કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે મોદીના વિજયરથને રોકી દીધો છે. ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપ થઈ શકી નથી. ગુજરાત મતલબ ભાજપ, એ પર્યાયનો છેદ આજે ઉડી ગયો છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સીટ પર 30,406 મતે વિજય મેળવી લીધો છે. આ પરિણામ બતાવે છે કે ગુજરાતના
.
ગુજરાત સિવાય સર્વાંગી ચિત્ર જોઈએ, દેશની જનતાએ મોદી અને ભાજપને સત્તા સંભાળવા પૂરતા મત આપ્યા છે પણ બેહિસાબ સત્તા આપવાનું ટાળ્યું છે. આ બેહિસાબ સત્તા એટલે 400 પાર. આજના પરિણામો પછી ત્રણ મુદ્દા સ્પષ્ટ રીતે સામે આવે છે. એક તો એ કે, 2014 અને 2019માં જે મોદી લહેર હતી તે ઓસરી છે. બીજું, પ્રજાએ ભાજપ સરકારને સાનમાં સમજાવી દીધી કે ‘માપ’માં રહો. ત્રીજો મુદ્દો, આંકડાની રીતે જોઇએ તો 1991માં કોંગ્રેસને 244 બેઠકો મળી હતી અને નરસિમ્હા રાવ ગઠબંધન સરકારના વડાપ્રધાન બન્યા હતા અને ગઠબંધન છતાં સ્થિર સરકાર બનાવી હતી. એ પછી વાજપેયીએ પણ એનડીએ બનાવીને સ્થિર સરકાર આપી હતી. મોદીએ આ વખતે નરસિમ્હા રાવ અને વાજપેયીની ધીરજનો સર્વસમાવેશી ગુણ કેળવવો પડશે. બીજાને સાથે લઇને ચાલવું પડશે અને સરકાર રચવા અને ચલાવવા માટે ઘણા સમાધાનો પણ કરવા પડશે. આ બધું મોદીના સ્વભાવમાં નથી પણ ગઠબંધન ધર્મની આ માગ છે અને એ પૂરી કરવી પડશે.
કોંગ્રેસની રિ-એન્ટ્રીથી ‘ગુજરાત મોડેલ’માં ગાબડું!
ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપની સત્તા છે. દસ વર્ષથી, બે ટર્મથી લોકસભામાં તમામ સીટ પર પણ ભાજપનો કબજો રહ્યો છે. ભાજપ માટે ગુજરાત એટલે મોડેલ સ્ટેટ. આ વખતે તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તો ત્યાં સુધી કહેલું કે, 26 સીટ ભાજપે જીતી જ લીધી છે એમ માની લો. પણ આ વખતે લીડમાં જીતવાનું છે. તમામ 26 સીટ પર 5 લાખથી વધારેની લીડ લાવવાની છે. ભાજપે સુરતની સીટ બિનહરીફ બનાવી દીધી. પણ બાકીની 25માંથી 4 સીટમાં 5 લાખથી વધુની લીડ આવી છે. ટૂંકમાં લીડનો ટારગેટ પૂરો ન થયો. ભાજપે તમામ 26 સીટ હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું તે સિદ્ધ થયું નથી. બનાસકાંઠા સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. ગુજરાત લોકસભામાં દાયકા પછી કોંગ્રેસની રિ-એન્ટ્રી થઈ છે અને ભાજપના મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં ગાબડું પડ્યું છે.
બનાસકાંઠાથી જીતેલાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર
ગેનીબેન વટથી લડ્યાં, વટથી જીત્યાં
ગુજરાતમાં ફરી જીતવું કોંગ્રેસ માટે કઠીન હતું પણ તે કરી બતાવ્યું છે ગેનીબેન ઠાકોરે. આમાં એવું નથી કે, બનાસકાંઠાના લોકો ભાજપથી કંટાળ્યા હતા. એવું પણ નથી કે બનાસકાંઠાના મતદારોને કોંગ્રેસ જ જોઈતી હતી. બનાસકાંઠાની પ્રજાને માત્ર ને માત્ર ગેનીબેન જ પસંદ છે. ગેનીબેન કદાચ અપક્ષ લડ્યાં હોત તો પણ જીતી જાત. અહીં ગેનીબેન પોતે જ મજબૂત નેતા છે અને તેનો ફાયદો કોંગ્રેસને થયો છે. ગેનીબેન બે વખતથી વાવ વિધાનસભા સીટના ધારાસભ્ય રહ્યાં છે. ગયા વખતે લોકસભામાં ભાજપના પરબત પટેલને 3,68,296ની જંગી લીડ મળી હતી. એ જાણવા છતાં ગેનીબેને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું ને જીતી ગયાં. નોંધવા જેવી વાત એ છે કે, ભાજપે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રિઝ કરી દીધા હતા એટલે ઉમેદવારો પાસે પાર્ટી ફંડ નહોતું એવું ગેની બહેને મતદારોને કહ્યું હતું એટલે તેઓ લોકો પાસેથી ફંડ મેળવીને ચૂંટણી લડ્યાં. તેમણે ક્યૂઆર કોડ સાથે જ રાખ્યો હતો અને 26 લાખથી વધુની રકમ તેમના ખાતામાં જમા થઈ હતી.
