પહેલાં વાત એક જૂના વીડિયોની… આ વીડિયો 2015નો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ 8 ડિસેમ્બર, 2015ના દિવસે પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યાં હતાં અને તેમની બાજુમાં એસ.જયશંકર બેઠા છે. જયશંકર ત્યારે વિદેશ સચિવ હતા. હવે તે વિદેશમંત્રી છે અને આવતા અઠવાડિયે બે
.
નમસ્કાર,
પાકિસ્તાનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશોની સમિટ થવાની છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર બે દિવસ પાકિસ્તાન જવાના છે. આમ તો આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હતું પણ મોદી હંમેશાં પાકિસ્તાનથી અંતર રાખે છે. ગયા વર્ષે ભારતમાં SCO સમિટ થઈ હતી અને બિલાવલ ભુટ્ટો દિલ્હી આવ્યા હતા ત્યારે પણ મોદી ગયા નહોતા અને એસ.જયશંકરને મોકલ્યા હતા.
પાકિસ્તાન જતાં પહેલાં દિલ્હીમાં જયશંકરે આ ચિંતા વ્યક્ત કરી વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં IC સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત સરદાર પટેલ લેક્ચરમાં 5 ઓક્ટોબરે લેક્ચર આપ્યું હતું. જેમાં પોતાની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઈરાન, લેબેનોન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે મીડલ ઈસ્ટની સ્થિતિ ખરેખર ચિંતાજનક છે જે આપણને પણ અસર કરશે. હું આજે પ્રામાણિકપણે કહીશ કે યુક્રેનનો સંઘર્ષ હોય કે મીડલ ઈસ્ટનો હોય કે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ, આ અસ્થિરતાના મોટા પરિબળો છે, ચિંતાના મોટા કારણો છે. મને લાગે છે કે ભારત સહિત સમગ્ર વિશ્વ આનાથી ચિંતિત છે. આની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે અને સપ્લાય ચેઈનને કોઈને કોઈ રીતે અસર થઈ રહી છે. ગ્લોબલાઈઝેશનના યુગમાં, કોઈપણ દેશમાં સંઘર્ષ સમગ્ર વિશ્વમાં સમસ્યાનું કારણ બની શકે છે.
પાકિસ્તાનની મુલાકાત અંગે જયશંકરે શું કહ્યું? SCO કોન્ફરન્સ અંગે એસ જયશંકરે કહ્યું કે હું ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય વાટાઘાટો માટે પાકિસ્તાન નથી જતો. હું આ મહિનાના મધ્યમાં SCO સરકારના વડાઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જઈ રહ્યો છું. અલબત્ત, હું જવાની યોજના બનાવી રહ્યો છું… તમે જે દરેક બાબતનો પ્લાન કરો છો જે તમે કરવાના હો છો. એવી ઘણી બાબતો છે જે તમે કરવા નથી માંગતા પણ તે થઈ શકે છે. મારો મતલબ છે કે, તમે તેના માટે પણ પ્લાન કરો છો. મને આશા છે કે આમાં મીડિયાને ઘણો રસ હશે, કારણ કે આ સંબંધોની પ્રકૃતિ જ એવી છે… પરંતુ હું કહેવા માંગુ છું કે આ બહુપક્ષીય કાર્યક્રમ હશે. મારો મતલબ છે કે હું ત્યાં ભારત-પાકિસ્તાન સંબંધોની ચર્ચા કરવા નથી જઈ રહ્યો. હું SCOના સારા સભ્ય તરીકે ત્યાં જઈ રહ્યો છું…
