શિમલા9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારે વરસાદ બાદ શિમલા-બિલાસપુર નેશનલ હાઈવે પર પડેલો કાટમાળ. ત્રણ કલાક હાઇવે બંધ રહ્યો હતો.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ બાદ આજે પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) એ આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર કર્યું છે. શિમલા, સિરમૌર અને મંડી જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી. મતલબ કે આ ત્રણેય જિલ્લામાં કેટલીક જગ્યાએ રાત્રે પણ ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને નદી નાળાની નજીક ન જવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. હવામાન કેન્દ્ર શિમલાએ આજે અને આવતીકાલે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
રાત્રે ભારે વરસાદ બાદ શિમલા-બિલાસપુર નેશનલ હાઈવે પર કાટમાળ.
શિમલાના હવામાન કેન્દ્રના નિર્દેશક ડૉ.સુરેન્દ્ર પાલે જણાવ્યું કે આજે રાત્રે અને આવતીકાલે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નદી નાળાઓમાં પાણીનું સ્તર અચાનક વધી શકે છે. આ જોતાં સાવચેતી જરૂરી છે.
ભારે વરસાદ બાદ 115 રસ્તાઓ બંધ
ગઈકાલે રાત્રે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે ખાસ કરીને કાંગડા, શિમલા, સોલન અને મંડીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. મંડીના સુંદરનગરમાં રાત્રે સૌથી વધુ 121 મીમી વરસાદ નોંધાયો હતો. બપોરે 1 વાગ્યા સુધી પાલમપુરમાં 120 એમએમ, શિમલામાં 92 એમએમ, ધર્મશાલામાં 27 એમએમ અને સોલનમાં 86 એમએમ વરસાદ નોંધાયો હતો.
કારસોગના તલેહનમાં રાત્રે ભારે વરસાદને પગલે પૂર પછી કાટમાળ અને પત્થરો વચ્ચે ફસાયેલી HRTCની બસો.
શિમલા-બિલાસપુર NH 4 કલાક બંધ રહ્યો હતો
શિમલાથી લોઅર હિમાચલને જોડતો નેશનલ હાઈવે પણ ગઈકાલે રાત્રે ભારે વરસાદ પછી સવારે શિમલાની આસપાસ બ્લોક થઈ ગયો હતો, જે લગભગ ચાર કલાક પછી શરુ થઈ શક્યો હતો. ત્યાં સુધીમાં રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
બીજી તરફ, બગસ્યાડમાં શિમલાથી કારસોગને જોડતો હાઇવે પણ રોડ પર કાટમાળ પડતાં બંધ કરી દેવામાં આવ્યો હતો. તેને પણ હવે ફરીથી શરુ કરવામાં આવ્યો છે.
કરસોગ-શિમલા હાઇવે પર સવારે કાટમાળ આવ્યો, ટ્રાફિક ખોરવાયો, બસ ડ્રાઇવરે કાટમાળમાંથી વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
10 જુલાઈ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જુલાઈ સુધી સતત વરસાદની શક્યતા છે. આ સાથે હવે ચોમાસું ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. પાંચ જિલ્લાઓ શિમલા, મંડી, સોલન, બિલાસપુર અને ઉનામાં છેલ્લા 48 કલાક દરમિયાન સારો વરસાદ થયો છે. આના કારણે ખાસ કરીને મંડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. મંડીમાં મંગળવારે રાત્રે ભારે વરસાદને કારણે પંડોહ પાસે મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે ફરી જોખમમાં છે.
અહીં NH 1 ફૂટ ડૂબી ગયો છે. સાથે જ અંદાજે 45 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પણ ડૂબી રહ્યો છે. કટૌલા કૈંચી પાસે પહાડી પરથી આવતા કાટમાળને કારણે હાઇવેને વન-વે કરવામાં આવ્યો છે. સરાજમાં એક કાર અને બાઇક કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને એક મકાનને પણ નુકસાન થયું હતું.
મંડીમાં ભારે વરસાદ બાદ રોડ પર કાટમાળ.
ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં 44% ઓછો વરસાદ
જો કે અત્યાર સુધી ચોમાસું નબળું રહ્યું છે. રાજ્યમાં 1 જૂનથી 3 જુલાઈ સુધીના સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં 44 ટકા ઓછો વરસાદ થયો છે. કિન્નૌર જિલ્લામાં સામાન્ય કરતાં 63 ટકા ઓછો અને શિમલામાં 24 ટકા ઓછો વરસાદ થયો છે.
સિમલામાં વરસાદ વચ્ચે ટહેલતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો.
એક સપ્તાહમાં 5 જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ
છેલ્લા એક સપ્તાહ દરમિયાન એટલે કે 26 જૂનથી 3 જુલાઈ વચ્ચે રાજ્યમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન, મંડી, બિલાસપુર, હમીરપુર, શિમલા અને ઉના જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. અન્ય તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
મંડી જિલ્લામાં સામાન્ય કરતાં 56 ટકા વધુ, શિમલામાં 54 ટકા, હમીરપુરમાં 31 ટકા અને ઉના અને બિલાસપુરમાં 15-15 ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે ચંબામાં 14 ટકા ઓછો, કાંગડામાં 11 ટકા, કિન્નૌરમાં 56 ટકા, કુલ્લુમાં 53 ટકા, લાહૌલ સ્પીતિમાં 92%, સિરમૌરમાં 57% અને સોલનમાં 25% ઓછો વરસાદ પડ્યો છે.