પુણે6 કલાક પેહલા
- કૉપી લિંક
ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમાની પુણે ગ્રામીણ પોલીસે ખેડૂતોને ધમકી આપવા બદલ ધરપકડ કરી છે. તે રાયગઢના મહાડમાં એક હોટલમાં નામ બદલીને રોકાઈ હતી.
મનોરમા ગઈકાલે રાત્રે 8 વાગ્યે છોકરા સાથે હોટલ પર પહોંચી હતી. હોટલ-માલિકે ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મનોરમાએ તે છોકરાને પોતાનો દીકરો કહ્યો હતો. તેણે અહીં એક રાત રોકાવાનું આયોજન કર્યું હતું. તેણે હોટલ-મલિકને રાત્રિ રોકાણ માટે 1000 રૂપિયા આપ્યા હતા.
હોટલમાં પ્રવેશ કરતી વખતે તેની પાસે એક જ બેગ હતી અને રૂમમાં પ્રવેશ્યા બાદ તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. તે રાત્રિ ભોજન માટે પણ રૂમમાંથી બહાર આવી ન હતી. પોલીસે રાત્રે 2 વાગ્યે તેની અટકાયત કરી હતી અને સવારે તેની ધરપકડ કરી હતી.
મનોરમા ખેડકરનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. 13 જુલાઈએ મનોરમા સહિત 7 લોકો વિરુદ્ધ પૌડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આર્મ્સ એક્ટના આરોપો પણ સામેલ છે. કેસ નોંધાયા બાદથી તે ફરાર હતી.
મનોરમા ખેડકરની સાથે સુરક્ષાકર્મીઓ પણ હતા. મનોરમા ખેડૂતોને ધમકાવતી જોવા મળી હતી.
દાવો- પૂજાની માતાએ જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો
સ્થાનિક લોકોનો આરોપ છે કે ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પાડોશી ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકી આપી. ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે મનોરમા બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે.
જોકે પુણેના પોલીસ અધીક્ષક પંકજ દેશમુખે 12 જુલાઈના રોજ જણાવ્યું હતું કે આ ઘટના ગત વર્ષે 5 જૂને ધડાવલી ગામમાં બની હતી. ત્યાર બાદ ખેડૂતો વતી ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદમાં પિસ્તોલનો કોઈ ઉલ્લેખ નહોતો. પુણે પોલીસે કહ્યું- અમે તપાસ કરી રહ્યા છીએ કે મનોરમા પાસે પિસ્તોલનું લાઇસન્સ છે કે નહીં.
ખેડકર પરિવારનો દાવો- ખેડૂતોએ તેમની જમીન કબજે કરી લીધી
ખેડકર પરિવારે પુણેના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. જોકે તેણે દાવો કર્યો હતો કે તેનો એક ભાગ ખેડૂતોએ કબજે કરી લીધો છે. આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવ્યા. વીડિયોમાં સાંભળી શકાય છે કે તે કહી રહી છે કે જમીન તેના નામે છે.
પૂજાના પિતા સામે ખુલ્લી તપાસની માગ આ દરમિયાન પૂજાના પિતા અને રિટાયર્ડ ઓફિસર દિલીપ ખેડકરની મુશ્કેલીઓ પણ વધી રહી છે. પુણે એન્ટી કરપ્શન બ્યૂરોએ કથિત અપ્રમાણસર સંપત્તિ કેસમાં દિલીપ ખેડકર સામે તપાસ શરૂ કરી માગણી કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને આ અંગે એક અરજી મળી છે. પુણે એસીબીએ એસીબી હેડક્વાર્ટર પાસેથી સૂચનાઓ માગી છે, કારણ કે એસીબીના નાસિક વિભાગમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં દિલીપ ખેડકરની પહેલેથી જ તપાસ ચાલી રહી છે.
કેન્દ્ર સરકારની સમિતિએ પૂજાનાં પ્રમાણપત્રો માગ્યાં
11 જુલાઈના રોજ કેન્દ્રીય કર્મચારી મંત્રાલયની સમિતિએ પણ પૂજા પર OBC અને વિકલાંગતા ક્વોટાના દુરુપયોગની તપાસ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સમિતિએ પૂજા ખેડકર દ્વારા દાખલ કરાયેલા OBC નોન-ક્રીમી લેયર અને ડિસેબિલિટી સર્ટિફિકેટ મગાવવામાં આવ્યાં છે.
અહમદનગરના જિલ્લા કલેક્ટર અને નાસિકના ડિવિઝનલ કમિશનર બંને પ્રમાણપત્ર અને તેમનો રિપોર્ટ સબ્મિટ કરશે. એ જ સમયે વ્યક્તિગત ઓડી કારમાં લાલ-વાદળી લાઇટ લગાવવા સહિતના અન્ય આરોપો અંગે આરટીઓ અને પોલીસ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.
પુણેના જિલ્લા કલેક્ટર સુહાસ દિવાસે પૂજા ખેડકર વિરુદ્ધ સૌથી પહેલા ફરિયાદ કરી હતી, ત્યાર બાદ પૂજાની પુણેથી વાશીમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. વિવાદ વધતાં કેન્દ્ર સરકારે 16 જુલાઈના રોજ પૂજાની ટ્રેનિંગ અટકાવી દીધી હતી. તેને 23 જુલાઇ પહેલાં LBSNAA, મસૂરીની સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પાછી બોલાવવામાં આવી હતાી. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પૂજા ત્યાં જ રહેશે.
ડોક્ટરે કહ્યું- પૂજાનું પ્રમાણપત્ર નકલી નથી
પૂજાએ ઘણી વખત યુપીએસસીની પરીક્ષા આપી છે. તેણે ઘણી વખત અલગ-અલગ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યાં છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પૂજાને અહમદનગર જિલ્લા હોસ્પિટલ તરફથી અપંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હોસ્પિટલના સિવિલ સર્જને પુષ્ટિ કરી હતી કે પૂજાને આપવામાં આવેલું પ્રમાણપત્ર નકલી નથી.
આ સર્ટિફિકેટમાં પૂજાની માનસિક બીમારી અને બંને આંખોમાં માયોપિક ડિજનરેશનનો ઉલ્લેખ છે. આ પ્રમાણપત્રનો અહેવાલ અહમદનગર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યો છે. તેઓ આ રિપોર્ટ નાસિકના ડિવિઝનલ કમિશનરને મોકલી રહ્યા છે.
પૂજાએ કલેક્ટર સામે હેરાનગતિનો કેસ કર્યો, પોલીસે પૂજાને બોલાવી
પૂજાએ પુણેના કલેક્ટર સુહાસ દિવાસે સામે પણ હેરાનગતિનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ અંગે પૂજાને નોટિસ મોકલી છે. પોલીસે પૂજાને આ કેસ અંગે તેનું નિવેદન નોંધવા કહ્યું છે. પૂજા પોતાનું નિવેદન નોંધવા આજે પુણે આવી શકે છે.
હકીકતમાં મહિલા પોલીસકર્મીઓની એક ટીમ 15 જુલાઈના રોજ વાશીમમાં પૂજાના ઘરે ગઈ હતી, જ્યાં તેણે સુહાસ દિવાસ વિરુદ્ધ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કલેક્ટર દિવાસે જણાવ્યું હતું કે ‘મારી સામેના આક્ષેપો અંગે મને જાણ નથી. આ વિશે કોઈએ મારી સાથે વાત કરી નથી. મને મીડિયા રિપોર્ટ્સ પરથી જ ખબર પડી. પૂજાના અન્ય વિકલાંગતા પ્રમાણપત્રમાં 7% અપંગતા દર્શાવવામાં આવી છે.
પુણેની યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ (વાયસીએમ) હૉસ્પિટલમાંથી 24 ઑગસ્ટ, 2022ના રોજ આપવામાં આવેલા પ્રમાણપત્રમાં તેને 7% અપંગ તરીકે વર્ણવવામાં આવી હતી. UPSC નિયમો અનુસાર, વિકલાંગ ક્વોટા હેઠળ પસંદગી માટે 40% વિકલાંગતા હોવી જરૂરી છે.
YCM ડીન રાજેન્દ્ર વાબલે જુલાઈ 16ના રોજ કહ્યું – 7%નો અર્થ છે કે શરીરમાં કોઈ મોટી વિકલાંગતા નથી. પૂજાનો કેસ લોકોમોટર ડિસેબિલિટી એટલે કે ચાલવામાં તકલીફ સાથે સંબંધિત છે. આ સર્ટિફિકેટમાં પૂજાએ ખોટું સરનામું પણ આપ્યું હતું.
આ એ જ વિકલાંગતા પ્રમાણપત્ર છે, જે યશવંતરાય ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલ, પુણે દ્વારા જારી કરવામાં આવ્યું હતું.
પૂજા પર નામ અને ઉંમર સાથે ચેડાં કરવાનો પણ આરોપ
પૂજાની યુપીએસસીમાં ગેરરીતિના મામલે વધુ ખુલાસા થયા છે. એ પ્રકાશમાં આવ્યું છે કે પૂજાએ તેના યુપીએસસી પ્રયાસો વધારવા માટે તેનું નામ અને ઉંમર બદલી હતી. 2020 અને 2023 માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)માં તેના દ્વારા દાખલ કરાયેલી બે અરજીમાં પૂજાનાં અલગ-અલગ નામ છે.
2020ની અરજીમાં પૂજાએ પોતાનું નામ ‘ખેડકર પૂજા દિલીપરાવ’ અને તેની ઉંમર 30 વર્ષ દર્શાવી હતી. જ્યારે 2023 માટે તેની CAT એપ્લિકેશનમાં તેણે તેનું નામ ‘પૂજા મનોરમા દિલીપ ખેડકર’ અને તેની ઉંમર 31 વર્ષ દર્શાવી હતી. સવાલ ઊઠી રહ્યો છે કે ત્રણ વર્ષના ગાળામાં તેની ઉંમર માત્ર એક વર્ષ કેવી રીતે વધી શકે?
વાસ્તવમાં UPSCમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 32 વર્ષની ઉંમર સુધી 6 વખત પરીક્ષા આપવાની છૂટ છે. જ્યારે OBC કેટેગરીના ઉમેદવાર 35 વર્ષની ઉંમર સુધી 9 વખત પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂજાએ કુલ 11 વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપી છે.