શુક્રિયા મોદીજી… વી સપોર્ટ મોદીજી… આ નારા મુસલમાનો લગાવી રહ્યા છે. એ પણ ભોપાલમાં… હાથમાં પ્લેકાર્ડ હતાં અને ગુલાબનાં ફૂલ પણ હતાં.
.
બીજી તરફ કેટલીક જગ્યાએ વિરોધ પણ થયો હતો… આ વાત છે વક્ફ સંશોધન બિલ-2024ની.
આ બિલ લોકસભામાં બુધવારે રજૂ થયું ત્યારથી જ વિપક્ષોએ ભાજપને ઘેર્યો છે. દેશના અમીર મુસલમાનો બિલનો વિરોધ કરે છે. ગરીબ મુસલમાનો સમર્થન કરે છે. સરવાળે આ બિલથી ગરીબ મુસલમાનોને ફાયદો છે.
નમસ્કાર,
વક્ફ બિલ મુદ્દે લોકસભામાં 8 કલાક સુધી ચર્ચાનો સમય નક્કી કરાયો હતો. મંગળવારે બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ થઈ. આ એપિસોડ તમે જોતા હશો ત્યારે કોઈ નિર્ણય આવી ચૂક્યો હશે.
11 વર્ષમાં મોદી સરકારના મુસ્લિમો માટે 4 મોટા નિર્ણય
2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારથી મુસ્લિમ સમાજ માટે 4 મહત્ત્વના નિર્ણયો લીધા છે, જેમાં…
1. ટ્રિપલ તલ્લાક
2. નાગરિકતા સંશોધન કાયદો
3. યુનિફોર્મ સિવિલ કોડ
4. વક્ફ સંશોધન બિલ
પહેલા એ જાણો કે વક્ફ બિલ શું છે?
ભારતમાં અન્ય કોઈ ધાર્મિક સંસ્થા પાસે એટલી સત્તા નથી જેટલી વક્ફ બોર્ડ પાસે છે. કોઈપણ મુસ્લિમની જમીનને વક્ફ બોર્ડ પોતાની મિલકત ગણાવી શકે છે. બોર્ડને લાગે કે કોઈપણ મુસ્લિમની જમીન સારી છે તો એને વક્ફની મિલકત ગણાવી દેવામાં આવતી. પોતાની જમીન પુરવાર કરવા વક્ફે કોઈ પુરાવા પણ આપવાની જરૂર નથી. હાથ મૂકે એ જમીન તેમની. આ છૂટછાટને કારણે વક્ફ બોર્ડની મનમાની બહાર આવવા લાગી અને કાયદાના દુરુપયોગના સમાચારો આવવા લાગ્યા હતા. ત્યારથી વક્ફ બોર્ડનો વિવાદ સામે આવ્યો. અત્યારે વક્ફ બોર્ડના જે નિયમો છે એમાં ફેરફાર કરીને સરકારે નવા નિયમો બનાવ્યા છે અને આ માટે ખાસ વક્ફ સંશોધન બિલ-2024 તૈયાર કર્યું છે, જે લોકસભામાં રજૂ થયું હતું.
અમિત શાહના સંસદમાં સંબોધનની મહત્ત્વની વાતો…
- વક્ફમાં બિન-ઇસ્લામિકનો સમાવેશ કરવામાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ નથી.
- મુસલમાનો ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન વક્ફમાં જ કરાવે એવું નહીં, એ ધારે તો ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ પણ કરાવી શકશે.
- માત્ર મુસલમાન નહીં, ખ્રિસ્તી, પારસી કોઈપણ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર થશે.
- વિપક્ષો વોટબેંક માટે લઘુમતીઓને ડરાવી રહ્યા છે.
- વક્ફના નામે મફતના ભાવે મિલકતો આપી દેનારાને દૂર કરવાના છે.
- 2013ના વક્ફ સુધારા ન થયા હોત તો આ બિલ લાવવાની જરૂર ન પડી હોત.