પાટણમાં 13મા રાઉન્ડથી મેરી-ગો-રાઉન્ડ ચાલુ થયો
પાટણમાં જે રસાકસી થઈ એવી રસાકસી ગુજરાતની એકપણ સીટ પર થઈ નથી. પાટણમાં ચંદનજી ઠાકોર સતત આગળ ચાલી રહ્યા હતા. સવારના ટ્રેન્ડમાં તો આગળ હતા જ, બપોર પછી ય તે સારા એવા માર્જિનથી આગળ હતા. આમ ને આમ 12 રાઉન્ડ પૂરા થઈ ગયા. હવે તો ભાજપના કાર્યકરોને લાગ્યું કે પત્યું. ચંદનજી જીતે છે. કોંગ્રેસના કાર્યકરો ફટાકડા અને મીઠાઈની તૈયારી કરવા લાગ્યા. પણ 13મો રાઉન્ડ મેરી-ગો-રાઉન્ડ જેવો સાબિત થયો. ભાજપના ભરતસિંહ ચંદનજીથી આગળ નીકળ્યા. પરિણામના અંતે ભરતસિંહને 5 લાખ 91 હજાર 947 મત મળ્યા તો ચંદનજીએ 5 લાખ 60 હજાર 071 મત મેળવ્યા. એટલે કે, ભાજપને 5 લાખની વાત તો એકબાજુ, 50 હજારની ય લીડ પણ ન મળી. પાટણમાં ભાજપનો 31 હજાર 876ની ઓછી લીડથી વિજય થયો.
અમિત શાહની લીડનો આનંદ માણી ન શક્યો ભાજપ!
ભાજપને કેવો ઉત્સાહ હતો કે ગુજરાતમાં મોટાભાગની સીટ પર 5 લાખની લીડ મેળવીશું. ભલે, 4 સીટ પર આ ટાર્ગેટ અચિવ થયો પણ અમિત શાહની જંગી લીડનો ઉત્સાહ તો અનેરો જ હોય ને. પણ બનાસકાંઠામાં કોંગ્રેસે ફટાકડા ફોડ્યા ને ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ઓસરી ગયો.
ગાંધીનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગૃહમંત્રી અમિત શાહ 2019માં જેટલા મતોથી જીત્યા હતા એનાથી પણ વધુ મતે 2024માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી. અમિત શાહે 10 લાખ 10 હજાર 972 મત મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલે 2 લાખ 66 હજાર 256 મત મેળવ્યા છે. અમિત શાહનો 7 લાખ 44 હજાર 716ની લીડથી જંગી વિજય થયો છે. ગયા વખતે અમિત શાહને 5 લાખ 57 હજાર 014 મતની લીડ મળી હતી. આ જંગી લીડનો ઉત્સાહ ભાજપના કાર્યકરોમાં જોવા ન મળ્યો.
અમિત શાહે ચૂંટણી પહેલાં રોડ શો કર્યો હતો ત્યારની ફાઈલ તસવીર.
ભાજપને લીડ માટે બે ડખા નડ્યા; આંતરિક અને આયાતી!!
ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી ઓપરેશન લોટસ મોટાપાયે ચાલ્યું. કોંગ્રેસમાંથી ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો, કોંગ્રેસના કાર્યકરો ગાડરિયા પ્રવાહની જેમ ભાજપમાં જોડાતા ગયા. આ આયાતી કોંગ્રેસીઓને ભાજપે કેસરિયો ખેસ તો પહેરાવી દીધો પણ બહાર કેસરિયો ખેસ પહેરીને ફરી રહેલા કાર્યકરોનું શું, એ વિચાર્યું નહીં. પાંચેય વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ આપી. બસ, આયાતીઓના કારણે ભાજપના જ આગેવાનો, કાર્યકરો પક્ષની નીતિથી નારાજ થયા. આ વાતની અવગણના ભાજપને નડી ગઈ.
