નવી દિલ્હી6 કલાક પેહલા
- કૉપી લિંક
EDએ 15 માર્ચે કે. કવિતાની હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી.
દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં CBIએ ગુરુવારે (11 એપ્રિલ) એ BRS નેતા કે. કવિતાની તિહારમાં ધરપકડ કરી છે. કવિતા 26 માર્ચથી તિહારમાં બંધ છે. CBI કવિતાને શુક્રવારે (12 એપ્રિલ) રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરશે.
રિમાન્ડ મળવા પર કવિતાને સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે, જ્યાં એન્ટી કરપ્શન બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરશે. અગાઉ સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની પરવાનગી લઇને 6 એપ્રિલે તિહાર જઈને કવિતાની પૂછપરછ કરી હતી.
કે કવિતાને સહ-આરોપી બૂચી બાબુના ફોનમાંથી મળી આવેલી વોટ્સએપ ચેટ્સ અને જમીનના સોદા સંબંધિત દસ્તાવેજો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. આરોપ છે કે જમીનના સોદા બાદ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
પિતા કે.ચંદ્રશેખર રાવ સાથે કે.કવિતા.
EDએ 15 માર્ચે કવિતાની હૈદરાબાદથી ધરપકડ કરી હતી
કે.કવિતા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી છે. EDએ તેમની 15 માર્ચે હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી. 16 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાને 23 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી હતી.
23 માર્ચે કોર્ટે તેની ED કસ્ટડી 26 માર્ચ સુધી લંબાવી હતી. 26 માર્ચે કવિતાને ન્યાયિક કસ્ટડીમાં તિહાર મોકલવામાં આવી હતી. હાલમાં, BRS નેતા 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.
EDનો આરોપ છે કે કવિતા ‘સાઉથ ગ્રૂપ’ની મુખ્ય સભ્ય હતી, જે દારૂના વેપારીઓનું જૂથ છે. સાઉથ ગ્રૂપ સાથે સંકળાયેલા લોકો પર દિલ્હીમાં દારૂના ધંધાના લાયસન્સના બદલામાં AAPને 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.
સાઉથ ગ્રૂપ’ શું છે?
સાઉથ ગ્રૂપ એ દક્ષિણના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારોનું જૂથ છે. તેમાં અરબિંદો ફાર્માના પ્રમોટર શરત રેડ્ડી, YSRCP લોકસભા સાંસદ એમ. શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ મગુંતા અને કવિતાનો સમાવેશ થાય છે. જૂથનું પ્રતિનિધિત્વ અરુણ પિલ્લઈ, અભિષેક બોઈનપલ્લી અને બૂચી બાબુએ કર્યું હતું. દારૂના કૌભાંડમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં કે. કવિતાનું નામ ક્યારે આવ્યું?
EDએ 30 નવેમ્બર 2022એ દિલ્હી લિકર પોલિસી કેસમાં ગુરુગ્રામમાંથી બિઝનેસમેન અમિત અરોરાની ધરપકડ કરી હતી. ED અનુસાર અમિતે પોતાના નિવેદનમાં કે.કવિતાનું નામ લીધું હતું.
તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે કવિતાએ વિજય નાયર દ્વારા દિલ્હીની AAP સરકારના નેતાઓને 100 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. AAPએ આ પૈસાનો ઉપયોગ ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કર્યો હતો.
ફેબ્રુઆરી 2023માં સીબીઆઈએ કવિતાના એકાઉન્ટન્ટ બૂચી બાબુ ગોરંતલાની ધરપકડ કરી હતી. ઇડીએ બૂચી બાબુની પણ પૂછપરછ કરી હતી. ત્યારબાદ EDએ 7 માર્ચ 2023એ હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્રન પિલ્લઈની ધરપકડ કરી હતી.
પિલ્લઈએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે કવિતા અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ હતી. આ અંતર્ગત 100 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું, જેના કારણે કવિતાની કંપની ‘ઇન્ડોસ્પિરિટ’ને દિલ્હીના દારૂના કારોબારમાં એન્ટ્રી મળી. પિલ્લઈએ એમ પણ જણાવ્યું કે એક મીટિંગ થઈ હતી જેમાં તે, કવિતા, વિજય નાયર અને દિનેશ અરોરા હાજર હતા. આ બેઠકમાં આપેલી લાંચની વસૂલાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વર્ષ 2023માં કવિતાને ત્રણ સમન્સ મોકલાયા હતા, આ વર્ષે 2 સમન્સ મોકલાયા
કવિતાની ધરપકડ કરતા પહેલા EDએ વર્ષ 2023માં 3 સમન્સ મોકલ્યા હતા. આ વર્ષે 2 સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે SC કાર્યવાહીને ટાંકીને હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી, EDએ 15 માર્ચે સવારે 11 વાગ્યે હૈદરાબાદમાં બીઆરએસ નેતા કવિતાના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ 8 કલાકની શોધ અને કાર્યવાહી બાદ સાંજે 7 વાગ્યે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સી તેમને દિલ્હી લઇને આવી ગઇ હતી.