- વક્ફ મિલકતની જાળવણી થઈ રહી છે કે નહીં અને એ કાયદા મુજબ ચલાવવામાં આવે છે કે નહીં? હવે એ જ જોવાનું રહેશે.
- વક્ફની સંપત્તિનો ઉપયોગ વિધવાઓ, ગરીબ મુસ્લિમો અને યુવાનો માટે થાય એ જોવાશે.
- આ બિલમાં વક્ફ બોર્ડનું ઓડિટ થશે અને બેલેન્સ શીટ તૈયાર થશે.
- વક્ફના આદેશને કોઈપણ કોર્ટમાં પડકારી શકાશે.
- સ્પષ્ટતા કરવામાં આવી છે કે કાયદા પર અમલ નોટિફિકેશન પછી થશે.
- કોંગ્રેસે મુસ્લિમોને ડરાવીને વોટબેંક બનાવી લીધી.
વક્ફ બોર્ડ શું છે અને એનું કામ શું છે?
1954માં સંસદે વક્ફ એક્ટ-1954ના નામથી કાયદો ઘડ્યો. આ કાયદા હેઠળ મુસ્લિમોની મિલકતની દેખરેખ રાખવા કાનૂની સંસ્થાની રચના કરવામાં આવી, જેને વક્ફ બોર્ડ નામ અપાયું. 1947માં જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમો દેશ છોડીને પાકિસ્તાન ગયા હતા. એ મુસ્લિમ પરિવારોની મિલકતોનો હિસાબ આ વક્ફ બોર્ડ રાખે છે.
શું હિન્દુ પણ વક્ફમાં પોતાની મિલકત આપી શકે છે?
હા, બિન-મુસ્લિમ પણ તેની મિલકત વક્ફમાં દાન કરી શકે છે, પરંતુ મિલકત દાન કરવાનું કારણ ઇસ્લામ સાથે સંબંધિત હોવું જોઈએ. બિન-મુસ્લિમ અનુદાન આપી શકે છે, પરંતુ તે વ્યક્તિએ ઇસ્લામમાં વિશ્વાસ રાખવો જોઈએ અને વક્ફ બનાવવાનો હેતુ ઇસ્લામિક હોવો જોઈએ.
1954માં કાયદો બન્યો, 1955માં સુધારો થયો
આઝાદી પછી 1954માં વક્ફ બોર્ડનો કાયદો બન્યો, જેને વક્ફ એક્ટ-1954 નામ આપવામાં આવ્યું. 1955માં એટલે કે કાયદો અમલમાં આવ્યાના એક વર્ષ પછી કાયદામાં સુધારો કરવામાં આવ્યો ને કહેવામાં આવ્યું કે દરેક રાજ્યમાં વક્ફ બોર્ડની રચના કરવી જોઈએ. દેશનાં વિવિધ રાજ્યોમાં લગભગ 32 વક્ફ બોર્ડ છે.
1995માં કાયદામાં બીજીવાર સુધારો થયો
1995માં બાબરી મસ્જિદની ઘટના બાદ પીવી નરસિમ્હા રાવની કોંગ્રેસ સરકારે વક્ફ એક્ટમાં ફેરફાર કર્યા હતા. આ ફેરફાર બાદ વક્ફ બોર્ડને આ કાયદા હેઠળ ઘણી વધુ સત્તાઓ મળી ગઈ. 1955 પછી વક્ફ બોર્ડ પાસે મર્યાદિત સત્તા હતી, એ 1995માં અમર્યાદ કરી નાખવામાં આવી.
2013માં કાયદામાં ત્રીજીવાર સુધારો થયો
1995 પછી 2013માં વક્ફ એક્ટમાં કોંગ્રેસની યુપીએ સરકારે ત્રીજીવાર સુધારા કર્યા. કોઈપણ ટ્રસ્ટ કરતાં તેની શક્તિ વધારી દેવાઈ અને કોઈપણ વ્યક્તિ વકફ બોર્ડ સામે ટ્રિબ્યુનલ સિવાય કેસ કરી શકે નહીં એવો સુધારો પણ કર્યો, સાથે-સાથે દેશભરમાં વક્ફ પ્રોપર્ટી પર દેખરેખ રાખવા માટે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS) મેપિંગ ગોઠવવામાં આવ્યું હતું, જેથી મિલકતોનો સાચો અને સચોટ રેકોર્ડ જાળવી શકાય તેમજ બોર્ડ પર કોઈ બાહ્ય દબાણ કે દખલગીરી ન હોવી જોઈએ એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
જૂના-નવા કાયદાના ચાર ભેદ
1.
