મુંબઈ11 કલાક પેહલા
- કૉપી લિંક
ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે 12 કલાક મોડી પડી હતી. સવારે 10.45ની ફ્લાઇટ રાતે 10.06 વાગ્યે ગોવા એરપોર્ટથી ટેકઓફ થઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે વિમાન એક કલાક મોડું લગભગ 11 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. જેથી ગુસ્સે ભરાયેલાં પેસેન્જરોએ વિમાનમાંથી ઉતરીને એરક્રાફ્ટ પાર્કિંગમાં બેસી ગયા. સોશિયલ મીડિયા X પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પેસેન્જર્સ એરક્રાફ્ટ પાર્કિંગમાં જમીન પર બેસીને ભોજન કરતા જોવા મળી રહ્યા છે.
15 સેકેન્ડના આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં અન્ય ફ્લાઇટ્સને ટેકઓફ કરતા પણ જોઈ શકાય છે. જેથી યાત્રીઓની સુરક્ષાને લઇને સવાલો પણ ઊભા થયા. મામલાને લઇને ઇન્ડિગો એરલાઇન્સે માફી પણ માગી લીધી છે.
ઇન્ડિગો એરલાઇન્સે સોમવારે કહ્યું- ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ ગોવાથી ટેકઓફ થઈ હતી. તે પછી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. યાત્રીઓ જેવા ફ્લાઇટમાંથી બહાર આવ્યા તેમણે ટર્મીનલમાં જવાની ના પાડી દીધી. તે પછી CISFના જવાનો અને એરપોર્ટ સ્ટાફે તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. ભવિષ્યમાં આવી સ્થિતિ ન બને, તેને લઇને ધ્યાન રાખવામાં આવશે.
એરપોર્ટના એપ્રનમાં બેઠેલાં યાત્રીઓને પાણીની બોટલ આપવામાં આવી. આ તસવીર વાઇરલ વીડિયોમાંથી લેવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો થયા
વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ એરલાઈન્સના મેનેજમેન્ટ અને મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા. હકીકતમાં જે જગ્યાએ મુસાફરો બેઠા હતા તેને એપ્રન કહેવામાં આવે છે. અહીં એરક્રાફ્ટનું પાર્કિંગ અને સામાનનું લોડિંગ અને અનલોડિંગ થાય છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આ સ્થળે મુસાફરોની હાજરી યોગ્ય માનવામાં આવતી નથી.
ધુમ્મસના કારણે દિલ્હી-ગોવા ફ્લાઇટ મોડી, પેસેન્જરે પાયલટને લાફો માર્યો
રવિવારે ધુમ્મસના કારણે દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-2175) 13 કલાક મોડી પડી હતી. આ ફ્લાઈટ રવિવારે સવારે 7.40 કલાકે ઉપડવાની હતી. જેથી ગુસ્સે થઈને એક મુસાફરે પાયલટને લાફો મારી દીધો હતો. લાફો માર્યા પછી તેણે કહ્યું- ફ્લાઇટ ટેકઓફ કરવી હોય તો કરો, નહીં તો ગેટ ખોલો. પેસેન્જરના આવા વર્તનના પગલે એર હોસ્ટેસે રડતાં-રડતાં કહ્યું, સર, તમે આવું ન કરી શકો; પેસેન્જર તેની સામે પણ તાડૂક્યો, હું કેમ આવું ન કરી શકું?
આ ઘટના દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગો ફ્લાઈટ (6E-2175)માં બની હતી.
પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ તરત જ સાહિલ કટારિયાને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
આઈજીઆઈ એરપોર્ટ પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો ફ્લાઈટના કો-પાઈલટ અનુપ કુમારની ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 323, 341, 290 અને 22 એરક્રાફ્ટ નિયમો હેઠળ એફઆઈઆર નોંધી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં આરોપી મુસાફર સાહિલ કટારિયાને CrPC 41 હેઠળ પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી છે. જોકે આ તમામ કલમ જામીનપાત્ર છે. ફરિયાદ અનુસાર, આરોપી પેસેન્જરે કો-પાઇલટ પર હુમલો કર્યો અને દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગો ફ્લાઈટ નંબર 6E2175માં હંગામો મચાવ્યો.