સરદાર પટેલને યાદ કરીને જયશંકરે શું કહ્યું? ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે, પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરીને નહીં. સરદાર પટેલે બતાવેલી વાસ્તવિકતા આપણી નીતિનો આધાર હોવો જોઈએ. તેમણે કહ્યું, ભારતનું એક રાજ્ય હતું જે પટેલને સંભાળવાની મંજૂરી નહોતી. આપણે બધા જાણીએ છીએ કે તેનું પરિણામ શું આવ્યું. આ ભૂલ સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા ને બલિદાનો આપવા પડ્યા. જો સરદાર પટેલ ન હોત તો ભારતીય એકીકરણની કહાની ઘણી અલગ હોત. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, સરદાર પટેલ સંયુક્ત રાષ્ટ્રમાં જવાની વિરુદ્ધ હતા. તેમણે જૂનાગઢ, હૈદરાબાદના મામલામાં તેનો વિરોધ કર્યો હતો. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે ભારતે તેની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે અન્ય શક્તિઓ સમક્ષ ઝુકવું જોઈએ નહીં. આપણા માટે દુઃખની વાત એ છે કે તેમણે આપેલી ચેતવણીની અવગણના કરવામાં આવી…જે મુદ્દો ‘જમ્મુ અને કાશ્મીર’ના રૂપમાં આપણી સામે આવ્યો તેને ભારત -પાકિસ્તાનના પ્રશ્નમાં બદલી નખાયો. તે આ પ્રકરણ સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવા નહોતા માગતા. તે માનતા હતા કે, પાકિસ્તાનને તો આપણે જ સીધો પડકાર ફેંકવો જોઈએ.
પહેલાં જાણો SCO શું છે? શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ મધ્ય એશિયાના તમામ દેશો વચ્ચે શાંતિ અને સહકાર જાળવવા માટે રચાયેલું સંગઠન છે. આ તમામ દેશો પોતપાતાની આર્થિક નીતિ, સુરક્ષા નીતિ અને રાજકીય નીતિની ચર્ચા કરે છે. SCOમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન એમ 9 દેશો સભ્યો છે.
- SCOનું ગઠન 2001માં થયું. એ એક પોલિટિકલ, ઈકોનોમિક અને સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન છે. તેમાં એવા દેશો સભ્યો છે જેમાં દુનિયાની 40 ટકા વસ્તી રહે છે.
- શરૂઆતમાં SCOમાં છ સદસ્ય હતા. રશિયા, ચીન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાન.
- ભારત-પાકિસ્તાન બંને 2017માં એકસાથે તેના સદસ્ય બન્યા હતા.8 દેશ તેના કાયમી સદસ્ય હતા અને ગયા વર્ષે 2023માં ઈરાન સામેલ થતાં તેની સંખ્યા 9ની થઈ છે.
- વસ્તી અને ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આ દુનિયાનું સૌથી મોટું રિજનલ ઓર્ગેનાઈઝેશન છે. ગ્લોબલ GDPમાં તેની લગભગ 30% ભાગીદારી છે.
- આ સંગઠનનો ઉદ્દેશ આર્થિક સહયોગ, ઊર્જાના ક્ષેત્રમાં ભાગીદારી કરવાનો છે.
- આ ઉપરાંત આતંકવાદ, અલગતાવાદ અને નશીલા પદાર્થની તસ્કરી વિરુદ્ધ એકજૂટ થવાનો પ્રયાસ છે.
- SCOનો મુખ્ય ઉદ્દેશ સેન્ટ્રલ એશિયામાં અમેરિકાના વધતા પ્રભાવનો જવાબ આપવાનો છે.
- ઘણા એક્સપર્ટ SCOને અમેરિકી દબદબાવાળા NATOના કાઉન્ટરના રૂપમાં જોવે છે.
ભારત અને પાકિસ્તાન 2017માં SCOના સભ્ય બન્યા ભારત અને પાકિસ્તાન 2017માં SCOમાં જોડાયા હતા. ઈરાને ગયા વર્ષે 2023માં તેનું સભ્યપદ લીધું હતું. હાલમાં, વિશ્વની લગભગ 40% વસ્તી SCO દેશોમાં રહે છે. SCO દેશોનો વિશ્વના GDPમાં 20% હિસ્સો છે.