જૂનો – કોઈપણ કેસ વક્ફ ટ્રિબ્યુનલમાં ચાલતો
નવો – કોઈપણ અદાલતમાં અપીલ કરી શકાશે
2.
જૂનો – વક્ફ નિર્ણય કરે એ ફાઈનલ. ચેલેન્જ ન થાય.
નવો – વક્ફના નિર્ણય સામે HCમાં અપીલ થઈ શકે
3.
જૂનો – ઈસ્લામિક કામ માટે જમીન વક્ફની સંપત્તિ બની જાય
નવો – દાનમાં મળી હશે એ જ વક્ફની સંપત્તિ ગણાશે
4.
જૂનો – વક્ફમાં મહિલાઓ, અન્ય ધર્મના લોકો નહીં
નવો – બે મહિલા, અન્ય ધર્મના બે સદસ્યની નિયુક્તિ
વક્ફ બિલ અંગે કોણે શું કહ્યું?
જગદંબિકા પાલ:
JPCનાં ચેરમેન જગદંબિકા પાલે કહ્યું, અમે સાઉથ ઈન્ડિયાનાં રાજ્યોમાં ફર્યાં. અભિપ્રાય જાણ્યા. અમે ઉત્તર ભારતમાં નથી જઈ શક્યાં. અમારી બેઠકો રોજ થતી. એમાં ઓવૈસીથી લઈને ઈમરાન મસૂદ સહિતના બધા હતા. આ બિલ પાસ થવાથી ગરીબ મુસલમાનોને ફાયદો થશે. અમે જ્યારે આ લોકોને મળતા ત્યારે અમારી પર બોટલ ફેંકતા હતા. ઝઘડો કરતા હતા. કાગળ ફાડતા હતા. એ લોકોએ મુસલમાનોને કહ્યું કે રમઝાન દરમિયાન કાળી પટ્ટી ધારણ કરજો… આ પોલિટિક્સ થઈ રહ્યું છે.
કપિલ સિબ્બલ :
રાજ્ય સભાના સાંસદ અને એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું, આમ તો દરેક ધર્મમાં સુધારાની જરૂર છે. સુધારો તો સારી વાત છે, પણ આપણે જોઈ રહ્યા છીએ કે 2014 પછી ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવે છે. છેલ્લાં અગિયાર વર્ષનો ઈતિહાસ જોઈ લો. એક ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવે છે. ક્યારેક ટ્રિપલ તલાક વિરુદ્ધ, ક્યારેક યુનિફોર્મ સિવિલ કોડ, ક્યારેક લવ-જેહાદ, ક્યારેક થૂંક-જેહાદ, બુલડોઝર જસ્ટિસ, ક્યારેક મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે એક પોલિટિકલ પાર્ટીનો એક એજન્ડા છે કે એક ધર્મને ટાર્ગેટ કરીને બીજા ધર્મને પોતાના પક્ષમાં કરી લો.
