નવી દિલ્હી55 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ રજૂ કરતા પહેલા સોમવારે (22 જુલાઈ) મીડિયાને સંબોધિત કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ રજૂ કરતા પહેલા સોમવારે (22 જુલાઈ) મીડિયાને સંબોધિત કર્યું. મોદીએ બજેટ સત્ર દરમિયાન સરકારના એજન્ડા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બજેટ આગામી પાંચ વર્ષ માટે દિશા નિર્ધારિત કરશે અને 2047માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનો પાયો નાખશે.
મોદીએ જૂનમાં સરકાર બનાવ્યા બાદ લોકસભાના પ્રથમ સત્રમાં વિપક્ષના હંગામાની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સંસદ પાર્ટી માટે નથી, પરંતુ દેશ માટે છે. પ્રથમ સત્રમાં 140 કરોડ દેશવાસીઓ દ્વારા બહુમતીથી ચૂંટાયેલી સરકારનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું- વિપક્ષે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સંસદના સમયનો ઉપયોગ કર્યો. દેશના વડાપ્રધાનનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. અઢી કલાક સુધી મારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો. લોકતાંત્રિક પરંપરાઓમાં આવા વર્તન માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. આ માટે કોઈ પસ્તાવો પણ નથી.
મોદીના સંબોધનના 5 મુખ્ય મુદ્દા…
1. શ્રાવણના દિવસે સત્રની શરૂઆત
મોદીએ કહ્યું- આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ પવિત્ર દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. દેશ ખૂબ જ નજીકથી જોઈ રહ્યો છે કે સંસદનું આ સત્ર સકારાત્મક, સર્જનાત્મક અને દેશવાસીઓના સપનાને સાકાર કરવા માટે મજબૂત પાયો નાખે.
2. 60 વર્ષ પછી ત્રીજી વખત સરકાર આવી
પ્રધાનમંત્રીએ કહ્યું- હું આને ભારતની લોકશાહીની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોઉં છું. અંગત રીતે, મારા અને મારા સાથીઓ માટે એ ગર્વની વાત છે કે 60 વર્ષ પછી એક સરકાર ત્રીજી વખત આવી છે અને ત્રીજી ઇનિંગના પ્રથમ બજેટનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ આને ભારત માટે ખૂબ જ ગર્વની ઘટના તરીકે જોઈ રહ્યો છે.
3. આ બજેટ અમૃતકાલનું મહત્વનું બજેટ છે
મોદીએ કહ્યું- હું દેશવાસીઓને જે ગેરંટી આપી રહ્યો છું તેને લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આવતીકાલે અમે જે બજેટ રજૂ કરીશું તે અમૃતકાલનું મહત્વનું બજેટ છે. અમને પાંચ વર્ષની તક મળી છે, આ બજેટ તે પાંચ વર્ષ માટે અમારી દિશા નક્કી કરશે.
આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાઓને મજબૂત બનાવશે. દરેક નાગરિક માટે ગર્વની વાત છે કે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ છે. અમે છેલ્લા 3 વર્ષમાં સતત 8 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છીએ. 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે વિકસિત ભારતનું સપનું પૂર્ણ થશે.
4. ચૂંટણી લડી લીધી, હવે દેશ માટે લડવાનો વારો
PMએ કહ્યું- હું દેશના તમામ સાંસદોને કહેવા માંગુ છું, પછી ભલે તેઓ કોઈપણ પક્ષના હોય, જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી આપણી પાસે ક્ષમતા હતી તેટલું આપણે લડી લીધું. કોઈએ જનતાને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો, તો કોઈએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે તે યુગ પૂરો થઈ ગયો છે. જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે.
હવે પાર્ટી લાઇનથી ઉપર ઉઠો અને દેશ માટે પોતાને સમર્પિત કરો અને આગામી 4.5 વર્ષ સુધી સંસદના આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો ઉપયોગ કરો. જાન્યુઆરી 2029ના ચૂંટણી વર્ષમાં તમે કોઈપણ રમત રમો, પરંતુ ત્યાં સુધી આપણે ખેડૂતો, યુવાનો અને દેશના સશક્તિકરણ માટે આપણી ભૂમિકા ભજવવી જોઈએ.
5. નકારાત્મક રાજનીતિએ સંસદનો સમય વેડફ્યો
લોકસભાના છેલ્લા સત્રનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું- આજે મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાક સાંસદો 5 વર્ષ માટે આવ્યા. કેટલાકને 10 વર્ષનો મોકો મળ્યો. જો કે, છેલ્લા સત્રમાં ઘણાને તેમના વિસ્તાર વિશે વાત કરવાનો મોકો મળ્યો ન હતો. કારણ કે કેટલાક પક્ષોની નકારાત્મક રાજનીતિએ પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટે દેશની સંસદના મહત્વના સમયનો દુરુપયોગ કર્યો હતો.
મોદીએ કહ્યું- 2024થી કોંગ્રેસ પરોપજીવી પાર્ટી કહેવાશેઃ કહ્યું- હિન્દુ સમાજે વિચારવું પડશે, આ અપમાન સંયોગ છે કે પ્રયોગ; વિપક્ષનો સતત હોબાળો
4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. તે 2 જુલાઈના રોજ સમાપ્ત થયું. સત્રના છેલ્લા દિવસે મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો.
વડાપ્રધાને 2 કલાક 15 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન વિપક્ષ વેલમાં આવીને હંગામો મચાવતો રહ્યો. વિપક્ષી સાંસદોએ ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’, ‘મણિપુર-મણિપુર’ અને ‘ન્યાય કરો-ન્યાય કરો’ના નારા લગાવ્યા હતા.
આ દરમિયાન પીએમને બે વખત તેમનું ભાષણ રોકવું પડ્યું હતું. સ્પીકરે વિપક્ષને બે વાર આવું ન કરવાની સલાહ આપી હતી. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ યોગ્ય નથી, તેમ છતાં વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો.