ઇમ્ફાલ10 કલાક પેહલા
- કૉપી લિંક
મણિપુરમાં 3 મેથી હિંસા ચાલુ છે. જેના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50 હજારથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે.
મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ઘટનાઓમાં એક વ્યક્તિ અને તેના પુત્ર સહિત ચાર લોકોના મોત થયા છે. મણિપુર પોલીસે ગુરુવારે, 18 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બિષ્ણુપુર જિલ્લામાં ઓઈનમ બમોલજાઓ (61) અને તેમના પુત્ર ઓઈનમ મનિટોમ્બા (35)ની હત્યા કરી હતી. ઉપરાંત, તે જ જિલ્લાના સ્વયંસેવક થિયામ સોમેન (54)ની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વધુમાં, કાંગપોકપી જિલ્લાની સરહદે આવેલા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કાંગચુપ ખાતે ગામ સ્વયંસેવક તાખેલલંબમ મનોરંજનનું (26), બુધવારે રાત્રે, 17 જાન્યુઆરીએ મોત થયું હતું. અન્ય એક સ્વયંસેવક મંગશતાબમ વાંગલેન પણ ગોળીથી ઘાયલ થયા હતા.
આ સિવાય બુધવારે થૌબલ જિલ્લામાં સુરક્ષાદળો પર ફાયરિંગની ઘટનામાં વિદેશી આતંકવાદીઓની સંડોવણી સામે આવી રહી છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું હતું કે હિંસા માટે મ્યાનમારથી ઘણા આતંકવાદીઓને બોલાવવામાં આવ્યા હતા.
બીજી તરફ મણિપુરમાં ગયા વર્ષે શરૂ થયેલી હિંસા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઈમ્ફાલમાં એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં લોકોએ સરકારને સુરક્ષા વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.
મણિપુરની માંગ પર કેન્દ્રએ સેનાનું હેલિકોપ્ટર મોકલ્યું
મણિપુરમાં મ્યાનમાર બોર્ડર પર છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા દળો પર થઈ રહેલા હુમલાઓને લઈને કેન્દ્ર સરકાર પણ ગંભીર બની ગઈ છે. રાજ્ય સરકારની માંગ પર કાર્યવાહી કરતા, કેન્દ્રએ ઇમ્ફાલ માટે વિશેષ આર્મી હેલિકોપ્ટર (ALH DRUV) મોકલ્યું છે. તેનો ઉપયોગ સૈન્ય અને મેડિકલ જરૂરિયાતોને લગતા તમામ પ્રકારના કટોકટીના પ્રસંગોએ કરી શકાય છે.
થૌબલમાં પોલીસ હેડક્વાર્ટર પર ફાયરિંગ, BSFના 3 જવાન ઘાયલ
બુધવારની રાત્રે (17 જાન્યુઆરી) થોબલ જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર પર તોફાનીઓએ હુમલો કર્યો હતો. બેકાબૂ ટોળાએ કરેલા ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ટોળાએ પહેલા હેડક્વાર્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
મણિપુરમાં અત્યાર સુધીમાં 200થી વધુના મોત, 1100 ઘાયલ
3 મેથી રાજ્યમાં કુકી અને મૈતેઈ વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચુક્યા છે. 6 હજાર કેસ નોંધાયા છે અને 144 લોકોની ધરપકડ કરવામાં આવી છે.