બેંગ્લોર40 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. પીડિતાએ FIR નોંધાવી નથી.
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે જાતીય સતામણીની ઘટના પર કરેલી ટિપ્પણી બાદ માફી માંગી છે. તેમણે કહ્યું, ‘હું એક એવો વ્યક્તિ છું જે હંમેશા મહિલાઓની સુરક્ષા વિશે ચિંતિત રહું છું.’ જો મારા શબ્દોથી કોઈ મહિલાને દુઃખ થયું હોય, તો હું દિલગીર છું અને માફી માંગુ છું.
જી પરમેશ્વરે તેમના નિવેદનને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ખરેખરમાં, બેંગલુરુના એક વાયરલ વીડિયોમાં, એક યુવકે રસ્તા પર જઈ રહેલી બે છોકરીઓની છેડતી કરી હતી. આ પછી તે ભાગતો દેખાયો હતો. આ વીડિયો બેંગલુરુના BTM લેઆઉટ વિસ્તારનો છે. આ ઘટના ૩ એપ્રિલના રોજ બની હતી.
જે પછી, તપાસ વિશે પૂછવામાં આવતા, જી પરમેશ્વરે કહ્યું હતું કે – બેંગલુરુ જેવા મોટા શહેરોમાં આવી ઘટનાઓ બનતી રહે છે. ભાજપે આ વીડિયો પર રાજ્યના ગૃહમંત્રીની ટીકા કરી અને તેમના રાજીનામાની માંગ કરી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, ‘રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાનું મૌન તોડવું જોઈએ અને જી પરમેશ્વર પાસેથી રાજીનામું માંગવું જોઈએ.’
સમગ્ર ઘટના 4 તસવીરોમાં…

આરોપી યુવક શેરીમાં ચાલતી બે છોકરીઓનો પીછો કરી રહ્યો છે.

આરોપી બે છોકરીઓમાંથી સફેદ ડ્રેસ પહેરેલી છોકરીને નિશાન બનાવે છે.

પીડિતાની છેડતી કર્યા પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી જાય છે.

બંને ડરી ગયેલી છોકરીઓ ઝડપથી ત્યાંથી ચાલી જાય છે.
મહાભારતમાં દ્રૌપદીના અપમાનને અવગણવામાં આવ્યું હતું, આ પણ એવું જ છે
સોમવારે ભાજપના નેતા પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે પરમેશ્વર હંમેશા પોતાના શબ્દોથી મહિલાઓનું અપમાન કરે છે. પૂનાવાલાએ કહ્યું, ‘કર્ણાટક કોંગ્રેસના નેતાએ દેશને, ખાસ કરીને રાજ્યની મહિલાઓને આઘાત આપતી ઘટનાને તુચ્છ ગણાવી. આ એક આઘાતજનક અને ઘૃણાસ્પદ માનસિકતા દર્શાવે છે.
ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ શાસિત રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 50 ટકાનો વધારો થયો છે. મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે દ્રૌપદીના અપમાનને નાની ઘટના સમજીને અવગણવામાં આવી હતી. જોકે, આના કારણે પાછળથી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું. આ ઘટનાને પણ નાની ગણીને અવગણવામાં આવી રહી છે.
પૂનાવાલાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના સૂત્ર ” લડકી હું, લડ શકતી હું” પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, ‘આ ફક્ત એક પોકળ દેખાડો અને નારા છે.’ મહિલાઓનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ છે. તેમણે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે વિવાદાસ્પદ શબ્દ ‘રાષ્ટ્રપત્ની’નો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે, રંજન ચૌધરીએ પાછળથી પોતાની ટિપ્પણી બદલ માફી માંગી હતી.
પીડિતા તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ કરાઈ નથી
આ કેસમાં પીડિતા તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. બેંગલુરુ પોલીસે પોતે કાર્યવાહી કરી છે અને કેસ નોંધ્યો છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં પણ આવી જ એક ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બેંગલુરુના કોનાનાકુંટે વિસ્તારમાં એક યુવકે એક મહિલાની છેડતી કરી હતી. ઘટનાના બે દિવસ પછી આરોપી કેબ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા વર્ષે જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, 2023માં બેંગલુરુમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં વધારો જોવા મળ્યો હતો. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના કેસમાં, પોલીસે લગભગ 3,260 કેસ નોંધ્યા, જેમાંથી 1,135 છેડતીના કેસ હતા.