છેલ્લે કઝાકિસ્તાનમાં SCO સમિટ થઈ હતી SCO સમિટ આ વર્ષે 3-4 જુલાઈના રોજ કઝાકિસ્તાનમાં થઈ હતી પણ પીએમ મોદી એ સમિટમાં ભાગ લેવા ગયા નહોતા. તેમના સ્થાને વિદેશ મંત્રી જયશંકરે સમિટમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCOની હેડ્સ ઓફ ગર્વન્મેન્ટ (CHG) સમિટ યોજાઈ હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે અહીંયા પણ ભાગ લેવા ગયા હતા. ભારતે ગયા વર્ષે 3-4 જુલાઈએ ગોવામાં SCO સમિટનું આયોજન કર્યું હતું. તેમાં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો હાજર હતા. સાથે વર્ચ્યુઅલ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ભાગ લીધો હતો.
પાકિસ્તાને આમંત્રણ આપ્યું પછી પણ જયશંકરનું સ્ટેટમેન્ટ આવ્યું પાકિસ્તાને SCO સમિટ માટે આ સંગઠનના સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલ્યું હતું. પાકિસ્તાને 29 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SCO બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન તરફથી આમંત્રણ મળ્યા બાદ 30 ઓગસ્ટે જયશંકરે બંને દેશોના સંબંધો પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીતનો તબક્કો પૂરો થઈ ગયો છે. દરેક વસ્તુનો એક સમય હોય છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે એટલે એ મુદ્દો ખતમ થઈ ગયો છે. હવે આપણે શા માટે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ વિશે વિચાર કરવો જોઈએ?
છેલ્લે 2015માં મોદી અને સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયાં હતાં 2015માં વડાપ્રધાન મોદી સરપ્રાઈઝ વિઝિટ પર લાહોર પહોંચ્યા હતા. મોદી ત્યાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને મળ્યા હતા. આ પછી ડિસેમ્બર 2015માં ભારતના તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત બાદ ભારતના કોઈ વડાપ્રધાન કે મંત્રી પાકિસ્તાન ગયા નથી. હવે 9 વર્ષ પછી એસ.જયશંકર પાકિસ્તાન જઈ રહ્યા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સતત તણાવ રહ્યો છે ઉરી હુમલો : 2016માં ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો 2016માં ભારતીય સૈનિકોના વેશમાં ચાર આતંકવાદીઓ ઉરીમાં ભારતીય સેનાના બ્રિગેડ હેડક્વાર્ટરમાં ઘૂસ્યા હતા. 3 મિનિટની અંદર આતંકવાદીઓએ કેમ્પ પર 15થી વધુ ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થયા હતા. હુમલાનો જવાબ આપવા માટે, ભારતીય સેનાએ પીઓકેમાં પ્રવેશ કર્યો અને 28-29 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરી. ભારતીય સેના વહેલી સવાર સુધીમાં ઓપરેશન પૂરું કરીને પાછી ફરી ગઈ હતી. આ હુમલામાં 38 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો.
પુલવામા હુમલો : 14 ફેબ્રુઆરી 2019માં જમ્મુ અને કાશ્મીર વચ્ચેથી પસાર થઈ રહેલા BSFના કોન્વોય સાથે એલઈડી ભરેલી મારુતી વાન અથડાવીને બ્લાસ્ટ કરાયો હતો. તેમાં 40 જવાનો શહીદ થયા હતા. ભારતમાં ભારોભાર રોષ ભભૂક્યો હતો અને 29 ફેબ્રુઆરીએ ભારતે POKના બાલાકોટ વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ ઘટના પછી પાકિસ્તાની કલાકારો અને તેમની ફિલ્મોનો પણ ભારતમાં બહિષ્કાર થવા લાગ્યો. ભારતીય ક્રિકેટ ટીમ પણ છેલ્લે 2008માં પાકિસ્તાન મેચ રમવા ગઈ હતી. 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ હાઈ લેવલ મિટિંગ થઈ નથી.