બીજું, લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા ત્યારે ગુજરાતમાં ભાજપના જ આગેવાનો અને કાર્યકરોએ બે ઉમેદવારોનો એવો વિરોધ કર્યો કે ભાજપે બંને ઉમેદવાર રાતોરાત બદલવા પડ્યા. અહીંથી જ ભાજપના ગુજરાત મોડેલમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ. ભાજપ શિસ્તબદ્ધ પક્ષ તરીકે જાણીતો છે. ભાજપમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવું ક્યારેય નથી બન્યું કે, ભાજપે ઉમેદવારો બદલવા પડ્યા હોય. પણ આંતરિક વિરોધના કારણે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલવા પડ્ચાં. વડોદરામાં રંજનબેન ભટ્ટ ત્રીજીવાર રિપિટ થયાં તો તેનો વિરોધ થયો. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ ભાજપમાં ભડકો થયો. તેમની અટકનો વિવાદ થયો. આ બધું ભાજપને ભારે પડી ગયું.
ક્ષત્રિયો ગાજ્યા એવા વરસ્યા નહીં, રૂપાલાને બમ્પર લીડ મળી
રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિય સમાજ એવો ખફા થયો કે ગુજરાતમાં મોટાપાયે આંદોલનો થવા લાગ્યા. મહાસંમેલનો થવા લાગ્યા. ક્ષત્રિયોએ હઠ પકડી કે રૂપાલાને બદલો. બીજી વાત નહીં. પણ ભાજપ ટસનો મસ ન થયો. મતદાન પહેલાં અને મતદાનના દિવસે એવો માહોલ બન્યો કે રૂપાલાને ઓછી લીડ મળશે અને ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી સીટો પર ભાજપને જોખમ રહેશે. સોશિયલ મીડિયા રૂપાલા અને ભાજપના વિરોધથી ઊભરાઈ ગયું. ગોંડલમાં સમાધાન માટે મિટિંગ થઈ પણ નિષ્ફળ ગઈ. મતદાન પછી ક્ષત્રિય આગેવાનો દાવો કરતા જોવા મળ્યા કે, ભાજપને સાતથી આઠ બેઠકનું નુકસાન જશે. જો કે એવું કાંઈ થયું નહીં ને ગુજરાતમાં બનાસકાંઠાની એક સીટને બાદ કરતાં ભાજપની સીટ અકબંધ રહી. ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર અસરકર્તા રહ્યું નહીં. ઊલટું પરસોત્તમ રૂપાલા 5 લાખની લીડ નજીક પહોંચી ગયા. તેમને 4,84,260 મતની લીડ મળી.
ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો વધી પડ્યા, મંત્રીઓ ઓછા
લોકસભાની સાથે-સાથે વિધાનસભાની 5 બેઠકના પરિણામો પણ આવ્યા હતા. પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુર સીટ પર કોંગ્રેસના આયાતી ઉમેદવારોનો ભાજપની ટિકિટ પર વિજય થયો. ગુજરાત કોંગ્રેસના હાથમાંથી પાંચ બેઠક ચાલી જતાં વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13નું થઈ ગયું તો તેની સામે ભાજપના ધારાસભ્યો 161 થઈ ગયા છે. હવે ભાજપના ધારાસભ્યો, કે જેમને મંત્રીપદ હજી સુધી નથી મળ્યું તેને ફાળ પડી છે કે, જો મંત્રીમંડળનું વિસ્તરણ થયું તો કોંગ્રેસમાંથી આવેલા મંત્રી બની જશે ને આપણે રહી જશું. એટલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ માટે પડકાર એ છે કે, એમણે પાંચ ગળણે ગાળીને મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડશે. નહીંતર, ફરી ગુજરાતમાં કાંઈક હલચલ તો થશે જ.
ભાજપની લીડ લુડો જેવી, આ વખતે 1 લાખથી ઓછી લીડ હોય તેવી ત્રણ સીટ
હવે વાત કરીએ ભાજપની લીડની. આ વખતે 26 સીટ પર 5 લાખથી વધુની લીડ મળે તેવો ટાર્ગેટ હતો. ખેર, એ ‘હતો’ થઈ ગયું. પણ ભાજપને સૌથી ઓછી લીડ મળી હોય તેવી પાંચ સીટની વાત કરીએ. આ જાણવાની મજા આવશે. ભાજપને જે લીડ મળી છે તેમાં ત્રણ સીટ તો એવી છે જેમાં 1 લાખથી ય ઓછી લીડ છે. સૌથી ઓછી લીડ છે 31,876. પછી 85,696, પછી 89,939. એ પછી ચપટીક વધારો થાય છે. 1,35,494 અને એ પછી 1,55,682. બસ, આ પાંચ આંકડા આ વખતની ટોપ લોએસ્ટ લીડના છે. ગયા વખતે 2019માં ઓછામાં ઓછી લીડ 1,27,596 હતી. એ પછી 1,50,211, પછી 1,93,879 લીડ આવી હતી. ટોપ ફાઈવમાં આ ત્રણ લીડ પછી બીજી બે લીડ 1,97,718 અને 2,01,431ની લીડ હતી.
ગુજરાતમાં નોટાને પણ 4.60 લાખની લીડ!!
ગુજરાતમાં નોટાનું બટન દબાવનારા મતદારોનો આંકડો 4.60 લાખ જેટલો છે. આ નાની વાત નથી. એનો સીધો અર્થ એ થયો કે, ઉપરના કોઈ ઉમેદવાર અમને પસંદ નથી. કાં તો નોટા દબાવનાર લોકો ઉમેદવારને પસંદ નથી કરતા, કાં તો કોઈ રાજકીય પક્ષને પસંદ નથી કરતા. 2019ની ચૂંટણી હોય કે 2024ની, સૌથી વધારે નોટાનું બટન દાહોદમાં દબાયું છે. ગયા વખતે 31 હજાર નોટા વોટ પડ્યા હતા તો આ વખતે 34 હજાર વોટ પડ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડ્યા તે ગાંધીનગરમાં આ વખતે નોટાને 21 હજાર મત પડ્યા. જે ગયા વખત કરતાં 5 હજાર મત વધારે છે. બનાસકાંઠા સીટ આ વખતે કોંગ્રેસની જીતના કારણે ચર્ચામાં છે પણ ગયા વખત કરતાં આ વખતે 9 હજાર વધારે મત નોટાને મળ્યા છે. 2019માં 12 હજાર મત હતા તો આ વખતની ચૂંટણીમાં 21 હજાર મત પડ્યા છે. ગયા વખતની અને આ વખતની ચૂંટણીમાં નોટામાં જો મેજર ચેન્જ આવ્યો હતો તો એ બારડોલી સીટમાં છે. 2019ની ચૂંટણીમાં 2200 મત નોટાને પડ્યા હતા પણ બારડોલીમાં આ વખતે 24 હજાર મત નોટાને મળ્યા. યાદ રહે, નોટા એ આક્રોશ સાથે દબાવાયેલું બટન છે. આના પર દરેક રાજકીય પક્ષોએ મનોમંથન કરવું જોઈએ.
નોટાનો સૌથી વધુ ઉપયોગ દાહોદ અને છોટાઉદેપુરની અનામત સીટ પર થયો છે. કહેવાતા શિક્ષિત શહેરીજનો કરતાં આ આદિવાસી બેઠક પર નોટા વિશેની જાગૃતિ વધુ હોય એવું લાગે.
ત્રીજી ટર્મમાં નહેરૂની લોકપ્રિયતા ઘટી હતી, મોદીની પણ ઘટી
સરકાર કોઈપણ હોય, કોઈપણ સફળ વડાપ્રધાન હોય, તે ત્રીજી ટર્મ આવતાં આવતા તો લોકપ્રિયતા ઘટી જ જાય છે. નહેરુનું પણ એવું જ થયું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે 2014માં પહેલીવાર જીત્યા ત્યારે વોટશેર અને સીટની સંખ્યા સારી હતી પછી ત્રીજી ટર્મમાં, આ વખતે એ આંકડા ઘટ્યા. મોદીના નેતૃત્વમાં ભાજપને 2014માં 282 સીટ મળી હતી અને વોટશેર 31 ટકા હતો. 2019માં સીટ અને વોટશેર વધ્યા. 303 સીટ મળી અને 37.60 ટકા વોટશેર હતો. આ વખતે ભાજપનો વોટશેર 36.58 ટકા છે અને ભાજપને 240 આસપાસ સીટ મળવાનું અનુમાન છે. જે રીતે સીટમાં ઘટાડો થયો છે. મતલબ એવો થયો કે, ત્રીજી ટર્મમાં કોઇપણ સરકારની ગાડી ધીમી પડી જાય છે. નહેરુ હોય કે મોદી.
મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારની વાત કરીએ. 2002માં ભાજપનો વોટશેર 49.85 ટકા હતો અને 127 સીટ મળી હતી. પછી 2007માં વોટશેર અને સીટ બંને ઘટ્યા. 49.12 વોટશેર સાથે 117 બેઠક ભાજપના ફાળે ગઈ. 2012માં વોટશેર 47.85 ટકા હતો અને સીટ 115 મળી. એ વખતે પણ ત્રીજી ટર્મમાં સીટ અને વોટશેર ઘટ્યા હતા.
આવું જ જવાહરલાલ નહેરુ સાથે થયું હતું. તેમને બીજી ટર્મમાં સારો વોટશેર અને વધારે સીટ મળી હતી. પણ ત્રીજી ટર્મમાં વોટશેર અને સીટ બંને ઘટી ગયા હતા. જેમ કે, 1951-52ની પહેલી ચૂંટણીમાં નહેરુના નેતૃત્વમાં કોન્ગ્રેસનો વોટશેર હતો 44.99%. ત્યારે કોંગ્રેસને 364 બેઠક મળી હતી. 1957ની બીજી ચૂંટણીમાં નહેરુના નેતૃત્વમાં 47.78% વોટશેર મળ્યો અને 371 સીટ મળી. 1962ની ત્રીજી ચૂંટણીમાં નહેરુના નેતૃત્વમાં 44.72% વોટશેર હતો અને 361 બેઠકો મળી હતી. ત્રીજી ટર્મમાં એમની રફતાર પણ ધીમી પડી હતી.
1991ની લોકસભા ચૂંટણી યાદ છે? આ વખતે એ જ પેટર્ન રહી
તમને સવાલ થશે કે 1991ની ચૂંટણી અને આ વખતની ચૂંટણીને શું લાગે વળગે? પણ વાત જાણવા જેવી છે. યાદ કરો, 1991માં નરસિમ્હા રાવની સરકાર કેવી રીતે આવી હતી. એવી જ પેટર્નથી આ વખતે ભાજપની સરકાર રચાશે. આ વખતના ગઠબંધનની પેટર્નને સમજવા 1991માં જવું પડશે. એ વખતે કોંગ્રેસને 244 સીટ મળી હતી. આ આંકડા સાથે કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. જોઈ લો, આજે ભાજપને કેટલી સીટ મળી. એ રીતે ભાજપ આજે દેશની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે. એ વખતે વડાપ્રધાન પદ માટે ચાર નામ ચર્ચામાં હતા. કોંગ્રેસના વિદેશમંત્રી પી.વી.નરસિમ્હા રાવ, મહારાષ્ટ્રના એ વખતના મુખ્યમંત્રી શરદ પવાર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનસિંહ અને એક સમયના નાણાંમંત્રી એન.ડી.તિવારી. કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનવાની હતી. પણ વડાપ્રધાન પદ કોણ સંભાળે તે સવાલ હતો. કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાથી તેમના જ વડાપ્રધાન બને એટલે કોંગ્રેસે નરસિમ્હા રાવને વડાપ્રધાન બનાવ્યા. કોંગ્રેસને જનતાદળના વી.પી.સિંહ અને CPI (M)ના નાંબુદ્રીપદે ટેકો આપ્યો. આ ગઠબંધનની સરકાર હતી પણ સ્થિર સરકાર હતી. પાંચ વર્ષ પૂરા કર્યા ને આ કાર્યકાળ દરમિયાન નરસિમ્હા રાવે ભારતમાં અનેક આર્થિક સુધારા કર્યા.
હવે આ વખતનું પરિણામ સમજો. રાત્રે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે એવું કહે છે કે, ભાજપને 240થી 242 સીટ મળશે. એટલે એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની. હવે, તેણે સરકાર રચવા માટે સહયોગી પક્ષોનો ટેકો લેવો પડશે. 1991માં વી.પી.સિંહ અને નાંબુદ્રીપદે હતા, એવી રીતે આ વખતે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ છે. ભાજપે આ બંને પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. બિહારમાં નીતિશ કુમારની JDUને 12 સીટ આવી છે અને આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDPને 16 સીટ મળી છે. એટલે આ રીતે બંને મળીને 28 સીટ થાય. આ બંને ભાજપને ટેકો આપે તો કેન્દ્રમાં માદી સરકાર નહીં, પણ અબ કી બાર, ગઠબંધન સરકાર બને.
નરસિમ્હા રાવ અને મનમોહનસિંહ
ઓછી સીટ હતી તો પણ મનમોહનસિંહે બે વાર સરકાર બનાવી હતી
ભાજપ પાસે ઓછી સીટ છે. તેમની સામે પડકાર એ છે કે, ઓછી સીટ વચ્ચે પણ ગઠબંધનની સ્થિર સરકાર બનાવવી પડશે. મનમોહનસિંહે આવી જ રીતે બે વાર સરકાર બનાવી હતી.