કિરણ રિજિજુ :
કેન્દ્રીય લઘુમતી મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, વક્ફ એમેન્ડમેન્ટ બિલ લાવવાની શરૂઆત ક્યાંથી થઈ? એની વાત કરું. 2014માં લોકસભાની ચૂંટણી આવી. એ પહેલાં 2013માં કેટલાંક પગલાં લેવામાં આવ્યાં, જેના કારણે કેટલાક સવાલો ઊભા થાય છે. 2013માં બદલાવ એ થયો કે કોઈપણ વ્યક્તિ, પછી એ કોઈપણ ધર્મની હોય તે વક્ફ બનાવી શકે છે. વક્ફ મુસ્લિમોની પ્રથા છે, પણ એમાં ફેરફાર કર્યો. વક્ફ એ છે જે અલ્લાહ પ્રત્યેના પ્રેમભાવથી દાન અપાય છે. પછી બધા વક્ફ બોર્ડને સ્પેસિફિક કરી નખાયાં. સિયા બોર્ડમાં સિયા જ રહેશે. સુન્ની બોર્ડમાં માત્ર સુન્ની જ રહેશે. બોર્ડ કોઈપણ હોય, એમાં તેના જ લોકો રહી શકે છે, બાકી કોઈ આવી શકે નહીં.
1970માં દિલ્હીમાં એક કેસ ચાલતો હતો. દિલ્હીમાં CJO કોમ્પ્લેક્સ છે. સંસદ ભવન છે. ઘણી પ્રોપર્ટી છે. દિલ્હી વક્ફ બોર્ડે ક્લેમ કર્યો કે આ વક્ફ પ્રોપર્ટી છે. આનો કેસ કોર્ટમાં ચાલ્યો. એ વખતની યુપીએ સરકારે બધી જમીન ડિનોટિફાઇ કરીને વક્ફ બોર્ડને આપી દીધી. આજે અમે આ બિલ લઈને ન આવ્યા હોત તો જે સદનમાં આપણે બેઠા છીએ એ પાર્લમેન્ટ બિલ્ડિંગ એને પણ ક્લેમ કરત. જો નરેન્દ્ર મોદીની સરકાર ન આવી હોત તો ન જાણે શું-શું ડિનોટિફાઇડ કરી નાખ્યું હોત.
અમિત શાહ :
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત સરકારની કેબિનેટે આ અંગે એક બિલ એપ્રૂવ કરીને સદનની સામે રાખ્યું. કમિટીએ સુવિચારિત રૂપે પોતાનો મત આપ્યો. જે મત આપ્યો એ કેબિનેટની સામે ગયો. કમિટીનાં સૂચનો કેબિનેટે સ્વીકાર કર્યાં, જેને રિજિજુ લઈને આવ્યા. લોકસભા સ્પીકરનો જ આગ્રહ હતો કે JPC બને. જો કમિટીને કોઈ બદલાવ જ નથી કરવા તો પછી આ કોંગ્રેસ જેવી કમિટી નથી. અમારી લોકતાંત્રિક કમિટી છે, જે મગજ દોડાવે છે. કોંગ્રેસના જમાનામાં કમિટીઓ હતી, જે થપ્પા લગાવતી હતી. અમારી કમિટી ચર્ચા કરે છે, ચર્ચાના આધારે વિચાર કરે છે અને પરિવર્તન કરે છે. પરિવર્તનને સ્વીકારવું જ નથી તો કમિટી શું કામ બનાવી?
એ. રાજા :
DMK સાંસદ એ. રાજાએ એવું કહ્યું કે જે બિલને તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે તમે કહ્યું હતું કે તામિલનાડુના એક ગામની સેંકડો એકર જમીન વક્ફની છે. આ વાત બોગસ છે, જો સાચી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. જે પાર્ટી પાસે એકપણ સંસદસભ્ય મુસ્લિમ નથી એ પાર્ટી લઘુમતીના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરે છે. મંત્રીએ થોડા સમય પહેલાં ખૂબ જ ગર્વ સાથે ભાષણ આપ્યું છે. હું હિંમતભેર કહું છું કે કાલે તમારે તમારા ભાષણના લખાણની JPC રિપોર્ટ સાથે સરખામણી કરી લો. જો એ મેળ ખાય છે તો હું આ ગૃહના સભ્યપદથી રાજીનામું આપી દઈશ. ભારત માટે આજનો દિવસ નિર્ણાયક દિવસ છે. આજનો દિવસ એ નક્કી કરશે કે ધર્મનિરપેક્ષ દેશ કઈ દિશામાં આગળ વધશે. આ વક્ફ બિલ ગેરબંધારણીય છે. આ પરાણે લાદવામાં આવી રહ્યું છે.