બિલાવલ ભુટ્ટો SCO સમિટમાં ભારત આવ્યા ત્યારે શું થયું હતું? 2023ના જુલાઈ મહિનામાં ગોવામાં SCO સમિટ થઈ હતી. ત્યારે પણ વડાપ્રધાન મોદી ગયા નહોતા અને એસ.જયશંકરને મોકલ્યા હતા. જયશંકર અને પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો સાથે ચર્ચા થઈ હતી. ચર્ચા પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું હતું કે, SCO સભ્ય દેશના વિદેશમંત્રી તરીકે બિલાવલ ભુટ્ટોને એ જ ટ્રીટમેન્ટ અપાઈ, જે બીજા નેતાઓને આપવામાં આવી. પરંતુ એ હજી પણ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમનું વર્તન એવું હતું જાણે ટેરરિઝમ ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા હોય. તેમની દલીલો ફગાવી દેવામાં આવી હતી. બિલાવલે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. તેમણે કહ્યું- કાશ્મીરમાંથી કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવીને ભારતે વાતચીતના તમામ રસ્તા બંધ કરી દીધા છે.
સુષ્મા સ્વરાજ 2015માં પાકિસ્તાન શા માટે ગયાં હતાં? મોદી સરકાર 1.0માં સુષ્મા સ્વરાજ વિદેશમંત્રી હતાં ત્યારે 2015માં તે પાકિસ્તાન ગયાં હતાં. પણ ત્યારે ભારત SCOનું મેમ્બર નહોતું એટલે SCO સમિટમાં ભાગ લેવાં નહોતાં ગયાં. પણ ત્યારે ‘હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ’ હતી. તે સમયે 14 દેશોના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા. હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ એશિયાઈ અને અન્ય દેશોને અફઘાનિસ્તાન અને તેના પડોશીઓના ભવિષ્ય વિશે ચર્ચા કરવા માટે થાય છે. આ ક્ષેત્રમાં તાલિબાન અને અન્ય આતંકવાદીઓના વધતા જોખમનો સામનો કરવા માટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સુરક્ષા સહયોગ મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. સુષ્મા આ કોન્ફરન્સમાં ગયાં તે પહેલાં ભારતે કાશ્મીર પર મહિનાઓના તણાવ બાદ ઓગસ્ટમાં ઉચ્ચ સ્તરીય બેઠક રદ પણ કરી હતી.
સુષ્માએ પાકિસ્તાનમાં શું કહ્યું હતું? પાકિસ્તાનમાં ‘હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ’માં પોતાના સંબોધનમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે આપણે એકબીજા સાથે વેપારના સહયોગને મજબૂત કરવા માટે પરિપક્વતા અને આત્મવિશ્વાસ દર્શાવીએ. ભારત તેના સહયોગને તે ગતિએ આગળ વધારવા માટે તૈયાર છે, જે પાકિસ્તાનને અનુકૂળ હોય. પણ આપણે સારો પાડોશી ધર્મ નિભાવવો જોઈએ અને અફઘાનિસ્તાનને મદદ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. એ વખતે સુષ્મા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યાં હતાં.
છેલ્લે,
સુષ્મા સ્વરાજ અને નવાઝ શરીફની દ્વિપક્ષીય મિટિંગ પાકિસ્તાનમાં થઈ ત્યારે સુષ્મા સ્વરાજની પાછળ પ્રોટોકોલ મુજબ તિરંગો નહોતો. ભારતમાં આનો જોરદાર વિરોધ થયો હતો અને વિપક્ષોએ એ વખતે કેન્દ્ર સરકાર પર તડાપીડ બોલાવી હતી. ભારત આ વાત ભુલ્યું નથી, બની શકે કે પાકિસ્તાન પણ આ વાત ભુલ્યું નહીં હોય.