નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગૃહ મંત્રાલય 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા આવતા મહિને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના જારી કરી શકે છે. આ પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ જશે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે CAAનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ડ્રાય રન પહેલેથી જ કરવામાં આવી ચુક્યું છે. સૂત્રોએ જણાવ્યું કે CAA આ પડોશી દેશોના એવા શરણાર્થીઓને મદદ કરશે જેમની પાસે દસ્તાવેજ નથી. મંત્રાલયને લાંબા ગાળાના વિઝા માટે પાકિસ્તાનમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે.
અગાઉ ગૃહમંત્રી અમિત શાહે બે મહિનામાં બે વાર કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે. આ દેશનો કાયદો છે. તેને કોઈ રોકી શકતું નથી. સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી.
2019માં લોકસભા-રાજ્યસભામાંથી બિલ પાસ થઈ ગયું
11 ડિસેમ્બર 2019ના રોજ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (CAB)ની તરફેણમાં 125 અને એના વિરુદ્ધમાં 99 મત મળ્યા હતા. બીજા દિવસે 12 ડિસેમ્બર 2019ના રોજ એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી. દેશભરમાં ભારે વિરોધ વચ્ચે બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ બિલે કાયદાનું સ્વરૂપ લીધું. 9 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
1955ના કાયદામાં કરવામાં આવેલા ફેરફારો
નાગરિકતા સંશોધન બિલ 2016 (CAA) 2016માં રજૂ કરવામાં આવ્યું હતું. આ માટે 1955ના કાયદામાં કેટલાક ફેરફારો કરવા પડ્યા હતા. આ ફેરફારો ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાના હતા. 12 ઓગસ્ટ 2016ના રોજ એને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યા. સમિતિએ 7 જાન્યુઆરી 2019ના રોજ રિપોર્ટ સોંપ્યો હતો.
વિરોધમાં ફાટી નીકળેલાં રમખાણોમાં 50થી વધુ લોકોના જીવ ગયા હતા
આ બિલ લોકસભામાં આવ્યા પહેલાં જ વિવાદમાં હતું, પરંતુ એ કાયદો બન્યા બાદ એનો વિરોધ વધી ગયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદર્શન થયાં હતાં. 23 ફેબ્રુઆરી 2020ની રાત્રે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકઠી થયા પછી ફાટી નીકળેલી હિંસા રમખાણોમાં ફેરવાઈ ગઈ.
ચાર રાજ્યમાં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો
સંસદનાં બંને ગૃહો દ્વારા CAA બિલ પાસ થયા બાદ 4 રાજ્યએ એના વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યા છે. સૌપ્રથમ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને ડિસેમ્બર 2019માં CAA વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો, જેમાં તેમણે કહ્યું હતું કે એ બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ અને દેશના બંધારણ વિરુદ્ધ છે. આમાં નાગરિકતા આપવાથી ધર્મના આધારે ભેદભાવ થશે.
આ પછી પંજાબ અને રાજસ્થાન સરકારોએ વિધાનસભામાં CAA વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો. ચોથું રાજ્ય પશ્ચિમ બંગાળ હતું, જ્યાં આ બિલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળનાં સીએમએ કહ્યું- અમે બંગાળમાં CAA, NPR અને NRCને મંજૂરી આપીશું નહીં.