કરીમનગર9 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણાના કરીમનગરમાં પહેલીવાર અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસના શેહઝાદા દિવસ-રાત એક જ માળા જપતા હતા. 5 ઉદ્યોગપતિઓ, અંબાણી, અદાણી. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે…શા માટે?
વડાપ્રધાને કહ્યું- હું કોંગ્રેસના શેહઝાદાને પૂછવા માગું છું કે, તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે? કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે? કોંગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા? તેઓ કહેશે?
વડાપ્રધાને તેલંગાણાની કોંગ્રેસ અને અગાઉની BRS સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમણે દિલ્હી લિકર પોલિસી કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું- કોંગ્રેસ અને બીઆરએસ એક જ સિક્કાની બે બાજુ છે. બંને ભ્રષ્ટાચારના ગુંદરથી એકબીજા પર ચોંટી ગયા છે. બંને પાસે એક જ કામ છે- ફેમિલિ ફર્સ્ટ અને તુષ્ટિકરણ.
તેમણે કહ્યું- ભ્રષ્ટાચાર એ કોંગ્રેસ-બીઆરએસનું કોમન કેરેક્ટર છે. બંને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે. પરંતુ બેકડોરથી બંને એક જ ભ્રષ્ટાચાર સિન્ડિકેટનો ભાગ છે. આ પહેલાં વડાપ્રધાન કરીમનગર પહોંચ્યા અને શ્રી રાજા રાજેશ્વરી સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી.
મોદીના ભાષણની 5 વાતો…
1. તેલંગાણાના લોકોએ મારું 10 વર્ષનું કામ જોયું
વડાપ્રધાને કહ્યું- તેલંગાણાના લોકોએ છેલ્લા 10 વર્ષમાં મારું કામ જોયું છે. તમારા એક મતે ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. તમારા એક મતે કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી. તમારા એક મતે ભારતને સંરક્ષણ આયાતકારમાંથી સંરક્ષણ નિકાસકારમાં પરિવર્તિત કર્યું.
2. કોંગ્રેસ આ દેશની સમસ્યાઓની જનની છે
PMએ કહ્યું- આપણો આખો દેશ સંભાવનાઓથી ભરેલો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેના સમગ્ર શાસન દરમિયાન આપણા લોકોની ક્ષમતાને નષ્ટ કરવા સિવાય કંઈ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ આપણી અર્થવ્યવસ્થાને બરબાદ કરી, કૃષિ અને કાપડ ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું. કોંગ્રેસ દેશની સૌથી મોટી સમસ્યાઓની જનની છે.
3. કોંગ્રેસ અને બીઆરએસ સમાન સિદ્ધાંત ધરાવે છે- ફેમિલી ફર્સ્ટ
વડાપ્રધાને કહ્યું- ભાજપ નેશન ફર્સ્ટના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે. પરંતુ બીજી તરફ, કોંગ્રેસ અને BRS તેલંગાણામાં ફેમિલી ફર્સ્ટ સિદ્ધાંત પર કામ કરે છે. કોંગ્રેસ અને BRS સંપૂર્ણપણે પરિવાર દ્વારા, પરિવાર માટે છે. આ બંને પક્ષો એક જ સિક્કાની બે બાજુઓ છે.
4. કોંગ્રેસ-બીઆરએસ ભ્રષ્ટાચારના ગુંદરથી ચોંટેલા છે
કોંગ્રેસ અને બીઆરએસને એકસાથે બાંધનાર એકમાત્ર ‘ગુંદર’ ભ્રષ્ટાચાર છે. તુષ્ટિકરણની રાજનીતિ તેમનો એજન્ડા છે. કોંગ્રેસ અને BRS ઝીરો ગવર્નન્સ મોડલને અનુસરે છે. તેથી આપણે તેલંગાણાને આ પક્ષોના ભ્રષ્ટ ચુંગાલમાંથી બચાવવાની જરૂર છે.
5. કોંગ્રેસ મુસ્લિમોને SC-ST અનામત આપવા માગે છે
કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી અને દલિતો માટે અનામતનો અધિકાર છીનવીને મુસ્લિમ સમુદાયને આપવા માગે છે. કલ્યાણ એ તેમની દ્રષ્ટિ કે એજન્ડા નથી. કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંકને બચાવવા માગે છે. આ ભ્રષ્ટ પક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.
કરીમનગરમાં વડાપ્રધાનની રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી.
12 વાગ્યે વારંગલમાં સભા, પછી પીએમ આંધ્ર જશે
કરીમનગર બાદ વડાપ્રધાન બપોરે 12 વાગે વારંગલમાં જનસભા પણ કરશે. આ પછી તેઓ આંધ્રપ્રદેશ જવા રવાના થશે. તેઓ અહીં બે રેલી અને રોડ શો કરશે. રાજમપેટમાં બપોરે 3:45 વાગ્યે અને વિજયવાડામાં સાંજે 7 વાગ્યે રોડ શો યોજાશે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ મતદાન
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. આ દિવસે તેલંગાણામાં 17 લોકસભા સીટો અને આંધ્રપ્રદેશમાં 25 લોકસભા સીટો પર મતદાન થશે. આ સિવાય આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા સીટો પર પણ મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે.