નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
CJIએ કહ્યું- સ્વતંત્રતા સંગ્રામમાં દેશે શું સહન કર્યું? એ સમયે બંધારણ અને કાયદાની સ્થિતિ શું હતી? બધા જાણે છે.
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે,એ વાતની યાદ અપાવે છે કે આઝાદી આપણા માટે કેટલી કીમતી છે.
CJIએ કહ્યું- અમે 1950માં બંધારણ અપનાવ્યું અને એનું પાલન કર્યું. આ જ કારણ છે કે સ્વતંત્રતામાં કોઈપણ પ્રકારની દખલગીરી નથી. સ્વતંત્રતા કે આઝાદીને હળવાશથી ન લઈ શકાય. આ કેટલું મહત્ત્વનું છે, એ ભૂતકાળની વાર્તાઓ પરથી સમજી શકાય છે.
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે એમ પણ કહ્યું હતું કે આજનો દિવસ આપણને બંધારણનાં તમામ મૂલ્યોને સમજવાની અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો નિભાવવાની યાદ અપાવે છે.
CJIએ કહ્યું- આઝાદીની લડાઈમાં કાયદાની પ્રેક્ટિસ છોડનારાઓને સલામ
CJI ચંદ્રચૂડે કહ્યું- દરેક વ્યક્તિ જાણે છે કે સ્વતંત્રતા સંગ્રામમાં દેશને શું સામનો કરવો પડ્યો, એ સમયે બંધારણ અને કાયદાની સ્થિતિ શું હતી. આપણે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરવી જોઈએ જેમણે કાયદાની પ્રેક્ટિસ છોડી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા.
બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ગોવિંદ વલ્લભ પંત, દેવી પ્રસાદ ખૈતાન, સર સૈયદ મોહમ્મદ સાદુલ્લા જેવા ઘણા મહાપુરુષોએ રાષ્ટ્ર માટે પોતાને સમર્પિત કર્યા હતા. તે બધા ભારતની આઝાદીના નાયક હતા. તેમણે સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપનામાં પણ યોગદાન આપ્યું હતું.
ચંદ્રચૂડે કહ્યું- કોર્ટનું કામ સામાન્ય માણસના સંઘર્ષ જેવું
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કોર્ટની વર્તમાન પ્રક્રિયા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું- છેલ્લાં 24 વર્ષમાં એક જજ તરીકે હું મારા દિલ પર હાથ રાખીને કહી શકું છું કે કોર્ટનું કામ સામાન્ય માણસના જીવન જેટલું જ સંઘર્ષથી ભરેલું છે.
કોર્ટમાં દરેક ધર્મ, જાતિ, લિંગ, ગામ અને શહેરોના લોકો આવે છે. તે બધાને મર્યાદિત સંસાધનોમાં અને કાર્યક્ષેત્રમાં ન્યાય અપાવવાનો હોય છે, એ એટલું સરળ કાર્ય નથી.