પાયલટે પેસેન્જરને કહ્યું- તમારા કારણે ફ્લાઈટ મોડી પડી
આ ફ્લાઇટમાં રશિયન-ભારતીય એક્ટ્રેસ ઇવગેનિયા બેલસ્કાયા પણ સફર કરી રહી હતી. તેણે જણાવ્યું કે મામલો ત્યારે વધ્યો જ્યારે પાયલટે પેસેન્જરને કહ્યું કે- ફ્લાઇટ તમારા કારણે લેટ પડી છે. તમે એટલાં બધા સવાલ પૂછો છો. જેના કારણે અમે સમયસર ઉડાન ભરી શક્યા નથી. હવે તમારે વધારે રાહ જોવી પડશે. ઇવગેનિયાના જણાવ્યા પ્રમાણે આ વાતથી નિરાશ થઈને પેસેન્જરે પાયલટને લાફો માર્યો હતો.
એર હોસ્ટેસે પેસેન્જરના આ વર્તન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
સિંધિયાએ કહ્યું- અભદ્ર વર્તન સ્વીકાર્ય નથી
ફ્લાઈટમાં મોડું થવાને લઈને વિવાદ વધ્યો ત્યારે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક્શનમાં આવ્યા. તેમણે દિલ્હી એરપોર્ટનો ચોથો રનવે તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ સમગ્ર મામલાની માહિતી આપી હતી.
તેમણે કહ્યું- ગઈકાલે (રવિવારે) ધુમ્મસને કારણે દિલ્હીમાં સવારે વિઝિબિલિટી શૂન્ય હતી. તેથી એરપોર્ટનો એક રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે દિવસ-રાત કામ કરી રહી છે.
તે જ સમયે, પાયલટને લાફો મારવાના વીડિયોને લઈને સિંધિયાએ કહ્યું – મુસાફરોનું અભદ્ર વર્તન સ્વીકારવામાં આવશે નહીં. અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.
ખરાબ હવામાનને લઈને DGCAની SOP જાહેર
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સોમવારે ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે ફ્લાઇટ વિલંબના કિસ્સામાં નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી હતી. આ મુજબ, જો કોઈ ફ્લાઈટ 3 કલાકથી વધુ મોડી થાય છે તો તેને રદ કરવી પડશે. તે જ સમયે, મુસાફરોએ ફ્લાઇટમાં મોડું થવાને લઇને રિયલ ટાઇમ અપડેટ્સ આપવા પડશે.
તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને નવી SOP જાહેર કરવામાં આવી હતી. હકીકતમાં, રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર એક મુસાફરે ઈન્ડિગો ફ્લાઈટના પાયલટને લાફો મારી દીધો હતો.
DGCA દ્વારા જાહેર કરવામાં આવેલી SOP….
ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ કેન્સલેશન અને મોડું થવાને ધ્યાનમાં રાખીને, DGCA એ તમામ એરલાઇન્સ માટે SOP જાહેર કરી છે, જેથી મુસાફરોને અસુવિધા ન થાય.
- એરલાઇન્સે ફ્લાઇટમાં મોડું થવાને લઇને મુસાફરોને રિયલ ટાઇમ ડેટા આપવો પડશે.
- જો ફ્લાઇટના ટેકઓફમાં 3 કલાકથી વધુ મોડું થાય, તો સમયસર ફ્લાઇટ રદ કરો, જેથી એરપોર્ટ પર વધુ ભીડ એકઠી ન થાય.
- એરલાઇન્સે ફ્લાઇટ ટિકટ પર સિવિલ એવિએશન રિક્વોરમેન્ટ (CAR) આપવી ફરજિયાત કરી દીધી છે, જેથી પેસેન્જર્સને બોર્ડિંગની મનાઈ, ફ્લાઇટ રદ અથવા કે મોડું થવાના કિસ્સામાં તેમના અધિકારો વિશે જાગૃત રહે.