નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચૂંટણી વચનો પર મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું- કોંગ્રેસ હવે સમજી રહી છે કે ખોટા વાયદા કરવા આસાન છે, પરંતુ તેનો યોગ્ય રીતે અમલ કરવો મુશ્કેલ કે અશક્ય છે.
હકીકતમાં, 31 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આપણે એવા વચનો કરવા જોઈએ જે પૂરા કરી શકાય. નહીં તો આવનારી પેઢી પાસે બદનામી સિવાય કંઈ જ બચશે નહીં.
મોદીએ લખ્યું- કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ PMએ લખ્યું- કોંગ્રેસ સતત પ્રચાર દ્વારા લોકોને વચનો આપતી રહે છે, જેને તેઓ ક્યારેય પૂરા કરી શકશે નહીં. હવે તેઓ સંપૂર્ણપણે લોકો સામે ખુલ્લા પડી ગયા છે. આજે કોંગ્રેસ શાસિત કોઈપણ રાજ્યને જુઓ – હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા- વિકાસની ગતિ અને આર્થિક સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે.
તેમની કહેવાતી ગેરંટી અધૂરી રહી છે, જે આ રાજ્યોની જનતા સાથે ભયંકર વિશ્વાસઘાત છે. આવી રાજનીતિનો ભોગ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ છે, જેમને આ વચનોનો લાભ તો નથી મળી રહ્યો, પરંતુ તેમની વર્તમાન યોજનાઓ પણ નબળી પડી રહી છે.
PMએ લખ્યું- કોંગ્રેસ આંતરિક રાજનીતિ અને લૂંટમાં વ્યસ્ત
પીએમે આગળ લખ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી વિકાસની જગ્યાએ પાર્ટીની આંતરિક રાજનીતિ અને લૂંટમાં વ્યસ્ત છે. આટલું જ નહીં તેઓ હાલની સ્કીમોને પણ પાછી ખેંચવા જઇ રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં સરકારી કર્મચારીઓને સમયસર પગાર આપવામાં આવતો નથી. તેલંગાણામાં ખેડૂતો વચન મુજબ લોન માફીની રાહ જોઈ રહ્યા છે.
અગાઉ છત્તીસગઢ અને રાજસ્થાનમાં તેમણે આવા કેટલાક ભથ્થાં આપવાનું વચન આપ્યું હતું જેનો પાંચ વર્ષ સુધી અમલ નહોતો કર્યો. કોંગ્રેસ કેવી રીતે કામ કરે છે તેના ઘણા ઉદાહરણો છે.
જાણો શું છે ફ્રીબીઝનો મુદ્દો, SCએ પણ નોટિસ આપી છે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પહેલા મફત યોજનાઓના વચનો પર 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી.
કર્ણાટકના શશાંક જે શ્રીધરે પિટિશનમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મફત યોજનાઓના વચનોને લાંચ તરીકે જાહેર કરવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટ પાસે એવી પણ માગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચે આવી યોજનાઓને તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટે આજની અરજીને સુનાવણી માટે જૂની અરજીઓ સાથે મર્જ કરી હતી.
અરજદારે કહ્યું, ‘રાજકીય પક્ષો એ નથી જણાવતા કે તેઓ આવી યોજનાઓને કેવી રીતે પૂર્ણ કરશે. આનાથી સરકારી તિજોરી પર અગણિત બોજ પડે છે. આ મતદારો અને બંધારણ સાથે છેતરપિંડી છે. તેથી, આને રોકવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં 2 મુખ્ય અરજીઓ…
ઑક્ટોબર 2024: અરજીકર્તા શશાંક જે શ્રીધરે કહ્યું – ફ્રીબીઝને લાંચ ગણવી જોઈએ.
અરજીકર્તા શશાંક જે શ્રીધરના વકીલ બાલાજી શ્રીનિવાસને સોમવારે (14 ઓક્ટોબર) CJI ડીવાય ચંદ્રચુડની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વિધાનસભા અથવા સામાન્ય ચૂંટણી દરમિયાન મફત યોજનાઓનું વચન આપનાર રાજકીય પક્ષોને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ વોટ માટે લાંચ અથવા પ્રલોભન તરીકે ગણવામાં આવે છે.
જાન્યુઆરી 2022: બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે પીઆઈએલ દાખલ કરી બીજેપીના નેતા અશ્વિની ઉપાધ્યાય ફ્રીબીઝ વિરુદ્ધ એક પીઆઈએલ લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમની અરજીમાં ઉપાધ્યાયે ચૂંટણી દરમિયાન મતદારોને રાજકીય પક્ષો દ્વારા ફ્રીબીઝ અથવા મફત ભેટોના વચનો બંધ કરવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે આવા પક્ષોની માન્યતા રદ કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી શું થયું? પૂર્વ ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા ઓગસ્ટ 2022માં ફ્રીબીઝ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ બેંચમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ હિમા કોહલી પણ હતા. બાદમાં તત્કાલિન ચીફ જસ્ટિસ યુયુ લલિતે કેસની સુનાવણી કરી અને હવે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ કેસની સુનાવણી કરી રહ્યા છે.
ચૂંટણી પંચે કહ્યું હતું- મફત યોજનાઓની વ્યાખ્યા તમે જ નક્કી કરો 11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે પક્ષો દ્વારા ફ્રીબીઝ પર અપનાવવામાં આવેલી નીતિનું નિયમન કરવું ચૂંટણી પંચની સત્તામાં નથી.
ચૂંટણી પહેલા મફત આપવાનું વચન આપવું કે ચૂંટણી પછી આપવાનું એ રાજકીય પક્ષોનો નીતિગત નિર્ણય છે. આ અંગે નિયમો બનાવ્યા વિના કોઈપણ પગલાં લેવાથી ચૂંટણી પંચની સત્તાનો દુરુપયોગ થશે. માત્ર કોર્ટે નક્કી કરવું જોઈએ કે ફ્રી સ્કીમ કઈ છે અને કઈ નથી. આ પછી અમે તેનો અમલ કરીશું.