- Gujarati News
- National
- Jagannath Temple Lit Up Again After Diwali Month, Lord, Balabhadra And Subhadra Will Perform Pitrushradh… Donation Of 1 Lakh Divas Today
પુરી (ઓડિશા)2 કલાક પેહલા
- કૉપી લિંક
- ત્રિદિવસીય પર્વ માટે ત્રણેય ભગવાનને ‘શ્રાદ્ધ વેશ’ના શ્વેત વસ્ત્ર પહેરાવવામાં આવ્યા
દિવાળીના એક મહિના પછી જગન્નાથ ધામમાં આજે દિવાળી જેવો જ ઝળહળાટ છે. લાખો દીપક પ્રકાશી રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બળભદ્ર અને માતા સુભદ્રાને નવાં શ્વેત વસ્ત્ર પહેરાવાયાં છે. જોકે ત્રણેય ભગવાનનાં વસ્ત્રની બોર્ડરના રંગ જુદા જુદા છે. જગન્નાથનાં વસ્ત્રોમાં લાલ, બળભદ્રનાં વસ્ત્રોમાં શ્યામ રંગ અને સુભદ્રાજીનાં વસ્ત્રોમાં પીળા રંગની બોર્ડર છે.
ત્રણેય ભગવાન વિવિધ પ્રકારનાં આભૂષણોથી સજ્જ છે. આ સ્વર્ણિમ આભામાં તેમનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ રહ્યા છે. આ મનોરમ્ય દૃશ્ય છે, પુરીસ્થિત જગન્નાથ મંદિરનું. અને અવસર છે દેવદિવાળીનો. જગન્નાથ મંદિરમાં માગશર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ, અમાસ અને શુક્લ પક્ષની અગિયારસ એટલે કે ત્રણ દિવસ દેવદિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે.
ભગવાનના આ વેશને શ્રાદ્ધ વેશ કહે છે. માન્યતા છે કે જગન્નાથ ભગવાન માનવ અવતારમાં લીલા કરે છે. આથી માનવોની જેમ જ પૂર્વજોનું શ્રાદ્ધ અને પિંડદાન પણ કરે છે. આ દરમિયાન ભગવાને સત્્યુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં લીધેલા અવતારો પ્રમાણે માતા-પિતાનું શ્રાદ્ધ કરશે અને તેમના માટે દીપદાન પણ કરશે. સોમવારે પહેલા દિવસે પ્રભુએ માતા અદિતિ અને પિતા કશ્યપનું શ્રાદ્ધ કર્યું હતું. આ માટે મહાપ્રભુના રત્ન સિંહાસન નીચેની જગ્યાને સ્વચ્છ કરીને ચોખાથી વૃક્ષ બનાવાયું હતું. પછી તેને કેળનાં પાંદડાં અને ફણસથી સજાવાયું હતું. વૃક્ષની દરેક ડાળમાં 28 દીપક પ્રજ્વલિત કરાયા હતા. તેમાં 10 જગન્નાથજીના, 9 બળભદ્રજીના અને 9 સુભદ્રાજીના છે.
પરંપરા પ્રમાણે મંદિરમાં સંધ્યાધૂપ કરવામાં આવ્યો હતો. સાથે જ શ્રદ્ધાળુઓ માટે સાધારણ દર્શન બંધ કરી દેવાયા હતા. શ્રાદ્ધકર્મ રુદ્ર દ્વાર ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્રણ સુવર્ણ આરતી પછી ત્રણ મહાદીપ (પાલીઆ પૂજાપંડા)થી ભગવાનની આરતી કરવામાં આવી હતી. પછીથી મહાદીપ ‘ચુનારા સેવક’ને આપવામાં આવ્યા હતા. સેવક હરિ બોલ કહેતાં મહાદીપ લઈને શ્રીમંદિરના શિખર પર પહોંચ્યા. તેમણે ગજપતિ મહારાજની કામના કરીને ત્યાં મહાદીપ પ્રજ્વલિત કર્યા. પુરીમાં આ ત્રણ દિવસ શ્રદ્ધાળુઓ માટે દુર્લભ પાવન અવસર માનવામાં આવે છે. આરતી પછી શ્રીમંદિરના શિખર પર મહાદીપનાં દર્શન કરવાને સૌભાગ્ય માનવામાં આવે છે.
ગુંડિચા મંદિર સુધી દીપક પ્રજ્વલિત થશે; શ્રદ્ધાળુ કાલ સુધી શ્રાદ્ધ જોઈ શકશે
મંગળવારે પ્રભુ ત્રેતાયુગનાં માતા-પિતા દશરથ અને કૌશલ્યાજીનું તથા બુધવારે નંદ-યશોદાજી, દેવકી-વાસુદેવજી અને ઇન્દ્રદ્યુમ્ન-ગુંડિતા માતાનું શ્રાદ્ધ કરશે. અમાસના દિવસે મંદિરના સિંહદ્વારથી માંડીને ગુંડિચા મંદિર સુધી એક લાખ દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. છેલ્લા દિવસે શ્રદ્ધાળુઓ પણ શ્રાદ્ધ જોઈ શકશે. શ્રીમંદિર પાસેથી પરવાનગી લઈને ત્રણ દિવસ ભગવાન શ્રાદ્ધ કરશે. આ સ્થળે પણ ચોખાનાં વૃક્ષ બનાવીને સમાન પ્રક્રિયા કરવામાં આવશે. તેનાથી શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ કર્મનું મહત્ત્વ સમજી શકશે.