1949માં સરદાર વલ્લભભાઈ પટેલે લઘુમતીઓ માટે શું કહ્યું હતું?
DMK સાંસદ એ.રાજાએ સરદાર વલ્લભભાઈ પટેલનો કિસ્સો ટાંક્યો હતો. તેમણે કહ્યું હતું કે હું 1949ના ભૂતકાળમાં જવા માગું છું. સ્વતંત્રતા પછી તરત જ જ્યારે બંધારણ નિર્માણની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અત્યારની સરકારના પ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણ સભામાં લઘુમતી સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નહેરુ, ડૉ. આંબેડકર અને ડૉ. મુનશી. આ બધા સમિતિના સભ્યો હતા. સરદાર પટેલની અધ્યક્ષતાવાળી લઘુમતી સલાહકાર સમિતિએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે બંધારણ સભા સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ 25 મે 1949ના દિવસે રજૂ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લઘુમતી સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે, જેમાં પાંચ સભ્ય છે. પંડિત નહેરુ, હું, શ્રી મુનશી અને ડૉ. આંબેડકર. સમિતિ ફેબ્રુઆરી 1949માં મળી હતી અને એનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એ રિપોર્ટના મુદ્દા અહીં ટાંકું છું. આમ બોલીને સરદાર પટેલે લઘુમતીઓ માટે જે નિર્ણયો લીધા હતા એ ટાંક્યા હતા.
સરદાર પટેલે જણાવ્યું હતું કે ધર્મનિરપેક્ષ રાજ્યનો વાસ્તવિક પાયો નાખીને આ દેશની પરિસ્થિતિઓમાં ફેરફાર કરવો એ બધાના હિતમાં છે, તો લઘુમતીઓ માટે બહુમતીની સારી ભાવના અને ન્યાયીપણાની ભાવનામાં વિશ્વાસ રાખવા સિવાય બીજું કંઈ સારું નથી. બીજું, લઘુમતીઓ શું અનુભવે છે અને તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે એ વિશે પણ આપણે બહુમતી હોવાના કારણે વિચારવું જોઈએ, પરંતુ અંતે એ ભૂલી જવું બધાના હિતમાં રહેશે કે બહુમતી અને લઘુમતી જેવી વસ્તુ છે. આ દેશમાં ફક્ત એક જ સમુદાય છે અને એ છે ભારત. આને ધ્યાનમાં રાખીને હું વિનંતી કરું છું કે અમારા રિપોર્ટને ભેદભાવ વિના સ્વીકારવામાં આવે.
છૂટુંછવાયું ઈન્ડી ગઠબંધન બિલ માટે એક થઈ ગયું!
2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને માત આપવા ઈન્ડિયા ગઠબંધનની રચના થઈ હતી. રાહુલ ગાંધી, કેજરીવાલ, નીતિશકુમાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, ફારુખ અબ્દુલ્લા જેવા વિપક્ષોએ પોતાનું અલાયદું ગઠબંધન બનાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી નીતિશ કુમારે છેડો ફાડ્યો, મમતા નીકળી ગયાં. ઈન્ડી ગઠબંધન વેરવિખેર થઈ ગયું. હવે જ્યારે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ થયું એના વિરોધમાં ફરી આ ગઠબંધન એક્ટિવ થયું છે અને બિલનો વિરોધ કરવા સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે. આ માટે તાબડતોબ મિટિંગ પણ કરી હતી. આ બિલ પર રણનીતિની ચર્ચા કરવા માટે વિપક્ષી પક્ષોએ સંસદ ભવનમાં એક બેઠક યોજી હતી. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, એનસીપી નેતા સુપ્રિયા સુલે, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી અને AAPના સંજય સિંહ આ બેઠકમાં સામેલ થયા હતા.
‘વક્ફ’નો અર્થ શું છે?
