49 મિનિટ પેહલા
- કૉપી લિંક
એ રાજા 3 માર્ચે તામિલનાડુના CM એમકે સ્ટાલિનના જન્મદિવસે કોઈમ્બતોરમાં એક સભામાં બોલી રહ્યા હતા. એનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે.
તામિલનાડુના DMK સાંસદ એ. રાજાએ ભારતને એક દેશ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 5 માર્ચે તેમણે કહ્યું હતું કે ભારત ક્યારેય એક દેશ નહોતો. દેશ એટલે એક ભાષા, એક સંસ્કૃતિ અને એક પરંપરા. પછી એ દેશ કહેવાય. એ. રાજાએ 3 માર્ચે તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના જન્મદિવસ પર કોઈમ્બતોરમાં યોજાયેલી બેઠકમાં આ નિવેદન આપ્યું હતું.
રાજાના ભાષણના 4 મુદ્દા, વિવાદનું કારણ બની શકે છે
1. ભારત એક દેશ નથી
એ. રાજાએ કહ્યું, “ભારત એક ઉપખંડ છે. એનું કારણ શું છે? અહીં ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. તામિલનાડુમાં એક ભાષા-એક સંસ્કૃતિ છે. એ એક દેશ છે. મલયાલમ એક ભાષા છે, તેમનું એક રાષ્ટ્ર છે. ઓડિશા એક દેશ છે, ત્યાં એક ભાષા છે. કેરળમાં અલગ દિલ્હીમાં અલગ ભાષા અને સંસ્કૃતિ છે. આ બધા દેશો મળીને ભારત બનાવે છે, તેથી ભારત એક દેશ નથી, પરંતુ એક ઉપખંડ છે.”
2. મણિપુરમાં કૂતરાનું માંસ ખવાય છે
એ. રાજાએ કહ્યું, “મણિપુરમાં કૂતરાનું માંસ ખાવામાં આવે છે, કેમ. હા, તેઓ ખાય છે. એ સંસ્કૃતિ છે. એમાં કંઈ ખોટું નથી. એ બધું આપણા મગજમાં છે. કાશ્મીરમાં એક અલગ સંસ્કૃતિ છે. તમારે એને સ્વીકારવું પડશે. “જો કોઈ સમુદાય બીફ ખાય છે, તો તમને શું સમસ્યા છે? તેણે તમને ખાવા માટે કહ્યું? વિવિધતામાં એકતા છે. આપણે બધા જુદા છીએ, એ સ્વીકારો.”
3. ભગવાન હનુમાનની વાનર સાથે સરખામણી
DMK નેતા એ. રાજા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે જો તમે કહો કે આ તમારા ભગવાન અને ભારત માતા કી જય છે, તો અમે તે ભગવાન અને ભારત માતાને ક્યારેય સ્વીકારીશું નહીં. તેમને કહો કે આપણે બધા રામના દુશ્મન છીએ. મને રામાયણ અને ભગવાન રામમાં વિશ્વાસ નથી. એ. રાજાએ ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરી ‘જય શ્રીરામ’ના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યા.
4. પાણીની ટાંકી એક, પરંતુ શૌચાલયના પાણીનો રસોડામાં ઉપયોગ નથી કરતા
DMK સાંસદે કહ્યું, “પાણીની ટાંકીમાંથી પાણી રસોડામાં તેમજ શૌચાલયમાં આવે છે. આપણે રસોડામાં એ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શૌચાલયમાંથી લાવેલા પાણીનો રસોડામાં ઉપયોગ કરતા નથી. એનું કારણ શું છે? આપણને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. પાણી સરખું જ છે, પણ એ ક્યાંથી આવે છે એ અંતર પેદા કરી દે છે. આપણે જાણીએ છીએ કે આ રસોડું છે અને આ શૌચાલય છે.”
ભાજપે કહ્યું- શું DMK અન્ય કોઈ ધર્મનું અપમાન કરી શકે છે?
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે DMKના નેતાઓ કહે છે કે અમે ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ને ક્યારેય સ્વીકારીશું નહીં. શું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આ સાથે સહમત છે? શું DMK અન્ય ધર્મોનાં દેવી-દેવતાઓ વિરુદ્ધ આવી અપમાનજનક ટિપ્પણીઓનો ઉપયોગ કરશે?
BJPના વરિષ્ઠ નેતા અને બિહારના પટના સાહિબના લોકસભા સાંસદ રવિશંકર પ્રસાદે એ. રાજાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો.
એ. રાજાએ સનાતન ધર્મની તુલના HIV અને રક્તપિત્ત સાથે કરી હતી
DMK સાંસદ એ. રાજા આ પહેલાં પણ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે ગયા વર્ષે 6 સપ્ટેમ્બરે ચેન્નઈમાં સનાતન ધર્મની તુલના HIV અને રક્તપિત્ત સાથે કરી હતી. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ, મલેરિયા અને કોરોના સાથે કરી હતી.
એ. રાજાએ કહ્યું, “મલેરિયા અને ડેન્ગ્યૂ ન તો ધિક્કાર સાથે સંકળાયેલા છે અને ન તો એને સામાજિક કલંક માનવામાં આવે છે. અમે રક્તપિત્ત અને HIVને નફરતથી જોઈએ છીએ. આ (સનાતન ધર્મ)ને પણ આવો જ એક રોગ તરીકે જોવો જોઇએ. HIV અને રક્તપિત્તની જેમ આપણે સનાતનને પણ નાબૂદ કરવું પડશે.”
અગાઉ ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે કહ્યું હતું કે મચ્છર, ડેન્ગ્યૂ, તાવ, મલેરિયા અને કોરોના એવી કેટલીક બાબતો છે, જેનો માત્ર વિરોધ કરી શકાતો નથી, પરંતુ એને ખતમ કરવો જરૂરી છે. સનાતન ધર્મ જાતિ અને ભેદભાવ પર આધારિત છે, જેને ખતમ કરી દેવો જોઈએ.