નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હી હાઈકોર્ટ આજે લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરશે. 8મી મેના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં ED અને CBIના વકીલોએ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને કહ્યું હતું કે અમને જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય જોઈએ છે.
સિસોદિયાના વકીલ વિવેક જૈને તપાસ એજન્સીની માગનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે એજન્સીઓ દોઢ વર્ષથી વધુ સમયથી તેની તપાસ કરી રહી છે. પરંતુ આજદિન સુધી તપાસ પૂર્ણ થઈ નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ 4 દિવસનો સમય આપ્યો હતો.
અગાઉ, 3 મેના રોજ સુનાવણીમાં, કોર્ટે ED-CBIને નોટિસ પાઠવી હતી અને તેમનો જવાબ માગ્યો હતો. સિસોદિયાને તેમની બીમાર પત્ની સીમાને અઠવાડિયામાં એકવાર મળવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.
મનીષ સિસોદિયાની લગભગ 8 કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરી 2023ના રોજ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ કેસમાં પણ તેમની ધરપકડ કરી હતી. હાલ તે તિહાર જેલમાં છે. 7 મે, 2024ના રોજ, સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 મે સુધી લંબાવવામાં આવી છે. બીજી બાજુ, દિલ્હી કોર્ટે એક્સાઇઝ ડ્યુટી કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 21 મે સુધી લંબાવી છે.
સિસોદિયાની જામીન અરજી અગાઉ પણ ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી
સીબીઆઈએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. EDએ 9 માર્ચ, 2023 ના રોજ ન્યાયિક કસ્ટડી દરમિયાન તેમની ધરપકડ કરી હતી. ત્યારથી સિસોદિયા તિહાર જેલમાં છે. તેમણે ED કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે 28 એપ્રિલ, 2023ના રોજ ફગાવી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબર 2023ના રોજ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે કૌભાંડ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી. તેમાંથી 338 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે, જેમાં સિસોદિયાની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. તેથી પિટિશન ફગાવી દેવામાં આવે છે.
લિકર પોલિસી કૌભાંડ કેસ- કેજરીવાલ અને કે. કવિતા પણ કસ્ટડીમાં
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં 16 હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને બીઆરએસ નેતા કે. કવિતા પણ ન્યાયિક કસ્ટડીમાં છે. આ જ કેસમાં AAP નેતા સંજય સિંહ પણ જેલમાં હતા. જો કે હાલ તે જામીન પર બહાર છે.