‘વક્ફ’ એ અરબી શબ્દ વકુફા પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે રોકાવું અથવા થોભવું. ઇસ્લામમાં વક્ફ એ દાનનું એક સ્વરૂપ છે, જે સમાજને સમર્પિત મિલકત છે. જે વ્યક્તિ પોતાની મિલકત વક્ફને આપે છે તે વ્યક્તિ વકીફા કહેવાય છે. વકીફા દાન આપતી વખતે વ્યક્તિ એવી શરત મૂકી શકે છે કે તેના દાનની રકમ માત્ર શિક્ષણ અથવા હોસ્પિટલ પાછળ ખર્ચવામાં આવે. અલ્લાહના નામ પર પોતાની મિલકત દાન કરે છે, ત્યારે એને ઇસ્લામમાં વક્ફ કહેવામાં આવે છે. એમાં જંગમ અને સ્થાવર એમ બંને પ્રકારની મિલકતો હોઈ શકે છે. સામાન્ય રીતે વક્ફ મિલકત અથવા એની આવક શૈક્ષણિક સંસ્થાઓ, કબ્રસ્તાન, મસ્જિદો અને અનાથાશ્રમ જેવા સખાવતી હેતુઓ પર ખર્ચવામાં આવે છે.
વક્ફનો ઈતિહાસ
- 1206થી 1526 વચ્ચે વક્ફ બોર્ડ જેવી સંસ્થા શરૂ થઈ
- સુલતાન ગોરીએ જામા મસ્જિદને બે ગામ વક્ફ મારફત દાનમાં આપ્યાં
- બ્રિટિશરાજમાં આ કાયદાને રદ કરાયો
- 1913માં ફરી ધ મુસલમાન વક્ફ એક્ટ બનાવાયો
- 1954માં વક્ફ એક્ટ નામથી નવો કાયદો બન્યો
- 1964માં દેશમાં પહેલીવાર સેન્ટ્ર્લ વક્ફ કાઉન્સિલ બનાવાઈ
- ભાગલા વખતે ઘણા મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા ગયા
- તેની ભારતની મિલકતોનો હિસાબ વક્ફ બોર્ડ રાખે છે
વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?
દેશનાં તમામ 32 વક્ફ બોર્ડની મિલકતો અંગે અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં અલગ-અલગ દાવા કરવામાં આવે છે, પરંતુ 2022માં ભારત સરકારે અહેવાલ આપ્યો કે દેશમાં 7.8 લાખથી વધુ વક્ફ સ્થાવર મિલકતો છે. આ પૈકી ઉત્તરપ્રદેશ વક્ફ પાસે બે લાખથી વધુની મહત્તમ સ્થાવર મિલકતો છે. 2009 પછી વક્ફની મિલકતો બમણી થઈ ગઈ. લઘુમતી કલ્યાણ મંત્રાલયે ડિસેમ્બર 2022માં લોકસભામાં માહિતી આપી હતી કે વક્ફ બોર્ડ પાસે 8 લાખ 65 હજાર 644 સ્થાવર મિલકત છે. 9.4 લાખ એકર વક્ફ જમીનની અંદાજિત કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા છે.
વક્ફ પાસે જમીન દેશમાં ત્રીજા નંબરે
રેલવે 33 લાખ એકર
આર્મી 17 લાખ એકર
વક્ફ 9.4 લાખ એકર
વક્ફ પાસે સંપત્તિ
અચલ સંપત્તિની સંખ્યા 8.72 લાખ
ચલ સંપત્તિની સંખ્યા 16.71 લાખ
કુલ રેવન્યુ રૂ. 200 કરોડ
છેલ્લે,
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે “બેટ દ્વારકાના બે ટાપુ પર દાવો કર્યો છે. ભગવાન કૃષ્ણ પહેલાં શું ઇસ્લામ આવી ગયો હતો? સુરતના કોર્પોરેશન પર પણ વક્ફએ દાવો કર્યો છે. મોરેશિયસ જેવા 2 દેશ થાય અને 12 જેટલા માલદીવ્સ જેટલી જગ્યા ભારતમાં વક્ફ બોર્ડ પાસે છે.”
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(યશપાલ બક્ષી)