નવી દિલ્હી49 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટર યુવતીનો રેપ-હત્યા કેસની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટો લીધો હતો. આ સંદર્ભે, આજે કોર્ટ ટ્રેઇની ડૉક્ટરના માતાપિતાની અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ CBIની તપાસ સાથે સહમત નથી. તેમણે આ કેસની ફરીથી તપાસની માંગણી કરી હતી.
2 દિવસ પહેલા સેશન્સ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી, તેથી મૃત્યુદંડની સજા ન આપી શકાય.
સિયાલદહ કોર્ટના નિર્ણય સામે પશ્ચિમ બંગાળ સરકાર હાઈકોર્ટમાં પહોંચી હતી. સરકારે હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું- સંજય રોયને આજીવન કેદ નહીં પરંતુ ફાંસીની સજા આપવામાં આવે.
દોષિત ઠેરવ્યા બાદ સંજયે કહ્યું હતું…
મને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ ગુનો કર્યો નથી. જેમણે આ કામ કર્યું તેમને છોડી દેવામાં આવ્યા. તેમાં એક IPS સામેલ છે. હું રુદ્રાક્ષની માળા પહેરું છું અને જો મેં ગુનો કર્યો હોત તો તે તૂટી ગઈ હોત.
12 નવેમ્બર 2024ના રોજ સિયાલદહ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ, 57 દિવસ પછી સંજયને દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ટ્રેઇની ડોક્ટરનો રેપ- હત્યાનો કેસ 3 કોર્ટમાં, નીચલી કોર્ટમાં આવ્યો ચુકાદો આરજી કર રેપ-હત્યાનો કેસ નીચલી કોર્ટ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ખરેખરમાં, અનેક પીઆઈએલની સાથે પીડિતાના માતા-પિતાએ પણ કોલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોલકાતા પોલીસ પર અવિશ્વાસ દર્શાવતા CBI તપાસની માંગ કરવામાં આવી હતી. તેના પર કોર્ટે 13 ઓગસ્ટે આ મામલાની CBI તપાસનો આદેશ આપ્યો હતો.
દેશભરમાં ડોકટરોના પ્રદર્શન અને હડતાળ પછી, સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટે પોતે જ કાર્યવાહી કરી હતી. સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષામાં કમી પર ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટરોની સુરક્ષા બાબતે ટાસ્ક ફોર્સ બનાવવા સૂચના આપવામાં આવી હતી.
તેમજ સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલાને જોઈ રહી છે. CBIએ 10 ડિસેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિયાલદહ કોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી છે. તે સમયે 81માંથી 43 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
ગયા વર્ષે 8-9 ઓગસ્ટની રાત્રે, એક ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર યુવતી પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ સવારે સેમિનાર હોલમાં ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોય નામના સિવિક વોલંટિયરની ધરપકડ કરી હતી. આ ઘટના સામે કોલકાતા સહિત દેશભરમાં પ્રદર્શન થયા હતા. બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ થઈ હતી.
જુનિયર ડોક્ટર્સ ફેડરેશન અને સામાજિક કાર્યકરોએ 18 જાન્યુઆરીએ સિયાલદહ કોર્ટની બહાર પ્રદર્શન કર્યું હતું.
હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી
9 ઓગસ્ટની ઘટના બાદ આરજી કર હોસ્પિટલના ડોક્ટર્સ અને પીડિત પરિવારે આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસનો આદેશ આપ્યો ન હતો. હાઈકોર્ટના આદેશ બાદ 13 ઓગસ્ટે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ નવેસરથી તપાસ શરૂ કરી.
3ને આરોપી બનાવાયા, 2ને જામીન મળ્યા સંજય રોય ઉપરાંત મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ CBI 90 દિવસમાં ઘોષ વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી શકી નહોતી, જેના કારણે સિયાલદહ કોર્ટે 13 ડિસેમ્બરે આ કેસમાં ઘોષને જામીન આપ્યા હતા. .
25 ઓગસ્ટે CBIએ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજય સહિત 9 આરોપીઓનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં આરજી કરના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ, ASI અનૂપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલંટિયર અને 2 ગાર્ડનો સમાવેશ થાય છે.
સીબીઆઈએ 2 સપ્ટેમ્બરે આરજી કર કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, એએસઆઈ અનૂપ દત્તા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. ઘોષ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. કોલકાતા પોલીસના અભિજીત મંડલને જામીન મળી ગયા છે.
સંજય ઈયરફોન અને DNAથી ઝડપાયો ટાસ્ક ફોર્સે તપાસ શરૂ કર્યાના 6 કલાકની અંદર ગુનેગાર સંજય રોયની ધરપકડ કરી હતી. સીસીટીવી ઉપરાંત સેમિનાર હોલમાંથી પોલીસને તૂટેલા બ્લૂટૂથ ઈયરફોન મળ્યા હતા. તે આરોપીના ફોન સાથે જોડાયેલો હતો. સંજયના જીન્સ અને શૂઝ પર પીડિતાના લોહીના ડાઘ મળ્યા હતા.
ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સાથે સંજયના ડીએનએ મેચ થયા હતા. સંજયના શરીર પર પાંચ ઈજાના નિશાન 24 થી 48 કલાકના સમયગાળામાં જોવા મળ્યા હતા. આ એવી ઈજા હોઈ શકે છે, જે ઝપાઝપી દરમિયાન થઈ શકે છે. જેના થકી પોલીસ સંજયને પકડવામાં સફળ રહી હતી.
હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સંજય રોય 9 ઓગસ્ટના રોજ સવારે 4:03 વાગ્યે વોર્ડમાં આવતા જોવા મળ્યો હતો. તેણે ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું.