નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિપક્ષના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે (24 જૂન)થી શરૂ થયું છે. આ પહેલા વિપક્ષના સાંસદોએ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવા સામે વિરોધ કર્યો હતો. સાંસદોએ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આગળ બંધારણની કોપી લહેરાવીને બંધારણ બચાવોના નારા લગાવ્યા હતા.
વિપક્ષના સાંસદોએ કહ્યું કે સરકારે નિયમો વિરુદ્ધ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરી છે. નિયમો અનુસાર, કોંગ્રેસના કે. સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવાના હતા, કારણ કે તેઓ 8 વખતથી સાંસદ છે. મહતાબ માત્ર 7 વખતથી જ સાંસદ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધ બાદ રાહુલ ગાંધીએ કહ્યું- વડાપ્રધાન મોદી અને અમિત શાહ બંધારણ પર જે હુમલો કરી રહ્યા છે તે અમને સ્વીકાર્ય નથી. અમે આ હુમલો થવા દઈશું નહીં. ભારતના બંધારણને કોઈ તાકાત હાથ અડાડી શકશે નહીં.
ખડગેએ કહ્યું- મોદીજીએ બંધારણ ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો છે. બંધારણને બચાવવા જનતા અમને સાથ આપી રહી છે. અત્યારે દેશમાં દરેક લોકશાહીના નિયમોનો ભંગ થઈ રહ્યો છે, આજે આપણે ગાંધીજીની પ્રતિમા સામે એકઠા થયા છીએ. અમે મોદીજીને કહી રહ્યા છીએ કે તમે બંધારણનું પાલન કરો.
સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ સહિત પાર્ટીના તમામ સાંસદોએ પ્રદર્શન કર્યું.
વિપક્ષના નેતાઓએ શું કહ્યું?
- કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગાઈ: શાસક પક્ષ પોતાનો ઘમંડ ભૂલ્યો નથી. આપણે જોઈ શકીએ છીએ કે તેઓ દેશના મુખ્ય મુદ્દાઓની અવગણના કરી રહ્યા છે. જો કે.સુરેશને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોત તો ભારતમાં સમગ્ર દલિત સમુદાય એક ઐતિહાસિક દ્રશ્યનો સાક્ષી બની શક્યો હોત. આજે ભાજપે માત્ર કોંગ્રેસ, ભારત અને કે. સુરેશની જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજની અવગણના કરી છે.
- કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ: બાપુના આશીર્વાદથી INDIA ગઠબંધન લોકસભામાં એન્ટ્રી થઈ છે. લોકોની સમસ્યાઓ, પડકારો, આશાઓ, આકાંક્ષાઓને અવાજ આપવા અને સરકારને અરીસો બતાવવા માટે નવા સંકલ્પો સાથે 18મી લોકસભામાં પ્રવેશ કર્યો છે. આપણે લોકશાહીના રક્ષક છીએ. અમે બંધારણના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે અન્યાય સામે લડીશું.
- TMC સાંસદ કલ્યાણ બેનર્જી: અમે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે બંધારણની જોગવાઈઓ બદલવામાં આવી રહી છે. પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરીને મોદી સરકારે બંધારણીય પરંપરાઓને ખતમ કરવાનું કામ કર્યું છે.
- TMC સાંસદ સૌગત રોય: અમે બંધારણને નષ્ટ કરવાના ભાજપના પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છીએ.
જયરામ રમેશે કહ્યું હતું- કે. સુરેશ સૌથી વરિષ્ઠ સાંસદ છે
સરકારે 20 જૂને ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તે જ દિવસે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે નિયમો અનુસાર, મહત્તમ કાર્યકાળ પૂર્ણ કરનાર સાંસદને જ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે.
કોંગ્રેસના કોડીકુન્નીલ સુરેશ અને ભાજપના વીરેન્દ્ર કુમાર 18મી લોકસભામાં સૌથી વરિષ્ઠ સાંસદ છે. આ બંનેની આઠમી ટર્મ છે. વીરેન્દ્ર કુમાર કેન્દ્રીય મંત્રી છે, તેથી કોડીકુનીલ સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે તેવી અપેક્ષા હતી. પરંતુ, તેમના સ્થાને સાત વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રોટેમ સ્પીકર કોણ હોય છે? પ્રોટેમ લેટિન શબ્દ પ્રો ટેમ્પોર પરથી આવ્યો છે. તેનો અર્થ થોડા સમય માટે થાય છે. પ્રોટેમ સ્પીકર એ કામચલાઉ સ્પીકર હોય છે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી પછી, શાસક પક્ષ ગૃહ ચલાવવા માટે પ્રોટેમ સ્પીકરની પસંદગી કરે છે.
પ્રોટેમ સ્પીકરની મુખ્ય ફરજ નવા ચૂંટાયેલા સાંસદો/વિધાનસભાને શપથ લેવડાવવાની છે. આ સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે. પ્રોટેમ સ્પીકરનું કામ ફ્લોર ટેસ્ટ કરાવવાનું પણ છે. જો કે, બંધારણમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક, ફરજો અને સત્તાઓ વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.
સ્પીકર પદ માટે ઈન્ડિયા ગ્રુપ દાવો કરી શકે છે
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા 26 જૂનથી શરૂ થશે. એવા અહેવાલો છે કે બીજેપી બીજી વખત ઓમ બિરલાને સ્પીકર બનાવી શકે છે. જ્યારે ભાજપના સાથી પક્ષો – ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુ – પણ સ્પીકર પદની માંગ કરી રહ્યા છે.
અહીં લોકસભામાં વિપક્ષ I.N.D.I.A જૂથ પણ મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં તેમને આશા છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષના એક સાંસદને આપવામાં આવશે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો વિપક્ષના સાંસદને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો વિપક્ષી છાવણી સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે.
વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની પરંપરા રહી છે. 16મી લોકસભામાં NDAમાં સામેલ AIADMKના થમ્બીદુરઈને આ પદ આપવામાં આવ્યું હતું. જ્યારે 17મી લોકસભામાં કોઈને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા ન હતા.
ભાજપના ઉમેદવાર અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાજસ્થાનની કોટા-બુંદી બેઠક પરથી સતત ત્રીજીવાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ ગુંજલને 41,974 મતોથી હરાવ્યા હતા.