વારાણસી16 કલાક પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં છે. આ મંદિરને ભગવાન શ્રીરામ અને માતા સીતાનું નવું ઘર પણ કહેવાઈ રહ્યું છે. માતા સીતા અયોધ્યાનાં પુત્રવધૂ હોવાની સાથેસાથે નેપાળના જનકપુરની પુત્રી પણ છે. પુત્રી નવા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે પિયર જમાઈને ઉપહાર સ્વરૂપે અઢળક સામાન ભેટ કરવાની જનકપુરની પરંપરા છે. ‘ઘર બાસ’ તરીકે ઓળખાતી આ પરંપરાની તૈયારી જનકપુરમાં ચાલી રહી છે.
અહીંના જાનકી મંદિરના મહંત રોશન દાસજી મહારાજે ભાસ્કરને જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીએ 500 જનકપુરવાસી અયોધ્યા જવા રવાના થશે. તેઓ 1100 છાબમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતા માટે નવાં વસ્ત્રો, આભૂષણ, ફળ, મેવા, પકવાન વગેરે સામગ્રીઓ લઈ આવશે. પ્રભુ શ્રીરામ માતા સીતા સાથે લગ્ન કરીને જે માર્ગેથી અયોધ્યા આવ્યા હતા, તે જ માર્ગેથી જનકપુરવાસીઓ અયોધ્યા આવશે. સામાનનું પૅકિંગ શરૂ થઈ ગયું છે.
‘ઘર બાસ’ | જમાઈ પ્રભુ શ્રીરામ-પુત્રી સીતા માટે વિવિધ આભૂષણ, વસ્ત્રો, ફળ-મેવા, પકવાન; ભગવાન માટે ધોતી-કુર્તા
મહંત રોશન દાસે જણાવ્યું કે લાલ-પીળાં વસ્ત્રોથી શણગારેલી છાબમાં વિવિધ આભૂષણો, 10-10 કિલો મેવા, 20-20 કિલો મીઠાઈ, માલપૂઆ અને અન્ય પકવાન હશે. ઋતુઅનુસારનાં ફળોથી ભરેલી 100થી વધુ છાબ હશે. પુત્રી સીતા માટે પીળી ધોતી, લાલ ચૂંદડી, શ્રૃંગારનો સામાન અને સુહાગની સામગ્રી હશે. જમાઈ પ્રભુ શ્રીરામ માટે પીળી ધોતી અને કુર્તાની સાથે સાવલિયો પણ મોકલાવાશે. પુત્રીના ઘર બાસ માટે કોઈ કચાશ ન રહે, તે માટે જનકપુરવાસી જોરશોરથી જોતરાયા છે.
કેવી રીતે પહોંચશે : કારમાં આવશે; સુગૌલી, બેતિયા, ગોરખપુર થઈને આવશે
મહંતના કહેવા પ્રમાણે ‘ઘર બાસ’ના રિવાજ અને સામાન માટે નેપાળમાં સરકારી સ્તરે ચાર-પાંચ બેઠક મળી. તેમાં નેપાળ પ્રવાસન વિભાગ અને ગૃહ વિભાગની પણ અનુમતિ લેવાઈ હતી. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે વાતચીત કરાઈ હતી. 3 જાન્યુઆરીએ સૌ લોકો જંગલના રસ્તેથી 5મીની સાંજે અયોધ્યા પહોંચશે. આ પ્રકારનો યાત્રામાર્ગ હશે…
સંધિ પછીજનકપુર નેપાળમાં ગયું હતું
વાલ્મીકિ રામાયણ અનુસાર દરભંગાથી 40 કિમી દૂર નેપાળના જનકપુરમાં માતા સીતાનો જન્મ થયો હતો. 1816માં નેપાળી શાસકો અને ઈસ્ટ ઇન્ડિયા વચ્ચેની સંધિ પછી મિથિલા રાજ્યનો ઉત્તરીય ભાગ નેપાળમાં જોડાયો હતો.