક મીટર પાણીમાંથી 447 બિલિયન ક્યૂબિક મીટર એટલે કે 11 ટકા જેટલું પાણી જમીનમાં ઉતરી જાય છે. તે બધું ઉપયોગમાં નથી આવતું. તેમાંથી 253 બિલિયન ક્યૂબિક મીટર એટલે કે 57 ટકા આપણે ખેંચી લઈએ છીએ. આપણે ત્યાં જમીનનું પાણી જ સૌથી વધારે વપરાય છે. 36 બિલિયન ક્યૂબિક મીટર પાણી છે તે નેચલર ડિસ્ચાર્જ છે. એમાં એવું થાય કે પાણી જમીનમાં ઉતરે ખરું પણ જમીનમાં રહેવાના બદલે નદીમાં વહી જાય છે. બાકીનું 158 બિલિયન ક્યૂબિક મીટર પાણી સબમરીન ગ્રાઉન્ડ વોટર ડિસ્ચાર્જના ફોર્મમાં પાણીમાં વહી જાય છે. સબમરીન ગ્રાઉન્ડ વોટર ડિસ્ચાર્જને સરળ ભાષામાં સમજીએ. જમીનની અંદર સુધી ઉતરેલું પાણી જમીનમાં જ અંદર-અંદર થઈને દરિયામાં વહી જાય છે. જમીનમાં અંદર થઈને દરિયામાં જતું રહે તેવા પાણીને સબમરીન ગ્રાઉન્ડ વોટર ડિસ્ચાર્જ કહેવાય. ભારતનો દરિયા કિનારો 7500 કિલોમીટરનો છે. અહીંથી જ મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. એના વિશે રિસર્ચ ચાલુ છે કે આ પાણી જમીનમાં અંદર અંદર થઈને કઈ જગ્યાએથી દરિયામાં જઈ રહ્યું છે.
આપણે જે બોરનું પાણી વાપરીએ છીએ તે હજારો વર્ષ જૂનું છે અમદાવાદ PRLના વૈજ્ઞાનિક આર.ડી.દેશપાંડે કહે છે, PRL દ્વારા પાણીનું રેડિયો કાર્બન ડેટિંગ થયું ત્યારે ખબર પડી કે, જમીનનું પાણી આપણા માટે ખૂબ મહત્વનું છે. ગુજરાતની જમીનમાં જે પાણી છે 2 હજાર કે 15 હજાર વર્ષથી લઈ 35 હજાર વર્ષ જૂનું છે. કાર્બન ડેટિંગથી તેનું એઈજ ડિટર્મેનેશન કર્યું છે કે આપણે કેટલું જૂનું પાણી વાપરીએ છીએ. સામાન્ય ભાષામાં કહીએ કે, વડવાઓએ જૂની સંપત્તી ભેગી કરેલી છે તેવું જ સંપત્તી સમાન આ જૂનું પાણી છે. આ પાણી એટલા માટે જૂનું છે કારણ કે તે ફાસ્ટ રિચાર્જ થતું નથી. આપણે એમ માનીએ છીએ કે વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે તે આપણને બોરમાંથી મળે છે પણ એવું નથી. જમીનનું પાણી તો અંદર અંદર થઈને નદી કે દરિયામાં વહી જાય છે. આપણે જે પાણી બોર કે ડંકીમાંથી ખેંચીએ છીએ તે તો હજારો વર્ષ જૂનું જ છે. પ્રો. દેશપાંડે કહે છે, આપણે ત્યાં આ બાબતે રિચાર્જ પર એફર્ટ્સ થવા જોઈએ. આર્ટીફિશિયલ રિચાર્જના એફર્ટ્સ થઈ રહ્યા છે પણ જમીનમાંથી પાણી ખેંચવાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે, તેના કારણે જમીની પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે. તળ ઊંડા જ ઉતરતાં જાય છે અને આ જ મોટો ચિંતાનો વિષય છે.
