16 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગંભીર હાલતમાં અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે અને આ માહિતી તેમના પરિવારજનોએ આપી છે. લોકો તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
બીબીસીના પત્રકાર પરવેઝ આલમે X પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું, ‘તબલાવાદક, તાલવાદક, સંગીતકાર, પૂર્વ અભિનેતા અને મહાન તબલાવાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી. અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં ગંભીર બીમારીઓની સારવાર ચાલી રહી છે. તેમના બનેવી અયુબ ઓલિયાએ મને ફોન પર આ માહિતી આપી છે. લંડનમાં રહેતા ઓલિયા સાહેબે ઝાકીરના ચાહકોને તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને ચાહકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના શરૂ કરી છે. ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે.
સંગીતની દુનિયાનું એક મોટું નામ છે ઝાકિર હુસૈન ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 1951માં મુંબઈમાં થયો હતો. તેઓ વિશ્વના મહાન તબલાવાદકોમાંના એક ગણાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. તેમની અસાધારણ પ્રતિભાના કારણે તેમને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવી હતી જ્યારે તેમને 1999માં યુએસ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.
છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં રહે છે, આજે પણ ભારતીય પાસપોર્ટ ધરાવે છે ઝાકિર હુસૈન છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં રહે છે. તે સાન એન્સેલ્મો નામના નાના શહેરમાં રહે છે, જે સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ બ્રિજ પાસે છે. ઝાકિર હુસૈનનો જન્મ ભારતમાં થયો હતો અને ત્યાં જ તેમણે અભ્યાસ અને કલાની શરૂઆત કરી હતી.
એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ભારત હંમેશા મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે, અને હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તેમની પાસે હજુ પણ ભારતીય પાસપોર્ટ છે.
ઝાકિર હુસૈનની સિદ્ધિઓ તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા 1988માં ‘પદ્મશ્રી’, 2002માં ‘પદ્મ ભૂષણ’ અને 2023માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 8 ફેબ્રુઆરી 2009ના રોજ ગ્રેમી એવોર્ડ્સમાં, તેમણે ‘ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ’ આલ્બમ માટે ‘ગ્રેમી’ જીત્યો. તેમને 1990માં ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ અને 2018માં ‘સંગીત નાટક અકાદમી ફેલોશિપ’ પણ મળ્યો હતો. 1999માં તેમને અમેરિકાની ‘નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટસ’ તરફથી ‘નેશનલ હેરિટેજ ફેલોશિપ’ મળી હતી.
અત્યાર સુધી ઝાકિર હુસૈન સાત વખત ‘ગ્રેમી’ માટે નોમિનેટ થઈ ચૂક્યા છે, અને ચાર વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમને ફેબ્રુઆરી 2024માં ત્રણ ‘ગ્રેમી એવોર્ડ્સ’ મળ્યા હતા.