આ વાત 2004 અને 2009ની છે. પહેલાં 2004ની વાત કરીએ. એ વખતે કેન્દ્રમાં રહેલી વાજપેયીની ભાજપ સરકાર હારી ગઈ અને ફરી કોંગ્રેસ સત્તામાં આવી. પણ કોંગ્રેસ બહુમતી સાથે ન આવી એટલે સહયોગી પાર્ટીઓથી ગઠબંધન સરકાર બનાવી. કોંગ્રેસને એ વખતે 145 સીટ મળી હતી. કોંગ્રેસનો વોટશેર 28.30% હતો. ભાજપને 138 સીટ મળી હતી અને તેનો વોટશેર 23.75% હતો. CPI (M) ડાબેરીઓને 43 સીટ મળી હતી. કોંગ્રેસની યુપીએ સરકારે બસપા, સપા, કેરલા કોંગ્રેસ અને ડાબેરીઓની મદદથી 335 સીટ સાથેની યુપીએની સરકાર બની. વડાપ્રધાન મનમોહનસિંહની આ ગઠબંધન સરકાર પણ પાંચ વર્ષ ચાલી હતી.
2009ની વાત કરીએ તો, કોંગ્રેસને પૂર્ણ બહુમતી નહોતી મળી. કોંગ્રેસને 26.53% વોટશેર સાથે 206 સીટ મળી હતી. તો ભાજપને 22.16% વોટશેર સાથે 145 સીટ મળી હતી. CPI (M) ડાબેરીઓની 16 સીટ પર જીત થઈ હતી. ફરીવાર કોંગ્રેસ લાર્જેસ્ટ સિંગલ પાર્ટી બની. કોંગ્રેસે ફરી મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા અને બસપા, સપા, જનતાદળ(એસ), RJD અને અન્ય નાની પાર્ટીઓ સાથે 322 સીટ સાથેની યુપીએ સરકાર બનાવી. આ બીજી ગઠબંધન સરકાર પણ પાંચ વર્ષ ચાલી.
યુપી, બંગાળ અને મહારાષ્ટ્રના પરિણામે ‘મોદી બ્રાન્ડ’ને ઝાંખી બનાવી
યુપીમાં ભાજપ ‘રામ ભરોસે’ : ભાજપની સીટ ઘટવા માટે ત્રણ રાજ્યો જવાબદાર છે. ઉત્તર પ્રદેશ, બંગાળ અને મહારાષ્ટ્ર. આ રાજ્યોના પરિણામોએ એ સાબિત કરી બતાવ્યું કે હવે મોદીની ઈમેજ ઝાંખી થતી જાય છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસનો ગઢ હતો અને પાંચ વર્ષથી ભાજપનો દબદબો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય ચહેરો છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં યોગી સરકારની પણ મહત્વની ભૂમિકા રહી. આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપને ગયા વખત કરતાં વધારે સીટ મળશે તેવું અનુમાન હતું પણ ઉત્તર પ્રદેશે ભાજપ માટે મોટો અપસેટ સર્જ્યો છે. યુપીમાં ભાજપને 2014માં 62 સીટ અને 2019માં 71 સીટ મળી હતી. પણ ભાજપ આ વખતે 33એ આવીને અટકી ગયો. તેની સામે ઈન્ડીયા ગઠબંધન સાથે જોડાયેલા અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 37 સીટ મેળવી લીધી છે. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા ચહેરા લડે છે. પણ બે સીટ પર સૌની નજર હતી. અમેઠી અને રાયબરેલી. અમેઠીથી સ્મૃતિ ઈરાની હારી ગયાં છે અને ગાંધી પરિવારની કમિટેડ સીટ રાયબરેલીથી રાહુલ ગાંધીની જીત થઈ છે. જે રામ મંદિરને ભાજપે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો તે અયોધ્યામાં જ ભાજપના ઉમેદવાર 89,306 મતથી હારી ગયા છે.
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ
બંગાળમાં મમતાની ગેરંટી :બંગાળમાં ભાજપે, ખાસ કરીને મોદીએ બહુ મહેનત કરી. બંગાળમાં યૌનશોષણના કારણે વગોવાઈ ગયેલા સંદેશખાલી વિસ્તારની મહિલાઓએ ટીએમસી નેતાનો વિરોધ કર્યો તેને ભાજપે મુદ્દો બનાવી દીધો, છતાં બંગાળમાં ભાજપનો ગજ વાગ્યો નહીં. ઊલ્ટું, ગયા વખત કરતાં ભાજપની 6 સીટ ઘટી. ટૂંકમાં, બંગાળમાં ભાજપનો કબજો નહીં થવા દે, એ મમતાની ગેરંટી છે.