રેડિયો કાર્બન ડેટિંગની મર્યાદા છે, પાણી 35 હજાર વર્ષ કરતાં પણ જૂનું હોઈ શકે પ્રો. આર.ડી.દેશપાંડે કહે છે, માનો કે અમદાવાદમાં 100 મીટરના એરિયામાં પાણીનો પુષ્કળ જથ્થો નહીં મળે. પાણી હોય પણ એ ઉપર આવવું જોઈએ. વોટર લેવલ ઊંડા ને ઊંડા જઈ રહ્યાં છે. નર્મદા કેનાલ આવ્યા પછી જળસ્તરમાં સુધારો થયો છે. અમુક વિસ્તારમાં પાણીના લેવલ વધ્યાં છે પણ ગ્રાઉન્ડ વોટર મેજર ઈશ્યૂ છે. આના માટે લોકોમાં સજાગતા હોવી જરૂરી છે. આ વિષય પર ચર્ચાઓ સતત થાય છે પણ આપણે અમલમાં મૂકતા નથી. પાણીનો બેફામ ઉપયોગ કરીએ છીએ. રેડિયો કાર્બન ડેટિંગ કરવા અમે ઉત્તર ગુજરાતમાં અંબાજી, મહેસાણા, થરાદ, ગોધરા, વડોદરા, અમદાવાદ, નળ સરોવર, ભાવનગર, ભરૂચમાંથી પાણી લીધું હતું. ભરૂચથી લઈને અંબાજી સુધી ગ્રાઉન્ડ વોટરના સેમ્પલ લીધા હતા. તેની તપાસમાં જાણવા મળ્યું કે, ગુજરાતની જમીનની અંદર 35 હજાર વર્ષથી પણ જૂનું પાણી છે. કારણ કે 35 હજાર તો રેડિયો કાર્બન ડેટિંગની લિમિટેશન છે. બની શકે કે, 40-50 હજાર વર્ષ જૂનું પાણી પણ હોઈ શકે. પણ કાર્બન ડેટિંગની લિમિટ પૂરી થયા પછીના જે સેમ્પલ્સ છે તેને હિલિયમ એક્વેઝિશન મેથડથી ખબર પડી કે ગુજરાતમાં આનાથી પણ વધારે જૂનાં પાણી છે. આપણે એટલા સભાન હોવા જોઈએ તે તમે બોરમાંથી એક ડોલ પાણી ભરો છો તો તમને એ ખબર નથી કે તે 15થી 20 હજાર વર્ષ જૂનું પાણી વાપરો છો. આ મૂલ્યવાન સંપત્તિથી પણ વધારે મૂલ્યવાન છે.
2050માં પાણીની જરૂરિયાત ડબલ થઈ જવાની છે, સમજો આખું ગણિત PRLના સાયન્ટિસ્ટ પ્રોફેસર આર.ડી.દેશપાંડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, ભારતમાં જેટલો વરસાદ વરસે છે, તેમાંથી 4 હજાર બિલિયન ક્યૂબિક મીટર પાણીની આવક થાય છે. સવાલ એ થાય કે, 4 હજાર બિલિયન ક્યૂબિક મીટર એટલે કેટલું? તો એનો જવાબ એ છે કે, એક કિલોમીટર લાંબું, એક કિલોમીટર પહોળું ને એક કિલોમીટર ઊંચું પાણીનું ચોસલું હોય ત્યારે 1 બિલિયન ક્યૂબિક મીટર પાણી થાય. એવું 4 હજાર બિલિયન ક્યૂબિક મીટર પાણી ભારતમાં વરસી જાય છે. પ્રો.દેશપાંડે આ પાણીના વપરાશનું ગણિત સમજાવતાં કહે છે, આ 4 હજાર બિલિયન ક્યૂબિક મીટર વરસાદી પાણીમાંથી 1869 બિલિયન ક્યૂબિક મીટર એટલે 46.7% પાણી નદીઓમાં વહી જાય છે. 447 બિલિયન ક્યૂબિક મીટર યાને 11 ટકા જેટલું પાણી ગ્રાઉન્ડ વોટરમાં રિચાર્જ થઈ જાય છે. એટલે જમીનમાં અંદર ઉતરી જાય છે. 1684 બિલિયન ક્યૂબિક મીટર એટલે 42.1 ટકા પાણી બાષ્પીભવન થઈ જાય છે. આટલું બધું પાણી બાષ્પીભવન થઈને લોસ થઈ જાય છે. એટલે 4 હજાર બિલિયન ક્યૂબિક મીટરમાંથી માત્ર 1101 બિલિયન ક્યૂબિક મીટર પાણી એવું હોય છે જે પાણી ઉપયોગમાં લઈ શકાય છે. તેમાંથી માત્ર 630 બિલિયન ક્યૂબિક મીટર પાણીનો જ સાચો વપરાશ થઈ શકે છે.
લખી રાખો, તમારા સંતાન માટે તમારે જ પાણી બચાવવું પડશે આપણે ભારતની વસ્તી વધારાનો ગ્રાફ જોઈએ અને તેની સામે પાણીનો વપરાશ જોઈએ તો અત્યારે 630 બિલિયન ક્યૂબિક મીટર પાણીની જરૂરિયાત છે, એટલે ચોકઠાંના ગણિત મુજબ જોઈએ તો 630 કિલોમીટર પહોળો, 630 કિલોમીટર લાંબો અને 630 કિલોમીટર ઊંચો પાણીનો જથ્થો હોય એટલું પાણી અત્યારે વાપરીએ છીએ. તેની સામે આવનારા 25 જ વર્ષમાં એટલે કે, 2050ની સાલમાં 630ની સામે 1450 બિલિયન ક્યૂબિક મીટર પાણીની જરૂર પડશે. હવે પછીના 25 વર્ષમાં પાણીની જરૂરિયાત ડબલ થઈ જવાની છે. જરૂરિયાત ડબલ થશે પણ પાણી જેટલું છે એટલું જ આવવાનું છે. માનો કે તમારું સંતાન અત્યારે પાંચ વર્ષનું છે. 2050માં તે 30 વર્ષનું હશે ત્યારે તેને પાણીનો ખતરનાક સામનો કરવો પડી શકે છે. લખી રાખો, તમારા સંતાન માટે તમારે જ પાણી બચાવવું પડશે. જમીનમાં અત્યારે જે વરસાદનું પાણી ઉતરે છે તે આપણે તો પીતા જ નથી. કારણ કે, તે જમીનમાં ડીપમાં હજારો કિલોમીટર ઉતરીને સ્ટોર થાય છે. આપણે જે પાણી બોરમાંથી લઈએ છીએ તે તો વર્ષોથી સંગ્રહાયેલું પાણી છે જે આપણે હવે વાપરીએ છીએ. એટલે જમીનમાં પાણી સ્ટોર થવાની સિસ્ટમ કુદરતે જે બનાવી છે તે કમાલની છે.
