નવી દિલ્હી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
EDએ 8 એપ્રિલે જ PMLA કેસ હેઠળ પૂછપરછ કરી હતી.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ (PA) બિભવ કુમારને દિલ્હી વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સેક્રેટરી, વિજિલન્સ વાયવીવીજે રાજશેખરે 10 એપ્રિલના રોજ પસાર કરેલા આદેશમાં બિભવ કુમાર વિરુદ્ધ 2007ના પેન્ડિંગ કેસને ટાંક્યો હતો, જેમાં તેમના પર સરકારી કામમાં અવરોધ લાવવાનો આરોપ હતો.
આદેશમાં બિભવ કુમારની નિમણૂક તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. જો કે, આમ આદમી પાર્ટીની લિગલ ટીમ બિભવની બરતરફી સામે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)નો સંપર્ક કરવાની યોજના બનાવી રહી છે. લિગલ ટીમ આ આદેશને કયા કારણોસર પડકારી શકે છે તેના પર વિચાર કરી રહી છે.
AAPની લિગલ ટીમના જણાવ્યા અનુસાર, બિભવ CAT સમક્ષ જે મુદ્દાઓ મૂકશે તેમાં આ આદેશનો સમય અને વિજિલન્સના આદેશને ગેરબંધારણીય જાહેર કરવાનો સમાવેશ થશે.
2007માં બિભવ સામે શું કેસ નોંધાયો હતો?
ઓર્ડર મુજબ 2007માં મહેશ પાલ નામના સરકારી કર્મચારીએ બિભવ પર તેના કામમાં અવરોધ અને તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. વિજિલન્સે આદેશમાં કહ્યું છે કે બિભવ કુમાર સામેના આરોપો ગંભીર પ્રકારના છે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વેરિફિકેશનમાં ક્ષતિને કારણે મંત્રીઓ અને સાંસદોના અંગત સ્ટાફમાં એવા વ્યક્તિઓની નિમણૂક થઈ શકે છે જેઓ પાત્ર નથી. આ ખતરનાક છે, કારણ કે આવી વ્યક્તિઓ પાસે સંવેદનશીલ માહિતી અને ડેટા પણ હોઈ શકે છે.
2 દિવસ પહેલા બિભવ અને દુર્ગેશની પૂછપરછ કરવામાં આવી હતી
બે દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી 2021-22 સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ બાદ વિભવ કુમાર અને AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકની પૂછપરછ કરી હતી. EDએ સોમવારે બિભવની પૂછપરછ શરૂ કરી હતી.
અગાઉ ફેબ્રુઆરીમાં, EDએ બિભવની પણ પૂછપરછ કરી હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ તેનું નિવેદન નોંધ્યું હતું.
કેજરીવાલ 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે
EDએ 21 માર્ચે દિલ્હીના સીએમની લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. EDએ 22 માર્ચે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદમાં 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. 1 એપ્રિલે કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યા હતા. તે 11 દિવસથી તિહાર જેલમાં બંધ છે.