નવી દિલ્હી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક ઓછી તીવ્રતાના બ્લાસ્ટ અંગે પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે. જેમાં બે શંકાસ્પદ જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ બંને શકમંદોને શોધવામાં વ્યસ્ત છે. જોકે પોલીસે આ અંગે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.
બીજી તરફ ઇઝરાયલે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતમાં રહેતા તેમના નાગરિકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, દિલ્હી પોલીસને સ્થળ પરથી એક પત્ર મળ્યો, જે ઇઝરાયલના ધ્વજમાં લપેટાયેલો હતો. આ લેટર એક પાનાનો હતો, જેમાં ‘ગાઝા પર ઇઝરાયલનો હુમલો’ અને ‘બદલો’ લખવામાં આવ્યું હતું. લેટરમાં ગાઝા પર ઇઝરાયલની કાર્યવાહીની ટીકા કરવામાં આવી હતી.
દૂતાવાસની નજીક સાંજે 5.20 કલાકે વિસ્ફોટ થયો હતો.
સ્પેશિયલ સેલના સૂત્રોએ ‘ભાસ્કર’ને જણાવ્યું કે મંગળવારે સાંજે એમ્બેસીની પાછળના ખાલી પ્લોટ પર વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. ત્રણ-ચાર લોકોએ પણ સાંભળ્યો. જેના કારણે વિસ્ફોટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
જાણો શું છે સમગ્ર મામલો
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે દિલ્હી પોલીસને મંગળવારે સાંજે લગભગ 5.45 વાગ્યે દૂતાવાસ પાછળ વિસ્ફોટની માહિતી મળી હતી. આ માહિતી ઇઝરાયલ એમ્બેસીના સુરક્ષા ગાર્ડે આપી હતી. તેણે 100 મીટર દૂર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. માહિતી બાદ દિલ્હી પોલીસ, ડિસ્ટ્રિક્ટ સ્ટાફ, સ્પેશિયલ સેલ, દિલ્હી ફાયર સર્વિસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સ્થળ અથવા નજીકથી આગ કે વિસ્ફોટના કોઈ સંકેત નથી. બોમ્બ ડિટેક્શન ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી.
એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું- અમારો સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે
ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા ગાય નીરે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે મંગળવારે સાંજે લગભગ 5.20 વાગ્યે દૂતાવાસની નજીક ‘વિસ્ફોટ’ થયો હતો. અમારો સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હું આ સમયે ફરજ પર હતો. અમે એક મોટો અવાજ સાંભળ્યો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે એક ઝાડના ઉપરના ભાગેથી ધુમાડો નીકળતો હતો. પોલીસે મારું નિવેદન નોંધ્યું છે.
પ્રવક્તા ગાય નીરે બાદમાં મીડિયાને કહ્યું- હા, એક ઘટના બની છે. અત્યારે ચોક્કસપણે કહી ન શકું કે આ (અવાજ) કેવી રીતે આવ્યો. પોલીસ અને અમારી સુરક્ષા ટીમ તપાસ કરી રહી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું- સ્ટાફને કોઈ નુકસાન થયું નથી. બંને દેશોની એજન્સીઓ તપાસ કરી રહી છે.
એક પ્રત્યક્ષદર્શીએ પણ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હોવાનો દાવો કર્યો છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ એમ્બેસીની આસપાસ તપાસ કરી છે.
તાજેતરમાં જ ઈઝરાયલના રાજદૂતને ધમકી મળી હતી
તાજેતરમાં જ ઈઝરાયલ એમ્બેસીના રાજદૂતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પછી ગૃહ મંત્રાલયના આદેશ પર ઇઝરાયલ દૂતાવાસ અને રાજદૂતની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે સુરક્ષા વધારવાના આદેશ આપ્યા હતા. રાજદૂતને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
2021માં આ જ દૂતાવાસની બહાર ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ કારને નુકસાન થયું હતું. NIA હજુ પણ તેની તપાસ કરી રહી છે. ત્યારબાદ વિસ્ફોટ બાદ ઈઝરાયલે ઈરાન પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. સ્થળ પરથી એક પત્ર મળી આવ્યો હતો. કહેવાય છે કે આ ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો છે.
29 જાન્યુઆરી 2021ના રોજ સાંજે દિલ્હીમાં ઇઝરાયલી એમ્બેસીની બહાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એમ્બેસીની બહાર પાર્ક કરાયેલા પાંચ વાહનોના કાચ તૂટી ગયા હતા.
હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજાર લોકોના મોત થયા છે
7 ઓક્ટોબરે ગાઝાના આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયલમાં ઘૂસીને 1200 લોકોની હત્યા કરી હતી. આ પછી ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો. આ યુદ્ધ હજુ પણ ચાલુ છે. અહેવાલો અનુસાર, યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 16 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આ રીતે યુદ્ધમાં બંને પક્ષોના 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.