ભારતના લોકો બોરનું પાણી સૌથી વધારે વાપરે છે ભારતનું જિયોગ્રાફિકલ સેટએપ યુનિક છે. આપણી પાસે જમીન છે તેમાં ગ્લોબલ લેન્ડના 2.3% લેન્ડ છે. પણ તેની સામે વિશ્વની વસ્તીના 18 ટકા ભારતમાં વસવાટ કરે છે. ગ્લોબલ લાઈવ સ્ટોક (પશુઓ)ના 20 ટકા પશુઓ ભારતમાં છે. વિશ્વમાં જેટલો વરસાદ પડે છે તેના 4 ટકા વરસાદ આપણે ત્યાં વરસે છે. ભારતનું મોનસૂન એટલું બધું વિચિત્ર છે કે અહીંયા સાઉથ વેસ્ટ મોનસૂન છે, નોર્થ ઈસ્ટ મોનસૂન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મેડિટેરિયન સી, બ્લેક સી, કાસ્પેરિયન સીના કારણે વરસાદ થયા કરે છે. 40 ટકા જેટલો ભેજ લોકલી રિસાઈકલ થાય છે. વિશ્વમાં ભારતના લોકો સૌથી વધારે ગ્રાઉન્ડ વોટર પાણી એટલે બોરનું પાણી વધારે વાપરે છે. આપણે લગભગ 250 કિલોમીટર ક્યૂબ જેટલું ગ્રાઉન્ડ વોટર લઈએ છીએ. આ બધી બાબતોના કારણે ભારતમાં જળવિજ્ઞાન માટે ઘણી ચેલેન્જ આવવાની છે.
ભારતમાં વસ્તી વધારો થતો જશે પણ પાણીનો જથ્થો વધશે નહીં.
દરિયાની સપાટીમાં આવતા બદલાવનું રિસર્ચ પણ PRL કરી રહ્યું છે પ્રો. દેશપાંડે કહે છે, પાણીની અછત છે, પાણી ખરાબ આવે છે. પાણીમાં પ્રદૂષણ ભળી ગયું છે. આ વાત બધાને ખબર છે. કોઈ અજાણ નથી. આપણે પાણીને ગંદું કર્યા કરીએ છીએ. ઘણા ઉત્સવોમાં પણ પાણી ગંદું થાય છે. પ્રોબ્લેમ ખબર છે અને સોફ્ટ સોલ્યુશન ખબર છે. પણ તેની સાથે સાથે હાર્ડ પ્રોબ્લેમ્સ છે. જેમ કે, જળવિજ્ઞાન સિસ્ટમ કેવી રિસ્પોન્ડ કરી રહી છે. તેના વિશે સાયન્ટિફિક સમજની પણ જરૂર છે. આપણે એક બેસિનથી બીજી બેસિનમાં પાણી ટ્રાન્સફર કરી રહ્યાં છીએ. એટલે કેનાલમાં પાણી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યું છે. રસ્તાઓના કારણે જમીનમાં પાણી ઉતરવામાં તકલીફ પડે છે. આ બધાને કારણે આપણે આ સિસ્ટમ ડિસ્ટર્બ કરી રહ્યાં છીએ. આ સિસ્ટમ એવી બિહેવ કરી રહી છે કે આપણે આ દિશામાં ફંડામેન્ટલ રિસર્ચની જરૂર છે. PRL એ દિશામાં રિસર્ચ કરી રહ્યું છે કે, ક્યાં હાઈડ્રોલોજિકલ સિસ્ટમ કેવી બિહેવ કરે છે. છેલ્લા 30 વર્ષના ચોમાસાં કેવાં હતા અને આ ચોમાસું કેવું છે. મોનસૂનમાં શું બદલાવ આવ્યા. ભેજમાં શું વધઘટ થઈ રહી છે. દરિયાની સપાટીમાં ફેરફારનો આધાર ચોમાસાં પર રહેલો છે. હવે દરિયાની સપાટી એટલે કે ઓશન સરફેસમાં કઈ પ્રકારના બદલાવ આવી રહ્યા છે તેનું રિસર્ચ પણ PRL કરી રહ્યું છે.