હવે કેન્દ્રમાં પણ મહારાષ્ટ્ર મોડેલ : મહારાષ્ટ્રનું રાજકારણ ખીચડી રાજકારણ રહ્યું છે. ભાજપ શિંદની શિવસેના અને અજીત પવારની એનસીપી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સરકાર ચલાવે છે. હવે આવી જ ખીચડી સરકાર કેન્દ્રમાં પણ ચલાવવાની છે. ભાજપે કેન્દ્રમાં પણ મહારાષ્ટ્ર મોડેલ અપનાવવું પડશે!!
એમાં ય જ્યારે શિવસેના અને NCPના બબ્બે ફાંટા પડ્યા ત્યારથી મહારાષ્ટ્રનું પોલિટિક્સ વધારે અટપટું બન્યું છે. શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેના સાથે છેડો ફાડ્યો ને ભાજપ સાથે હાથ મિલાવ્યા. તેમણે શિવસેના પોતાની હોવાનો દાવો કર્યો અને આ રીતે શિંદેની અને ઠાકરેની, એમ બે અલગ અલગ શિવસેના બની. એકનાથ ભાજપમાં ગયા તો ઉદ્ધવ ઠાકરેએ ઈન્ડિયા ગઠબંધન સાથે યુતિ કરી લીધી. એવી રીતે શરદ પવારની NCPમાંથી તેના ભત્રીજા અજીત પવારે છેડો ફાડ્યો ને NCPને પોતાનો પક્ષ ગણાવ્યો. હવે અજીત પવારની અને શરદ પવારની, એમ બે અલગ અલગ NCP બની ગઈ. તેમાં અજીત પવારે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને શરદ પવાર ઈન્ડિયા ગઠબંધન સાથે સામેલ થઈ ગયા. એટલે થયું એવું કે કોંગ્રેસ, ઠાકરેની શિવસેના, શરદ પવારની NCP સાથે મળીને ચૂંટણી લડે છે અને મહારાષ્ટ્રની 48માંથી 30 બેઠક પર જીત મેળવે તેવી સંભાવના છે. રાત સુધીમાં ભાજપ, અજીત પવારની NCP અને શિંદેની શિવસેનાને માત્ર 17 સીટ મળી છે. ટૂંકમાં, ભાજપને મહારાષ્ટ્રમાં ભાગલાવાદી નીતિ નડી ગઈ અને મહારાષ્ટ્રની પ્રજાએ પણ ઠાકરેની અસલી શિવસેના અને શરદ પવારની અસલી NCPને પસંદ કરી છે.
સંગઠમાં મોદી હતા ત્યારે કેશુભાઇ જૂથે ગુજરાતથી દિલ્હી ધકેલ્યા હતા, સત્તાકારણમાં મોદીને 23 વર્ષ પછી પછડાટ
નરેન્દ્ર મોદી સત્તાકારણમાં આવ્યા તેને 23 વર્ષ થઈ ગયા. અત્યાર સુધી, એટલે એ ગુજરાતના સીએમ હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા પછી પણ એકલાહાથે શાસન કર્યું છે. સત્તાકારણમાં આવ્યા પછી પહેલીવાર મોદીએ ગઠબંધનમાં સરકાર ચલાવવી પડશે.
આ વાત નીકળી જ છે તો જૂની વાત પણ તાજી કરી લઈએ. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો પછી સુરેશ મહેતાની સરકાર બની. કોમ્પ્રોમાઈઝીંગ કેન્ડીડેટ તરીકે ભાજપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા. પછી મેળ ન પડ્યો એટલે ટેકો પાછો ખેંચી લીધો એટલે કોંગ્રેસના ટેકાથી શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસને શંકરસિંહ સામે વાંધો પડ્યો એટલે દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. એ વખતે પોલિટિકલી ચર્ચા એવી ચાલતી હતી કે, આ આખું કમઠાણ કર્યું છે નરેન્દ્ર મોદીએ. ત્યારે ગુજરાત ભાજપના મોભી હતા કેશુભાઈ પટેલ. કેશુભાઈના જૂથને મોદી સામે ફરિયાદ હતી કે, નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી હટાવો. એટલે હાઈકમાન્ડે મોદીને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે હટાવી દિલ્હીમાં હેડક્વાર્ટરના પ્રભારી તરીકે મૂક્યા. ત્યાં તેમને હિમાચલ પ્રદેશના મહામંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો, એ પછી પંજાબનો હવાલો અપાયો અને એ પછી એમને ભાજપના મહામંત્રી અને ભાજપના પ્રવક્તા તરીકે નિમવામાં આવ્યા.
કેશભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
એ પછી ઈલેક્ટ્રોલ પોલિટિક્સ (ચૂંટણીનાં રાજકારણ)માં તેમની એન્ટ્રી થઈ. રાજકોટથી ચૂંટણી લડ્યા ને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પછી 2014માં વડાપ્રધાન બન્યા. પણ આજે જે પરિણામ આવ્યા તેના પરથી કહી શકાય કે ઈલેક્ટ્રોલ પોલિટિક્સમાં મોદીની આ પહેલી નૈતિક હાર છે. પહેલાં સંગઠને તેમને પછડાટ આપી હતી અને હવે પ્રજાએ પછડાટ આપી છે. પણ વાજપેયી હતા ત્યારે વાત જૂદી હતી. પણ મોદીનો ટ્રેક રેકોર્ડ એવો છે કે તેમને ક્યારેય ગઠબંધનમાં સરકાર ચલાવવાનું ફાવ્યું નથી.
યોગી આદિત્યનાથ સાઈડ લાઈન થઈ જશે?
ઉત્તર પ્રદેશના પરિણામો ભાજપ માટે સૌથી વધારે આંચકારૂપ છે. રાજ્યમાં ભાજપના યોગી આદિત્યનાથની સરકાર હોવા છતાં ગયા વખત કરતાં ભાજપે 38 સીટ ગુમાવી દીધી છે. યુપીમાં એક સીટ ગુમાવવી પણ ભાજપને પોસાય તેમ નથી, એવામાં આ ખાડો ભાજપ માટે મોટો સેટબેક છે. યુપીમાં ભાજપને મોટી સંખ્યામાં જીતાડવાની જવાબદારી યોગી આદિત્યનાથના શીરે હતી પણ તે નિષ્ફળ ગયા છે. ભાજપ માટે આંચકારૂપ વાત એ છે કે અયોધ્યામાં રામ મંદિર બંધાવ્યું છતાં ત્યાં બિગ લોસ થયો. એટલે આવનારા દિવસોમાં યુપીના ભાજપના સંગઠનમાં અને રાજ્ય સરકાર સ્તરે પણ હાઈકમાન્ડ પરિવર્તન કરશે એ નક્કી. જે રીતે યુપીના પરિણામો સામે આવ્યા છે એ જોતાં લાગે છે કે યોગી આદિત્યનાથ સાઈડ લાઈન થઈ જાય તો નવાઈ નહીં.
વાજપેયીએ રચેલું NDA મોદીને કામ લાગશે
ચૂંટણી પરિણામો પછી મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા. ત્યાં તેમણે સંબોધનમાં ભાજપ શબ્દનો ઉપયોગ બે વાર અને એનડીએ શબ્દનો ઉપયોગ છ વાર કર્યો હતો. તેમણે સંબોધનમાં કહ્યું કે, આજના પરિણામો ભારતીય લોકશાહીની આ ઓળખ છે. ભારતના આ સામર્થ્યને વિશ્વ સામે પ્રસ્તુત કરવું જોઈએ. આ ચૂંટણીના ઘણા પાસાં છે. 1962 પછી પહેલીવાર કોઈ સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ત્રીજીવાર ફરી સત્તા પર આવી છે. ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો એક નવો અધ્યાય લખશે અને આ મોદીની ગેરંટી છે. ભારતને ત્રીજી મોટી ઈકોનોમી બનાવવા એનડીએ તાકાતથી કામ કરશે. ત્રીજા કાર્યકાળમાં એનડીએ સરકારનું જોર દરેક પ્રકારના ભ્રષ્ટાચારને ઉખેડી ફેંકવાનું હશે. સાથે મળીને દેશ માટે કામ કરીશું. કેન્દ્રની એનડીએ સરકાર વિકસિત ભારતના લક્ષ્ય માટે ખૂબ મહેનત કરશે. છ દાયકા પછી મતદારોએ ઈતિહાસ રચ્યો છે. એનડીએ ગઠબંધનને સેવા કરવાની તક આપી છે. મોદીના સંબોધન પછી એવું ફલિત થાય છે કે વાજપેયીએ રચેલું NDA ગઠબંધન મોદીને હવે કામ આવ્યું છે.
પરિણામ જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં સંબોધન કર્યું હતું.